Get The App

દિવાળીનો આનંદ માણો પરિવાર સાથે

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
દિવાળીનો આનંદ માણો પરિવાર સાથે 1 - image

માણસને દુ:ખમાં જ નહીં, સુખમાં પણ કોઈનો સાથ જોઈતો હોય છે. કોઈપણ તહેવાર કે ઉત્સવ, એકલા એકલા ઉજવવા કરતાં સૌ સાથે મળીને  ઊજવે તો વધુ મજા આવે છે. જેમ દુ:ખ વહેંચવાથી ઘટે છે  તેમ સુખ વહેંચવાથી વધે છે.

રોશનીથી  ઝળહળતો અને ફટાકડાના ધડાકાથી ગૂંજતો તહેવાર આપણો સૌથી  મોટો તહેવાર છે. આમ આપણે ત્યાં સૌ ભેગાં થાય ત્યારે દિવાળી જેવું વાતાવરણ સર્જાય છે, તહેવાર જેવી ખુશી અનુભવાય છે, ત્યારે દિવાળી જેવા ભવ્ય તહેવારના દિવસે તો સૌ કુટુંબીજનો, મિત્રો કે સગા-સંબંધીઓ ભેગાં થાય તો જ દિવાળીનો ખરો આનંદ મળે છે.

બની શકે તો દિવાળી  મિત્રો સાથે કે એકલા ઊજવવાના બદલે કુટુંબીજનો સાથે ઊજવાય એવો આગ્રહ રાખવો. જો બાળકો  બહારગામ  ૅભણતા  હો કે નોકરી કરતાં હો તો કમ સે કમ આટલા મોટા તહેવાર પર એ દિવસે ઘેર જરૂર આવી જાવ. જો કુટુંબની એકાદ વ્યક્તિ પણ ઘરથી દૂર હોવાને લીધે  ઉત્સવની ખુશીમાં સામેલ નહીં હોય તો અન્ય સભ્યોને પણ એના વગર મજા અધૂરી લાગશે. આનંદના આ અવસરે દરેક વાતમાં એની ગેરહાજરી સાલશે, એમાં શંકા નથી.

પતિ બહારગામ નોકરી કરતો હોય અને એ દિવાળી પર ઘેર ના આવે તો પત્નીને દિવાળીનો કોઈ હરખ રહેતો નથી. એટલા માટે જ એ જરૂરી છે કે સૌ હળીમળીને ફટાકડા ફોડે, ઘરને દીવડાઓથી સજાવે, મીઠાઈઓ ખાય અને મોજમસ્તીથી દિવાળી ઊજવે.

સામૂહિક રજા

એ સિવાય પતિના મિત્રો અથવા પોતાની બહેનપણીઓ સાથે મિજબાની ગોઠવી સમૂહમાં  દિવાળીની મજા લૂંટી શકાય છે. મિજબાનીમાં ખાણીપીણીની સાથે મનોરંજક કાર્યક્રમો કે રમતોનું આયોજન પણ થઈ શકે છે.

મિજબાનીનો કાર્યક્રમ તમે તમારી અનુકૂળતા  મુજબ ગોઠવી શકો છો. તેમાં તમે પતિના મિત્રના કુટુંબ અથવા તમારી બહેનપણીના કુટુંબને નિમંત્રણ આપી સૌ સમૂહમાં મજા માણી શકો છો.

એક કરતાં  વધારે મિત્રો કે બહેનપણીઓનાં કુટુંબીજનો સાથે મળીને સામૂહિક રીતે પણ તહેવારની ઉજવણી કરી શકાય છે.   જો કે એના માટે વ્યવસ્થિત આયોજન કરવું પડે  છે. મોટી વિશાળ જગ્યાનો પ્રબંધ કરીને ત્યાં બાળકોના મનોરંજન માટેની અલગ વ્યવસ્થા કરી શકાય છે.

આખા દિવસ માટે પણ આવો કાર્યક્રમ યોજી શકાય છે. સાંજે કોઈ ગીતસંગીતની  પાર્ટીને બોલાવી એનો કાર્યક્રમ ગોઠવી શકાય છે.

ગયા વર્ષે અમીને આવો જ વિચાર સૂઝ્યો કે દિવાળી એકલાં મનાવવાના બદલે સૌ સાથે મળીને ઊજવીએ તો કેવું? એણે એને એના પતિએ મિત્રો, બહેનપણીઓને તૈયાર કર્યાં. જોતજોતામાં ઘણા લોકો આમાં જોડાવા તૈયાર થઈ ગયા. એક ખાલી મેદાનમાં બાળકો માટે ફટાકડા અને આતશબાજીની વ્યવસ્થા કરવામાં આવી. એક બાજુ મોટો મંડપ બાંધ્યો હતો, જ્યાં ખાવાપીવા, ગીત-સંગીત અને રમતોની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકોને તો આતશબાજી જોવાની અને જાતે ફટાકડા ફોેડવાની જાણે લહેર પડી ગઈ. સૌને પોતપોતાની રુચિ અનુસાર ખાવાપીવાની અને જાતજાતની રમતો રમવાની  પણ ખૂબ મજા આવી  કેટલાક લોકોએ અંતાક્ષરી રમીને, તો કેટલાક લોકોએ કેસેટ પ્લેયરના વાદ્ય-સંગીત પર ડાન્સ કરીને મજા માણી. કોઈકને પત્તા રમવાની અને હાઉસી રમવાની મજા પડી ગઈ.

