જૂનો સ્માર્ટ ફોન પણ સ્માર્ટ તકેદારીથી ઉપયોગી નિવડે
- જૂનુ એટલે ખરાબ નહિ
આજના યુગમાં જ્યારે સામાજિક સંપર્ક અને ઉત્પાદકતાથી લઈને મનોરંજન અને શિક્ષણ સુધી સ્માર્ટ ફોને આપણા જીવનના તમામ તબક્કા પર વર્ચસ્વ જમાવ્યું છે ત્યારે મોબાઈલ ફોનની માલિકી વ્યવહારુ રીતે એક જરૂરીયાત બની ગઈ છે. જો કે નવા સ્માર્ટફોનની સતત વધતી કિંમતને કારણે અત્યાધુનિક મોેડેલોની ખરીદી પડકારજનક બની ગઈ છે. આથી જ જૂના અને નવીનીકરણ કરેલા ઓછી કિંમતના ફોનની ખરીદી મહત્વનો વિકલ્પ બની જાય છે.
રિફર્બિશ્ડ ફોન પૂર્વમાલિકીનું ઉપકરણ છે જેને વ્યાવસાયિક રીતે તેની મૂળ સ્થિતિમાં પુન:સ્થાપિત કરવામાં આવ્યો હોય છે. આવા ફોન ઘણીવાર નજીવી ક્ષતિને કારણે અથવા અપગ્રેડ માટે ગ્રાહકોએ પરત કર્યા હોય છે. આવા ફોનની ચકાસણી કરવામાં આવે છે, જરૂર પડે તો સમારકામ કરવામાં આવે છે અને વેચાણ માટે ફરી પેકિંગ કરવામાં આવે છે. આવા ફોનની કિંમત નવા ફોન કરતા ઘણી ઓછી રાખવામાં આવે છે. તેનાથી વિપરીત જૂનો ફોન વપરાઈ ચૂકેલું ઉપકરણ છે જેમાં કોઈ વ્યાવસાયિક રિફર્બિશમેન્ટ નથી કરવામાં આવ્યું અને તેમાં લાંબા વપરાશને કારણે ઘસારાની નિશાની દેખાય છે.
રિફ્રર્બિશ કરેલા અથવા જૂના સ્માર્ટફોનની ખરીદીથી સારી એવી રકમ બચાવી શકાય છે. જો કે તેની ખરીદીમાં તકેદારી રાખવી પણ મહત્વની છે. આવા ફોન ખરીદવા માટે સ્માર્ટ અને વિશ્વસનીય પસંદગી કરવા કેટલીક માર્ગદર્શિકાઓ પાળવી જરૂરી છે.
૧. વિક્રેતાની વિશ્વસનીયતા
જૂનો અથવા રિફર્બિશ્ડ ફોન ખરીદવા માટે વિક્રેતાની વિશ્વસનીયતા સૌ પ્રથમ ચેકપોઈન્ટ છે. અજાણ્યા સ્રોત અથવા અવિશ્વસનીય ઓનલાઈન ખરીદી ખરાબ ગુણવત્તા, પરત ન લેવાનો વિકલ્પ અને સંભવિત ચોરાયેલા ફોન જેવા કારણોસર પરેશાની લાવી શકે છે. આથી હંમેશા વિશ્વસનીય વિક્રેતા પસંદ કરવા, પછી તે પ્રમાણિત રિફર્બિશ કરનારા હોઈ શકે, ભરોસાપાત્ર રિટેલર હોઈ શકે અથવા સારી પ્રસિદ્ધિ ધરાવતા લોકપ્રિય ઓનલાઈન મંચ હોઈ શકે.
આવા ઓનલાઈન મંચ પરથી ગ્રાહકોના મંતવ્યો, વિક્રેતાના રેટિંગ અને ઓનલાઈન ફોરમથી વિક્રેતાની વિશ્વસનીયતા આંકી શકાય. રિફર્બિશ્ડ ફોન મારકેટમાં લાંબો ઈતિહાસ ધરાવતો વિક્રેતા બહેતર સેવા અને ખરા ઉપકરણો આપે તેવી શક્યતા વધુ છે.
