Get The App

હૃદયરોગીઓ માટે અક્સીર : અર્જુન .

Updated: Apr 14th, 2025

GS TEAM


Google News
Google News
હૃદયરોગીઓ માટે અક્સીર : અર્જુન                                     . 1 - image


- આરોગ્ય સંજીવની

આયુર્વેદ એ એક એવું શાસ્ત્ર છે કે જેમાં બતાવેલ બધી જ વનસ્પતિઓ તેના ઔષધીય ગુણોથી પરિપૂર્ણ છે. આ સૃષ્ટિ ઉપરની બધી જ વનસ્પતિઓમાં કંઈ ને કઈ ઔષધીય ગુણ હોય છે. એ વાત અલગ છે કે આપણે હજી સુધી મર્યાદીત વનસ્પતિઓના ઔષધીય ગુણો વિશે જ જાણી શક્યા છીએ બાકી ઔષધોના ગુણ અદ્ભૂત હોય છે. આવું એક ઔષધ છે ''અર્જુન'' અર્જુનના ગુણો પણ તેના નામ પ્રમાણે જ છે. આજથી હજારો વર્ષ પૂર્વે આપણા આયુર્વેદના મહાન ઋષિઓએ અર્જુનના ઔષધીય ઉપયોગ વિશે વિસ્તૃત માહીતી આપી છે.

અર્જુનનું વૃક્ષ જંગલો તથા નદીઓના કિનારે સવિશેષ જોવા મળે છે. જે લગભગ ૬૦ ફૂટ જેટલું ઊંચું હોય છે. અર્જુનના પુષ્પોનો રંગ હલકો પીળાશ પડતો સફેદ હોય છે. જેમાંથી મનમોહક સુગંધ આવે છે. અર્જુનનું ફળ કમરખ જેવું પરંતુ આકારમાં નાનું હોય છે. 'અર્જુન'ના વૃક્ષ પાદડા અને છાલ જ ઔષધ તરીકે પ્રયુક્ત થાય છે. આયુર્વેદમાં હૃદયરોગ ઉપર કામ કરનારા જેટલા ઔષધો કે યોગો બતાવેલ છે. તે દરેકમાં અર્જુનનો સમાવેશ થાય છે. જે સાબિત કરે છે કે હૃદય ઔષધોમાં ''અર્જુન'' શ્રેષ્ઠ છે.

આયુર્વેદ કહે છે કે, અર્જુનની છાલનો રસ કષાયતિકત હોય છે. તથા તે ગુણમાં લઘુ રૂક્ષ હોય છે. વળી અર્જુન છાલ લઘુ રૂક્ષ ગુણ કફનાશક પણ છે, તથા અર્જુનના વીર્યમાં રહેલો શીતળ ગુણ પિત્તનાશક પણ છે. આ ઉપરાંત અર્જુન સંકોચક અને મૂત્રલ છે. અર્જુન મેદનાશક હોવાના કારણે મેદોહર દવાઓમાં કે મોટાપાનાશક દવાઓમાં પ્રયુક્ત થાય છે. આ ઉપરાંત અર્જુન રક્તપિત્તનાશક, રક્તવિકારનાશક ખાંસી, પૂથમેહ પ્રદર - દુર્બળતા ઉર:ક્ષત, અસ્તિભંંગનાશક પણ છે.

 હૃદયરોગમાં અર્જુનનું પ્રયોગ સર્વશ્રેષ્ઠ બતાવેલ પ્રયોગ છે. મોર્ડન સાયન્સમાં ઘીને હૃદયરોગમાં વર્જ્ય બતાવામાં આવેલ છે. પરંતુ આયુર્વેદના તજજ્ઞાો અર્જુનધૃતથી હૃદયરોગની સફળ ચિકિત્સા કરે છે.

કફજ કૃમિ જ અને સન્નિપાતજ હૃદયરોગની ચિકિત્સામાં શરૂઆતમાં આયુર્વેદમાં પણ ધૃતનો નિષેધ છે. પરંતુ ઉચિત પથ્યપાલન લંઘન અને ઔષધો દ્રારા આમ અને કફનું નિર્હરણ અને પાચન પછી આ દ્યુત - ઘી વધારે લાભકારી થઈને હૃદયની જીર્ણવ્યાધિજન્ય દુર્બળતા દૂર કરી દીપન-પાચન અને સંતપર્ણ કરી હૃદયને રોગમાંથી મુક્તિ અપાવે છે.

