Get The App

પ્રકાશ-પર્વમાં તમારા મતભેદોના પડછાયા બાળકો પર નહિ પડવા દેતા

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
પ્રકાશ-પર્વમાં તમારા મતભેદોના પડછાયા બાળકો પર નહિ પડવા દેતા 1 - image

- છૂટાછેડા પછી પત્નીની સાથે રહેતા પોતાનાં બાળકોને ભૂલવાની ભૂલ ક્યારેય ન કરો, કારણ કે તહેવારોમાં બાળકોની ગેરહાજરી એકલતાની અનુભૂતિ કરાવે છે. આથી આ દિવાળીના તહેવાર પર તમારાથી દૂર રહેતાં બાળકોને પોતાની પાસે બોલાવીને તેમને લાડકોડ કરાવો.

દિવાળી આવી રહી છે, લોકો ઘર અને બજારને સજાવવામાં વ્યસ્ત છે, દરેક પરિવારના દરેક સભ્યમાં ઉમંગ અને ઉત્સાહ છવાયો છે. બાળકો નવાંનવાં કપડાં, મીઠાઈઓ અને ફટાકડા ખરીદવાનાં સપનાંમાં ખોવાયેલાં છે, પરંતુ કેટલાંક બાળકો એવાં પણ છે કે જેના માટે દિવાળી માત્ર એક તહેવાર સમાન છે. તેમને ન ફટાકડા ફોડવાનું ગમે છે કે ન તો મીઠાઈ ખાવાનું. તેઓ આ દિવસે પોતાનાં મમ્મી-પપ્પામાંથી કોઈ એકને મિસ કરે છે, કારણ કે તેમનાં મમ્મીપપ્પાની વચ્ચે કાં તો છૂટાછેડા થઈ ચૂક્યાં છે અથવા તો તેઓ બંને અલગઅલગ રહે છે.

અંતર ઓછું કરો

પતિ માટે

* વીતી ગયેલી વાતોને ભૂલી જઈ વાતચીત કરવાની પહેલ કરો.

* દરેક વાત પર પોતાના અહમ્નો ડોળ ન કરો, બલકે સામે ચાલીને વાતને ઉકેલો.

* દરેક વાત પર પત્નીને દોષ ન આપો, કેમ કે એક હાથથી તાળી પડતી નથી.

* જો પત્ની નોકરી કરતી હોય તો તેની મુશ્કેલીઓને સમજો. ઝઘડાનું મૂળ જો વર્ક રૂટિન હોય તો પરસ્પર તાલમેલ સાધો કે જેથી ઘર્ષણની સ્થિતિ ઊભી ન થાય.

* તમારા પારસ્પરિક ઝઘડાની અસર બાળકો પર ન પડે, તેનું ધ્યાન રાખો. માતા-પિતાના પારસ્પરિક ઝઘડાઓમાં ઘણીવાર બાળકોની જિંદગી બરબાદ થઈ જતી હોય છે.

પત્નીઓ ધ્યાન આપો

* જો પતિની આદતો અને વર્તન તમને તેમનાથી દૂર કરવા લાગે તો સ્પષ્ટ શબ્દમાં પતિને કહી દો કે તેઓ પોતાની આદતો સુધારે.

* પતિની ચોવીસ કલાક જાસૂસી કરવાનું છોડો. દરેક સમયે પતિની સ્ટેપની બનીને ન રહો. થોડો સમય તેમને એકલા પણ છોડો.

* જો મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હોય અને પતિ સમાધાન કરવા માટે આગળ આવે તો તમારે પણ જૂની વાતોને ભૂલી જઈ બાળકો અને દાંપત્યજીવન માટે ફરી નવેસરથી જીવન શરૂ કરવા તૈયાર રહેવું જોઈએ.

આઈસીઆઈસીઆઈ બેન્કમાં નોકરી કરતા પ્રકાશ અને પ્રાઈવેટ કંપનીમાં ફેશન ડિઝાઈનર તરીકે નોકરી કરતી તેની પત્ની કિરણની વચ્ચે થયેલા સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. લગ્નનાં ૮ વર્ષ પછી બંનેના સંબંધોમાં કાયમ માટે તિરાડ પડી ગઈ. હવે તેઓ બંને ન તો એકબીજાનાં સુખમાં સામેલ છે કે ન તો દુ:ખમાં.

