Get The App

ચહેરાના મેકઅપ વખતે કાનની ઉપેક્ષા ન કરશો

Updated: Apr 15th, 2024

GS TEAM

Google News
Google News
ચહેરાના મેકઅપ વખતે કાનની ઉપેક્ષા ન કરશો 1 - image


મોટાભાગે જોવા મળે છે કે સ્ત્રીઓ ચહેરાને મેકઅપ ખૂબ જ કાળજીપૂર્વક કરે છે પણ કાનને એમને એમ જ મેકઅપ કર્યા વગર જ રહેવા દે છે અને એમાં આભૂષણો પહેરી લે છે, જેથી ચહેરાની ત્વચાના રંગ અને કાનની ત્વચાના રંગમાં ખૂબ જ અંતર પડી જાય છે, જે દેખાવમાં ખૂબ જ ખરાબ લાગે છે અને ચહેરો વરવો લાગે છે. એથી ચહેરાના મેકઅપની સાથોસાથ ગરદન તથા કાનની ઉપર પણ મેકઅપ કરવો જરૂરી બને છે, જેથી સમગ્ર મસ્તકના અંગો, મોં (ચહેરો), ગરદન, કાન, બધાંની ત્વચા એકસરખી લાગે.

મેકઅપ કરતી વખતે સૌ પહેલાં ફાઉન્ડેશનને ટપકાંરૂપે ચહેરા, ગરદન અને કાન ઉપર લગાવો અને ત્યારબાદ હળવા હાથે બધે એક સરખો પ્રસરી જાય એમ લગાવો. કાનની અંદરની બાજુ પણ ધીરે ધીરે આંગળીથી ફાઉન્ડેશન લગાવો, ત્યાર પછી આછો કોમ્પેક્ટ ચહેરા, ગરદન અને કાન ઉપર લગાવો. ચહેરા ઉપર રૂઝ લગાવો, તે સમયે કાન ઉપર પણ હલકા હાથ રૂઝ ફેરવી લો.

ચોરસ ચહેરો: 

ચોરસ ચહેરા ઉપર ગાલનાં હાડકાં ચોરસ હોવાને લીધે તે ભારે- ભારે લાગે છે અને તેથી કાન નાના દેખાય છે. કાનને લાંબા દેખાડવા માટે જ કાનના છેડા પર હલકું ફાઉન્ડેશન લગાડવું. બ્રશની મદદથી રૂઝને બંને છેડા વચ્ચે લંબાઈમાં લગાડવી.

લાંબો ચહેરો: 

લાંબા ચહેરા પર કાન પાતળા અને લાંબા લાગે છે. કાનને પહોળા દેખાડવા માટે ફાઉન્ડેશનને વચ્ચે ઘટ્ટ અને કાનથી થોડે નીચે સુધી ફાઉન્ડેશનની લાઈન આપો. રૂઝને કેવળ નીચેના છેડા પર પહોળાઈમાં થોડુંક હલકું લગાડો.

ત્રિકોણ ચહેરો: 

માથું નાનું અને હડપચીનો ભાગ પહોળો હોય, તો કાન પણ નાના લાગે છે એને લાંબા દેખાડવા માટે ફાઉન્ડેશન લગાડી એના બહારના છેડા પર ગાલને સ્પર્શ કરતાં હલકા હાથે બ્રશ કાનની હડપચી સુધી ફેરવી દો.

અંડાકાર ચહેરો: 

જો માથું પહોળું અને હડપચી પાતળી હોય, તો ગાલ બેસી ગયેલ લાગે છે અને કાન લાંબા દેખાય છે. કાનને નાના દેખાડવા માટે કાનની વચ્ચે હલકા ફાઉન્ડેશન અને છેડા પર ઘેરા ફાઉન્ડેશનની લાઈન આપો, પણ બંને એક સરખી એવી રીતે ભેળવો, કે ફાઉન્ડેશનના ડાઘા દેખાય નહીં. રૂઝ ફક્ત વચમાં જ લગાવો.

મોટાભાગે નકલી આભૂષણો પહેરવાને કારણે સ્ત્રીઓના કાન પાકી જાય છે અને લાલ થઈ જાય છે, જેથી તે સૂજી જવાની ફરિયાદ તેઓ કરે છે. જો કાન ઉપર જરા પણ જખમ થઈ જાય, તો તુરત ડોક્ટર પાસે ઈલાજ કરાવવો જોઈએ. નકલી ઘરેણાંને પણ થોડોક સમય પહેરીને ઉતારી નાંખવાં જોઈએ. કારણ કે કાનની ત્વચા ખુબ જ સંવેદનશીલ હોય છે. આ કારણે ત્વચાને એલર્જી થવાને લીધે આવાં આભૂષણ અનુકૂળ થતાં નથી.

ઝૂમખાં અથવા કાંપ કે ટોપ્સ પહેરવાથી કાન સૂજી ગયા હોય અને દુ:ખે તો મેકઅપની અગાઉ થોડીક બોરોલીન અથવા કોઈપણ એન્ટિસેપ્ટિક ક્રીમથી એકાદ મિનિટ સુધી બંને કાનના વીંધ પર માલિશ કરીને કાનના કાંપ પહેરો.

પણ જો પરૂ નીકળે તો સોના અથવા ચાંદીનાં આભૂષણો જ પહેરો, હંમેશાં કાપ અથવા ટોપ્સ પહેરતાં પહેલાં એ ભાગનો ડેટોલ અથવા સ્પિરિટથી કીટાણુરહિત કરી લો. ટોપ્સ ઉતાર્યા પછી પણ ડેટોલથી કાનના વીંઘને કીટાણુરહિત કરો.

યાદ રાખો કે કાન માત્ર સાંભળવા માટે જ નથી. આપણી મુખાકૃતિ કાન વિના અધૂરી અને ચીબા જેવી લાગે. કાન ચહેરાનો આકાર સંપૂર્ણ બનાવે છે. એટલે મુખારવિંદને સુંદર દેખાડવામાં કાનની ઉપેક્ષા ન થવી જોઈએ.

Tags :