Get The App

સુખી જીવનસંધ્યા ટાણે માણો સેકન્ડ હનીમૂન .

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
સુખી જીવનસંધ્યા ટાણે માણો સેકન્ડ હનીમૂન                     . 1 - image

હનીમૂન તો લગ્ન પછી તરત ઊજવાય છે કેટલી મધુર યાદ જોડાયેલી હોય છે એ સમયની જે લગ્નના અમુક વર્ષો પછી પણ એવીને એવી તાજી જ રહે છે. પરંતુ ત્યાર પછી દંપતીને કોેણ જાણે શું થાય છે કે મધમીઠી વાતો માટે સમય જ કાઢી શકતા નથી.

તેમાં મૂંઝાઈ જવાની જરૂર નથી. લગ્ન પછી નવપરિણીત પતિ-પત્ની તો પ્રેમના સાગરમાં ડૂબકી જ મારતાં રહે છે. કારણ કે આ નવા સંબંધનું આકર્ષણ અને જુવાનીનો જોશ લગ્નના શરૂઆતનાં વર્ષોેને વધારે મીઠા બનાવી દે છે.

પરંતુ પ્રૌઢાવસ્થા સુધી પહોંચતા પહોંચતા પતિ-પત્ની બંને જીવનની ભાગદોડ અને બાળકોની જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં ખુદને બિલકુલ ભૂલી જતાં હોય છે. મોટા ભાગે તેમને એ યાદ જ નથી રહેતું કે તેમની પોતાની પણ એક અંગત જિંદગી છે. હંમેશા સાથેને સાથે રહેવાથી તેમના સંબંધ પર સમયની ધૂળ જામી જાય છે.  જેના કારણે નાની અમથી બાબતે ઘર અને ઓફિસમાં ચીડીયું અને ઝઘડાનું વાતાવરણ બની રહે છે પરિણામે દામ્પત્યજીવનમાં પ્રેમને બદલે તાણ અને કડવાશ આવી જાય છે.

ખરેખર તોે દામ્પત્યજીવનમાં લગ્ન  વખતની તાજગી જાળવી રાખવા માટે ધીરજ, સાચી નિષ્ઠા અને સમજદારીની જરૂર હોય છે. માત્ર ભાવનાના આધારે જીંદગી જીવી શકાતી નથી. જીવનની કઠોર વાસ્તવિકતા અને દુર્ઘટના સામે આવતાં જ પતિ-પત્નીનું ધ્યાન એકબીજાની ખામીઓ અને નબળાઈઓ તરફ જ દોરાય છે. જો આવી પરિસ્થિતિ પર શરૂઆતથી જ કાબૂ મેળવવામાં આવે તો આવનાર તાણને રોકી શકાય છે.

જો લગ્નજીવનના પાયામાં પ્રેમ અને વિશ્વાસ હશે તો પતિ-પત્ની એ સમજી લેવું જોઈએ કે તેમના દામ્પત્યજીવનનો આધારસ્તંભ ઘણો મજબૂત છે. આને લીધે પરસ્પરના સંબંધો જાળવી રાખવાનું કામ તેમના માટે ઘણું સરળ બની જાય છે.

ઘણીવાર એવું જોવા મળે છે કે પતિ-પત્ની ઘણા સુખી અને સાધન સંપન્ન હોવા છતાં અપૂર્ણ હોય છે. તેમના દામ્પત્યજીવનમાં પહેલાંની જેવી મધુરતા રહેતી નથી. તેથી તેઓ ઘરની બહાર બીજી વ્યક્તિ તરફ આકર્ષાય છે. હકીકતમાં તેઓ એ જાણતાં જ નથી કે પતિ-પત્નીનો હસમુખો સ્વભાવ, મસ્તીમજાક અને પરસ્પરમાં થતી છેડતી સુખી દામ્પત્યજીવન માટે બહુ જરૂરી છે. આના વિના એકબીજા પ્રત્યે પ્રેમ હોય તો પણ તેમના દામ્પત્યજીવનમાં નીરસતા આવી જાય છે. તેઓ એકબીજાની મજાકમસ્તી કે ખુશ કરવાનો આનંદ નથી ઉઠાવી શકતાં તેમ જ આવી નાની નાની  બાબતોમાંથી સુખ  પણ મેળવી શકતાં નથી.

