Get The App

શિયાળામાં ગાજર ખવાય એટલા ખાવ .

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
શિયાળામાં ગાજર ખવાય એટલા ખાવ                           . 1 - image

શિયાળાની ઋતુ એટલે ગાજરની ઋતુ. સૂરતી પાપડીની સાથે ગાજરનો હલવો, ગાજરનું કચુંબર કે પછી ગાજરનું અથાણું થાળીમાં પિરસાયેલું હોય તો ખાવાની મજા જ કંઈ ઓર હોય. 

ગાજર માત્ર ભારતમાં  નહીં પરંતુ વિશ્વભરમાં હોંશે હોેંશે ખવાય છે. ગાજર એક શક્તિવર્ધક વનસ્પતિ છે. ગાજરના લીલા પાન ખૂબ જ પૌષ્ટિક છે તેમ જ આ પાન પ્રોટીન, વિટામીન  અને જરૂરી એવા ખનીજ તત્ત્વોથી ભરપૂર હોવાનું આહારશાસ્ત્રીઓનું જણાવે છે. 

ગાજરમાં વિટામીન 'એ' ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે. ગાજરમાં રહેલાં કેરોટીન નામનાં તત્ત્વને વિટામીન 'એ'માં રૂપાંતરીત કરીને યકૃત તેનો સંગ્રહ કરે છે. વિટામીન 'એ' ઉપરાંત ગાજરમાં અન્ય ગુણધર્મો પણ રહેલા છે. ગાજરનું પૃથ્થકરણ કરવામાં આવતા સો ગ્રામ ગાજરમાં ૮૬.૦ ટકા પાણી, ૦.૯ ટકા પ્રોટીન ૦.૨ ટકા ચરબી, ૧.૧ ટકા ખનીજતત્ત્વ ૧.૨ ટકા રેષા, અને ૧૦.૬ ટકા કાંજી મળી આવશે. આ ઉપરાંત કેલ્શ્યિમ ૮૦ મિલિગ્રામ, ફોસ્ફરસ ૫૩૦ મિલીગ્રામ, લોહતત્ત્વ ૨.૨ મિલીગ્રામ, રિબોફ્લેવિન ૦.૨૨ મિલીગ્રામ, નિઆસીન ૦.૬ મિલીગ્રામ અને વિટામીન 'સી' ૩ મિલીગ્રામ મળી આવશે. સો ગ્રામ ગાજર ૪૮ કેલેરી જેટલી શક્તિ આપે છે.  આ પરથી એટલું તો સાબિત થઈ જશે કે માત્ર સો ગ્રામ ગાજર પણ કેટલું પૌષ્ટિક છે!

આટલું ઓછું હોય તેમ ગાજરમાં સોેડિયમ, સલ્ફર અને ક્લોરીન પણ રહેલાં છે. તદુપરાંત તેમાં અલ્પમાત્રામાં આયોડિન હોય છે. એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોેઈએ કે  મોટાભાગના ખનીજ તત્ત્વો ગાજરની છાલમાં જ રહેલા હોવાથી તેની છાલ ઊતાર્યા વગર જ તેનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ.

ગાજરમાં રહેલું આલ્કલાઈન તત્ત્વ રક્ત શુદ્ધ કરે છે અને રક્તમાં એક નવું બળ ઉત્પન્ન કરે છે. ગાજરનો ઉપયોગ શરીરમાં એસિડ અને આલ્કલાઈનનું યોેગ્ય પ્રમાણ જાળવી રાખવામાં મદદરૂપ બને છે.

ગાજરના રસમાં એક જાદુઈ શક્તિ રહેલી છે. તે એક આરોગ્ય વર્ધક પીણાની ગરજ સારે છે.     આંખોનું તેજ વધારવા માટે ડોેક્ટરો ગાજરનો ઉપયોગ કરવાની સલાહ આપે તો નવાઈ પામશો  નહીં. આ ઉપરાંત સૂકી અને બરછટ ચામડીની સારવાર માટે પણ ગાજર વરદાનરૂપ છે.

જમ્યા બાદ તરત જ કાચુ ગાજર ચાવવાથી મોઢામાં રહેલા નુકસાનકારક જીવાણુંઓ નાશ પામે છે. દાંતોના પોલાણમાં રહેલા ખોરાકના કણો દૂર થાય છે. આ ઉપરાંત દાંતોનો ક્ષય અને પેઢાના રોગ પણ ગાજર ખાવાથી દૂર થવાના દાખલાઓ મળી આવશે.

ગાજર ચાવવાથી મોઢામાં ઉત્પન્ન થતી લાળને કારણે ખોેરાકનું પાચન ઝડપી બને છે. ગાજરનો રોજિંદો વપરાશ ગેસ્ટ્રીક અલ્સર જેવા રોગોથી બચાવે છે. તેનો  રસ નબળી પાચનશક્તિને કારણે થતા રોગોથી પણ બચાવ કરે છે. આ ઉપરથી આટલું તો જરૂરથી કહી શકાશે કે મોંઘી દાટ દવાઓનો વપરાશ કરી રોગની સારવાર લેવા કરતા દિવસમાં સોે ગ્રામ ગાજર ખાવું વધુ ફાયદાકારક છે.

