અલી સરોજ, તારાં તો બધાં છોકરા ગોરા છે, તો પછી આ સુમી આટલી બધી શ્યામ કેમ છે? એ તારી છોકરી હોય એવું લાગતું જ નથી.''
''હા ચંદા, મનેય એ જ ચિંતા કોરી ખાય છે. મારી નીલા અને વિભા બંને રૂપાળી છે એટલે એમના માટે તો કોઈ ચિંતા નથી, પણ આ સુમલી માટે છોકરો શોધતાં તો નાકે દમ આવશે. આજકાલ તો બધાંને રૂપાળી છોકરીઓ જ ગમતી હોય છે, પછી ભલે ને તેનામાં ગુણ ન હોય.'' ઊંડો શ્વાસ લેતાં સરોજે કહ્યું.
હમેશની જેમ આજે પણ સુમી અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોવા લાગી. નાકનકશો તો સારા છે. તે કુરૂપ લાગતી હોય એવું પણ નથી, છતાં નાનપણથી લઈને આજ સુધી તે પોતાના શ્યામ રંગને લીધે બધાંની ઉપેક્ષા સહન કરતી આવી છે. જો કે હવે તો તેને આવી ઉપેક્ષા સહેવાની આદત પડી ગઈ છે. તેને એક વાત નથી સમજાતી કે એ કાળી છે એમાં એનો શો વાંક? ઘરમાં તો તે ચર્ચાનો વિષય હતી જ પછી તો બહાર પણ લોકો એનો શ્યામ રંગ જોઈને આશ્ચર્ય અનુભવવા લાગ્યા. એની બહેનપણીઓ ઘણી વાર એને કહેતી, ''અરે સુમી, તારા ભાઈ-બહેન તો બહુ રૂપાળા અને સુંદર છે. તું ક્યાંક એમની સાવકી કે દત્તક લીધેલી બહેન તો નથી ને?
સુમી ભણવામાં પહેલેથી જ એના ભાઈબહેન કરતાં વધારે હોેશિયાર હતી. તેને ચોક્સાઈ ગમતી હતી એટલે દરેક કામ સુરુચિપૂર્વક કરતી હતી. આમ છતાં શ્યામલી હોવાને લીધે તેને ક્યારેય કોઈની પાસેથી પ્રશંસાના બે શબ્દો સાંભળવા નહોતા મળતા.
પરિણામે હોશિયાર હોવા છતાં તે હીન ભાવનાના શિકાર થઈ ગઈ. કોઈ મહેમાન આવ્યું હોય તો તે તેમની સામે જતી જ નહીં. સગાં- વહાલાંઓને ત્યાં જવાનું પણ ટાળતી. આત્મવિશ્વાસના અભાવે તે હમેશાં નીચું માથું રાખીને ચાલતી, જેથી એને જોઈને કોઈ ટીકા ન કરે. તેના મગજમાં એક જ સવાલ ઘુમરાતો રહેતો કે શું ગોરા હોવું એ ને જ સુંદર કહેવાય? આવડત અને લાયકાતનું કંઈ મહત્ત્વ જ નહીં?
તે સ્વયંને સમજાવવાનો બહુ પ્રયત્ન કરતી, પણ ઘરનાનો પ્રેમ ન મળવાથી તે અંદરને અંદર રુંધાયા કરતી. તે એટલી બધી અંતર્મુખી થઈ ગઈ કે ઘણાંને તો ખબર જ નહોતી પડતી કે તેની ત્રણ બહેનો છે. દરેક બાબતમાં હોશિયાર હોવા છતાં ફક્ત એક સુંદર નહીં હોવાના ભાવ મનમાં ભરી રાખીને જિંદગી પ્રત્યે નકારાત્મક દ્રષ્ટિકોણ રાખીને જીવી રહી હતી. જો તે કોલેજમાં ફર્સ્ટ ન આવી હોત તો કદાચ હજી પણ આવી રીતે જ જીવતી હોત. પણ આ વખતે બધાનું ધ્યાન એના પર કેન્દ્રિત થયું હતું. બધાંની આંખોમાં પ્રશંસાના ભાવ હતા. એ જોેઈને એનામાં એક નવો આત્મવિશ્વાસ જાગ્યો. આસપાસનું વર્તુળ મોટું થયું એટલે લાગ્યું કે બધા લોકો સરખા નથી હોતા. યોગ્યતાની કદર કરનારા લોકો પણ હોય છે. એ પછી તો એણે કંઈક કરી બતાવવાનું નક્કી કરી લીધું. જો કે પોતે સ્યામ છે એવી હીન ભાવનામાંથી બહાર નીકળતાં સુમીને ઘણો સમય લાગ્યો પણ છેવટે તેને સમજાઈ ગયું કે જીવનમાં રંગ કરતા એક જાગૃત વ્યક્તિત્ત્વનું મહત્ત્વ વધારે હોય છે.
