Get The App

હોળી-ધૂળેટીનો આનંદ-ઉલ્લાસ માણો .

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
હોળી-ધૂળેટીનો આનંદ-ઉલ્લાસ માણો                             . 1 - image

'રંગ બરસે ભીગે ચુનરીવાલી રંગ બરસે... હોલી હૈ...' ઉમંગ, ઉલ્લાસથી ભરેલી હોળી રંગોનો ખૂબસૂરત તહેવાર છે. આ તહેવાર એવા સમયે આવે છે, જ્યારે કુદરત ખુદ નવાં રંગીન વસ્ત્રો ધારણ કરી, સજીધજીને આવે છે. હોળીમાં રંગોથી રમવા માટે સૌનું  હૈયુ નાચે છે. ચોતરફ રંગોથી રંગાયેલા ચહેરા અને વસંતનો માદક રંગ સજી ધરતીની છટા, બંને મળી મનને ચંચળ બનાવે છે.

રંગ એ હોળીની મોજમસ્તીને ઉત્તેજક બનાવવાનું કામ કરે છે, પરંતુ ક્યારેક ક્યારેક મોજમસ્તીનાં આ તહેવાર પર એ સમયે ગ્રહણ લાગી જાય છે જ્યારે જાણેઅજાણે તમારું કોઈ પ્રિયજન આ નુકસાનકારક રંગોની અસરનો ભોગ બને છે. આ સ્થિતિમાં થોડી એવી સાવચેતી રાખવાથી આપણે આપણી સુંદરતાને સાચવી રાખી શકીએ છીએ.

નુકસાનકારક રંગ

રંગના સંબંધમાં ખાસ વાત તો એ છે કે સૂકાં ગુલાલ અને આજકાલના ભીના રંગને કુદરતી સ્ત્રોતો દ્વારા મેળવી શકાતા નથી. તેમાં જાતજાતના રાસાયણિક રંગોની મિલાવટ કરાય છે, જેનો ઉપયોગ કરવાથી ચામડીના રોગ થવાની શક્યતા રહેલી છે. રંગ અને ગુલાલમાં કરાતી મિલાવટમાં કાળા રંગમાં રેડ ઓક્સાઈડ મેળવવામાં આવે છે, જેનાથી ફેફસાં, હાર્ટ અને લિવર સંબંધી બીમારી થઈ શકે છે.

સિલ્વર રંગમાં એલ્યુમિનિયમ બ્રોમાઈડની મિલાવટ કરાય છે, જે કેન્સર સુધીનું કારણ બની શકે છે. લીલા રંગમાં કોપર સલ્ફેટની મિલાવટથી આંખોમાં એલર્જી અને રતાંધળાપણાનો શિકાર થવાય છે. લાલ રંગમાં મર્ક્યુરિ સલ્ફાઈડ મેળવાય છે, જે ઝેરી હોય છે. તે ચામડી અને પેટની બીમારીઓ પેદા કરે છે. ભૂરા રંગમાં પ્રસયૂન રસાયણની મિલાવટ કરાય છે, જેનાથી શરીરમાં ખંજવાળ પેદા થાય છે.

સૂકા રંગોમાં ઝિંક, કોપર, ક્રોમિયમ, લીડ વગેરે રસાયણની મિલાવટ કરાય છે, જે ગળામાં ખંજવાળ, શરીરમાં સૂકું ખરબચડાપણું, તાવ આવવો, શ્વાસની તકલીફ પેદા કરે છે. લીડ  તો મેમરી પર સીધી અસર કરે છે. ક્રોમિયમ અસ્થમા જેવી બીમારીને આમંત્રણ આપે છે. આવા રંગોનો પ્રયોગ તમે પોતે તો ન જ કરો, પરંતુ અન્યને પણ તે માટે પ્રોત્સાહિત ન કરો.

