ડાયાબિટિસના દર્દીઓ માટે ઉત્તમ બ્રેકફાસ્ટ
- સ્વાદિષ્ટ-પોષણક્ષમ ઈડલી
ડાયાબિટિસના દર્દીઓને હમેશાં શું ખાવું અને શું ન ખાવુંની ચિંતા સતાવતી રહે છે. તેમને એવા આહારની તલાશ રહે છે જે તેમના શરીરમાં બ્લડ ગ્લુકોઝને અંકુશમાં રાખવા સાથે તેમને પોષણ પણ પૂરું પાડે. અલબત્ત, તે સ્વાદિષ્ટ પણ હોવો જોઈએ. જોકે ભારતના રસોડાઓમાં એવી સંખ્યાબંધ વાનગીઓ બનતી રહે છે જે મધુપ્રમેહના મરીજોને નડયા વિના તેમની સ્વાદેન્દ્રિયને પોષે. આ વ્યંજનોમાંનું એક એટલે ઇડલી. સફેદ, પોચી, સ્વાદિષ્ટ અને બનાવવામાં પણ સહેલી ઈડલી ડાયાબિટિસના રૂગ્ણો માટે શ્રેષ્ઠ નાસ્તો બની શકે.
નિષ્ણાતો કહે છે કે ઇડલીને આથો આવે ત્યારે તેમાં પ્રોબાયોટિક્સનું પ્રમાણ વધે છે જે જેમાં રહેલા ફાયદાકારક બેક્ટેરિયા પેટ માટે ઉત્તમ લેખાય છે. અને જ્યારે કોઈપણ વ્યક્તિનું પેટ સ્વસ્થ હો ત્યારે તેની પાચનક્રિયા સુચારુ રીતે ચાલે છે. સમગ્ર શરીરના સ્વાસ્થ્ય માટે યોગ્ય પાચન પ્રથમ શરત ગણાય છે. ખાસ કરીને મધુપ્રમેહના મરીજોનું પેટ સ્વસ્થ હોય તે અત્યંત જરૂરી છે. ઈડલી ડાયાબિટિસના દર્દીઓ માટે શી રીતે લાભકારક બની રહે છે તેની સમજ આપતાં નિષ્ણાતો કહે છે..,
લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ: ઇડલીમાં ગ્લાયસેનિકનું પ્રમાણ તદ્દન ઓછું હોવાથી તે રક્તવાહિનીઓમાં ગ્લુકોઝ અત્યંત મંદ ગતિએ છોડે છે જેને પગલે ડાયાબિટિસના દર્દીના રક્તમાં ગ્લુકોઝનું પ્રમાણ અચાનક વધી નથી જતું.
ફાઇબરથી ભરપૂર: ઇડલીમાં રહેલા ચોખા અને અડદની દાળ તેને રેષાથી સમૃધ્ધ બનાવે છે. અને રેષાવાળો આહાર રક્તમાં રહેલી શર્કરાના સ્તરનું નિયમન કરે છે જેથી લોહીમાં શુગર શોષાવાની પ્રક્રિયા ધીમી પડે છે. આમ દર્દીના લોહીમાં શર્કરાનું પ્રમાણ અચાનક વધતું અટકાવવામાં મદદ મળે છે.
પોષણ સમૃધ્ધ: ઇડલીમાં કેલરીનું પ્રમાણ નજીવું હોવા છતાં તેમાં પ્રચૂર માત્રામાં પ્રોટીન, વિવિધ પ્રકારના વિટામીન અને ખનિજ તત્વો હોય છે. વળી તેમાં આથો આવતો હોવાથી તેનું પોષણ મૂલ્ય અનેકગણું વધી જાય છે.
વૈવિધ્યસભર અને સ્વાદિષ્ટ: ઇડલી તમે કોપરાની ચટણી, સાંભર, ટામેટાંની ચટણી ઇત્યાદિ સાથે ખાઈ શકાતી હોવાથી આ વ્યંજન ખાવાની લહેજતમાં ઉમેરો થાય છે. વળી ઈડલી સ્વયં એકદમ ફૂલેલી અને પોચી હોવાથી તે ખાવાની મોજ પડે છે. ખાસ કરીને સવારના નાસ્તામાં ગરમાગરમ ઈડલી, સાંભર, કોપરાની ચટણી ખાવાથી પેટ ભરાવા સાથે સ્વાદેન્દ્રિય પણ પોષાય છે.
હાનિકારક ચરબીથી મુક્ત: બ્રેકફાસ્ટ માટે બજારમાં મળતાં પેકેજ્ડ ફૂડ કે સીરિલ્સ કરતાં ઈડલીમાં હાનિકારક ચરબીનું પ્રમાણ મામૂલી હોય છે. પરિણામે ઈડલી હૃદય માટે પણ લાભકારક લેખાય છે. ઈડલી શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર વધવા નથી દેતી જેને પગલે મધુપ્રમેહના જે મરીજોને હૃદયને લગતી વ્યાધિઓ લાગૂ પડવાનું જોખમ હોય તેમને માટે ઈડલી ઉત્તમ બ્રેકફાસ્ટ બની રહે છે.