તેમનાં બંને બાળકો સંજય અને બબલી પોતાની મમ્મીની સાથે રહે છે. પ્રકાશ છૂટાછેડા પછી પોતાનાં માતાપિતાની સાથે એકલો જ રહે છે. કિરણે પણ બીજાં લગ્ન કર્યાં નથી. દર વર્ષે જ્યારે દિવાળીનો તહેવાર આવે છે ત્યારે પ્રકાશને મનમાં થાય છે કે તે બાળકોને જરૂર બોલાવશે, પરંતુ બોલાવી શકતો નથી, કેમ કે તે અસમંજસમાં અટવાયેલો હોય છે કે ક્યાંક કિરણ બાળકોને મોકલવાની ના પાડી દેશે તો.

આ દિવાળીના તહેવાર પર પ્રકાશે દ્દઢ સંકલ્પ કરી દીધો છે કે તે પોતાનાં બાળકોને પોતાની પાસે જરૂર બોલાવશે. આ વાત તેણે પોતાનાં માતાપિતાને પણ જણાવી. આ સાંભળીને બાળકોનાં દાદાદાદી પણ ઘણાં ખુશ છે.

- પહેલ કરતાં ન ખચકાઓ : પ્રકાશે પોતાનાં બંને બાળકોને આ દિવાળી પર પોતાના ઘરે આવવા માટે એસએમએસથી આમંત્રણ મોકલ્યું તો બાળકોએ પણ એસએમએસનો જવાબ આપી દીધો.

- મોટાભાગે : પતિપત્ની વચ્ચે જ્યારે અણબનાવ થાય છે ત્યારે બંનેની વચ્ચે અંતર વધતું જ જાય છે. બાળકોનો પ્રેમ મેળવવા માટે પહેલ કરવામાં કોઈ નાસમજદારી નથી. દિવાળીના બહાને તમે બાળકોની નજીક થઈ શકો છો. બાળકો પોતાનાં છે. તેમને પ્રતીક્ષા ન કરાવો, બલકે સ્વયં જઈને તેમને લઈ આવો.

- આખરે બાળકોનો શું વાંક : પ્રકાશનાં માતાપિતાએ તેને સમજાવ્યો કે તે સંજય અને બબલીનો પિતા છે. બાળકો પર તેનો પણ અધિકાર છે. ત્યારે પ્રકાશે પોતાની જાતને જ પ્રશ્ન કર્યો કે કિરણની સાથે તૂટી ગયેલા સંબંધમાં બાળકોનો શું વાંક. બાળકો નિર્દોષ છે. વારતહેવારો પર તેમની મજાક-મસ્તીથી જ રોનક વધી જાય છે. આવામાં એક પિતા તરીકેની જવાબદારી નિભાવીને દિવાળી પર બાળકોને પોતાની પાસે જરૂર બોલાવો.

- બાળકોએ શોપિંગ કરાવો : મંજુ અને મહાદેવ છૂટાછેડા લીધા વગર જ અલગ થઈ ગયાં હતાં. એક બાળક મંજુ પાસે હતું તો બીજું બાળક મહાદેવની પાસે. એવામાં દિવાળી પર મહાદેવની પાસે રહેતા બાળકે મમ્મી અને બહેનને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. મંજુ કહે છે કે તે દિવાળીના ૧ દિવસ પહેલાં પપ્પાની સાથે રહેતા પોતાના દીકરાને જરૂર મળશે.

તહેવારોમાં શોપિંગ કરવાની મજા જ કંઈક અલગ હોય છે. બાળકોની પસંદગી મુજબ શોપિંગ કરો. ખરીદી કરતી વખતે તેમની પસંદગીને મહત્ત્વ આપો. બાળકો સાથે ભાવનાત્મક જોડાણ હોય છે. તે વાતને ધ્યાનમાં રાખીને તમે એમને મહત્ત્વ આપો.

- વાતો શેર કરો : આ દિવાળી તહેવાર પર બાળકોને જણાવો કે એક પિતા હોવાના નાતે તમે તેમના ભવિષ્ય અને તેમના વિશે શું વિચારો છો.

પ્રકાશે સંજય અને બબલીને સૂચન કર્યું કે તેમને જેમાં રુચિ હોય તે તરફ વધારે ધ્યાન આપો. તેની સાથેસાથે તમારી ઈચ્છા પણ જણાવી દો કે તમે તેમને કઈ દિશામાં આગળ વધવા જોવા માંગો છો.

લગભગ ૪૦ વર્ષ પહેલાં રાજેશે બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધી લીધાં. આગ્રાથી દિલ્લી આવીને બીજી પત્ની સાથે રહેવા લાગ્યા. બીજી પત્નીની સાથે રહેવા છતાં તેઓ પોતાના બંને દીકરાઓ સાથે જોડાયેલા રહ્યાં. તેમનાં લગ્ન, શિક્ષણ ઉપરાંત દરેક દિવાળી તેમની સાથે મનાવે છે. દીકરાઓની સાથે પોતાની લાગણીઓ શેર કરતા રહે છે.