હોળી રમે તે પહેલાં

હોળી રમવા માટે બહાર જાઓ તે પહેલાં આશરે ૧૫ મિનિટ પહેલાં આખા શરીર પર સનક્રીમ અને મોઈશ્ચરાઈઝર લગાવો. જો ે ન હોય તો સરસવનું તેલ, વેસેલિન અથવા પેરાફિનના દ્રાવણનો પ્રયોગ કરો. માથાના વાળમાં સરસવનું તેલ જરૂર લગાવો. તેનાથી ત્વચા અને વાળને રંગોની ખરાબ અસરથી બચાવી શકશો. તેલ અથવા વેસેલિનનો ચામડી પર પ્રયોગ કરવાથી ત્વચા પર લાલ ચકામાં નહીં પડે તથા ત્વચા શુષ્ક થવાથી બચી જાય છે.

હોળી રમ્યા પછી

મૂંઝવણ હોય છે કે હોળી રમ્યા પછી મૂળ રંગોને ત્વચા પરથી કઈ રીતે દૂર કરવા. આ મૂંઝવણમાંથી છૂટવા તમારે બાથરૂમમાં વધુ સમય બરબાદ ન કરવો પડે તે માટે તમે સ્નાન કરવા જાઓ તે પહેલાં ક્લીઝિંગ જેલ અથવા ક્રીમનો, જ્યાં જ્યાં ઘેરો રંગ છે, તેના પર લગાવી ત્વચા પર હલકા હાથથી મસાજ કરો. પછી તેને રુવાંટીવાળા ભીના કપડાથી લૂછો. તલનું તેલ રુવાંટીવાળા કપડામાં લઈ ક્લીઝિંગ જેલ સાથે ઉપયોગ કરો તો પણ રંગ દૂર થઈ શકશે.

વાળમાંથી રંગને કાઢો તે પહેલાં વાળને સૂકા ટુવાલથી એક-બેવાર ઝાટકીને લૂછી લો. સાદા પાણીથી સાફ કરો, જેથી સૂકા રંગ અને તેના કણ પાણી સાથે વહી જાય. વાળ ધોવા માટે હર્બલ શેમ્પૂનો જ ઉપયોગ કરવો. ઓછામાં ઓછા બેવાર વાળને પાણીથી સાફ કરો.

રંગને શરીર પરથી દૂર કરવા માટે ત્વચાને કોઈ પણ પ્રકારના ઉચ્ચ ક્ષારવાળા સાબુ, કપડાં ધોવાનો સાબુ, કેરોસીન અને પથ્થર વગેરેથી ઘસીને દૂર કરવાનો પ્રયાસ ન કરતા. તમે દૂધમાં ચણાનો લોટ મેળવી ખીરા જેવું બનાવી લો. તે પણ ફાયદાકારક બની રહેશે. સ્નાન માટે નવશેકા પાણીનો ઉપયોગ કરો. રંગ દૂર કર્યા પછી ત્વચા પર બેબી ઓઈલ અથવા કોલ્ડ ક્રીમ જરૂર લગાવો.

ધ્યાનમાં રહે

હોળી રમતી વખતે જો કોઈ વ્યક્તિની આંખમાં રંગ પડી જાય તો તરત જ તેને મદદ કરો. આંખને સાફ કરવા માટે સ્વચ્છ પાણીનો વારંવાર ઉપયોગ કરવો જોઈએ, પણ એ ધ્યાનમાં રાખો કે આંખને જરા પણ ચોળતા નહીં. જો બળતરા થાય કે ખૂંચે ત્યારે અથવા પ્રકાશમાં જોવામાં તકલીફ પડે તો તરત આંખના ડૉક્ટરની પાસે જશો.રંગોના તહેવાર હોળી પર આ વખતે તમે ઘરમાં જ કુદરતી રંગો બનાવો અને તેનો ઉપયોગ કરો. ઘરમાં કુદરતી રંગ બનાવવામાં મુશ્કેલી પણ નથી. બસ, જરૂર છે તમારા પોતાના ઉત્સાહ અને પહેલ કરવાની ઈચ્છાની. કેસૂડાનાં ફૂલોને પાણીમાં ઉકાળી કેસરિયો રંગ બનાવો. ચા અને કોફીને હૂંફાળા પાણીમાં મેળવી રંગ તૈયાર કરી શકાય છે. તેને ઠંડા કરીને પ્રયોગ કરો. હળદર અને લીંબુના રસને મેળવી ઘેરો લાલ રંગ બનાવો. હળદર અને ટેલ્કમ પાઉડરને મેળવીને પીળો રંગ બનાવો.