Get The App

શિયાળામાં મનભરીને માણો ફેશનેબલ પરિધાનની મોજ

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
શિયાળામાં મનભરીને માણો ફેશનેબલ પરિધાનની મોજ 1 - image

શિયાળાએ દરવાજે દસ્તક દઈ દીધી છે. એટલે હવે તમારા ઉનાળુ વસ્ત્રો કબાટના અલગ ખાનામાં મૂકી દઈને ઠંડીમાં પહેરી શકાય એવા ફેશનેબલ પરિધાન ધારણ કરવાનું શરૂ કરી દો. વાસ્તવમાં આ એક એવી મોસમ છે જેમાં સ્ટાઈલિશ પોશાક પહેરવાની સૌથી વધુ મઝા આવે છે. ન તો પરસેવે રેબઝેબ થવાની ચિંતા કે ન તડકામાં ત્વચા કાળી પડી જવાનો ડર. તેથી જ ઠંડીની ઋતુમાં ફેશન ડિઝાઈનરોપણ અનોખા પ્રકારના વસ્ત્રો બજારમાં મૂકે છે. શિયાળામાં કેવાં કપડાં આપણા શરીરને હૂંફ આપવા સાથે ફેશનેબલ પણ લાગે તેની માહિતી આપતાં ફેશન ડિઝાઈનરો કહે છે કે...

આ મોસમમાં લેયરિંગવાળા વસ્ત્રો શરીરને સૌથી વધુ હૂંફ આપે છે. વળી તે અત્યંત આકર્ષક પણ લાગે છે. આ સિવાય રાઉન્ડ નેક ટી-શર્ટ અને શર્ટની જોડી બનાવી શકાય. શર્ટ પર સરસ મઝાની કોટી પહેરી શકાય અથવા સ્કાર્ફ બાંધી શકાય. તેવી જ રીતે જમ્પસૂટ સાથે પણ જેકેટ ધારણ કરી શકાય.

ફેશન ડિઝાઈનરો વધુમાં કહે છે કે આ સીઝનમાં કોટ પહેરવાની તક ઝડપી લેવી જોઈએ. કોટની અંદર તમે શર્ટ-ટી શર્ટ, કાંઈપણ પહેરી શકો. વળી કોટ મીની સ્કર્ટ કે ડેનિમ ઉપર પણ ખૂબ જચે છે. આ ઉપરાંત પ્લેડ કોટની ફેશન પણ આ વર્ષે ચલણમાં રહેશે. આ કોટ કાળા રંગના લેગિંગ કે ટાઈટ ફીટ ડેનિમ સાથે ખૂબ સુંદર લાગે છે. તેમાં રેડ, બ્લુ, બ્લેક જેવા વાઈબ્રન્ટ રંગો અત્યંત આકર્ષક દેખાય છે. જોકે શિયાળામાં પહેરાતી જેકેટમાં પણ જાંબુડી, કાળો, ક્રીમ અને બેજ કલર મસ્ત લાગે છે. જો તમને ફ્લેરવાળી પેન્ટ પહેરવાની ઈચ્છા હોય તો તેની ઉપર ફિટેડ ક્રોપ્ડ જેકેટ પહેરો. પરંતુ સ્કીન ફીટ ડેનિમ પર બેગી જેકેટ આકર્ષક દેખાશે. વળી ક્રોપ્ડ જેકેટમાં લેધર, કોટન, ડેનિમ જેવી વિવિધતા પણ મળી રહે છે.

આ તો થઈ જેકેટ તેમ જ કોટની વાત. પરંતુ ઠંડીની ઋતુમાં સ્કર્ટ પહેરવાની મઝા જ કાંઈક ઓર હોય. જેમ કે ઘૂંટણ સુધીની લંબાઈ ધરાવતું સ્કર્ટ એકદમ મસ્ત લુક આપે છે. ૫૦ ના દશકમાં તેની ફેશન પૂરબહારમાં ખીલી હતી. અને આ વર્ષે પણ ની લેન્ગ્થ સ્કર્ટે ફેશન વિશ્વમાં ફરીથી પગપેસારો કર્યો છે. જ્યારે ઘૂંટી સુધીની લંબાઈ ધરાવતાં સ્કર્ટ ફેમિનાઈન લુક આપે છે. ફેશન ડિઝાઈનરો સ્કર્ટ વિશે વધુમાં કહે છે કે ઘેરવાળા સ્કર્ટ પર શોર્ટ ટોપ અથવા ટેંક ટોપ ખૂબ જચે છે. અલબત્ત, સ્કર્ટ સાથે ઊંચી એડીના પગરખાં, સરસ મઝાનું નેકપીસ અને પેટ બેગ તમારા લુકને વધુ નિખારે છે.

