Get The App

કોઇ પ્રસંગે મોજડીની મોજ માણો

Updated: Feb 13th, 2023

GS TEAM

Google News
Google News
કોઇ પ્રસંગે મોજડીની મોજ માણો 1 - image

- શૂઝ-ચંપલ તો બારે મહિના છે.....

તમે, તમારી પસંદગીના શરીરના રંગ સાથે મેળ ખાતા સલવાર-કમીઝ, ચૂડીદાર કે પછી શેરવાની સૂટ પહેરી લીધા છે. વાળ પણ ઓળી લીધા છે અને બહાર જવા માટે તમે પગ ઉપાડો છો ત્યાં તમને એમ થાય છે કે હવે પગમાં બૂટ પહેરું કે ચપ્પલ પહેરું! જો કે, આ બન્ને પહેરવાથી તમારા દેખાવને એવો ઉઠાવ નહિ મળે જેટલો તમને મોજડી પહેરવાથી મળશે. આધુનિક ફેશન ડિઝાઇનરો એવી સલાહ આપે છે કે જો તમે નવી ડિઝાનવાળા આધુનિક રંગના સલવાર-કમીઝ પહેર્યા છે તો પછી પગમાં બીજી કોઇ વસ્તુ પહેરવાને બદલે એવા જ રંગનીશાહી મોજડી પહેરો. પછી જુઓ તમારો ઠાઠમાઠ! પહેલાં મોજડી ફક્ત લગ્ન કે એવા ખાસ પ્રસંગોએ જ પહેરવામાં આવતી હતી. પણ હવે તો સમાન્ય દિવસોમાં સલવાર-કમીઝની સાથે પણ મોજડી પહેરવામાં આવે છે. જો કે, ખાસ પ્રસંગો માટેની મોજડી ખાસ હોય છે અને સામાન્ય પ્રસંગો માટેની મોજડી અલગ હોય છે. એ વાત પાછી અલગ છે!

એક જમાનો એવો હતો જ્યારે મોજડીઓ ફક્ત રાજમહેલના અને ગામના જમીનદારોના પગમાં જ જોવા મળતી હતી. એટલા માટે એમને 'રાઠોડી મોજડી' તરીકે પણ ઓળખવામાં આવતી હતી. પણ હવે જમાનો બદલાયો છે. લગ્નપ્રસંગોએ લોકો ખાસ મોજડી પહેરવાનો આગ્રહ રાખે છે. અચકન કે પછી શેરવાની પર ખાસ મોજડી પહેરાય છે. આજકાલ લોકો મોજડીને લગ્ન સિવાય દરેક મોસમમાં પહેરવા લાગ્યા છે. મોજડીનું મૂળ નામ છે. 'પગરખી' જેનો મતલબ થાય છે 'પગ રાખવાની વસ્તુ' મોજડીને શરૂઆતમાં મોટા લોકો પહેરતા હોવાથી એ વખતની મોજડીઓ પર સોના-ચાંદીનું ભરતકામ અને બીજી કળા કારીગરીનું કામ કરવામાં આવતું હતું.  રાજા-મહારાજાઓની મોજડી-ઓમાં તો હીરા જડેલા રહેતા હતા. એવી કિંમતી મોજડી સામાન્ય માણસની પહોંચથી બહાર હતી. પણ મોજડીને સામાન્ય કરવાનું માન જયપુર શહેરને વસાવવાવાળા ૧૭મી સદીના મહારાજ સવાઇ જયસિંહ બીજાને જાય છે. જેમણે દેશના ખૂણેખૂણે રહેલા મોજડીના કારીગરોને જયપુરમાં વસાવ્યા અને એમની કળાને પ્રોત્સાહન આપ્યું. આ કારીગરોએ જ કીમતી મોજડીઓ સાથે એવી મોજડીઓ બનાવવાની શરૂ કરી જેને સામાન્ય માણસ પણ ખરીદી શકે.

