શું કૉફી પીવાથી મૂડ બદલાય? લસણ ખાવાથી કામશક્તિ વધે?
- ખાણી પીણી વિશે લોકોમાં પ્રવર્તતી સાચી-ખોટી માન્યતા
બદામનો હલવો ખાવાથી યાદશક્તિ વધે છે? શું કૉફી પીવાથી તરત જ શરીરમાં શક્તિનો સંચાર થાય છે? સૂતાં પહેલાં એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી વધુ ગાઢ નિંદર આવે તેવું તમે માનો છો? છોકરાં વધારે પડતી સાકર ખાય તો શું બહુ તોફાની બની જાય? આજથી થોડાક દાયકા પહેલાં પોષણશાસ્ત્રીઓ આવી ઘણી બધી માન્યતાઓ અને પ્રશ્નોના જવાબ અટકળો કે ધારણાઓને આધારે જ આપતા. પરંતુ, હવે સંશોધકોની એક ટુકડીએ આહારની વર્તનલક્ષી અસરો વિશેના ઘણાં ખ્યાલો અને ધારણાઓનો ખુલાસો શોધી કાઢ્યા છે.
આ નિષ્ણાતોએ તેમના સંશોધનમાં એવો નિષ્કર્ષ તારવ્યો છે કે તમે જે આહાર લો તેની અસર શરીર ઉપરાંત તમારી લાગણીઓ અને તમારી વર્તણૂંક પર થાય છે પરંતુ આ અસર ઘણીવાર ખૂબ જ સુક્ષ્મ હોય છે અથવા લોકોનાં નાનાં જૂથ પૂરતી જ મર્યાદિત હોય છે. હકીકતમાં તો આહારની માણસના વર્તન પર વ્યવહાર પર થતી અસરો વિશેની ઘણી બધી માન્યતાઓ સાવ કપોળકલ્પિત અથવા અતિશયોક્તિ ભરેલી હતી તેમ આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે. આપણા મિજાજ પર ખોેરાકની થતી અસરો વિશેની વ્યાપકપણે પ્રવર્તમાન માન્યતાઓ અંગે વિજ્ઞાનીઓ શું કહે છે તે હવે જાણીએ.
કેટલાક માણસો કોફી પીધા વિના કેમ કામ નથી કરી શકતા?
કૉફી કરોડો લોકોનું પ્રિય પીણું છે. મિજાજ અથવા 'મૂડ' બદલવાની કૉફીની શક્તિ તેમાં રહેલ કેફિન નામના ઉત્તેજક તત્ત્વને આભારી છે. પાંચ ઔંસ કૉફી (૧૫૦ મિલિગ્રામ કૅફીન) ના એક કપ પીવાથી, શક્તિ અને ચપળતામાં વધારો થાય છે અને વિચારોમાં સ્પષ્ટતા આવે છે તેમ જોવા મળ્યું છે. પરંતુ કેફિનની અસર દરેક વ્યક્તિ પર જુદી જુદી થાય છે. જેને કૉફી પીવાની આદત ન હોય તેવી વ્યક્તિ કૉફી પીએ તો તેની પર નકારાત્મક અસર પણ થઈ શકે છે. કૉફી પીધા પછી આ માણસ થોડો નર્વસ થઈ જાય અથવા નાની વાતમાં ગુસ્સે થઈ જાય તેમ પણ બની શકે. નિરાશા અથવા હતાશાની સ્થિતિમાં રહેતા માણસની સ્થિતિ કૉફી પીવાથી વધુ બગડે છે તેમ અમેરિકાના નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ મેન્ટલ હેલ્થના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે.
કૉફીના બંધાણીઓ અથવા મોટા પ્રમાણમાં તેનું સેવન કરતાં લોકોના શરીરમાં કેફીન પરત્વે સહનશીલતા ઊભી થાય છે અને તેમની પર કોફી પીવાથી નકારાત્મક અસરો થવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. પરંતુ, આવા માણસોને કોફી ન મળે તો તેમને માથાનો દુ:ખાવો, કંટાળો અને ચિડિયાપણાનો અનુભવ થાય છે.