ફેશન ડિઝાઈનરો ઉમેરે છે કે પલાઝો પેન્ટનો ટ્રેન્ડ પણ શિયાળામાં જારી રહેશે. આવી પેન્ટ લોંગ કુરતા, ક્રોપ્ડ ટોપ, જુદી જુદી લંબાઈના બોલરો ટોપ તેમ જ એસીમેટ્રિકલ હેમલાઈન્સ સાથે સરસ દેખાય છે. વળી હવે પલાઝો તેમ જ પેન્સિલ પેન્ટ બ્રોકેડ ફેબ્રિકમાં પણ બનાવવામાં આવે છે. તેની સાથે જરદોશી, ડોરી તેમ જ સ્ટોન વર્કવાળા હાઈનેક કુરતા સારા લાગે છે.

છેલ્લા ઘણાં સમયથી ચુડીદાર અણને લેગિંગ્સ યુવતીઓની ફેશનમાં અગ્રસ્થાને રહ્યાં છે. પણ આ શિયાળામાં એમ્બ્રોઈડરીવાળી તેમજ પ્રિન્ટેડ શિયર પેન્ટ્સ ટ્રેન્ડમાં રહેશે. જ્યારે ટોપ માટે પોલી નાયલોન, ચંદેરી, ખાદી, શિફોન, જ્યોર્જટ ડિમાન્ડમાં રહેશે. તેનું ખાસ કારણ એ છે કે આ બધા ફેબ્રિક ગ્રીષ્મ ઋતુ કે ચોમાસામાં પહેરવાનું મુશ્કેલ હોય છે.

નારીને સૌથી સુંદર રીતે રજૂ કરતી સાડીની ફેશન શિયાળામાં વધુ ખીલે છે. ચોમાસામાં મોટાભાગની મહિમલાઓ સાડી પહેરવાનું ટાળે છે. પરંતુ શિયાળામાં સાડી પહેરવાની મઝા અનોખી હોય છે. આ વર્ષે પાલવ પર વર્ક કરેલી, ટેક્સચર્ડ ફેબ્રિકની પ્રિ-સ્ટિચ્ડસાડી, મટકા સિલ્ક અને શાટિન જેવી ચમક ધરાવતી સાડી, રેશમની હાથવણાટની સાડી ખૂબ પહેરાશે. વળી સાડી સાથે હળવું ભરતકામ કરેલી શાલ, સ્લિવલેસ જેકેટ, સ્ટોલ પણ ઉપયોગમાં લઈ શકાય.

આજની તારીખમાં પુરુષો પણ ફેશનમાં પાછળ રહેવા નથી માગતા. ભલે તેમની ફેશનમાં માનુનીઓ જેટલી વિવિધતા ન હોય. તોય ફેશન ડિઝાઈનરોએ પુરુષો માટે પણ શિયાળા માટે કંઈક કરવાનો પ્રયાસ કર્યો છે. તેઓ કહે છે કે ઠંડીમાં રાહત મેળવવા બંધ ગળાથી ઉત્તમ શું? પ્રસંગોપાત પહેરવા માટે સિલ્કની ધોતી સાથે બંધ ગળાનો કોટ અને નહેરુ જેકેટ સરસ લાગે છે. તમે ચાહો તો તેને ટાઈટ પેન્ટ સાથે પણ પહેરી શકો. આ સિવાય શર્ટ અને કુરતા સાથે હાઈનેક જેકેટ, બ્રાઈટ કલરના કુરતા સાથે જેકેટ તેમ જ ખાદીના શર્ટ સાથે કોટી પણ ધારણ કરી શકો.