૨. વોરન્ટીની ચકાસણી
એક નક્કર વોરન્ટી વિશ્વાસ અને જવાબદારીની નિશાની છે. તેનાથી ખાતરી થાય છે કે રિફર્બિશ કરનારને ફોનની ગુણવત્તાની બાબતમાં પૂરો વિશ્વાસ છે. મોટાભાગના વિશ્વસનીય વિક્રેતાઓ ત્રણ મહિનાથી લઈને એક વર્ષ સુધીની વોરન્ટી આપે છે. હંમેશા વોરન્ટીનો સમય અને તેની શરતો ચકાસી લેવી જેવી કે કઈ બાબતો આવરી લેવાઈ છે, કઈ નથી આવરી લેવાઈ અને તેમાં ફોન પાછો લેવાની અથવા બદલી કરવાની જોગવાઈ છે કે કેમ. વોરન્ટી વિનાનો ફોન સસ્તો મળી શકે, પણ તે જોખમી જૂગટુ છે, ખાસ કરીને જ્યારે તમે નોંધપાત્ર રકમ તેમાં રોકી રહ્યા હો ત્યારે વોરન્ટીની ખાતરી કરી લેવી જોઈએ.
૩. ફોનની સ્થિતિની ચકાસણી
રૂબરૂમાં ફોન ખરીદી રહ્યા હો ત્યારે તેનું ચિવટથી નિરીક્ષણ કરી લેવું. ઓનલાઈન ખરીદી વખતે તેના વિવરણમાં તમામ એન્ગલથી સ્પષ્ટ હાઈ રેઝોલ્યુશન ફોટા હોય તેની ખાતરી કરવી. સ્ક્રીન પર તડ, ઊંડા ઘસરકા, ગોબા અથવા ઘસાઈ ગયેલા પોર્ટ જેવી જોઈ શકાય તેવી ક્ષતિની ચકાસણી કરવી.
* ફોનના બટનો ચેક કરવા. તે યોગ્ય રીતે પ્રતિસાદ તો આપે છે ને?
* ચાર્જિંગ કરીને પોર્ટની ચકાસણી કરવી તેમજ હેડફોનના પોર્ટ બરોબર કામ કરે છે કે તેમની ચકાસણી કરવી.
* કેમેરાના લેન્સ પર ઘસરકા નથી તેની ચકાસણી કરવી. તેના ફોકસને ચેક કરવું.
* સ્પીકરો અને માઈક્રોફોનની ઓડિયો ક્લેરિટી ચેક કરી લેવી. જૂના ફોન પર નજીવા ઘસારા અપેક્ષિત છે પણ ઉપકરણો પૂર્ણ રીતે કાર્યરત હોય તેની ખાતરી કરી લેવી.
૪. બેટરીની સ્થિતિ અને સોફ્ટવેર સુસંગતતાનું આંકલન
બેટરી લાઈફ મહત્વની છે. સમય સાથે, બેટરીઓ બગડે છે, ખાસ કરીને સ્માર્ટ ફોનમાં ઉપયોગમાં લેવાતી લિથિયમ આયન બેટરી ખરાબ થઈ શકે છે. રિફર્બિશ્ડ ફોનમાં બેટરી બદલવામાં આવી હોઈ શકે, પણ બેટરીની સ્થિતિ વિશે ચકાસણી કરી લેવી જરૂરી છે. બેટરીમાં તેની મૂળ સ્થિતિની ૮૦ ટકા ક્ષમતા હોવી જ જોઈએ. આઈફોન માટે આ બાબતની ચકાસણી બેટરી સેટિંગમાં કરી શકાય છે. બેટરી ઓરિજિનલ હોય અને છતાં બગડેલી હોય, તો આવો ફોન ન ખરીદવો.
ઉપરાંત ફોનમાં નવીનતમ ઓપરેટીંગ સીસ્ટમ અપડેટ કાર્યરત થઈ શકે છે કે કેમ તેની પણ ચકાસણી કરી લેવી. કેટલાક જૂના ફોનમાં અપગ્રેડ શક્ય નથી હોતા તેમજ તેમાં સુરક્ષા યંત્રણા ચાલી ન શકતી હોવાથી આધુનિક એપ સાથે તે સુસંગત નથી હોતો તેમજ તેમાં વાયરસનું જોખમ પણ રહે છે.