આપણા સમાજની આ એક વિડંબણા જ છે કે દીકરો કાળો હોય તો કંઈ ફરક નથી પડતો પણ દીકરીના શ્યામ રંગથી બધાં ચિંતામતાં પડી જાય છે. એના ભણવાગણવાની ચિંતા છોડીને એના લગ્ન થશે કે નહીં એ ચિંતા કરવા લાગે છે. શ્યામળી છોકરીને સુંદર ગણવામાં આવતી નથી પછી ભલેને તેનું સુડોળ શરીર અને નાકનકશી એકદમ મનમોહક કેમ ન હોય. મહિલા શિક્ષણમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યા છે, છતાંય નીચલા અને મધ્યમવર્ગીય પરિવારોમાં આજેય શ્યામલ છોકરીઓને મહેણા-ટોણાં સાંભળવા પડે છે. આટલું જ નહીં 'તે સુંદર નથી' એ વાતનું તેને વારંવાર ભાન કરાવાય છે. શારીરિક સૌંદર્યને પ્રોત્સાહન આપવાનું કામ તો નાનપણથી જ શરૂ થઈ જાય છે. મા-બાપ અને શિક્ષકો સુંદર બાળકો તરફ વધારે ધ્યાન આપે છે. જ્યારે શ્યામલ અને કાળાં બાળકોની તેઓ અવગણના કરે છે. ગોરાં અને રૂપાળાં બાળકોેને જોઈને અનાયાસે જ બોલાઈ જવાય છે કે કેટલું સુંદર છે. માતા-પિતાને પણ એમના ગોરાં બાળકો પર વધારે ગર્વ હોય છે.
આત્મવિશ્વાસ જગાવો
જો તમે ભીને વાન હો તો દુ:ખી ન થશો કેમ કે એ તો કુદરતની દેન છે. તમે એમાં કશું કરી શકવાના નથી. ફક્ત શ્યામ રંગને લીધે એવું ન માની લેતાં કે તમે બધાંથી ઊણા ઊતરો છો. તમે તમારી એક એવી સશક્ત ઓળખ ઊભી કરો કે લોકો તમારો રંગ ભૂલીને તમારા ગુણોની કદર કરે. જો તમે હરહંમેશા ડરેલા અને ગભરાયેલા રહેશો તો નક્કી લોકો તમને વધારે ડરાવશે કેમ કે નબળાઓને દબાવવાનો પ્રયત્ન તો બધાં કરે છે. એટલે જ્યારે પણ કોેઈ એટલે જ્યારે પણ કોઈ તમારી શ્યામ ત્વચા વિશે ટીકા કરે તો તમે તરત જ તેનો વિરોધ કરો અને તમારા આત્મવિશ્વાસથી જ બતાવી દો કે શ્યામલ હોવુ ંએ કંઈક શરમજનક બાબત નથી. સાચી ઓળખ તો સંપૂર્ણ વ્યક્તિત્વ છે. જો એમ માનતા હો કે શ્યામવર્ણા લોકો જિંદગીમાં પાછળ રહી જાય છે તો તે માન્યતા ખોટી છે. આવું જ હોત તો પી.ટી. ઉષા જેવી દોડવીર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાનું નામ રોશન ન કરી શકી હોત.
