- આરોગ્ય સંજીવની
સ્ત્રી હોય કે પુરુષ પરંતુ શરીરમાં જરૂર કરતા વધારે પ્રમાણમાં ચરબી ઘણું જ નુકસાન કરી જાય છે. શરીરમાં ચરબી વધી જાય તો શરીર બેડોળ બની જાય છે. હરવા- ફરવા કામ કરવામાં ખૂબ તકલીફ વધી જાય છે. સાંધાના દુ:ખાવા શ્વાસ ચડવો, બેસવા ઉઠવામાં મુશ્કેલી વગેરે અનેક ફરિયાદો પણ શરૂ થઈ જાય છે તેથી શરીરનું વજન વધવા ન દેવું અથવા વધી ગયું હોય તો પણ ધીરે ધીરે ઘટાડવું જ્યારે વજન વધી જાય ત્યારે ગભરાઈ જઈ એકદમ ખોરાક ઘટાડી નાખી વજન ઘટાડવા જતા શરીર એકદમ અશક્ત બની જાય છે. માટે આમ ન કરતાં વ્યવસ્થિત સારવાર અને ખોરાકનું આયોજન કરવાથી સ્થૂળતા અવશ્ય ઘટે છે.
વધારે ચરબીથી જુદા જુદા રોગો મિત્રોની જેમ વધતા જાય છે જુવાનીમાં જ મેદસ્વી મનુષ્યો વૃદ્ધ જેવા દેખાવા લાગે છે. યુવાની જાળવવા માટે પણ શરીરરૂપી યંત્રની થોડી સંભાળ રાખવી અનિવાર્ય છે. તેમાં પણ શરીરના કોઈ પણ ભાગમાં ચરબી જમા થતી દેખાય તો તે માટે તુરંત જ તેને ઓગાળવાના ઉપાય આરંભી દેવા જોઈએ તેને ઘટાડવા બધું જ કરી છૂટવું જોઈએ ઉલટું ઉંમર વધતી જાય તેમ ચરબી વધતી જ જાય ને ! એવો આશ્વાસનનો માર્ગ કાઢી કદી નિરાશ ન બેસવું જોઈએ. આવા આશ્વાસનો શોધી સંતોષથી બેસી જનારનું ઘડપણ વહેલું આવી જાય છે અને તેનું શરીર રોગોનું આશ્રયસ્થાન બની જાય છે અને લાંબા સમયે વધારે પડતી ચરબી અકાળ મૃત્યુનું કારણ પણ બની શકે છે.
શરીરમાં વધારે પડતી ચરબી એકઠી થઈ જતાં શરીરની અન્ય ધાતુઓ અને હાડકાને પૂરતું પોષણ મળતું નથી તેથી વારંવાર તરસ લાગે છે. શ્વાસ ટૂંકા થતા જણાય છે અને નિંદ્રા વધારે આવે છે. આવા કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ ચેતી જજો કે, આ વધારે ચરબીનું પરિણામ છે. વળી મેદોવૃદ્ધિથી શરીરનું સમગ્ર વજન ઘુંટણ- પગ ઉપર આવતા ઘૂંટણનો દુખાવો ચાલુ થઈ જાય છે. પેટ મોટું થાય છે અને પેઢુની ચામડી જાડી ગોદડી જેવી થઈ જાય છે તથા નિતંબ, પેટ અને છાતીનો માંસનો ભાગ વધી જાય છે અને લચી પડે છે. ઘણીવાર જાડા માણસોને તંદુરસ્ત માનવામાં આવે છે પરંતુ આ માન્યતા ઘણી જ ભૂલ ભરેલી છે જાડા કરતા પાતળા માણસો વધારે તંદુરસ્ત રહી શકે છે. જાડા માણસો એથી રોગોના ભોગ જલ્દી થઈ શકે છે. વળી તે રોગમુક્ત પણ જલદી થઈ શકતા નથી.