ગાજર, પાલક  અને લીંબુનો રસ કબજિયાત દૂર કરે છે. કબજિયાત દૂર કરવાની ઈચ્છા ધરાવતા લોકો તાબડતોબ પરિણામ લાવવાની ઈચ્છા રાખતા હોય તો તે તેમની ભૂલ છે. કારણ કે કબજિયાત દૂર કરવા આ પ્રયોગ લગભગ બે મહિના સુધી સતત કર્યા બાદ ધાર્યું પરિણામ મેળવી શકાશે. આ માટે ૨૫૦ મિલીલીટર ગાજરના રસમાં ૫૦ મિલીલીટર પાલકનો રસ ભેળવી આજે જ પીવાની શરૂઆત કરો પછી જુઓ બે મહિનામાં જ કબજિયાની ફરિયાદ કાયમી દૂર થશે.

અતિસારની  બીમારીમાં ગાજર એક કુદરતી દવાની ગરજ સારે છે. અતિસારને કારણે શરીરમાંથી પ્રવાહી ઓછું થઈ જાય છે. ગાજરનો રસ શરીરને જોઈતું પ્રવાહી પૂરું પાડે છે. સાથે સાથે સોડિયમ, પોટેશિયમ ફોેસ્ફરસ, કેલ્શ્યિમ, સલ્ફર અને મેગ્નેશિયમ પૂરા પાડે છે અને આંતરડાની બળતરામાં રાહત આપે છે.

નુકસાનકારક જીવાણુઓને વધતા અટકાવવામાં ગાજરનો ફાળો નાનોસૂનો નથી. ઊલટીઓ અટકાવવી હોય તો ગાજર જેવી અસરકારક દવા મળશે નહીં. બાળકોને માટે ગાજર ખૂબ જ વરદાનરૂપ ગણાય છે. ૧૫૦ મિ.લી. પાણીમાં ૫૦૦ ગ્રામ ગાજર બાફીને  તેનો રસ ગાળી તેમાં ઉકાળેલું પાણી ઉમેરી તેને એક લીટર  જેટલું બનાવી મીઠું નાખી દર અડધા કલાકે દરદીને આપવાથી ૨૪ કલાકની અંદર ફાયદો જોવા મળશે.

નાના બાળકોને કૃમિની ફરિયાદ રહે છે. આ ફરિયાદ દૂર કરવા માટે ગાજર જેવું ઉપયોગી શસ્ત્ર મળશે નહીં. છીણેલા ગાજરનો નાનો કપ રોજ સવારે લેવામાં આવે તો કૃમિનો ત્રાસ દૂર થાય છે.

ગાજરના મૂળિયાનો ભાગ ગરમ પાણીમાં થોડા સમય સુધી રાખી એ પાણી જમતા પહેલાં દિવસમાં ત્રણ વખત પીવાથી મૂત્રપિંડ અને મૂત્રાશય મજબૂત બને છે. કાચા ગાજરનૅો રસ આંખ, ગળા, ટોન્સીલ્સ અને શરદીના ચેપને દૂર કરે છે. ટૂંકમાં કહીએ તો શ્વસનતંત્રના અવયવોેને ચેપથી બચાવે છે.

મધ્યમવયે પહોેંચેલા વ્યક્તિની જાતીયતા મંદ પડે છે. અડધું બાફેલું ઈંડુ અને ગાજરને મધમાં ડૂબાડી એક-બે મહિનાસુધી રોજ એકવાર ખાવાથી આ ફરિયાદ દૂર થાય છે. આ જ કારણને લીધે યુનાની તબીબ પધ્ધતિમાં ગાજરનો હલવો ખાવાનો નિર્દેશ કરવામાં આવ્યોે છે.  માસિક સ્ત્રાવ ઓછું આવવું, પ્રસૂતિ બાદ ધાવણ ઓછું આવવું કે પછી બાળકને સતત દૂધ પાવાને કારણે અથવા તો માસિક ઋતુ ચક્ર બંધ થવાને કારણે છાતીના દુ:ખાવાની ફરિયાદ મહિલાઓમાં સામાન્ય રીતે જોવા મળતી હોય છે. એક ચમચી ગાજરના બી એક ગ્લાસ ગાયના દૂધમાં દસ મિનિટ સુધી ઉકાળી રોજ લેવામાં આવે તો આ ફરિયાદ પણ દૂર થઈ શકે છે. કેટલીક વાર તો કાચા ગાજરના સેવનથી વંધ્યત્વ પણ દૂર થઈ શકે છે. આજકાલ ગર્ભનિરોધક સાધનો તેમ જ ગોળીઓ બજારમાં મળે છે અને મોટા ભાગે લોકો તેના પર આધાર રાખતા હોય છે પરંતુ ગણ્યાંગાંઠયા લોકો જ જાણે છે કે સૂકું ગાજર ચાવવાથી ગર્ભ રહેવાની શક્યતા ઘટી જાય છે. રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રયોગ ઘણી પેઢીઓથી ચાલ્યો આવે છે. રાજસ્થાનના પ્રાણીશાસ્ત્રીઓ  એ પણ ગ્રામીણવાસીઓના આ પ્રયોગ ઉપર સંશોેધન  કરી  આ પ્રયોગની તથ્યતા શોધી કાઢી હતી.

આરોગ્ય માટે મહત્ત્વપૂર્ણ એવું આ ગાજર જુદી જુદી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. કેટલાક તેને કાચુ ખાય છે, કેટલાક તેને બાફીને અથવા રાંધીને ખાવાનું પસંદ કરે છે તો કેટલાક તેનો સૂપ અથવા રસ પીવાનું પસંદ  કરે છે. પરંતુ કાચા ગાજરનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ છે.

ગર્ભધારણના શરૂઆતના મહિનામાં ગાજરના બી ખાવાથી ગર્ભપાતની શક્યતા રહેલી હોવાથી આ સમયે ગાજરના બીનો ઉપયોગ ટાળવો હિતાવહ છે.

- અમલા