વાળની માવજત કરવાની સાથે સાથે તે બાહ્ય તેમ જ સામાજિક રીતે પણ સુંદર તથા આકર્ષક દેખાય તે જરૂરી છે. સુરુચિપૂર્ણ કેશવિન્યાસ તમારા પ્રાકૃતિક સૌંદર્યવૃધ્ધિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કુદરતી રીતે પણ વાળ સુંદર દેખાય તે તમારા આકર્ષક વ્યક્તિત્વનું આગવું લક્ષણ છે, જેને તમારે તમારી ઈચ્છાનુસાર કે પ્રસંગાનુસાર બદલવા સમર્થ છે.
* હંમેશા પૌૈષ્ટિક અને સમતોલ ખોરાક લો.
* લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રાખવા માટે માલિશ કરો.
* ચિંતા અને તાણથી દૂર રહો.
* માથું સ્વચ્છ રાખો. વાળ શેમ્પૂથી ધોઈને ધૂળ-માટીથી બચાવો. વાળ, માથું ગંદુ ન રહે તેની કાળજી રાખો. માથું ઓળવાનો દાંતિયો હંમેશા સ્વચ્છ રાખો.
* શેમ્પુ કર્યા પછી કંડીશનરનો ઉપયોગ કરો.
* વાળને સારી જગ્યાએથી વ્યવસ્થિત કટિંગ-સેટિંગ કરાવો.
* તમે તેવાં જ સૌંદર્ય પ્રસાધનો વાપરો કે, જે તમારા માથાની ત્વચા તથા વાળને અનુકૂળ આવે, અર્થાત્ તેમને નુકસાન ન કરે.
* ભિન્ન ભિન્ન કેશ શૈલી માટે પાયાની બાબતો પહેલાં શીખો.
* જો તમે વાળની શૈલી બદલવા ઈચ્છતા હો તો પમ્પિંગ પછી કંડિશનિંગ કરો.
* હેરડાઈ દ્વારા તમે વાળને નવું અને પ્રાકૃતિક રૂપ આપી શકો.
ખોરાક :
આપણા વાળ કૈરોટીન નામના પ્રોટીનમાંથી બનેલા હોય છે, એટલા વાળના વિકાસ માટે આપણા ખોરાકમાં પ્રોટીન હોવું જરૂરી છે. સમતોલ ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ, વિટામીન, પ્રોટીન તેમ જ અન્ય ખનિજ પદાર્થો પૂરતાં પ્રમાણમાં હોય છે. ઈંડા,દૂધ, દહીં, ઓટમીલ, લીલાં શાકભાજી, સલાડ વગેરે કેટલાંક પદાર્થો છે, જે શરીર માટે જરૂરી તત્વોની ઉણપને દૂર કરી વાળને સ્વસ્થ બનાવવામાં સહાયક નીવડે છે.
લોહીનું પરિભ્રમણ વધારવા માટે :
માથાની ત્વચામાં લોેહીનું પરિભ્રમણ સારી રીતે ન હોવાને કારણે વાળમાં અનેક વિકારો પેદા થાય છે, જે લોહીનું ભ્રમણ બરાબર થતાં આપોઆપ દૂર થઈ જાય છે. પરિણામે માથાની ત્વચા અને વાળ સ્વસ્થ બને છે.
માથામાં નિયમિત માલિશ કરવાથી લોહીનું ભ્રમણ ઝડપી બને છે.
દાંતિયાથી માથું ઓળવું એ પણ એક પ્રકારની માલિશ જ છે. દરરોજ સવારે અને સાંજે માથું ઓળવું જોઈએ. માથું ઓળવાથી, ગૂંચવાયેલા વાળ છૂટા પડી જાય છે.
વાળની સફાઈ : વાળની યોગ્ય સંભાળ લેવા માટે સૌપ્રથમ વાળની નિયમિત સફાઈ તરફ પૂરતું ધ્યાન આપવું જોઈએ. જ્યારે તમને વાળ ગંદા લાગે ત્યારે તરત જ વાળને શેમ્પૂથી ધોઈ લો. તૈલીય વાળ માટે ડિટર્જન્ટ શેમ્પૂનો ઉપયોગ કરો અને શુષ્ક વાળ માટે ક્રીમ અથવા એગ શેમ્પૂ વધારે યોગ્ય છે. અન્યના બ્રશ કે દાંતિયાનો બને ત્યાં સુધી ઉપયોગ ન કરવો. આવાં બ્રશ અથવા દાંતિયાથી વાળમાં બીજાનો ચેપ લાગવાની બીક રહે છે. તમારાં બ્રશ અને દાંતિયાને અઠવાડિયામાં એકવાર ઉકળતા પાણીમાં નાખીને પછી તેમને સેવલોન કે ડેટોલના પાણીથી ધોઈ લો. જો આ ઉપચારો નિયમિતરૂપે કરવામાં આવે, તો વાળમાં ઉત્પન્ન થયેલ દરેક વિકાર દૂર થશે અને વાળ સ્વસ્થ બનશે.
