વાસંતી વેળા વીત્યા પહેલાં જિંદગીની મોજ માણી લો
એક સમય એવો હતો જ્યારે લોકો ઘરના વડિલો કે પછી સમાજના ડર-સંકોચને કારણે પોતાની લાગણીઓ-ઈચ્છાઓ વ્યક્ત નહોતા કરી શકતા. દરેક નાની નાની વાતમાં પણ તેઓ મન મારીને બેસી જતાં. આજની તારીખમાં તેઓ લગભગ ૫૦,૫૫ કે ૬૦ વર્ષના આરે પહોંચી ગયા હશે. અને હવે તેમને એમ થતું હશે કે જેટલું જીવ્યા એટલું હવે ક્યાં જીવવાના છીએ. આટલાં વર્ષ કાંઈ ન બોલી શક્યા તો હવે કાંઈ કહીશું તોય લોકો હસશે કે વન પ્રવેશ કર્યા પછી નવેસરથી જુવાની ફૂટી છે કે શું? ઘણીવાર તેમને એ વાતનો અફસોસ થતો હશે કે થોડી હિમ્મત કરીને થોડીઘણી ઈચ્છાઓ પણ પૂરી કરી લીધી હોત તો.
ખેર..., વિતેલો સમય હવે પાછો નથી આવવાનો. પરંતુ આજે જે લોકો, ખાસ કરીને મહિલાઓ ચાળીસીમાં છે તેઓ સમાજ કે કોઈ કુટુંબીજનો શું વિચારશે એવો વિચાર કરવાને બદલે પોતાની આકાંક્ષાઓ પૂરી કરી લે. બલ્કે તેમના વડિલોએ તેમને આને માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. જેમ કે ૬૦ વર્ષની સાસુ તેની ૩૮-૪૦ વર્ષની વહુને કહી શકે કે યુવાન વયમાં બાળકોને સંભાળવા પાછળ તેં જે ઈચ્છાઓને મનના ખૂણે ધરબી દીધી હતી તે હવે પૂરી કરી લે. નહીં તો તને પણ પાછલી ઉંમરે મારી જેમ વસવસો થશે. અથવા તારા મનમાં જે વાત છે એને કોઈના ડરથી વ્યક્ત કરવાનું ન ટાળ. સમાજશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકો પણ આ વાત સાથે સહમત થતાં કહે છે કે ઘણી વખત અમારી પાસે એવા લોકો આવે છે જેમણે તેમના જીવનમાં સાવ સહેલાઈથી મળી શકે એવા નાના નાના સુખ પણ જતા કર્યાં હતા. આજે તેમને એમ લાગે છે કે તેમણે આવું કરીને અત્યાર સુધીનું સઘળું આયખું ભારેખમ બનીને વેંઢાર્યું. વાસ્તવમાં તેઓ જીવ્યા નહીં, બલ્કે જિંદગીના કિંમતી વર્ષો કાઢી નાખ્યા. બાકી એવી ઘણી બાબતો છે જે આયુષ્યની અડધી સદી વટાવવાથી પહેલા કરી લેવી જોઈએ. જેમ કે...,
* મોઢા પર તમાચો મારીને ગાલ લાલ રાખવાની 'કળા' ત્યજી દેવા જેવી છે. તમને કાંઈ ન ગમતું હોય તો તમારો અણગમો એમ વિચારીને ન છુપાવો કે સામી વ્યક્તિને તે નહીં ગમે. અથવા તમે બળવાખોરમાં ખપી જશો. તમને કાંઈ ન ગમે તો તે વાત શાંતિપૂર્વક પણ કહી શકાય. મનમાં બળી બળીને હોઠ પર સ્મિત ફરકાવતા રહેવાની કાંઈ જરૂર નથી.
