શિયાળો એટલે પાર્ટીની મોસમ. આ સમય દરમિયાન પાર્ટી પ્રેમીઓ ઉજવણી કરવાના બહાના શોધતા હોય. પોતે કોઈને કોઈ બહાને પાર્ટી આપે અને અન્યો તરફથી ઉજવણીનું નિમંત્રણ આવે છે કે કેમ તેની કાગડોળે રાહ જૂએ. તેમાંય ખુલ્લા વિસ્તારોમાં વાતો ધીમો-ટાઢો પવન કેટલો રોમાંટિક લાગે. આ કારણે જ શિયાળા દરમિયાન વીક-એન્ડમાં મોટાભાગની હોટલોના રૂફટોપમાં કોઈને કોઈ ઉજવણી ચાલતી જ હોય. પાર્ટીમાં પગ મૂકતાં જ તેમાં ઉપસ્થિત મહેમાનોના સ્ટાઈલિશ વસ્ત્રો અને એક્સેસરીઝ સૌથી પહેલા ધ્યાન ખેંચે. દર વર્ષે વિન્ટર સીઝનમાં નવી ફેશનનું આગમન થાય અને તે લગભગ વર્ષભર ચાલે. આ વર્ષ તેમાંથી બાકાત શી રીતે રહી શકે? આ વર્ષે પણ વસ્ત્રાભૂષણો અને સાજ-શણગારમાં નવી ફેશને દસ્તક દીધી છે. ખાસ કરીને પરિધાનમાં. ફેશન ડિઝાઈનરો તેના વિશે જાણકારી આપતાં કહે છે કે આ વર્ષે શાટિનના વસ્ત્રોએ પાર્ટીપ્રેમીઓને ઘેલાં કર્યાં છે. તેઓ વધુમાં કહે છે કે સામાન્ય રીતે પાર્ટીઓમાં ઝાકઝમાળવાળા અથવા બ્લેક ડ્રેસ પહેરવાનો ટ્રેન્ડ ચાલ્યો આવે છે. જેમને અતિશય ચળકતાં પોશાક ન ગમે તેઓ ઝાઝો વિચાર કર્યા વિના બ્લેક પર પસંદગી ઉતારે. પરંતુ શાટીન આ બંને વચ્ચે સરસ સંતુલન સાધે છે. સૌથી પહેલા તો શાટિન મૂળભૂત રીતે જ આગવો ચળકાટ ધરાવે છે. તે એકદમ હળવું અને સુંવાળું પણ હોવાથી લાંબા કલાકો સુધી પહેરી રાખો તોય કંટાળો નથી આવતો. આ ફેબ્રિકના પોશાક સાથે તમે એક્સેસરીઝ ધારણ કરો તોય ઠીક અને ન કરો તોય ચાલે. બોલીવૂડ સેલિબ્રિટીઓએ શાટિનના વિવિધ ડિઝાઈનના પોશાક સાથે કેવી એક્સેસરીઝ ધારણ કરી હતી તે જાણવું રસપ્રદ થઈ પડશે.
તાજેતરમાં અભિનેત્રી-નૃત્યાંગના મલાઈકા અરોરાએ એક પાર્ટીમાં આઈવરી પોત પર બ્લેક પોલકા ડોટ ધરાવતા શાટિન ફેબ્રિકમાંથી બનાવેલું ગાઉન પહેરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. કોર્સેટ બોડિસ અને સ્ટ્રેપલેસ નેકલાઈનના આ ગાઉન સાથે મલાઈકાએ સફેદ મોતીની સેર સાથેનું અનોખી પેટર્નવાળું બ્લેક કલચ લીધું હતું. તેના ગળામાં ચાર સેરની મરૂન મોતીની માળા શોભી રહી હતી અને ટચલી આંગળીમાં નીલમ જડિત હીરાની વાંટી. આટલું ઓછું હોય તેમ તેણે બ્લેક ગોગલ્સ પહેરીને વધારાનું આકર્ષણ ઊભું કર્યું હતું.
જ્યારે નોરા ફતેહીએ રાતા રંગનું માત્ર કટિ પર સફેદ બો ધરાવતું ઓફ શોલ્ડર શાટિન ગાઉન પહેરીને સાદગીનું સૌંદર્ય દર્શાવ્યું હતું. વાસ્તવમાં રાતો રંગ સ્વયં અનોખું આકર્ષણ જમાવતું હોવાથી તેમાં થોડી સાદી પેટર્ન અને નહીંવત એકેસેસરી પણ પૂરતી થઈ રહે. આ વાત ધ્યાનમાં લઈને જ નોરાએ એક્સેસરીમાં માત્ર બ્લેક પમ્પ્સ અને વિન્ટેજ ઈયરરિંગ્સ પહેર્યાં હતાં.
પોતાના નોખાં તરી આવતાં ડિઝાઈનર ડ્રેસીસ માટે જાણીતી અનન્યા પાંડેએ એકદમ હળવા ગુલાબી રંગના મીની ડ્રેસમાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. બો-ટાઈ-કટ-આઉટ્સ અને સ્લીવલેસ પેટર્નનું આ મીની ડ્રેસ અનન્યાને બાળકી જેવું લુક આપતું હતું. ખાસ કરીને તેણે માથા પર પહેરેલી ચેનલ પર્લ હેડબેન્ડને કારણે.
ઝાંખા ગુલાબી અને બો ડિઝાઈન કરેલા પોશાકની વાત ચાલી રહી છે ત્યારે અભિનેત્રી સબા આઝાદને પણ સંભારવી રહી. તાજેતરની એક પાર્ટીમાં સબાએ પણ ઝાંખા ગુલાબી રંગનું બુટ્ટી પ્રિન્ટ ધરાવતું શાટિનનું મીની પહેર્યું હતું. તેના હોલ્ટર મીની ડ્રેસની વાઈટ નેકલાઈનમાં બ્લેક બો સજાવેલી હતી. હોલ્ટર કટને કારણે તેના ખભા અને હાથનું સૌંદર્ય છત્તું થઈ રહ્યું હતું. મહત્વની વાત એ છે કે પોતાના પરિધાનને હાઈલાઈટ કરવા સબાએ કાનમાં નાની નાની બુટ્ટી અને બ્લેક શૂઝ સિવાય કોઈ એક્સેસરીનો ઉપયોગ નહોતો કર્યો. તેની સાધના કટ હેરસ્ટાઈલને કારણે સબા સ્કૂલ ગર્લ જેવી લાગતી હતી.
વાસ્તવમાં શાટિન મટિરિયલની પોતિકી શાઈનિંગ હોવાથી તેને વધારાના કોઈ ચળકાટની જરૂર નથી હોતી. આ ફેબ્રિક તમને વધારાની એક્સેસરીઝ કે મેકઅપ-હેરસ્ટાઈલ વિના પણ આકર્ષક લુક આપે છે.
- વૈશાલી ઠક્કર