જયપુર સિવાય પણ રાજસ્થાનનાં ઘણા શહેરો મોજડી બનાવે છે. પણ જયપુર મોજડીનું મુખ્ય મથક છે. એવું કહેવાય છે કે મોજડી તો જયપુરની જ! મોજડીને પહેલા પુરુષ પહેરતો હતો. હમણા હમણા જ એને સ્ત્રીઓ પહેરતી થઇ છે. પણ મોજડીના અંદરની સુવાળપ અને મુલાયમતા જોઇએ તો એવું લાગે છે કે જાણે મોજડી સ્ત્રીઓ માટે જ બનાવવામાં આવી છે.  એની ઉપરની કોતરણી અને એનો શણગાર જોતા મોજડીઓ સ્ત્રીઓને વધુ શોભશે એવું લાગે છે. હવેની નવી  મોજડીમાં તો પગને હવા મળે એવી રીતે એની કોતરણી કરવામાં આવી હોય છે. મોજડી બનાવવાનું કામ સ્ત્રી અને પુરુષ બન્નેનું સહિયારું છે. મોજડીની કાપણી પુરુષો કરે છે. જ્યારે એની ઉપરનું સોનેરી અને રૂપેરી ગૂંથણકામ સ્ત્રીઓ કરે છે. આ સ્ત્રીઓ ભરતગૂંથણ, આભલાની કળા અને બીજી કળામાં નિષ્ણાત હોય છે.

મોજડી દેખાવે એક જેવી હોય છતાંય એના ઘાટ અને આકાર પ્રમાણે અલગ પડતી હોય છે. અમુક મોજડીઓ અણીદાર હોય છે, અમુક મોજડીઓ લંબગોળાકાર હોય છે તો અમુક મોજડીઓ અર્ધગોળાકાર હોય છે કેટલીક મોજડીઓ ચાંચ ધરાવે છે તો કેટલીક મોજડીઓ થોડીક હીલવાળી હોય છે. જ્યારે કેટલીક મોજડી સાવ સપાટ એટલે કે હીલ વગરની હોય છે. બહારથી એક સરખો ઘાટ ધરાવતી મોજડીઓ એમના અંદરના વળાંક દ્વારા એકબીજાથી અલગ પડે છે. અત્યારની મોજડીઓમાં એક નવી મોજડીની ફેશન ખૂબ ચાલી છે. એ છે પાછળથી ખુલ્લી ચપ્પલ જેવી મોજડી. આવી મોજડી હવે તો ચામડાની પણ બને છે. એને કાઢવામાં અને પહેવામાં ખૂબ જ સગવડતા રહે છે.આવી મોજડી  આગળથી બૂટ જેવી લાગતી હોવાથી તમારા દેખાવને પણ શોભાવે છે.

મોજડી બનાવવાની ખાસિયત એ છે કે એની બનાવટમાં ખીલીઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. ચામડાને સહુથી  પેલા રંગવામાં આવે છે અને પછી એને મોજડીના આકારમાં કાપવામાં આવે છે આ પછી ચામડા ઉપર વેલવેટ કે બીજું કપડું  લહીથી ચોંટાડીને ચામડા સાથે એ કપડું સીવી લેવામાં આવે છે. આ સિલાઇ એવી અલગ-અલગ રીતે કરવામાં આવે છે કે આપણને  એમ લાગે કે જાણે સુંદર જરી ભરતકામ કરવામાં આવ્યું છે. કેટલીકવાર મોજડી બનાવનારાઓ ભરતકામમાં જ મોજડીની સિલાઇ કરી લે છે. આ સિલાઇને લીધે મોજડીની મજબૂતાઇ જોવા જેવી હોય છે.

મોજડી પરનું ભરકામ અને બીજું કામ ખૂબ જ આકર્ષક હોય છે. મોજડી પર ચોંટાડવામાં આવેલા કપડા પર આ ભરતકામ કરવામાં આવે છે. ઘણી મોજડીઓમાં નાના-નાના  આભલા લગાડીને  આભલાભરતનું કામ પણ કરાય છે. ઘણી  મોજડીઓમાં સોનેરી કે રૂપેરી રંગની તૂઇ લગાડવામાં આવે છે. તો ઘણી મોજડીઓમાં લાલ, બ્લ્યુ, ગુલાબી રંગના સાટીનના દોરાનું કે પછી સોનેરી કે રૂપેરી રંગના દોરાનું ભરતકામ કરીને આકર્ષક બનાવવામાં આવે છે. ઘણી મોજડીઓમાં કપડાની જગ્યાએ મખમલ અને વેલવેટનો ઉપયોગ કરવામાં આવે છે. આજકાલ લગ્નમાં એવી ફેશન ચાલી છે કે વરરાજા લગ્નના શેરવાની કે અચકનનું કાપડ ખરીદે ત્યારે પા કે અડધે મીટર કાપડ વધારે લઇ લે છે.  આ કાપડને મોજડી પર ચોટાડીને લગ્નના પહેરવેશને મેચ થતી  મોજડી તૈયાર કરાવાય છે. મોજડી પરનું બધું  ભરત-ગૂંથણકામ હાથ વડે જ થાય છે.  એમાં ક્યાંય  મશીનનો ઉપયોગ કરવામાં આવતો નથી.'  મોજડીના બજારમાં મોજડીને અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. જેમ કે ફૂંટદાર મોજડી,  ગલીદાર મોજડી વગેરે.