* તમને ખેલકૂદનો શોખ હોય તો એમ ન વિચારો કે હવે લગ્ન થઈ ગયા પછી તેમાં ભાગ શી રીતે લેવાય. પરીણિત મહિલા ખેલકૂદમાં શા માટે ભાગ ન લઈ શકે? જો તમને જાહેરમાં (જાહેર મેદાનોમાં) તમારી ગમતી રમત રમવામાં સંકોચ થતો હોય તો કોઈ ક્લબમાં જોડાઈ જાઓ અને ત્યાં તમારો શોખ પૂરો કરો. સ્વીમિંગ કરવા જાઓ. મોટાભાગના તરણહોજોમાં મહિલાઓ માટે ખાસ સમય અલગ ફાળવવામાં આવે છે. આ સમય દરમિયાન તમે સ્વીમિંગ કરો. હિલ સ્ટેશન પર ફરવા ગયા હો અને ત્યાં પેરાગ્લાઈડિંગ કે બંજી જમ્પની સુવિધા હોય તો તમારી સાહસિક રમત રમવાની તમન્ના પૂરી કરી લો.
* યુવાન વયથી તમને નાઈટ ક્લબમાં કે ડિસ્કોમાં જવાનો શોખ હોય, પણ તક ન મળી હોય તો આ ઈચ્છા ૫૦ વર્ષે પહોંચવાથી પહેલા પૂરી કરી લો. જો તમારી કાયા સ્થૂળ થઈ ગઈ હોય તો વજન ઉતારીને પણ ડિસ્કોમાં જાઓ. આ બહાને તમે પાતળા બનીને સુંદર પણ દેખાશો અને પશ્ચિમી પોશાક પહેરવાની તક પણ ઝડપી શકશો. તેવી જ રીતે તમે તમારા કોઈ માનીતા રોક સ્ટારના કોન્સર્ટમાં ન જઈ શક્યા હો તો એકાદ વખત અચૂક જઈ આવો.
* ઘર-પરિવાર, પતિ-બાળકોની જંજાળ આજીવન રહેવાની છે. આનો અર્થ એવો નથી થતો કે તમે તમારા સ્વાસ્થ્ય કે કાયા પ્રત્યે બિલકુલ ધ્યાન જ ન આપો. તમારા શરીરને 'ફિટ એન્ડ ફાઈન' રાખવા યોગ કરો, ધ્યાન ધરો, ડાન્સ ક્લાસમાં જાઓ. આમ કરવાથી તમારું તન સ્વસ્થ રહેશે અને મન પ્રફુલ્લિત અને તમે ખુશ હશો તો તમારા પતિ-સંતાનોને વધુ સારી રીતે સંભાળી શકશો. અલબત્ત, આ વાત પુરુષોને પણ એટલી જ લાગુ પડે છે.
* ચાળીસી વટાવી ગયા પછી પણ સુંદર દેખાવા તમારા આહારમાં ફેરફાર કરો. ફળો અને સુકો મેવો વધુ ખાઓ. મોર્નિંગ વોક કરવા જાઓ. રાત્રે જમીને થોડું ચાલી આવો. દૂધ અચૂક પીઓ. તળેલો આહાર ઓછો લો. નિયમિત કસરત કરો. અને હા, બ્યુટી ક્લિનિકમાં પણ જાઓ. લાંબા વર્ષો સુધી યુવાન-ખૂબસુરત દેખાવું કાંઈ ગુનો નથી.
* તમારા હાથ-પગ સારી રીતે ચાલતા હોય ત્યાં સુધી મુશ્કેલ સ્થળોઅ ે ફરી આવો. ક્યાંક એવું ન બને કે તમારા પગ તમને સાથ ન આપે અને ચોક્કસ યાત્રા સ્થળો કે પર્યટન સ્થળો જોવાની ઈચ્છા મનમાં જ રહી જાય.
* આજે સોશ્યલ મિડિયાએ વર્ષો પહેલાં છૂટી ગયેલા મિત્રોને ફરીથી મળવાનું ઘણું સરળ બનાવી દીધું છે. તમારા પુરાણા મિત્રોને ફરીથી મળો. યુવાનીની વાતો વાગોળો. તમે ચાહો તો શાળા કે કોલેજ સમયના મિત્રોનું રીયુનિયન ગોઠવો. યુવાન વયની તરોતાજા થયેલી સ્મૃતિઓ તમને તાજગીથી ભરી દેશે.
