મહાનગરોમાં વસતા મોટભાગના લોકો રાત્રિભોજન ઘણું મોડું લે છે. એટલું જ નહીં, તેઓ રોશનીથી ઝળહળ થતાં વાતાવરણમાં ભોજન ઝટપટ ગળા નીચે ઉતારીને જમવાનું કામ પૂરું કરે છે. પરંતુ તાજેતરમાં થયેલા એક અભ્યાસ અનુસાર ઓછા પ્રકાશમાં ધીમી ગતિએ ચાવી ચાવીને ખાવાથી વજન ઘટે છે. જ્યારે તમે હળવી રોશનીમાં ભોજન લેવા બેસો છો ત્યારે તમને ભૂખ ઓછી લાગે છે. સ્વાભાવિક રીતે જ તમે ઓછું ખાઓ છો જે તમારું વજન ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
જર્નલ ઑફ કન્ઝયુમર રિસર્ચના એક અભ્યાસ મુજબ ડિમ લાઈટમાં હળવું સંગીત વાગી રહ્યું હોય ત્યારે તમારી ભોજન ગ્રહણ કરવાની ગતિ પણ ધીમી પડી જાય છે. અને જ્યારે તમે ધીમે ધીમે, ચાવી ચાવીને ખાઓ છો ત્યારે પેટને સંતોષ થવાનો સંકેત મગજ સુધી સમયસર પહોંચે છે. આમ વધારે ખાવાની સંભાવના ઘટે છે.
બીજી તરફ જો તમે શોરબકોર વચ્ચે તેજ રોશનીમાં આહાર લો છો ત્યારે મગજને પેટ ભરાઈ ગયું હોવાનો સંકેત મોડો મળે છે. સ્વાભાવિક રીતે જ તમારાથી થોડું વધુ ખવાઈ જવાય છે. તજજ્ઞાો કહે છે કે હળવા પ્રકાશમાં અને શાંત વાતાવરણમાં ભોજન લેવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે એ વાત સાચી, પરંતુ તે વાતાવરણ આપણા તન-મનને શી રીતે પ્રભાવિત કરે છે. એ પણ એટલું જ મહત્વનું છે. હળવી રોશનીમાં મન-મગજ શાંત રહેવાથી માનસિક તાણ અને ચિંતા ઓછી થઈ જાય છે, પરિણામે કોર્ટિસોલ (તણાવ પેદા કરતાં હોર્મોન)નું સ્તર ઘટે છે. વાસ્તવમાં કોર્ટિસોલનો સ્રાવ વધારે થાય ત્યારે ભૂખ વધુ લાગે છે. આ રીતે વધુ ખાવાને ઈમોશનલ ઇટિંગ પણ કહેવામાં આવે છે. હળવા વાતાવરણમાં ભોજન ગ્રહણ કરવાથી ઈમોશનલ ઇટિંગ પર અંકુશ રહે છે. સ્વાભાવિક રીતે જ તમે પ્રમાણમાં ઓછું ભોજન લો છો જે છેવટે વજન ઘટાડે છે.
અન્ય એક અભ્યાસ અનુસાર શાંત અને આરામદાયક વાતાવરણમાં જમવાથી પાચનતંત્ર પણ સુચારું રીતે કામ કરે છે. આની સકારાત્મક અસર ચયાપચયની ક્રિયા પર જોવા મળે છે. જ્યારે મેટાબોલિઝમ વ્યવસ્થિત હોય ત્યારે શરીર વધુ કેલેરી બાળે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
- વૈશાલી ઠક્કર