સાકર ખાવાથી છોકરાં બેકાબુ બની જાય ?
ના, ઘણીવાર બાળકોની વર્તનલક્ષી સમસ્યાઓ માટે સાકરના વધુ પડતા સેવનને દોષ આપવામાં આવે છે પરંતુ એક ડઝનથી વધુ અભ્યાસો બાળકોના તોફાનીપણા અને ખાંડ વચ્ચેના સહસંબંધ પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ ગયા છે. સામાન્ય અને વધુ પડતા તરવરિયાં એવાં બંને પ્રકારનાં બાળકોમાં વધુ સાકર ખાવાથી વર્તનલક્ષી સમસ્યાઓ ઊભી થતી જોવા મળી નથી. ટ્ફટ્સ, યુનિવર્સિટીના સંશોધક અને 'ન્યુટ્રિશન ઍન્ડ બિહેવિયર : ન્યુ પર્સ્પેક્ટીવ્ઝ' પુસ્તકના સહલેખક રોબીન કાનારેક કહે છે 'અમેં આ સંબંધમાં ઘણા પ્રયોગો કર્યા છે અને અમારી પાસે પુષ્કળ માહિતી એકત્ર થઈ છે પરંતુ બાળકોમાં સાકરના સેવન અને વર્તનલક્ષી સમસ્યાઓ વિશેના સહસંબંધનો કોઈ ચોક્કસ નિર્દેશ અમને મળ્યો નથી.'
જંક ફૂડ (ભાજીપાંઉ, પિત્ઝા, ભજીયાં વગેરે આચરકૂચર ખોરાક) ખાનાર વ્યક્તિ હિંસક બની જાય છે?
ના એક દાયકા પહેલા એવા અહેવાલ પ્રકાશિત થયા હતા કે જંક ફૂડ માણસને હિંસક બનાવવામાં ભૂમિકા ભજવે છે. આવા અહેવાલો કેટલાંક કેદખાનામાંથી બહાર આવ્યા હતા કે કેદખાનામાં કેટલાક કેદીઓને ગુનાહિત વૃત્તિ વિરોધી આહાર' પર રાખવાથી તેમનું વર્તન ઓછું આક્રમક બન્યું હતું. તેવા અહેવાલ અમેરિકાના એક કેદખાનામાંથી ડૅન વ્હાઈટે તે શહેરના મેયર અને સિટી સુપરવાઈઝરનું ખૂન કર્યા પછી અદાલતમાં પોતાના બચાવમાં એમ જણાવ્યું હતું કે મેં જંક ફૂડ લીધો હતો અને તેની અસર હેઠળની માનસિક સ્થિતિએ મારા દ્વારા આ હત્યાઓ કરાવી હતી! કાનારેક કહે છે ' આ માન્યતા એક મોટું ગપ્પુ છે કારણ કે જંકફૂડ અને વ્યક્તિના હિંસક વલણ વચ્ચેનો સહસંબંધ તાર્કિક રીતે પ્રસ્થાપિત થઈ શક્યો નથી.'
ટયુનાફીશ આપણને એકાએક ચપળ બનાવી શકે?
