- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
- વ્યક્તિના જીવનની અવિરત યાત્રામાં દરેક સમયે કંઈક ને કંઈક બદલાતું જ રહે છે. આ સંજોગોમાં જે છુટી જાય છે તેનો શોક કરવાનો નથી અને જે પામી જવાય છે તેનો આનંદ પણ કરવાનો નથી. આપણે તો તમામ લાગણીઓને સમાન રીતે અનુભવવાની છે અને ત્યારબાદ જિંદગીનો આભાર માનીને જ આગળ વધવાનું છે.
જીવનમાં સુખ અને દુ:ખ સતત આવતા જતા હોય છે. તેનો ક્રમ અવિરત ચાલતો જ રહેતો હોય છે. જીવનની ઘટમાળ જ એવી છે જે ક્યારેક અત્યંત ગમે છે અને ક્યારેક તેનાથી અસહ્ય પીડા થાય છે તેમ છતાં જીવનમાં અનુભવો વધતા જાય છે. જીવનમાં એવા ઘણા પ્રસંગ આવે છે જે આપણા આંતરિક ચેતનાને જાગ્રત કરી જાય છે પણ આપણે તેના તરફ ખાસ ધ્યાન આપતા નથી. આપણે સતત પીડાને જ યાદ કરતા રહીએ છીએ. તેના કારણે સ્થિતિ એવી આવે છે કે, આપણી સ્મૃતિઓમાં સારી બાબતો ઓછી ટકે છે અને ખરાબ બાબતો લાંબા સમય સુધી ઘર કરી જાય છે. મનોવિજ્ઞાાન પણ માને છે કે, જો કોઈ આપણી પ્રશંસા કરે તો આપણે વધારેમાં વધારે દસ દિવસ કે કદાચ પંદર દિવસ યાદ રહે છે અને સારું લાગે છે. તેવી જ રીતે જો કોઈ આપણા વિશે ઘસાતુ બોલે કે આપણી ટીકા કરે તો આપણે ઓછામાં ઓછું ત્રણ મહિના સુધી તો યાદ રહે જ છે.
જીવનની ઘટમાળમાં આપણે કાયમ સુખ અને દુ:ખ વચ્ચે અટવાતા રહીએ છીએ. આપણે તેમાંથી બહાર આવતા નથી. આપણે ક્યારેય ગ્રેટિટયૂડની લાગણી વ્યક્ત કરતા જ નથી. આ લાગણી વ્યક્ત કરવાની સાથે સાથે હૃદયના ઉંડાણ સુધી અનુભવવાની પણ છે. જીવનને સમજવાનો એક પરિપક્વ અને કદાચ સંતુલિત કહી શકાય તેવો આ દ્રષ્ટિકોણ છે. વ્યક્તિ જ્યારે પણ પડે છે, જ્યારે પણ નિષ્ફળ જાય છે ત્યારે એક વાત નક્કી થઈ જાય છે કે જો તે આ નિષ્ફળતાને પચાવી લેશે તો સફળતા તરફ આગળ વધશે અને જો કશું જ નહીં શીખે તો ક્યારેય આગળ નહીં વધે. નિષ્ફળતામાં નાસીપાસ થયા વગર જેટલું મળ્યું તેટલું ઉપયોગી અને અનુભવ સમાન માનીને આગળ વધતા શીખવું જોઈએ.
બીજી બાબત એવી છે કે, આપણી સામાજિક પરંપરા પણ એવી છે જેમાં શોક, પીડા, નિરાશા કે નિષ્ફળતાને થોડી વધારે જ અનુભવવામાં આવે છે. આમ જોવા જઈએ તો માનવીય સંબંધોમાં અભાવની અસર વધારે રહેવાની જ છે. કોઈ પોતાની અંગત વ્યક્તિ ગુમાવવાનો વારો આવે, તેનાથી વિખુટા પડવું પડે ત્યારે આંસુ આવવા, દુ:ખ થવું સ્વાભાવિક છે. કોઈ સપનું અધુરું રહી જાય, કોઈ ધારી સફળતા ન મળે, પરીક્ષાનું પરિણામ પણ ધારેલું ન આવે, ઈચ્છા પ્રમાણેનું કામ ન થાય. આ તમામ પ્રસંગો પીડા થવાની જ છે. આ માણસનો સ્વાભાવિક સ્વભાવ છે. તેની સામે જરાય વાંધો જ નથી. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે આ પીડાની લાગણી આપણામાં કાયમી ઘર કરી જાય છે. તે આપણા વર્તમાન સાથે ચેડાં કરવા લાગે છે અને ભવિષ્યની શક્યતાઓને ધુંધળી બનાવે છે.