આ બહાને સૌને એકબીજાને મળવાની અને મનગમતી રીતે તહેવાર ઊજવવાની મજા આવી. બધાં માટે આ દિવસ યાદગાર બની ગયો.

આ જ રીતે સોસાયટીના અમુક કુટુંબો ભેંગા થઈને પણ તહેવારની મજા માણી શકે છે.

આનાથી સમાજમાં અને કુટુંબમાં અરસપરસ પ્રેમ અને એકતાની ભાવના વધે છે. અને જીવનમાં નવીનતા અનુભવાય છે. આ રીતે સૌને તહેવાર પર મનોરંજન પણ મળી રહી છે.

આજની દોડધામભરી જિંદગીમાં માનસિક શાંતિ હણાઈ ગઈ છે. સૌની જિંદગી પોતપોતાના પૂરતી સિમિત થઈ  ગઈ છે.

આવામાં તહેવાર નિમિત્તે સૌ ભેગાં થાય, આનંદ અને હળવાશથી દિવસ પસાર  કરે તો પરસ્પર લાગણી  અને મનમેળ વધે છે.

કેટલાક લોકો દિવાળી પર હદ બહારના ખર્ચા કરીને ભપકો કરીને ખોટો દેખાડો કરે  છે. દિવાળી ઊજવવા માટે તો ઘરમાં બે દીવડા ટમટમતા   હોય એ પૂરતું છે. ઘરમાં હૂંફ  અને માનસિક શાંતિ અનુભવાતી હોય, સૌ પ્રેમથી હળીમળીને રહેતા હોય તો દરેક દિવસ દિવાળીના તહેવાર જેવો લાગે છે. અને જીવન ઉલ્લાસમય  બની જાય છે.

ખોટા ખર્ચા શા માટે?

દિવાળી પર પૈસાનો ધુમાડો  કરવાના બદલે તમે એનો સદુપયોગ પણ કરી શકો છો. આ પૈસા તમે એવા લોકો પાછળ ખર્ચી શકો છો જેમના ઘરમાં એક દીવડાનો પ્રકાશ અને બે ટંકનું ભોજન પણ નથી હોતું. તમે ગરીબોની વસ્તીમાં જઈને એમને વ્યસન મુક્તિની સલાહ આપી તેમને ખાવાપીવાની વસ્તુઓ, બાળકો માટે તમારા ઘરમાં પડી રહેલા જૂના પણ તહેવાર પહેરી શકાય તેવાં કપડાં, ફટાકડા વગેરે  વહેંચી શકો છો.

આ રીતે તમે બીજા લોકોને ખુશ કરીને પોતે પણ ખુશી મેળવી શકો છો. તમે તમારી નજીકના એકાદ-બે ગરીબ ઘરોમાં આવી ખુશી પ્રગટાવી શકો છો. દિવાળીનો આનંદ આ રીતે પણ વહેંચી શકાય છે.

આપણા  સમાજના અમુક વર્ગોમાં એવી ધાર્મિક અંધશ્રધ્ધા પણ જોવા મળે છે કે દિવાળીની રાતે જુગાર રમવો શુભ ગણાય છે. ધાર્મિક ગ્રંથોના કથનનો પોતાને ગમતો અર્થ તારવીને આવા લોકો જુગારમાં પૈસા, ચીજવસ્તુ વગેરે દાવ પર લગાવી દે છે. એમાં વળી સ્ત્રીઓ પણ ઘણીવાર પતિ સાથે  જોડાય છે. દિવાળીના તહેવાર પર દારૂની મહેફિલ યોેજવી, જુગાર રમવો એ કેટલી હદે યોગ્ય છે?

આજકાલ મોટાં શહેરોમાં  મનોરંજનના નામે લોટરી, જુગાર, સટ્ટો વગેરે રમવામાં આવે છે અને આ રીતે પૈસા દાવ પર લગાવવામાં આવે છે. આવા આયોજનો અને કુટેવોથી તમે પણ દૂર રહો અને તમારા પતિને પણ દૂર રાખો. તેમાં બધી રીતે બરબાદી તો છે જ પણ સાથે સાથે બીજાની નજરમાં તમારું સ્તર પણ નીચું થઈ જાય છે.

સાદગીથી હળીમળીને દિવાળીનો આનંદ માણવામાં જ ખરી મજા છે.