ઊંઘ આપણા જીવનનો અતિમહત્ત્વનો તથા કુદરતી હિસ્સો છે અને શ્વાસ તથા આહારની જેમ આપણા અસ્તિત્વ માટે આવશ્યક છે. પૂરતી ઊંઘ આપણી કામગીરી અને સર્જનાત્મક્તા વધારવામાં મદદરૂપ થાય છે. ઘણા લોકો આખી રાત પડખાં ફેરવતાં રહે છે. તેઓ ઊંઘ અથવા ઊંઘની ઊણપ માટે કેટલીક દ્દઢ માન્યતાઓ અને ખોટા ખ્યાલ ધરાવતા હોય છે.
૧) કસરત કરવાથી થાકી જવાય છે અને એથી સારી ઊંઘ આવે છે :
સૂતાં પહેલાં નહીં, પણ દિવસ દરમિયાન નિયમિત કસરત કરવાથી સારી ઊંઘ આવે છે. નિષ્ણાતો કહે છે કે ઊંઘવાના સમય પહેલાં કસરત કરવાથી શરીરનું તાપમાન વધે છે, જેને લીધે શરીર જાગૃત થાય છે અને ઊંઘ આવવામાં મુશ્કેલી થાય છે. આ વધેલું તાપમાન પાંચ-છ કલાકે સામાન્ય થાય ત્યારે જ નિંદર આવે છે.
૨) વયસ્કોને ઓછી ઊંઘ જોઈએ :
નિષ્ણાતો દરેક વયસ્ક માટે કુલ સાતથી આઠ કલાકની ઊંઘની ભલામણ કરે છે. ઊંઘવાની શૈલી કદાચ બદલાય, પરંતુ તેમને યુવાનો જેટલી જ ઊંઘની જરૂર છે. વરિષ્ઠ નાગરિકોને રાત્રે ઘણી વાર ઊઠવું પડતું હોવાથી અપૂરતી ઊંઘને લીધે તેઓ બપોરે ઝોકું ખાઈ લે છે.
૩) નસકોરામાં બોલવાં એ સામાન્ય અને નિરુપદ્રવી છે :
મોટેથી નસકોરાં બોલવાની તકલીફ લાંબા સમયથી હોય તો એ ઓબસ્ટ્રેક્ટિવ સ્લીપ એપ્નિયા (ઓએસએ) તરીકે ઓળખાતી જીવલેણ સ્થિતિનું લક્ષણ હોઈ શકે. ઓએસએ રક્ત અને ઓક્સિજનો સ્તર ઘટાડી હૃદય અને શ્વસન પ્રક્રિયા પર દબાણ વધારે છે. જો એની સારવાર ન કરાય તો હૃદયરોગનું જોખમ રહે છે. જોકે, સારા સમાચાર એ છે કે સ્લિપ એપ્નિયાનો ઈલાજ શક્ય છે.
૪) સૂતી વખતે ટીવી જોવાથી ઊંઘ આવે છે
ટીવી જોવાની ઉત્તેજના ઊંઘવામાં સમસ્યા સર્જી શકે. વધારામાં ટીવી, કોમ્પ્યુટર અને સ્માર્ટ ફોન બ્લુ રંગનો પ્રકાશ છોડે છે. આ બ્લૂ લાઈટના સંપર્કમાં આવવાથી આપણું શરીર ઊંઘવા માટે જરૂરી મેલાટોનિન નામનું હોર્મોન ઉત્પન્ન કરવાનું બંધ કરે છે અને આપણે જાગતા રહીએ છીએ. સંશોધનમાં જણાયું છે કે બ્લૂ લાઈટ મગજને એવું પ્રતીત કરાવે છે કે આ દિવસ છે અને એથી ઊંઘમાં અવરોધ આવે છે.
૫) મદ્યપાનથી સારી ઊંઘ આવે છે :
આલ્કાહોલ કુદરતી શાંતિદાયક અસર ધરાવે છે અને તમને થાકનો અનુભવ કરાવી જલદી ઊંઘવામાં મદદ કરે છે. રાત્રી દરમિયાન આ આલ્કોહોલ તમારા શરીરમાં રાસાયણિક પ્રક્રિયા કરે છે, તમારી ઊંઘ ધીમેધીમે પાંખી થતાં વહેલા ઊઠી જવાની શક્યતા વધી જાય છે.
૬) ઊંઘ આવવામાં સમસ્યા અનિદ્રાનું લક્ષણ છે :
અનિદ્રાનાં લક્ષણો : રાત્રે ઊંઘ આવવામાં સમસ્યા રાત્રે ચોક્કસ સમયે ઊંઘ ઊડી જવી. બહુ વહેલાં ઊઠી જવું અને પાછી ફરી ઊંઘ આવવામાં સમસ્યા. સવારે વહેલાં ઊઠયા બાદ પણ સુસ્તી અનુભવવી. ઊંઘ આવવામાં મુશ્કેલી અથવા અન્ય તબીબી અથના માનસિક સમસ્યા અનિદ્રામાં કારણો હોઈ શકે છે. અનિદ્રાનો ઈલાજ શક્ય છે. અઠવાડિયામાં ત્રણેક વાર પણ આ લક્ષણો જોવા મળતાં હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
૭) દિવસે ઊંઘવું એ રાત્રે અપૂરતી ઊંઘ હોવાનું સૂચક છે :
સત્ય તો એ છે કે રાત્રે પૂરતી ઊંઘ મળી હોવા છતાં વ્યક્તિને દિવસ દરમિયાન ઊંઘ આવી શકે છે. આવી ઊંઘને સ્લિપ ડિસઓર્ડર અથવા તબીબી સમસ્યાનું લક્ષણ હોઈ શકે.
૮) દિવસે સૂવાથી રાત્રે જલદી ઊંઘ આવતી નથી :
બપોરે નાનકડું ઝોકું ખાઈ લેવાથી તમારી સુસ્તી ઊડી જશે અને તાજગી અનુભવશો. જોકે, એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આ ઝોકું બહું લાંબું ન હોવું જોઈએ અથવા સાંજે સૂવું ન જોઈએ. એનાથી તમારા શરીરની ઘડિયાળ ખોરવાઈ શકે છે. વીસેક મિનિટ સૂઈ જવાથી તમે હળવી નિદ્રામાં રહેશો અને તાજગીની અનુભૂતિ સાથે ઊઠશો.
- અવંતિકા


