- લગ્નદિનને યાદગાર બનાવવા યુવાનો માટે ઘણા વિકલ્પો છે
ભારતીય લગ્ન એટલે ઝાકઝમાળ, ઠાઠમાઠ અને ભપકાદાર લગ્ન. નવવધૂને જોતાં જ બંને પક્ષની સમૃદ્ધિનો અંદાજ આવી જાય છે. આજે ફેશનવર્લ્ડમાં ઘણો બદલાવ આવ્યો હોવા છતાં વરવધૂ કરતાં વરરાજાનો ગેટઅપ થોડો ફિક્કો જ લાગે છે. જીવનના અત્યંત મહત્ત્વના દિવસે દુલ્હો દુલ્હન કરતાં થોડો ડલ જ દેખાય છે.
નવવધૂ સિલ્કની ભારે સાડી, કે ડિઝાઈનર ઘાઘરામાં ભારે આભૂષણો અને મેકઅપથી સજ્જ હોય છે. જ્યારે વરરાજા જેકેટ સુટ અથવા સિલ્કના કુર્તા પાયજામા પહેરેલો જોવા મળે છે.
મોટાભાગના યુવકો પ્રશ્ન પૂછે છે કે, લગ્નના દિવસે પહેરવા માટે અમારી પાસે કેટલા વિકલ્પ છે? લગ્નની વિધિ સમયે સિલ્કના કુર્તા પાયજામા અને રીસેપ્શનમાં વેસ્ટર્ન સુટ પહેરવાનું જ ચલણ છે.
પરંતુ હવે ૨૧મી સદીના આધુનિક યુવાનની ફેશનમાં જબરજસ્ત બદલાવ આવ્યો છે. તે પોતાના દેખાવ પ્રત્યે વધુ જાગૃત બન્યો છે. અને ફેશનને લાગે વળગે છે ત્યાં સુધી તેનામાં જબરજસ્ત બદલાવ આવ્યો છે. મેટ્રોસેક્સ્યુઅલ પુરુષ ચીક, સ્લીક, સોફેસ્ટીકેટેડ અને વેલડ્રેસ બની રહ્યો છે. લગ્ન પહેલાં યુવાનો બ્યુટી પાર્લરમાં જઈને મેનીક્યોર, પેડીક્યોર અને હેર મસાજ કરાવે છે. તે ઉપરાંત જીવનના આ મહામૂલા દિનને યાદગાર બનાવવા તે કપડાની ખરીદીમાં પણ ખાસ્સો એવો સમય કાઢે છે.
પુરુષોના ટ્રેડીશનલ વસ્ત્રોની શ્રેણીમાં કાશ્મીરી અને કાથા વર્કની ફેશન છે. અર્થી રંગના ટસર સિલ્કના કપડામાં તે ખૂબ જ શોભે છે. હા, પુરુષો ચમકદમક કરતાં સાદી ડિઝાઈન વધારે પસંદ કરે છે. પહેલાં બીનનિવાસી ભારતીયો 'જોધપૂરી' અને 'શેરવાની' જેવા પારંપારિક વસ્ત્રોને પસંદ કરતા હતા ત્યારે ભારતીય વરરાજાઓ વેસ્ટર્ન આઉટફીટને પ્રાધાન્ય આપતાં હતાં.
પરંતુ હવે સમય બદલાયો છે. અને ભારતીય યુવકો પણ એથનીક લુકને અપનાવવા લાગ્યા છે. શુભપ્રસંગે કાળા રંગને અશુભ માનવામાં આવે છે. હવે અન્ય બ્રાઈટ રંગોને ભરત અને ઝરદોશી વર્ક સાથે પસંદ કરવામાં આવે છે. હવે દુલ્હાના વસ્ત્રોમાં ઝરદોશી વર્કની ફેશન શરૂ થઈ ગઈ છે. ફૂલોની અન્ય ડિઝાઈન ધરાવતાં ટસર સિલ્કના કુર્તા અથવા જામેવાર અને બ્રોકેડની શેરવાની ઉપર આકર્ષક સ્ટોલ્સ પહેરવાથી દુલ્હાનું વ્યક્તિત્ત્વ આગવું બની જાય છે.
હવે તો દુલ્હા-દુલ્હનના વસ્ત્રોના રંગની પસંદગી મેચ કરવામાં આવે છે. એમ્બ્રોઈડરીમાં પણ એકરૂપતા જોવા મળે છે. જામેવાર અને લાયક્રાને પણ સારા પ્રમાણમાં પસંદ કરવામાં આવે છે. આકર્ષક વ્યક્તિત્વ અને સારી ઊંચાઈ ધરાવતાં વરરાજા જામેવાર સિલ્કના પારંપારિક વસ્ત્રોને પસંદ કરે છે. 'જોધપૂરી' અને 'શેરવાની' ની કિંમત રૂ. ૧૫ થી ૨૫ હજાર સુધીની છે.
સુટની વેરાયટીમાં ૬ થી ૭ બટન ધરાવતા ઈટાલીયન ડિઝાઈનના સીંગલ બ્રીસ્ટેડ સૂટની ફેશન વધારે છે. ભારતીય વસ્ત્રો છ થી વીસ હજારની વચ્ચે જ્યારે સૂટ રૂ. સાતથી બાર હજારની વચ્ચે મળે છે.
સુટ ખરીદતી વખતે સીવડાવતા પહેલાં કપડું, કિંમત અને સ્ટાઈલને ધ્યાનમાં રાખો. અમુક કંપનીના ઉત્પાદનો એક મીટરના રૂ. ૮૦૦ની કિંમતથી શરૂ થાય છે. તેની સુટની સ્ટાઈલ તદ્ન અનોખી હોય છે. સીંગલ બ્રીસ્ટેડ, થ્રી બટન, નેરો લેપલ ક્લાસીક જેવી વેરાયટી ઘેરા રંગમાં લગ્નના દિન માટે ખાસ બનાવવામાં આવે છે.
જો તમારી પાસે તમારી વ્યક્તિગત આગવી પસંદ હોય તો તમારે કોઈ ટ્રેન્ડને અનુસરવાની જરૂર નથી. કારણ કે, તમને શું શોેભશે તેની સૌૈથી વધારે જાણ તો તમને પોતાને જ હશે.
વસ્ત્રોની પસંદગી બાદ ઘડિયાળ, ચેન, બ્રેસલેટ, શૂઝ, મોજડી, કફલીંગ, ટાઈપીન, વગેરે એસેસરીઝ પણ પસંદ કરતી વખતે થોડી કાળજી રાખવી જરૂરી છે.
- નયના