બની શકે. વિપુલ માત્રામાં પ્રોટીન ધરાવતા આહારમાંથી ટાયરોસાઈનનું ઉત્પાદન થાય છે અને મગજમાં ઊર્જાનું રૂપાંતરણ કરતા બે ટ્રાન્સમીટર્સ ડોપેમાઈન અને નોરેપાઈનેફ્રાઈનનો ટાયરોસાઈન એક મહત્ત્વનો ઘટક છે. પરીક્ષણોમાં ટાયરોસાઈનને કારણે ચપળતા અને એકાગ્રતા વધે છે અને માનસિક દબાણ ઓછું થાય છે તેમ જોવા મળ્યું છે. મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઑફ ટેક્નોલોજી (એમઆઈટી)ના પોષણશાસ્ત્રીઓ, જુડિથ વુર્ટમેનના જણાવ્યા પ્રમાણે મોટા પ્રમાણમાં પ્રોટીન ધરાવતો આહાર નાસ્તામાં અને જમણમાં લેવાથી શરીરમાં ચપળતા અને તરવરાટ પેદા થઈ શકે છે. માછલી, વાછરડાનું માંસ, ચિકન વગેરેના સેવનથી મગજની શક્તિ વધે છે તેમ તેઓ કહે છે. પરંતુ, બીજા ઘણા પોષણશાસ્ત્રીઓ વુર્ટમેનના સિદ્ધાંતને બધા જ માણસોને લાગુ પડી શકે (એપ્લીકેબલ) તેટલો સામાન્ય (જનરલ) માનતા નથી અને કેટલાક પોષણશાસ્ત્રીઓ તો એમ માને છે કે વધારે પડતો પ્રોટીનયુક્ત ખોરાક લેવાથી માણસ આળસુ બની જઈ શકે છે.
પૉપકોર્ન ચૉકલેટ, પોટેટો ચિપ્સ વગેરે લેવાથી માનસિક હળવાશ અનુભવી શકાય છે?
યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં ન્યુટ્રીશનલ સાયન્સીઝના પ્રોફેસર બૉની વોર્થિન્ગ્ટન - રોબર્ટ્સ કહે છે કે પોપકોર્ન, ચોકલેટ કે બિસ્કિટ ખાવાથી હળવાશ અને સલામતિનો અનુભવ થાય છે તેનું કારણ શારીરિક કે રાસાયણિક નહીં પણ માનસિક છે. કારણ કે આવા પદાર્થો લેવાથી બાલ્યાવસ્થાની આનંદભરી સ્મૃતિઓ મનમાં ઘુમરાવા લાગે છે. પરંતુ નાનપણમાં આવા પદાર્થો ખાવાનો અનુભવ ખરાબ હોય તો મોટી વયે તે ખાતાં તે મનમાં અણગમતી સ્મૃતિઓ સર્જે છે અને પરિણામે તંગદિલી કે અસલામતીનો અનુભવ પણ થઈ શકે છે.
ચૉકલેંટ ખાવાથી પ્રેમમાં પડી જવાય?
મોટેભાગે નહિ. ચોકલેટના બારમાં ફેનીલેથાયલેમાઈન (પીઈએ) નામનું તત્ત્વ હોય છે જેને સંશોધકો રોમાંચક લાગણી સાથે સાંકળે છે પરંતુ ચોકલેટના એક સામાન્ય બારમાં પીઈએની માત્રા એટલી ઓછી હોય છે કે તેની ચૉકલેટના ચાહકો પર ચોક્કસપણે અસર થઈ શકે તેમ સંશોધકો માની શકતા નથી.
જાતીય શક્તિ વધારે તેવા ખાદ્ય પદાર્થો (ઍફ્રોડિઝીએક્સ) ખરેખર હોય છે?
માનવસંસ્કૃતિની શરૂઆતથી એમ મનાતું આવ્યું છે કે કેટલાક ખાદ્યપદાર્થો જાતીય ઉત્તેજના અને શક્તિમાં વધારો કરે છે. શેકેલું ગાયનું માંસ, ઉકાળેલા કરચલા, મૂળા, રાઈ વગેરેની ઍફ્રોડિઝીએક્સમાં ગણના થાય છે પરંતુ કોઈપણ પ્રકારનો ખોરાક જાતીય ઉત્તેજના કે શક્તિ વધારે છે તેવા વિચારને સાચો સાબિત કરે તેવો એક પણ પુરાવો વિજ્ઞાનીઓ હજુ સુધી મેળવી શક્યા નથી.