ઊંમર અને સમયની સાથે સાથે જાતીય સંબંધો પ્રત્યે રુચિ ઓછી થઈ જાય છે. આવા સંજોગોમાં પતિ-પત્ની વારેવારે એકબીજા તરફ મીઠી પ્રેમભરી નજર નાખવામાં, રસ્તામાં એકબીજાનો હાથ પકડવામાં, ક્યારેક એકબીજાને આલિંગન આપવામાં કે પ્રેમવશ ચૂમી લેવામાં કે આવા વર્તન દ્વારા પ્રેમ વ્યક્ત કરવામાં શરમ અનુભવે છે. તેઓ એવું વિચારે છે કે આ ઉંમરે આવું કરીશું તો લોકો શું કહેશે, પરંતુ દામ્પત્યજીવનમાં તાજગી જાળવી રાખવા માટે આવું વર્તન બહુ જરૂરી છે. આની શરૂઆત લગ્નજીવનની શરૂઆતની સાથે જ થવી જોઈએ.

પતિ-પત્ની બંનેએ એકબીજા માટે બની ઠનીને રહેવું જોઈએ. માત્ર કોઈના ઘરે મળવા જતી વખતે કે પ્રસંગોપાત જ સજવું ન જોઈએ. પતિએ પત્નીના આકર્ષક રૂપ અને ગુણની પ્રશંસા  કરવી જોઈએ. પત્નીએ એ બાબત ક્યારેય ભૂલવી ન જોઈએ કે કર્કશ અને કડવી વાણી આગમાં  ઘી હોમવાનું કામ કરે છે. તેથી પોતાનો સ્વભાવ પ્રેમાળ અને વાણી મધુર રાખવી જોઈએ. પતિ-પત્નીએ પરસ્પરની રુચિ વિશે ધ્યાન રાખવું જોઈએ. નવરાશની પળોમાં પોતાની મરજી મુજબ સમય પસાર કરવો જોઈએ.

દંપતીએ ભૂતકાળની મીઠી યાદો તાજી કરવા માટે પોતાનું ફોટો આલબમ જાવુંં ક્યારેક પ્રેમપત્રો વાંચવાની મજા માણવી જોઈએ.

પતિ-પત્નીએ હંમેશા એકબીજાની રચનાત્મક સમીક્ષા કરવી જોઈએ, જેથી સકારાત્મક વિચારસરણી જળવાઈ રહે. ક્યારેય એકબીજાની ટીકા ન કરવી જોઈએ, કારણ કે તેનાથી મન અશાંત થઈ જાય છે.

એકબીજા પ્રત્યેનો વ્યવહાર સન્માનજનક હોવો જોઈએ. મનમાં ક્યારેય એવું ન વિચારવું જોઈએ કે હવે તોે ઘરડા થઈ ગયા. સમયની સાથે કદમ મિલાવીને જમાનાને અનુરૂપ જિંદગી જીવવી જોઈએ.

આથી જીવનમાં ક્યારેય કંટાળો નહીં આવી શકે, કારણ કે પતિ-પત્નીનો સંબંધ સંપૂર્ણ હોય છે. જેમ પત્ની, મા, બહેન અને પ્રેમિકાનું મિશ્રિત સ્વરૂપ હોય છે તેમ પતિ પણ પિતા, ભાઈ અને પ્રેમીનું મિશ્રિત સ્વરૂપ હોય છે.

પતિ-પત્નીએ સહેજ નાનપણ  અને સહેજ જુવાનીનો જોશ ઘડપણ માટે બચાવીને રાખવો જોઈએ. તમે પણ આવું કરીને જુઓ કે વધતી વયમાં પણ કેવી મજા પડે છે. તમારા હનીમૂનનો સમય ક્યારેય પૂરો થશે નહીં. માત્ર કામક્રીડામાં જ દામ્પત્યજીવનનો રસ નથી હોતો. પરસ્પર મજાકમશ્કરી, ચંચળતા, એકબીજાનો હળવો સ્પર્શ, આલિંગન કે વાળમાં આંગળી ફેરવવી, પ્રેમભરી નજર નાખવી, રસ્તામાં ચાલતાં ચાલતાં એકબીજાનો હાથ પકડી લેવો અને આ પ્રકારની પ્રેમાનુભૂતિ જ સુખી જીવનસંધ્યા માટે પૂરતી છે. હનીમૂન આવી બધી બાબતોને કારણે લગ્નનાં ૩૦ વર્ષ પછી પણ ચાલી શકે છે તો હવે તમે જ કહો કે તમે તમારા સેકન્ડ હનીમૂનની શરૂઆત ક્યારે કરો છો જેમ બને તેમ જલદી સેકન્ડ હનીમૂન શરૂ કરો પોતે ખુશ રહો અને બીજાની સાથે ખુશી વહેંચો.

- હિમાની