બ્લડ પ્રેશર બાબતે બેદરકારી ન પાલવે .
- હાઈ બીપી માત્ર વૃદ્ધોમાં જ નહીં યુવાનો અને બાળકોમાં પણ હોય
- હાયપરટેન્શનનું નિદાન થયું હોય અને બીપી નિયમિતપણે ન મપાય તો હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે.નિયમિતપણે બીપી ચેક કરવાથી આરોગ્યની અનેક સમસ્યાની આગોતરી જાણ થઈ શકે,સમયસર એનો ઉપચાર કરાય અને સ્વસ્થ રહેવાય.
શરીરમાં ફરતા લોહીનું ધમનીઓની દિવાલ પર દબાણ થાય એને બ્લડ પ્રેશર(બીપી) કહે છે. હ્રદય રુધિરાભિસરણ વ્યવસ્થા દ્વારા રક્તનું પમ્પિંગ કરે તેથી આ દબાણ પેદા થાય છે.બીપી વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનું છે. બીપીને બે ભાગમાં જોવામાં આવે છે; એક, સિસાટોલિક, હ્રદય લોહીનું પમ્પિંગ કરે તે વખતનું પ્રેશર, બીજું તે ડાયસ્ટોલિક, હૃદય આરામ કરે તે સમયનું પ્રેશર.
તંદુરસ્ત પુખ્ત વ્યક્તિમાં સામાન્ય બીપી ૧૨૦/૮૦ એમએમએચજી (મિલિમીટર્સ ઑફ મરક્યૂરી) હોય છે. આજના ફાસ્ટ જીવનમાં બીપી ૧૩૦/૮૦ હોય એ સામાન્ય ગણાય. પણ એ યોગ્ય તો નથી. બીપી ખૂબ ઊંચું કે નીચું હોય તો હૃદય, મગજ, અન્ય અંગોને નુકસાન પહોંચી શકે છે. ડૉકટરોના મતે બીપી ૧૪૦/૯૦ એમએમએચજીથી વધુ હોય તેને હાઈ બ્લડપ્રેશર મનાય છે. હાઈ બીપી એટલે હાયપરટેન્શન.હાઈ બ્લડપ્રેશરને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે. યાદ રહે કે વ્યક્તિના શરીર પ્રમાણે બીપી બદલાઈ શકે છે.ઉનાળામાં હાઈ બીપીની સમસ્યા ગંભીર થઈ શકે છે તથા ઉંમર પ્રમાણે સ્ત્રી અને પુરુષ માટે કેટલું બીપી યોગ્ય છે તે જાણવું મહત્વનું છે.કેમકે યોગ્ય બીપીની શ્રેણી બદલાય છે.સ્ત્રીઓ અને પુરુષોની વય પ્રમાણે બીપીમાં થોડો તફાવત હોય છે.હાઈ બીપી માત્ર વૃદ્ધોમાંજ નહીં,યુવાનોમાં પણ જોવા મળે છે.આરોગ્યની અનેક સમસ્યા માટે કારણરુપ હાઈ બીપી બાબતે બેદરકારી પાલવે નહીં અને ડૉક્ટરનું માર્ગદર્શન જરુરી બને છે.
હાયપરટેન્શનનું નિદાન થયું હોય અને બીપી નિયમિતપણે ન મપાય તો હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે.નિયમિતપણે બીપી ચેક કરવાથી આરોગ્યની અનેક સમસ્યાની આગોતરી જાણ થઈ શકે,સમયસર એનો ઉપચાર કરાય અને સ્વસ્થ રહેવાય.નિયમિત બીપી ચેક કરવાનું મહત્વ પ્રસ્તુત માહિતી પરથી સમજાશે.
ભારતમાં હાયપરટેન્શનથી પીડિત લોકો પૈકીના અડધી સંખ્યામાંના લોકો પણ તેમના બીપીને કન્ટ્રોલમાં રાખે તો ૨૦૪૦ સુધીમાં કમસેકમ ૪૬ લાખ લોકોનાં મોતને અટકાવી શકાય એમ હાયપરટેન્શનની વૈશ્ર્વિક અસર વિશેના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(હૂ)ના એક અહેવાલમાં જણાવાયું છે.અહેવાલના અંદાજ મુજબ હાલમાં હાયપરટેન્શનથી દેશની ૩૧ ટકા વસ્તી અર્થાત ૧૮ કરોડ ૮૩ લાખ લોકો પીડાય છે.