આ સંજોગોમાં જીવનમાં જે ચાલી રહ્યું છે તેના માટે આભારની લાગણી થવી જોઈએ. ભગવાન, ઈશ્વર અથવા તો જે પરમ શક્તિને આપણે માનતા હોઈએ તેનો આભાર માનવો જોઈએ. તેના માટે કૃતજ્ઞાતાની ભાવના આવવી જોઈએ. ગ્રેટિટયૂડ આપણા મનમાં રહેલી એવી લાગણી છે જે ધીમે ધીમે આ નકારાત્મકતાને દૂર કરે છે. આપણે જે જતું રહ્યું તેના અભાવમાં રડયા કરીએ છીએ, વિલાપ કરીએ છીએ. જે આપણે પાસે હતું તે કેટલું મહત્ત્વનું હતું, જે-તે વ્યક્તિ દ્વારા આપણા જીવનમાં કેવા હકારાત્મક પરિવર્તન આવ્યા હતા, તેમની સાથે આપણી કેટલી હકારાત્મક સ્મૃતિઓ હતી, આપણા અસ્તિત્વમાં કે વિકાસમાં તેમનું કેટલું યોગદાન હતું તે બધું જ યાદ કરીને ગ્રેટિટયૂડ વ્યક્ત કરીએ તો મનનો ભાવ વધારે હળવો થાય છે.
ગ્રેટિટયૂડ એક એવી બાબત છે જે સંબંધોમાં ઉંડાણ લાવે છે. તેમાં એક વિસ્તૃત પરિવર્તન આણે છે. જ્યારે કોઈપણ બાબતમાં ગ્રેટિટયૂડ આવી જાય છે ત્યારે આપણે ગુમાવવાના ભય અને પીડા કરતા જે પામ્યું છે, જે પ્રાપ્ત છે તે પર્યાપ્ત હોવાના સૌભાગ્યને માણતા થઈ જઈએ છીએ. આપણે ફરિયાદોના ભારથી મુક્ત થઈ જઈએ છીએ. આપણી આસપાસ રહેલું પીડા, અભાવ કે ગુમાવવાના ભયનું અંધારું ધીમે ધીમે દૂર થતું જાય છે. દુ:ખ કાયમ આપણને ભૂતકાળ સાથે બાંધી રાખે છે જ્યારે ગ્રેટિટયૂડ આપણને વર્તમાન સાથે જોડે છે અને ભવિષ્ય તરફ અગ્રેસર થવા પ્રેરિત કરે છે.
વર્તમાન સમયમાં જોઈએ તો વાતાવરણ સ્પર્ધાત્મકતાનું વધારે છે. લોકો સતત એકબીજા સાથે સ્પર્ધામાં ઉતરેલા છે. તેમને એકબીજાથી આગળ વધવું છે. આ સંજોગોમાં પીડા વધારે થતી હોય છે. તેવા સમયે ગ્રેટિટયૂડની ભાવના આવે તે વધારે જરૂરી છે. મોટાભાગે આપણે આપણા અભાવની જ ગણતરી કરતા હોઈએ છીએ. આપણે શું નથી મળ્યું તેના તરફ આપણું ધ્યાન વધારે હોય છે. વાસ્તવિક રીતે જો એક વખત આપણને શું મળ્યું છે તેના તરફ નજર નાખવામાં આવે ત્યારે આપણી અંદર રહેલો સંતાપ આપોઆપ ઓછો થવા લાગશે. આપણા દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવશે. આ પરિવર્તન આપણને આંતરિક રીતે વધારે સમૃદ્ધ કરશે.
સામાજિક રીતે તેનો અમલ વધારે એટલા માટે પણ કરવો જોઈએ કે આપણે એકબીજા સાથે કનેક્ટેડ છીએ. જ્યારે કોઈ કુદરતી કે માનવ સજત આપત્તી આવે છે ત્યારે મોટાભાગે સમાજ દુ:ખમાં ડૂબી જાય છે. દુ:ખના સમયે, વ્યાધીના સમયે પીડા થવી તે સ્વાભાવિક છે. તે ક્ષણે આપણે દુ:ખી થવું જોઈએ પણ ધીમે ધીમે તેમાંથી બહાર આવતા પણ શીખવું જોઈએ. એકબીજાની પડખે રહેવું, તેમને પણ દુ:ખમાંથી બહાર લાવવા, પોતાની અને અન્યની સંવેદનાઓને જીવંત રાખવી જેવા કામ કરવા જોઈએ. તેના દ્વારા જ સમાજમાં એક નવી શરૂઆત થશે.