તમે જેવા છો, જે રૂપમાં છો, લોકો એ રૂપ જ તમને સ્વીકારે એ જ તમારી સૌથી મોટી જીત છે. હા, એ માટેનો પ્રયત્ન તો તમારે જાત ેજ કરવો પડશે. સુજાતાની કથની પણ કંઈક આવી જ છે. ભણવામાં બહુ હોશિયાર હોવા છતાં એના મા-બાપે ક્યારેય એને પ્રોત્સાહિત નથી કરી. શ્યામ હોવાને કારણે એને કોઈ પોતાનું મિત્ર પણ નહોતું બનાવતું. મા-બાપનો પ્રેમ તો મળતો જ નહોતો. પરિણામે, ધીરે ધીરે સુજાદા હીન ભાવનાનોે શિકાર થતી ગઈ અને ભણવામાં પાછળ પડવા લાગી. એક વાર તો નાપાસ પણ થઈ ગઈ. પોતાને વ્યસ્ત રાખવા માટે એ નાનાંમોટા કામ કરવા લાગી. એ દરમિયાન પવન એની જિંદગીમાં આવ્યો. બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. પહેલીવાર સુજાતાને લાગ્યું કે એના રંગને ગૌણ ગણીને કોઈ વ્યક્તિ એની આંતરિક સુંદરતાને ચાહે છે. આથી એનો આત્મવિશ્વાસ પાછો આવવા લાગ્યો. નાનપણથી જ તેને કોઈને પ્રેમ માટે તરસતી હતી, એ તરસ પવને છિપાવી. તે એની પ્રેરણા બની ગયો. સુજાતા ફરીથી ભણવામાં લાગી ગઈ. આજે તે એક ઉચ્ચ પદ પર કામ કરે છે અને પવન સાથે સુખી લગ્નજીવન વિતાવી રહી છે. એના હસમુખ સ્વભાવ અને સમજદારીએ જ પવનને એના તરફ આકર્ષ્યો હતો.
આંતરિક ગુણોને વિકસાવે
સુજાતાનો આંતરિક દ્રષ્ટિકોણ નકારાત્મક હતો એ વાત બરાબર પણ એનો અર્થ એ નથી થતો કે તમે તમારી હીન ભાવના દૂર કરવા કોઈને આધાર શોધો અથવા તો કોઈની પ્રેરણાની રાહ જુઓ. એમ માનીને આગળ વધતાં રહો કે દુ:ખી રહેવાથી કંઈ તમે કોઈની પ્રશંસાનું પાત્ર નથી બની જવાના. તમારા મનના ભાવોને છુપાવવાને બદલે એને બહાર આવવા દો. રડી લેવાથી થોડી વાર માટે સારું લાગે છે. પણ એ કંઈ સમસ્યાનું સમાધાન નથી. જોઈતું મેળવવા સંઘર્ષ કરો. જો તમારા શ્યામ રંગને કારણે તમે અંદરને અંદર ઘોળાયા કરશો તો કંઈ જ હાથ નહીં લાગે. જે તમારા વડીલો તમારી ઉપેક્ષા કરતાં હોઈ એને કંઈક કરી બતાવો.
બાહ્ય રંગરૂપને પ્રથમ પસંદગી
વિશેષજ્ઞાોનું માનવું છે કે શારીરિક રીતે સુંદર લોકો બીજાઓને બહુ જલદી અને વધારે પ્રભાવિત કરે છે. એ ઉપરાંત છોકરી મેળવવાના ઈન્ટરવ્યૂમાં તેઓની સફળતા થવાની તક વધરે હોય છે. બીજી બાજુ સાધારણ લોકો ન તો કોઈની બેકારી પ્રભાવિત કરી શકે છે અને નતો આકર્ષી શકે છે. પછી સખત મહેનત અને યોગ્યતાના જોરે એ બધા પોતાની આગવી ઓળખ ઊભી કરીને સફળતા મેળવી જ લે છે. એ વખતે એમના રંગને અવગણીને ગુણોને ધ્યાનમાં લેવાય છે.
આનું તારણ એ છે કે એ વાતને નકારવી બહુ મુશ્કેલ છે. કે સૌથી પહેલાં બાહ્ય સુંદરતા જ આકર્ષે છે. મનોવૈજ્ઞાાનિકોના મતો, જ્યાં સુધી આપણે કોઈ વ્યક્તિને સંપૂર્ણ રીતે ન ઓળખી લઈએ ત્યાં સુધી આપણે એના બાહ્ય દેખાવ પરથી જ એને પારખવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આંતરિક ગુણોને નકારીએ છીએ.