આવી શત્રુ સમ ચરબીને ઘટાડવાના કેટલાક સરળ ઉપચાર અહીં સૂચવું છું જેમાંથી નિષ્ણાત વૈદ્ય કે ડોક્ટરની સલાહ મુજબ જ ઉપાય કરવા જેમાં.
(૧) શ્રમ પહોંચે તેવું કાર્ય કરવું અને નિયમિત કસરત કરવાનો આગ્રહ રાખવો.
(૨) ઘી, તેલ, મિષ્ટાન્ન, દહીં, માખણ વગેરે પદાર્થો બંધ કરવા.
(૩) ત્રિફળા કવાથ બનાવી તેમાં ૧ તોલો મધ મેળવી સહેજ ગરમ કરી પીવો.
(૪) સવારે નરણે કોઠે ૧ ગ્લાસ સુખોષ્ણ પાણીમાં ૧ તોલો મધ મેળવી આ મધ પાણી ૪૦થી ૫૦ વાર બંને ગ્લાસમાં ઉપર- નીચે ઉછાળવું આમ કરવાથી આ મધના પાણીમાં ઓક્સિજન ઉમેરાય છે આ પાણી સવારે નરણે કોઠે પીવાથી ચરબી ઝડપથી ઘટે છે.
(૫) નિષ્ણાત વૈદ્યની સલાહ મુજબ ત્રિફળા, ગુગળ કે મેદોહર ગુગળનું સેવન કરવું.
(૬) માત્ર પેટમાં ચરબી વધારે હોય તો 'નમૂળી' નામની વનસ્પતિ લાવી વાટી પેટ ઉપર બાંધવી તેમાં બાંધવાથી ધીરે ધીરે ચરબીનો ભાગ ગળવા લાગે છે સાથે સાથે દરરોજ ૨૦થી ૨૫ મિનિટ કપાલભાંતિ કરવી જેનાથી પેટ પરની ચરબી ઝડપથી ઓગાળવામાં સહાય થાય છે.
(૭) જેમનું વજન ખૂબ જ વધારે હોય તેમના માટે વજન ઉતારવા માટે લીલી દ્રાક્ષનો એક બીજો શ્રેષ્ઠ પ્રયોગ અહીં બતાવુ છું. જેનાથી કાયાકલ્પ પણ થઈ શકે છે. પરંતુ આ પ્રયોગ નિષ્ણાતની સલાહમાં રહીને જ કરવો તથા ડાયાબિટીસ અને કફ પ્રકૃતિના દર્દીઓએ ન કરવો તેવો ખાસ આગ્રહ છે. જે મુજબ લીલી દ્રાક્ષની સિઝનમાં નિષ્ણાતની સલાહ મુજબ દ્રાક્ષ ઉપર રહેવું આ પ્રયોગ પ્રમાણે પ્રથમ દિવસે હલકો ખોરાક લેવો અને વિરેચન લઈ પેટ સાફ કરવું પછી ૨ દિવસ માત્ર મગ ઉપર રહેવું અને પછીથી એકાદ દિવસ દૂધ ઉપર રહેવું અને પછીથી દ્રાક્ષનો આહાર વૈદ્યની સલાહ મુજબ શરૂ કરવો ચઢતાક્રમથી વૈદ્યની સલાહ પ્રમાણે દ્રાક્ષ વાપરતા જવું અને નિષ્ણાતની સલાહ મુજબ અમુક દિવસ પછી ઉતરતા ક્રમથી દ્રાક્ષ ઘટાડતા જવું પ્રયોગ પૂર્ણ થાય એટલે કાચા શાકભાજી પછી બાફેલા મગ, ખીચડી, ખાખરા વગેરે હલકો ખોરાક ચાલુ કરી ધીરે ધીરે નોર્મલ ખોરાક ઉપર આવી જવું. આ પ્રયોગથી એકવાર ઘટાડેલ ચરબી ફરી ખોરાક ઉપર થોડું નિયમન રાખી કદી વધવા ન દેવી અને ચરબી પર નિયમન રાખી હૃદયરોગ જેવા રોગોનાં હુમલાથી અવશ્ય બચવું.
- જ્હાનવીબેન ભટ્ટ


