ઓષ્ટની સુંદરતા સમગ્ર ચહેરાના સૌંદર્યનું કેન્દ્રબિંદુ ગણાય છે. માનુનીના નાક-નેણ નમણાં હોય તો તે આકર્ષક દેખાય એ વાતમાં બે મત ન હોઈ શકે. પરંતુ નમણી નારીના હોઠ ખરબચડાં અને ફાટેલા હોય તો?
મોટાભાગે જોવામાં આવ્યું છે કે ચહેરાની ત્વચાની કાળજી પાછળ હજારો રૂપિયા ખર્ચ કરી નાખતી પામેલાઓ હોઠ તરફ ધ્યાન આપવાનું વિસરી જાય છે. પરંતુ હવે આબાબતે અગાઊઉની તુલનામાં ઘણી જાગૃતિ આવી છે. તેમાં સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદકોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. અલબત્ત, તેઓ પોતાના બિઝનેસનો વ્યાપ વધારવા આ કસરત કરતાં હોય તે સ્વાભાવિક છે. પરંતુ તેને પગલે અધરના રખોપાં પ્રત્યે મહિલાઓનું ધ્યાન ખેંચાયું છે. સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે જાણીતા ઉત્પાદકો સેલિબ્રિટીઓ તેમને જ સોશ્યલ મીડિયા ઈન્ફ્લુઅર્સના માધ્યમથી ક્લીન-ગર્લ ઈમેજ રજૂ કરે છે. કહેવાનો અર્થ એ છે કે તેઓ પોતાની મોડેલના હોઠ એટલા સુંદર દર્શાવે છે કે તે જોનાર મહિલાઓ તેના મોહમાં જકડાયા વિના ન રહે. પોતાના અધર પર જે તે મોડેલ જેવા જ દેખાય તેને માટે તેઓ સંબંધિત પ્રોડક્ટ ખરીદવા લલચાય છે. તેમને ેમ લાગે છે કે તેમના ઓષ્ટ પણ સંબંધિત સેલિબ્રિટી જેવા લિસ્સા, સુંવાળા અને ચળકતા દેખાશે.
તેઓ વધુમાં કહે છેકે હકીકતમાં આપણા હોઠને વધારાની કાળજીની જરૂર પણ હોય છે. આપણા અધરની ત્વચા અત્યંત પાતળી હોય છે અને તેમાં તૈલીય ગ્રંથિઓ નથી હોતી. આવી સ્થિતિમાં ઓષ્ટની ત્વચાને આકરા તડકા કે ટાઢની અસર બહુ ઝડપથી થાય છે. ચહેરાની ત્વચાની તુલનામાં તે તડકામાં વધુ ઝડપથી કાળી પડે છે અને ઠંડીમાં જલદી ફાટે છે. આ કારણે જ હોઠની ભીનાશ જાળવી રાખવી અત્યાવશ્યક બની રહે છે. તમે ચહેરાની ત્વચાને તડકાથી બચાવવા જે રીતે ચોક્કસ એસપીએફ ધરાવતું સનસ્ક્રીન લોશન ઉપયોગમાં લો છો તેવી જ રીતે ઓષ્ટની સુરક્ષા માટે ચોક્કસ ઉત્પાદનોનો ઉપયોગ આવશ્યક ગણાય. ઓષ્ટના રખોપાં કરવા બનાવવામાં આવેલા ખાસ ઉત્પાદનોમાં એવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે કે તે લગાવ્યા પછી હોઠ પર રહેલું પ્રાકૃતિક મોઈશ્ચર ઉડી જતું નથી. પરિણામે અધરની ભીનાશ જળવાઈ રહે છે અને તે ફાટતાં અટકે છે.
જો કે આવા ઉત્પાદનોના વપરાશનો અતિરેક જે તે માનુની માટે સમસ્યાને નોતરું આપવા સમાનબની રહે છે. આજે બજારમાં મળતા એલઈડી માસ્ક , ટોનર, વિવિધ પ્રકારના તેલ, પ્લમ્પર્સ ઈત્યાદિમાંથી શું ખરીદવું અને શું નહીં એ યક્ષપ્રશ્ન બની ગયો હોય એવો તાલ સર્જાય ો છે. આવી સ્થિતિમાં શિયા બટર, વિટામીન 'ઈ', પેટ્રોલિયમ જેલી, ઝિંક, ઓક્સાઈડ, ટાઈટેનિયમ ડાયોક્સાઈડ, સેરામાઈડસ, મધ જેવા પદાર્થોનો વપરાશ કરીને બનાવવામાં આવેલા ઉત્પાદનોનો ઉપયોગ સલાહભર્યો ગણાય.
જો કે સૌંદર્ય નિષ્ણાતો લાલ બત્તી ધરતાં એમ પણ કહે છે કે કોઈપણ ઉત્પાદનોનો વધારે પડતો ઉપયોગ તેમ જ અધરનું વધારે પડતું સ્ક્રબિંગ પણ નુકસાનકારક બની જાય. શક્યત: સુગંધરહિત ઉત્પાદનોનો ઉપયોગ કરવો સવારના બ્રશ કરતી વખતે હોઠ પર એક વખત સાવ હળવા હાથે બ્રશ ફેરવી દેવાથી પણ ઓષ્ટ સુંવાળા રહે છે. આ પ્રક્રિયા રાત્રે બ્રશ કરતી વખતે પણ કરી શકાય. રાતના સુતી વખતે અધર પર સહેજ દેશી ઘી લગાવી દેવાથી પણ તેના પર રચાયેલું ચીકણું આવરણ હોટને ફાટતાં અટકાવે છે. અધરની સારસંભાળમાં પણ અતિરેક હાનિકારક બની જશે એ યાત રાખવું.
- જયના