- ખાનપાન પર ધ્યાન આપો : બાળકોની નાનીમોટી જરૂરિયાતોને પૂછીને તેનું ધ્યાન રાખો. દિવાળીના તહેવાર પર ચોકલેટ, આઈસ્ક્રીમ, મીઠાઈ વગેરેની પૂરી વ્યસ્થા કરો. પકવાનોની સોડમ બાળકોને ખુશ કરવાની સાથેસાથે તહેવારોની મજા પણ બમણી કરી દે છે.

પ્રકાશની માતાએ પોતાનાં પૌત્રપૌત્રી માટે ખાવાપીવાની ચીજવસ્તુઓની સાથેસાથે તેમના માટે ફટાકડા પણ ખરીદી રાખ્યા છે. ઝગમગતી દિવાળીમાં દૂર થઈ ગયેલાં બાળકોનો સંગાથ તેમને ઘણી ખુશી આપશે.

- ગેરસમજ દૂર કરો : ઘણીવાર છૂટાછેડા પછી બાળકોના મનમાં પણ પપ્પા પ્રત્યે ગેરસમજ ઊભી થઈ જતી હોય છે. મમ્મી સાથે રહેતાં બાળકોના મનમાં પપ્પા પ્રત્યે નફરત વધવા લાગે, તે પહેલાં જ આ દિવાળીના તહેવારમાં તેને દૂર કરી દો. બાળકોને સ્પષ્ટ જણાવી દો કે ક્યાં કારણોસર છૂટાછેડા થયાં છે. એક પિતા તરીકેની જવાબદારી નિભાવીને દિવાળીના તહેવાર પર બાળકોને મનાવી લો.

- એકલતાનો અહેસાસ ન થવા દો : પપ્પા વગર એકલા મમ્મીની સાથે રહેવું કોઈપણ બાળકને નથી ગમતું. તેથી જ બાળકોને એકલતાનો અહેસાસ ન થવા દો. છૂટાછેડાના મુદાને પ્રાથમિકતા ન આપો.

છૂટાછેડા લીધેલા દીપકનું કહેવું છે કે દર દિવાળીમાં તેને પોતાનાં બાળકોની ખૂબ યાદ  આવે છે. તે ઈચ્છે છે કે આ દિવાળીમાં બાળકો સાથે હળીમળીને ખુશીઓ વહેંચે, બાળકોને દિવાળીમાં ફટાકડા લઈ આપે, તેમની સાથે મજાકમસ્તી કરે, તેમને વહાલ કરે. કોઈ દ્વિધામાં ન રહો કે દિવાળીના તહેવાર પર બાળકોને પોતાની પાસે બોલાવવા કે નહીં બોલાવવા, પરંતુ બાળકોને પોતાની પાસે  અચૂક બોલાવો.

- બાળકોને સરપ્રાઈઝ ગિફ્ટ આપો : તહેવારોનો આનંદ બમણો કરવા બાળકો માટે સરપ્રાઈઝ ગિફ્ટ પણ ખરીદીને રાખો. બાળકો સાથે દાદાદાદી અંતાક્ષરી જેવી રમતો રમે. તેમની પાસે દીવા પ્રગટાવડાઓ.

- દરેક તહેવાર પર બોલાવો : બાળકોને સંગાથ, લાડકોડ આપવા માટે તેમને દરેક તહેવાર પર તમારી પાસે બોલાવો. તેમને સમજાવો કે જીવનમાં તહેવારોનું શું મહત્ત્વ છે, દિવાળી કેમ મનાવવામાં આવે છે. તેમને જણાવો કે તહેવારો જીવનમાં ખુશીઓ લાવે છે. આ દિવાળીની રજાઓને બાળકો માટે રિઝર્વ રાખો. દિવાળીના દિવસે બાળકોની સાથે ફોટા પડાવો.

છૂટાછેડા પછી પત્નીની સાથે રહેતા પોતાનાં બાળકોને ભૂલવાની ભૂલ ક્યારેય ન કરો, કારણ કે તહેવારોમાં બાળકોની ગેરહાજરી એકલતાની અનુભૂતિ કરાવે છે. આથી આ દિવાળીના તહેવાર પર તમારાથી દૂર રહેતાં બાળકોને પોતાની પાસે બોલાવીને તેમને લાડકોડ કરાવો.

- નીપા