* જો તમારા સંતાનો તમને પોતાની સાથે ફરવા આવવાનું, સિનેમા જોવા આવવાનું કે પર્યટને જવાનું કહે તો ના ન પાડો. તમે પણ તેમના જેવા સ્ફૂર્તિલા બનીને તેમની સાથે ઉપડી જાઓ. શક્ય છે કે તેઓ નોકરી-ધંધામાં વ્યસ્ત થઈ જાય અને પોતાનો સંસાર માંડી લીધા પછી તમને ઈચ્છિત સમય ન ફાળવી શકે. બહેતર છે કે તમારા સંતાનો સાથે હમણાં સમય વિતાવી લો. પાછલી ઉંમરમાં આ સ્મૃતિઓ જ તમારા ચહેરા પર સ્મિત રેલાવશે.
* તમે ચાળીસીમાં પ્રવેશશો ત્યાં સુધી તમારા સંતાનો મોટા થઈ ગયા હશે. તેઓ પોતાના અભ્યાસ, નોકરીમાં વ્યસ્ત હશે. હવે તમને એમ લાગશે જાણે તમે ખાલી થઈ ગયા છો. તમારા માટે સમય પસાર કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. પણ હવે કરવું શું? પરંતુ તમારે આ રીતે વિચારવાની બિલકુલ જરૂર નથી. તમે ૩૫-૪૦ વર્ષે પણ તમારો ગમતો વ્યવસાય શરૂ કરી શકો છો. યુવાન વયમાં કારકિર્દી અધવચ્ચે છોડી હોય તો તે ફરીથી શરૂ કરો. તમે ચાહો તો ઘરે બેસીને પણ મનગમતું કામ કરી શકો. આમ કરવાથી તમે પગભર પણ બનશો અને ઈચ્છિત કામ કરવાનો સંતોષ પણ મળશે. કોઈપણ નવું કામ શરૂ કરવા માટે કોઈ ઉંમર મોટી નથી હોતી. આમ છતાં તમે આવું કાંઈ કરવા ન માગતા હો તો પુસ્તકો વાંચો, સત્સંગમાં જાઓ, સમવયસ્કોનું ગુ્રપ બનાવીને અઠવાડિયામાં બે-ચાર વખત મળીને તરોતાજા થાઓ, કિટી પાર્ટીમાં જોડાઓ. પણ ખાલીપો તમને હતાશામાં ન ધકેલી દે તેની તકેદારી રાખો.
* જો બીજું કાંઈ કરવાનું ન સૂઝે તો કોઈ સ્વયંસેવી સંસ્થામાં જોડાઈને સમાજસેવા કરો. તમારી આસપાસની ઝૂંપડપટ્ટીમાં જઈને ત્યાંની સ્ત્રીઓને એવું હુન્નર શીખવો કે તેઓ પગભર બની શકે. (આ રીતે તમારામાં રહેલી આવડતનો ઉપયોગ કરો.) તેમના સંતાનોને અભ્યાસમાં મદદ કરો. તેમના ઘરના પુરુષોમાં ઘર કરી ગયેલી દારૂ પીવાની કે જુગાર રમવાની ટેવ છોડાવો.
આયખાની અડધી સદી વટાવવાથી પહેલાં જ તમે આવી કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાઈ જશો તો ષષ્ટિપૂર્તિને પણ સરસ રીતે ઊજવી શકશો અને ૬૦ વર્ષ પછીની ઉંમર પણ આ પ્રવૃત્તિઓ સાથે હસતા-રમતા પસાર થઈ જશે. અને તમને જીવનની ઢળતી સંધ્યાએ એવો અહસાસ નહીં થાય કે તમારું આયુષ્ય પૂરું થવા આવ્યું તોય તમે મનની ઈચ્છાઓ પૂરી ન કરી શક્યા.