મોજડીઓ તો ઘણી બધી મશહૂર છે, પણ એ બધામાં જયપુરની મોજડી અલગ ભાત પાડે છે. જયપુરની મોજડીમાં ઢગલાબંધ જાતની મોજડીઓ તૈયાર કરવામાં આવે  છે. મોજડી પર વેલવેટ, મખમલ કે પછી બીજી કોઇ જાતનું જાતજાતનું જરી ભરતકામ કરવામાં આવે છે. જરીભરતમાં ખૂબ બારીક ભરતકામથી માંડીને મોટી સાઇઝનું ભરતકામ પણ કરવામાં આવે છે. બધી  મોજડીઓમાં રાજસ્થાની મોજડીઓ એમની પેટર્નને કારણે અલગ તરી આવે છે. જો કે, જયપુરની મોજડીઓમાં ચામડા પર વેલવેટ ચોંટાડી એના પર ભરતકામ કરવામાં આવે છે. જ્યારે જોધપુરમાં સીધું, ચામડા ઉપર જ ભરતકામ કરવામાં આવે છે. 

બીકાનેરી મોજડીઓ એના બારીક  કોતરણીકામ માટે મશહૂર છે. રાજસ્થાની મોજડીઓમાં ભિતમાલની મોજડીઓ સહુથી સુંદર અને મજબૂત માનવામાં આવે છે. એના પછી બાડમેર, જેસલમેર અને ફ્લોદીનો નંબર આવે છે. રાજસ્થાની કારીગરો 'પેચૂ' નામની મોજડી બનાવે છે. આ મોજડી પરનું ભરતકામ ઉન અને જરી વડે જ કરાવવામાં આવે છે.એમાં ભરતકામ માટે ભડકીલા રંગોનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ મોજડી લગ્નમાં ખાસ દુલ્હા માટે તૈયાર કરવામાં આવે છે. રાજસ્થાનના નાગોરમાં અને મારવાડમાં  આજે પણ  મોજડી પર લાલ અને લીલા રંગના ફૂલ ગૂંથવામાં આવે છે.

રાજસ્થાનની બહાર બનતી મોજડીઓમાં પંજાબી મોજડીઓ સદાબહાર ગણાય છે. આ  મોજડીઓ આખાય ભારતમાં દરેક વિસ્તારમાં પહેરાય છે. ખાસ કરીને સિંધી લોકો પંજાબી મોજડીઓને ખૂબ પસંદ કરે છે. આ મોજડીઓ પર લાલ, પીળા  અને લીલા રંગનું ભરતકામ કરેલું હોય છે. પંજાબી મોજડી નરમ અને પહેરવામાં આરામદાયક હોય છે. ઉત્તરપ્રદેશ અને પંજાબમાં 'પઠાણી' સ્ટાઇલની મોજડી ખૂબ જ મશહૂર છે. આ મોજડીની ચાંચ  આગળથી ગોળાકાર વળેલી હોય છે. પઠાણી મોજડીઓ પર સોનેરી રંગના તારથી  ગૂથણકામ કરવામાં આવે છે. મોજડીઓમાં લખનઉની મોજડીઓ પણ ખૂબ મશહૂર છે. પણ હવે લખનઉના મોટાભાગના મોજડી બનાવનારા કારીગરો રાજસ્થાનમાં આવીને વસી ગયા છે. બધી જ મોજડીઓ સારી ક્વૉલિટીની હોય છે એવું માનવું ખોટું છે. કેટલીક મોજડીઓ કિંમત ઓછી રાખવા માટે હલકા ચામડામાંથી બનાવવામાં આવે છે. આવી મોજડી તમે મોંજા વગર પહેરો તો પગમાં આંટણ પડી જાય છે.