૫. એસેસરીઝ
એસેસરીઝનું એટલું મહત્વ નથી હોતું, પણ ફોન સાથે ઓરિજિનલ એસેસરીઝ હોવાથી સગવડદાયક રહે છે. તેમાં ચાર્જર, યુએસબી કેબલ, ઈયરફોન અને યુઝર મેન્યુઅલ સામેલ હોય છે. કેટલાક રિફર્બિશરો આવી એસેસરીઝ થર્ડ પાર્ટી એસેસરીઝ સાથે બદલી નાખે છે જેની ગુણવત્તા કાયમ સારી નથી હોતી. આથી વિક્રેતાએ માત્ર ફોનની સ્પષ્ટતા કરી હોય, ખરીદી કરવા અગાઉ એસેસરીઝની કિંમતની પણ ગણતરી કરી લેવી.
૬. કિંમતની તુલના સમજદારીથી કરવી
રિફર્બિશ્ડ અને જૂના ફોન નવા ફોનની સરખામણીએ નોંધપાત્ર પ્રમાણમાં સસ્તા હોવા જોઈએ. કિંમતમાં તફાવત મામૂલી હોય તો પૂરી વોરન્ટી અને સપોર્ટ સીસ્ટમ સાથે નવો ફોન લેવો બહેતર છે. કિંમતની ગણતરી કરતી વખતે ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફરો અને વિશ્વસનીય મંચ તરફથી પ્રમોશનલ ઓફરોની ચકાસણી કરવી. બહુ સસ્તી લાગતી ઓફરોથી ચેતી જવું, મોટાભાગે આવી ઓફરો ઠગારી સાબિત થતી હોય છે.
૭. પાણીથી થયેલા નુકસાન
પાણીથી થયેલું નુકસાન ફોનના આંતરિક ભાગોને બગાડી શકે છે. આઈફોનમાં લિક્વિડ કોન્ટેક્ટ ઈન્ડિકેટર(એલસીઆઈ)થી પાણીની ચકાસણી થઈ શકે છે. ભેજ હોય ત્યારે એલસીઆઈ લાલ સંકેત દેખાડે છે અને ઉપકરણ સુરક્ષિત હોય ત્યારે સફેદ અથવા સિલ્વર સંકેત દેખાડે છે. રૂબરૂમાં ફોન ખરીદતી વખતે ફ્લેશલાઈટથી ચકાસણી કરી લેવી. એન્ડ્રોઈડ ફોન માટે કોઈ સાર્વત્રિક એલસીઆઈ નથી હોતું પણ વિક્રેતાને અગાઉ પાણીથી થયેલા નુકસાન અથવા તેના માટે થયેલા સમારકામ વિશે પૂછી શકાય છે.
૮. ફોન વિશે પૂરી જાણકારી રાખવી
છેલ્લે રિફબ્રિશ્ડ અને જૂના ફોન વચ્ચેના તફાવતને સમજી લેવો. વ્યાવસાયિક રીતે રિફર્બિશ કરેલો ફોન ચકાસાયેલો, સ્વચ્છ કરેલો અને નિષ્ણાંતોએ પુનર્સ્થાપિત કરેલો હોય છે. તેના સાથે નવા ઘટકો અને વોરન્ટી પણ સામેલ હોઈ શકે. બીજી તરફ જૂના ફોનની ચકાસણી અથવા સમારકામ નથી થયા હોતા અને સામાન્યપણે તે જેવો છે જેમ છે ધોરણે વેંચાતો હોય છે. તેની કિંમત ભલે ઓછી હોય, પણ તેમાં જોખમ વધુ હોય છે.
છેલ્લે કહી શકાય કે રિફર્બિશ્ડ અથવા જૂનો સ્માર્ટફોન ખરીદીને તમારા વોલેટ પર વધુ બોજ નાખ્યા વિના ઊંચી ગુણવત્તાનું ઉપકરણ મેળવી શકાય છે. જો કે ઉપકરણને સ્માર્ટ અને સુરક્ષિત રાખવા તમારે થોડુ હોમવર્ક કરવાની જરૂર છે. વિક્રેતાની ચકાસણી, વોરન્ટી, ફોનની સ્થિતિ, બેટરી જેવી બાબતો વિશે તકેદારી રાખવી.
પૂરતી તકેદારી રાખીને ખરીદેલો રિફર્બિશ્ડ ્થવા જૂનો ફોન પણ નવા ફોન જેવી જ સગવડ અને સંતોષ આપી શકે, અને તે પણ ઓછી કિંમતે.
- ઉમેશ ઠક્કર