૧૪૦/૯૦ એમએમએચજી કે તેથી વધુ પ્રમાણમાંનું હાઈ બીપી હાર્ટ એટેક, સ્ટ્રોક, હાર્ટ ફેલ્યર, કિડની કે આંખનું નુકસાન અને અનેક હેલ્થ પ્રોબ્લેમમાં પરિણમી શકે છે અને આમ થતું અટકાવી શકાતું હોવાનું ઘ્યાનમાં લેવા સાથે*હૂ*એ દેશમાં હાયપરટેન્શનની સમસ્યા વિશે વિગતે જણાવ્યું છે. એ મુજબ આ તકલીફથી પીડિત લોકો પૈકી માત્ર ૩૭ ટકાને જ હાયપરટેન્શન હોવાનું નિદાન થયું છે અને એમાંના માત્ર ૩૦ ટકા જ તેની સારવાર લે છે. હાલમાં ૧૫ ટકા દર્દીઓનું હાયપરટેન્શન નિયંત્રણમાં છે.અહેવાલમાં વધુમાં જણાવ્યા મુજબ ભારતમાં થતાં કુલ મોત પૈકી બાવન ટકાથી પણ વધુ મોત હાર્ટ એટેક જેવા હ્રદયના રોગોથી થાય છે અને આ હ્રદય રોગ માટે હાઈ બ્લડપ્રેશર પણ એક મહત્વનું કારણ હોવાનું માની શકાય.
હાઈ બ્લડપ્રેશર હોય એનાં કોઈ લક્ષણો નથી પણ એનાથી આપણને ખબર ન પડે તેમ શરીરને નુકસાન થાય છે અને એટલે એ સાયલન્ટ કિલર તરીકે કુખ્યાત છે.ઘણાને તો તબિયત ગંભીર રીતે બગડે ત્યારે પોતાને હાઈ બ્લડપ્રેશર હોવાની જાણ તેમને થાય છે.આ કારણે જ સ્વસ્થ રહેવા નિયમિતપણે બીપી ચેક કરવું અનિવાર્ય છે.ઝડપથી અને આસાન રીતે બીપી તપાસી શકાય છે અને હ્રદયની સ્વસ્થતા જાણી શકાય છે. બીપી નિયમિતપણે ચેક કરવાના લાભ આ મુજબ છે; હાયપરટેન્શનની સમયસર ભાળ:હાઈ બ્લડપ્રેશરનાં કોઈ લક્ષણ હોય એવું હંમેશાં નથી હોતું.ઘણા લોકોને તો તેમને આ તકલીફ હોવાની ખબર પણ નથી હોતી.પણ નિયમિત રીતે બીપી તપાસતાં તે મર્યાદા કરતાં વધુ છે કે નહીં તેની જાણ થાય છે અને વધુ હોય તો તેનો ઈલાજ શરુ કરી હ્રદય,કિડની,મગજ અને એકંદર સ્વાસ્થ્યને નુકસાનથી બચાવી શકાય છે. જોકે, નિષ્ણાત બીપીને તપાસે,તે વિશે અભિપ્રાય આપે તે ઇચ્છનીય છે.
સમતોલ જીવનશૈલી માટે માર્ગદર્શક: બીપીની નિયમિત સ્વરૂપની માહિતીથી વ્યક્તિને નમક ઓછું ખાવું, નિયમિત કસરત કરવી,ધૂમ્રપાનની લત હોય તો છોડવી, સ્ટ્રેસ નિયંત્રણ જેવાં આરોગ્યપ્રદ પગલાં લેવાનું
માર્ગદર્શન મળે છે. સ્વાસ્થ્ય વિશેની સાચી માહિતી ડૉક્ટરને આપો.બીપીની નિયમિત તપાસની માહિતી ડૉક્ટરને તમારા સ્વાસ્થ્ય વિશે સચોટ અને ઝડપી નિદાન કરવામાં ઉપયોગી બની રહેશે.
ગંભીર બિમારી આવતી અટકાવાય : વિવિધ અભ્યાસ મુજબ હાઈ બીપીની સમયસર સારવાર ન કરાય તો હ્રદય રોગ સ્ટ્રોક,કિડનીની તકલીફો અને દ્રષ્ટિ ગુમાવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.નિયમિતપણે બીપી ચેક કરી તે વધતું હોય તો સમયસર ઉપચાર કરી જીવને જોખમરુપ બીમારીઓ અટકાવી શકાય.
હાયપરટેન્શન હોવાનું નિદાન થયું હોય અને વ્યક્તિ એ માટેની દવા લેતી હોય કે લાઈફ સ્ટાઈલમાં જરુરી ફેરફાર કરતી હોય એવે વખતે નિયમિતપણે બીપી માપવાથી દવાની કે જીવનશૈલીમાંના ફેરફારની ધારી અસર થઈ છે કે નહીં તેનો ખ્યાલ આવે છે. ધારી અસર ન જણાય તો દવામાં જરુરી ફેરફાર કરી શકાય છે.
તદુપરાંત,નિયમિતરૂપે ચેક કરવાથી બીપી યોગ્ય છે,હ્રદય બરાબર કામ કરે છે એની જાણ માત્રથી આપણે માનસિક શાંતિ અને સ્વસ્થતા અનુભવીએ છીએ.મન પર સતત ભાર નથી અનુભવતા. પોતે સ્વસ્થ છીએ એ જાણી આપણે આત્મવિશ્વાસથી છલકાઈ છીએ. ફક્ત નિયમિતપણે બીપી ચેક કરાવતાં આટલા લાભ થતા હોય તો એ માટે બેદરકાર રહેવું પાલવે?
- મહેશ ભટ્ટ