સામાન્ય મોજડીની કિંમત ૧૫૦ થી  ૭૫૦ સુધીની હોય છે. જ્યારે આવી મોજડીની કિંમત હજારોમાં  થાય છે.  'ગોળ નાખો એટલું ગળ્યું થાય' એ ગુજરાતી કહેવત મુજબ જેટલું મોઘું  ભરતકામ કરાવો અને જેટલું મોંઘું કાપડ વાપરો અને જેટલી  મોંઘી વસ્તુઓ લગાડો એટલી મોંઘી તમારી મોજડી બનશે.

આધુનિક પેઢીને મોજડી એટલા માટે ગમે છે કે એ કુર્તા-પાયજામા જેવા પહેરવેશ ઉપરાંત જિન્સ, સલવાર કુર્તા, મિડી અને સ્કર્ટ જેવા આધુનિક પહેરવેશ સાથે પણ સારી લાગે છે. આ કારણસર સ્ત્રીઓ રાત્રે પાર્ટીમાં જાય કે પછી દિવસે નોકરી પર કે  ઑફિસે જાય એમના પગમાં  મોજડી જ  જોવા મળે છે. જો કે, મોજડીનો ગેરફાયદો  એ છે કે એની હીલ ન હોવાને કારણે ઠીંગણી વ્યક્તિઓને મોજડી માફક આવતી નથી, કારણ કે હીલ  વગરની મોજડી પહેરીને એ ઊંચી દેખાઇ શકતી નથી. આપણે ત્યાં દરેક ફેશન પહેલાં શહેરમાં આવે છે. અને પછી ગામડામાં જાય છે. પણ મોજડીની બાબતમાં ઊલટી ગંગા જેવો ઘાટ થયો છે. અહીંયાં ગામડાઓમાં મોજડી પહેરવાની શરૂઆત થઇ છે. પછી એ શહેરોમાં આવી છે.

ફિલ્મોમાં પણ મોજડી પહેરવાનું વરસોથી રહ્યું છે. પંજાબી ગીતો પર ડાન્સ કરતી વખતે મોજડી પહેરવું ખૂબ જ વધારે અનુકૂળ ગણાય છે.   ખાલિદ મોહમ્મદની ફિલ્મ 'ફિઝા' માં કરિશ્માકપૂર આખીય ફિલ્મમાં મોજડી પહેરીને જ ફરતી બતાવવામાં  આવી હતી.

મોજડી બનાવનારા કારીગરોની ફરિયાદ એ છે કે એમને મોજડી બનાવવાના કામમાં ખૂબ જ ઓછું વળતર  મળે છે.  મોજડી બનાવવાના કામમાં એમનું આખું ઘર રોકાયેલું રહે છે. છતાંય એમને વેપારીઓ એટલા પૈસા નથી આપતા, જેનાથી એમનું ગુજરાન ચાલી શકે. એક પતિ-પત્ની બે જણા ભેગા મળીને એક દિવસમાં મોજડીની એક જોડી બનાવી લે છે. પણ જ્યારે એ વેપારીને વેચવા જાય છે તો નક્કી કરેલા ભાવ કરતા કોઇ એક રૂપિયો વધારે આપતું નથી. મોજડી બનાવનારા કારીગરો કહે છે કે, 'એક સમય એવો હતો જ્યારે અમારા પૂર્વજોને મોજડી બનાવવાની કળા બદલ સન્માનાવામાં આવતા હતા. અને ઇનામ આપવામાં આવતું હતું.એ વખતે અમારી કળાની કદર હતી. હવે અમારો કોઇ ભાવ પણ નથી પૂછતું. તેમ છતાંય અમને એક વાતનો સંતોષ છે કે અવનવી ફેશનના જમાનામાં  અમે અમારી કળા વડે  મોજડીઓને ચલણમાં ટકાવી રાખી છે. બીજી આધુનિક વસ્તુઓ સાથે લોકો પરંપરાગત મોજડીઓ હોંશે હોંશે પહેરી રહ્યા છે!

- નમિતા