આજ બાબત વ્યક્તિગત જીવનમાં પણ લાગુ પડે જ છે. આપણે જ્યારે વ્યક્તિગત રીતે નિષ્ફળ થઈએ છીએ, હારી જઈએ છીએ, ધાર્યું કામ થતું નથી ત્યારે નિરાશ થઈ જઈએ છીએ. દુ:ખ થાય છે. થોડા સમય માટે બધું બરોબર છે. ધીમે ધીમે દ્રષ્ટિકોણ બદલીને તેમાંથી બહાર આવવું જોઈએ. દરેક વખતે હાર થવી તે માત્ર હાર નથી. ઘણી વખત આપણો દ્રષ્ટિકોણ જ પોઝિટિવ હોતો નથી તેના કારણે પણ ધાર્યું પરિણામ મળતું નથી. ઘણી વખત પરાજય માત્ર એક સંકેત હોય છે જે આપણે થોડો સમય પોરો ખાવાનું કહે છે. થોડીવાર વિચાર કરવાનું સુચવે છે અને જરૂર પડયે પોતાનામાં પરિવર્તન લાવીને નવી દિશામાં નવેસરથી પ્રયાસ કરવાનું સુચવે છે.
હકિકતે આપણે તો આપણી નિષ્ફળતાઓનો પણ આભાર માનવો જોઈએ કે તેના દ્વારા આપણને કંઈક શીખવા મળ્યું. આપણને એ જાણવા મળ્યું કે કેવી કામગીરી કરવાથી અને કેવી રીતે રહેવાથી નિષ્ફળ થવાય છે. તેના દ્વારા જ આગામી સમયમાં સાવચેતી રાખીને તેવી કોઈ કામગીરી નહીં કરીને આપણે સફળતા તરફ સરળતા અને સહજતાથી આગળ વધી શકીએ છીએ. તેના દ્વારા જ આપણો આત્મવિકાસ થાય છે. આપણે દુ:ખ કે પીડાને નકારી દેવાના છે તેવું નથી. આપણે આપણી સંવેદનાઓ વ્યક્ત કરવાની જ છે. તે સંવેદનાઓમાં જ રચ્યા પચ્યા નથી રહેવાનું. સમય આવ્યે તેમાંથી બહાર આવીને આગળ વધતા શીખવાનું છે.
નિષ્ફળતા, પીડા, દુ:ખ બધાનો સ્વીકાર કરવો જોઈએ પણ પછી તેને આપણી અંદર ઘર કરવા દેવા ન જોઈએ. આપણે સંતુલિત દ્રષ્ટિકોણ રાખીને જીવનને આગળ વધારવા માટે પણ વિચાર કરવો જોઈએ. જે સમયે લાગણીઓમાં સંતુલન સધાતું જશે તેમ તેમ તે વધારે મજબૂત થશે. ગમે તેવી સ્થિતિમાં વધારે દુ:ખ નહીં થાય અને ક્યારેક વધુ સારી સ્થિતિનો આનંદ પણ નહીં આવે. જે છે તેનો સ્વીકાર કરવાની વૃત્તિ કેળવાશે. સંબંધોમાં જ્યારે આ લાગણી આવવા લાગશે ત્યારે તેનો ભાર નહીં લાગે. આવા સંબંધો માત્ર ભેટ સોગાદ જેવા લાગશે.
વ્યક્તિના જીવનની અવિરત યાત્રામાં દરેક સમયે કંઈક ને કંઈક બદલાતું જ રહે છે. આ સંજોગોમાં જે છુટી જાય છે તેનો શોક કરવાનો નથી અને જે પામી જવાય છે તેનો આનંદ પણ કરવાનો નથી. આપણે તો તમામ લાગણીઓને સમાન રીતે અનુભવવાની છે અને ત્યારબાદ જિંદગીનો આભાર માનીને આગળ વધવાનું છે. આપણે જે ગુમાવ્યું અને જે પ્રાપ્ત કર્યું તે બંનેનો આનંદ કરતા થઈ જઈશું તો જીવનના ઘણા સંઘર્ષ આપોઆપ ટળી જશે. જીવન એક ઉત્સવ સમાન બની જશે. તેથી જ ગ્રેટિટયૂડ રાખીને જીવવાથી લાગણીઓ અને સંબંધોનો ભાર ઓછો થઈ જાય છે.