આ ઉપરાંત અર્જુનમાંથી તૈયાર કરવામાં આવતું અર્જનારીષ્ણ પણ હૃદય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેના નિયમિત સેવનથી હૃદયની રક્તવાહીની વિસ્ફારીત થઈ જાય છે. અને રક્ત પરિભ્રમણ સુધરે છે. જેથી હૃદયરોગના દર્દીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અર્જુનારિષ્ટનું સેવન બે ચમચી સવાર સાંજ જમ્યા પછી કરવું ખૂબ હિતકારી છે.

આ ઉપરાંત અર્જુનનો ક્ષીરપાક તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. અર્જુનની છાલનો ઉપયોગ કરતા અર્જુન ક્ષીરપાક નો ઉપયોગ વધુ લાભદાયી છે. અર્જુન ક્ષીરપાક બનાવવા માટે ૧૦ થી ૧૫ ગ્રામ અર્જુન છાલને કુટીને ૧૮૦ મીલીલીટર દૂધ અને તેટલું જ પાણી મેળવીને ખીરની જેમ પકાવવું બધું જ પાણી બળી જાય અને માત્ર દૂધ અવશેષ રહે ત્યારે તેમાં ૧૫ ગ્રામ ખડી સાકર મેળવી દેવી. આ અર્જુન - ક્ષીરપાકનું દરરોજ નિયમિત સેવન કરવાથી હૃદયરોગના તમામ પ્રકારના રોગોમાંથી શીઘ્ર મુક્તિ મળે છે. જો આ પ્રયોગ કરવો શક્ય ન હોય તો દરરોજ ૨-૨ ગોળી અર્જુન ટીકડી સવાર-સાંજ ભૂખ્યા પેટે પાણી સાથે લેવાથી પણ કોલેસ્ટ્રોલ અને હૃદયની તમામ  તકલીફોમાંથી મુક્તિ મળે છે.

આ ઉપરાંત અર્જુનની છાલ બલા, સહદવી, નાગબલાના મૂળ, રાસ્ના ખરેટીના મૂળ, ક્ચૂર, ગંઠોડા ચૂર્ણ કરી સવાર-સાંજ લેવાથી હૃદયરોગનો નાશ થાય છે.

એસીડીટીમાં અર્જુનની છાલનું ચૂર્ણ આમલકી ચૂર્ણ અને કામદ્ધારસનું સેવન દૂધીના રસકે સાદા પાણી સાથે કરવામાં આવે તો આ રોગને જડમૂળથી નાબૂદી કરી શકાય છે.

આંખોની નીચે કાળા કુંડાળા થયેલ હોય ત્યારે અર્જુનની છાલના ચૂર્ણમાં હારિદ્રા અને ચંદન મેળવી ગુલાબજળ સાથે તેની પેસ્ટ બનાવી લેપ કરવાથી ધીરે-ધીરે બધી જ કાળાશ નીકળી જાય છે. અને વર્ણ ચમકીલો તથા તેજસ્વી બને છે.

રક્તાતિસારમાં અર્જુનની છાલ દૂધ સાથે ખૂબ ફાયદાકારક છે.

જે દર્દીને અતિક્ષુધા લાગતી હોય તેણે અર્જુનની છાલના ચૂર્ણને અડદના લોટ કે ઘઉના લોટ સાથે ઘીમાં શેકી તેમાં ખડીસાકરનું ચૂર્ણ મેળવી શીરા જેવું બનાવી તેનું ભેસના દૂધ સાથે સેવન કરવુ જેનાથી અતિક્ષુધાની સમસ્યામાંથી મુક્તિ મળે છે.

અસ્થિભગ્ન કે ફ્રેક્ચરમાં પણ અર્જુનની છાલનું ચૂર્ણ ઘી અને સાકર સાથે લેવાથી સોજામાં દુખાવામાં અને અસ્થિસંધાનની પ્રક્રિયામાં ખૂબ ઝડપથી લાભ થાય છે.

મહાભારતના અર્જુનની જેમ આ ઔષધરૂપ ''અર્જુન'' પણ અનેક ગુણોથી ભરપૂર છે. અને મનુષ્યને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર ભયંકર હૃદયરોગમાં તેનો ઉપાય અદ્ભૂત પરિણામ આપે છે. તેથી હૃદયરોગના દર્દીઓએ વૈદ્યની સલાહ મુજબ તેનું સેવન કરવું નિ:સંચય લાભદાયી છે.

- જ્હાનવીબેન ભટ્ટ

Tags :