આજની યુવા પેઢીને સ્વાસ્થ્ય માટે સારા હેલ્થ ફુડ્સની વાત આવે ત્યારે સૌથી પહેલા કેલ કે ચિયા સીડ્સ જેવા વિદેશી ભપકાદાર 'સુપરફુડ્સ' તરત યાદ આવે. પરંતુ સવાર કે સાંજના નાસ્તા માટે સાદી દેશી વસ્તુઓ બેસ્ટ બની રહે છે. દાખલા તરીકે, ચોખામાંથી બનતા મમરા ગુજરાતીઓના ઘરમાં ચણા-મમરાનો ડબો ન ભર્યો હોય એવું ભાગ્યે જ બને. ગૃહિણીઓ ખાસ કરીને નાના બાળકો અને વયસ્ક વડીલો માટે ચણા-મમરાનો ડબો અચુક ભરી રાખે. પચવામાં હલકા હોવાથી ગુજરાત જ નહિ, દુનિયા આખીના લોકો મમરા ભાવે છે.
ભારતમાં મમરા વગરની ભેળપુરીની કલ્પના પણ ન કરી શકાય. એ ઉપરાંત હમણાંથી બ્રેકફાસ્ટમાં સિરિયલ્સમાં મમરા નાખીને ખાવાનો પણ ટ્રેન્ડ શરૂ થયો છે. મમરાને મહારાષ્ટ્રમાં કુરમુરા અને બંગાળમાં મૂડી કહેવાય છે. એ અંદરથી ભલે પોલા અને ફુંક મારો તો ઊડી જાય એના વજનમાં હલકા હોય પણ એના પ્રેક્ટીકલ હેલ્થ બેનિફિટ્સ ગણ્યા ગણાય નહિ એટલા છે. એટલે જ નાસ્તા માટે મમરા એક ઉત્તમ પસંદગી બની રહે છે.
કેટલાકને પેટભરીને નાસ્તો ઝાપટવો ગમે છે. થોડાક અમથા નાસ્તાથી એમને સંતોષ નથી થતો. સાથોસાથ તેમને વધુ ખાવાથી વધુ પડતી કેલરી પેટમાં ઠલવવાની ચિંતા પણ સતાવે છે. આવા મહાનુભવો મમરાને પોતાના બેસ્ટ ફ્રેન્ડ ગણી શકે. એક વાટકો મમરામાં માંડ ૫૦ કે ૬૦ કેલરી હોય છે. એટલે તમારા ડાયટ પ્લાનમાં ખલેલ પાડયા વિના મમરા ખાઈને તમે દબાવીને નાસ્તો કરવાની તમારી ઇચ્છા પુરી કરી શકો છો.
બહુ ઓછા લોકો એ વાતથી વાકેફ હશે કે મમરા કાર્બોહાઇડ્રેટસથી ભરપુર હોય છે, જે આપણાં દેહ માટે ઉર્જાનો પ્રમુખ સ્રોત છે. વળી, મમરા પહેલેથી રાંધીને ફુલાવેલા હોવાથી ઝડપથી પચી જાય છે. એટલે જ એ નાના-મોટા સૌ માટે આરોગ્યપ્રદ ખોરાક બની રહે છે. યુવાનો પણ એને વર્કઆઉટ પહેલા ખાવા માટે ઓછા ફેટવાળો ફેન્ટાસ્ટિક સ્નેક માને છે. મમરા ખાવાથી પેટ ભારે નથી લાગતું અને સુસ્તી પણ નથી લાગતી અને એકસરસાઇઝ માટે જરૂરી એનર્જી ઝડપથી મળી જાય છે.
મમરા વર્ચ્યુઅલી ફાયબર-ફ્રી અને એકદમ હળવાફુલ હોવાથી એ પેટ માટે એકદમ અનુકુળ વસ્તુ બની રહે છે. કોઈ વ્યક્તિ પાચનની સમસ્યાથી પાડાતી હોય, પેટ ભારે લાગતું હોય કે એના આંતરડા બહુ નબળા અને સંવેદનશીલ હોય તો એને માટે મમરા આશીર્વાદ સમાન બની રહે છે. પેટના એન્ઝીમ્સ વધારાની તાણ ઊભી કર્યા વિના મમરાને સહેલાઈથી તોડી પાચન ક્રિયાને સરળ બનાવી શકે છે.
સેલિયાકની બીમારીથી પીડાતા કે ગ્લુટન સેન્સિટીવિટીનો સામનો કરતા લોકો માટે કોરા મમરા એકદમ સુરક્ષિત ખોરાક છે. તમે વઘાર્યા વિનાના પ્લેન મમરા ખાવ તો એમાં ફેટ અને કોલસ્ટ્રેરોલનું પ્રમાણ શૂન્ય હોવાનું. એટલે જ એ ખાવાથી આપણાં હૃદયને કોઈ નુકસાન થવાના ડર નથી રહેતો.
ઈન શોર્ટ, મમરા એક પોષક ખાદ્ય પદાર્થ છે. એ મૂળભૂત રીતે સ્વાસ્થ્યપ્રદ ખરા પણ એમાં તમે શું ઉમેરો છો એ પણ મહત્ત્વનું છે. તમે મમરામાં શેકેલા સીંગ-ચણાં, તાજા શાકભાજી અને થોડો મસાલો નાખીને વઘારો તો એ બહુ જ પોષક-વાનગી બની રહે છે. પરંતુ મમરાને જો ગળચટ્ટા સિરપ્સ અથવા બહુ ખારા તેલમાં ડુબાડી દેવાની સ્વાદ માટે ચેષ્ટા કરાય તો એ એકદમ અનહેલ્ધી ફુડ બની જાય છે.
- રમેશ દવે