કંડિશનિંગ :
વાળને શેમ્પૂથી સાફ કર્યા પછી કંડિશનરનો ઉપયોગ કરવો. આથી વાળમાં ચમક આવશે અને તમે તમારી મનપસંદ કેશશૈલી પણ બનાવી શકો છો. પ્રોટીનયુક્ત કંડિશનરથી વાળ મુલાયમ અને રેશમી બને છે. જો તમારી પાસે ક્યારેક કંડિશનર ખતમ થઈ જાય, તો તમે દૂધનો ઉપયોગ કંડિશનરની જેમ કરી શકો છો. વાળની બાહ્ય કંડિશનિંગ તો બજારમાં મળતાં કંડિશનિંગ પ્રસાધનોથી જ શક્ય છે, પરંતુ વાળની આંતરિક કંડિશનિંગ માટે ખોરાક પર વધારે ધ્યાન આપો. ભોજનમાં મીઠાઈ અને સ્ટાર્ચવાળા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ બંધ કરો. પ્રોટીન તેમ જ વિટામીનયુક્ત ખોરાકનો જમવામાં વધારે ઉપયોગ કરો. તૈલીય વાળ સિવાય દરેક જાતના વાળ માટે કંડિશનિંગ ઉત્તમ ઉપાય છે. તૈલીય વાળમાં કંડિશનિંગ કરવા માટે સરકાનો ઉપયોગ કરવો જોઈએ.
વાળ માટે ઉપયોગી પ્રસાધનો : વાળના યોગ્ય ઉપચાર માટે તમારા વાળ તેમ જ માથાની ત્વચા માટે યોગ્ય હોય એવાં પ્રસાધનોનો જ ઉપયોગ કરવો જોઈએ. તેમને વાપરતાં પહેલાં બરાબર ચકાસી લેવાં જોઈએ કે, તે વાળ અને ચામડીને માટે નુકસાનકારક તો નથી ને? તેલ પર આધાર રાખતાં સૌૈંદર્યપ્રસાધનો શુષ્ક વાળ માટે સારી રીતે ઉપયોગી બને છે તેમ જ ભીનાશવાળાં સૌંદર્ય પ્રસાધનો તૈલીય વાળ માટે એટલે સૌથી પહેલાં તમારે એ વાત જાણી લેવી જોઈએ કે તમારા વાળ કયા પ્રકારના છે. વધારે ભીનાશવાળા છે, શુષ્ક છે કે પછી વધારે પડતાં તૈલી છે.
કટિંગ અને સેટિંગ : વ્યવસ્થિત વાળ અથવા સારી રીતે કાપેલા વાળને તમે ભલે લાંબા રાખો કે ટૂંકા, પણ તે તમારા વ્યક્તિત્વને જરૂર આકર્ષક બનાવે છે. વ્યવસ્થિત રીતે ઓળેલા વાળ તમારા ચહેરાના સૌંદર્યમાં અનેકગણી વૃધ્ધિ કરે છે. તમે તમારા વાળ દ્વારા તમારી ઊંચાઈ કે સ્થૂળતાનો આભાસ પેદા કરી શકો છો. જેમ કે, લાંબા ચહેરાને કોમળ તેમ જ નાનો બનાવી શકાય અને ગોેળ ચહેરાને દુબળો-પાતળો દેખાડી શકાય છે. વિવિધ કેશશૈલી દ્વારા જ તમે તમારા વ્યક્તિત્વનું આકર્ષણ પેદા કરી શકો છો. તમે રૂપ, આકાર અને ડિઝાઈનના કલાત્મક તેમ જ વૈજ્ઞાાનિક સિધ્ધાંતો શીખીને તેનો વ્યવહારમાં ઉપયોગ કરી શકો છો. અને તેના માધ્યમથી પડદા પર દેખાતા કલાકારો જેવા સુંદર દેખાશો. કેશ સજ્જાના પાયાનાં તત્વોમાં બ્લો ડ્રાઈ, રોલર સેટિંગ વગેરે છે. તેમના વિશે કેટલી બાબતોેનું ધ્યાન રાખોે :
* લેયર્ડ હેર કટ વાળની લંબાઈને પાછળ રાખવામાં સર્વોત્તમ છે, જ્યારે આગળથી નાના કપાયેલા વાળને ગોેળબ્રશ દ્વારા બ્લો ડ્રાઈ કરવાથી તે સુંદર, વાંકડિયા વાળ હોય તેમ દેખાય છે.
* અત્યંત નાના વાળને સીધા બ્રશ અથવા આંગળીઓ દ્વારા સુકવી શકાય છે, જે મુલાયમ અને વ્યવસ્થિત રીતે કપાયેલા વાળ જેવા જ દેખાશે.
* ચહેરાને લાંબા અને સીધા વાળવાળો દેખાડવા માટે વાળ પર બ્રશ ફેરવીને તેમને છૂટ્ટા રાખો અને કોઈ ખાસ પ્રસંગે સાંજના સમયે કર્લી સ્ટાઈલ બનાવવા માટે તેમાં હોટ રોલર્સનો ઉપયોગ કરો.
* વાળ પર વોટર કલરનો ઉપયોગ એક જુદી જ આભા ઉત્પન્ન કરશે. આવા રંગ ધોવાથી સાફ થઈ જાય છે અને રાસાયણિક પદાર્થોથી આનો ઉપચાર કરી શકાય છે. વાળની લટને પ્રાધાન્ય આપવા માટે ફેશનની આગવી રીત છે.
વાળની દરેક સમસ્યાનો કોઈને કોઈ ઉકેલ છે જ. પોતાના વાળને ભિન્ન ભિન્ન સ્ટાઈલોથી સજાવીને તમે સૌની પ્રશંસા મેળવી શકો છો. એ માટે જરૂરી છે કે, તમે તમારા વાળની પ્રકૃતિ જાણો અને તેની યોગ્ય માવજત કરો.


