- આ ઓર્થોસ્ટેટિક હાઈપોટેન્શન સરળતાથી અંકુશમાં લઈ શકાય છે
ઘણી વખત એવું બને કે આપણે લાંબા સમય સુધી બેસી અથવા સુઈ રહ્યાં હોઈએ ત્યાર પછી ઉઠએ તો સહેજ ચક્કર આવે. થોડી પળો માટે સઘળું ફરતું લાગે અને પછી બધું સામાન્ય થઈ જાય. મોટાભાગે લોકો આવી સમસ્યાને અવગણતાં હોય છે. આનું કારણ એ છે કે આવું શાને થાય છે તેની તેમને જાણ નથી હોતી. વાસ્તવમાં આ રીતે ચક્કર આવવાને ઓર્થોસ્ટેટિક હાઈપોટેન્શન કહેવામાં આવે છે.
તજજ્ઞાો કહે છે કે જ્યારે આપણે વધારે વખત સુધી બેઠાં કે સુતા પછી અચાનક ઊભા થઈએ ત્યારે આપણું બ્લડ પ્રેશર થોડી ક્ષણો માટે ઘટી જાય છે. આમ થવા પાછળનું કારણ એ હોય છે કે આ રીતે અચાનક ઊભા થવાથી રક્ત પરિભ્રમણ પગ તરફ ધસે છે. આપણા શરીરને આ સ્થિતિ સંભાળતા થોડી પળો લાગે છે અને એ સમય દરમિયાન જ આપણને સહેજ ચક્કર આવવા, માથું ફરવું કે આંખો સામે અંધારું છવાઈ જવી જેવી અનુભૂતિ થાય છે.
એક સંસોધન અનુસાર ૬૫ વર્ષ વટાવી ચૂકેલા ૨૦ ટકા જેટલા વયસ્કોને ક્યારેકને ક્યારેક આવો અનુભવ થાય છે. વધતી જતી વય સાથે શરીરની પ્રતિક્રિયા ધીમી પડતી જવાથી બ્લડ પ્રેશરના ચડાવ-ઉતારને સંભાળવાનું સહેજ મુશ્કેલ બને છે. જો કે આ સમસ્યા કવ્ચિત થતી હોય અને બે-ચાર ઘડીમાં સઘળું સામાન્ય થઈ જતું હોય તો ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આવું વારંવાર બને અને વધારે વાર સુધી માથું ભમતું લાગે તો તબીબની સલાહ લેવી જરૂરી બની જાય છે. જો તેની સામે આંખ આડા કાન કરવામાં આવે તો પડી જવાની કે બેભાન થઈ જવાની ભીતિ રહે છે.
આ પ્રકારના ચક્કરથી શી રીતે બચી શકાય તેની સમજ આપતાં તબીબો કહે છે કે સૌથી પહેલા તો તમે નિયમિત રીતે કોઈ ઔષધિ લેતાં હો તો આવા ચક્કર તેને કારણે તો નથી આવતાં ને તે જાણી લો. જાતે જ દવા બંધ કરી નાખવાની ભૂલ ન કરો. એ તમારા માટે વધુ જોખમી બની શકે.
આપણા શરીરને પુષ્કળ પાણીની જરૂર હોય છે. પાણી ઓછું પીવાથી ડિહાઈડ્રેશન થાય છે જેને પગલે પણ આ સમસ્યા સર્જાઈ શકે. બહેતર છે કે દિવસભર ભરપૂર પાણી પીઓ.
ઊંઘમાંથી ઉઠયા પછી કે લાંબા સમય સુધી બેસી રહ્યા બાદ તરત ઊભા ન થાઓ. પહેલા થોડી સેંકડો માટે બેસીને હાથ-પગ હલાવો. ત્યાર પછી ધીરે ધીરે ઉઠો. પગના સ્નાયુઓને સહેજ ખેંચો. હવે ધીમેથી ઊભા થઈને ચાર-છ ડગલાં હળવી ગતિએ ચાલો. ત્યાર પછી સામાન્ય ગતિથી ચાલો.
કેટલાંક લોકોને ભોજન કર્યા પછી ચક્કર આવતાં હોય છે. વાસ્તવમાં જ્યારે આપણે કાંઈ કાઈએ છીએ ત્યારે એ ખોરાકને પચાવવા રક્ત પ્રવાહ પેટ તરફ વળે છે. જો તમને જમ્યા પછી ચક્કર આવતાં હોય તો દિવસમાં બે-ત્રણ વખત ભરપેટ ખાવાને બદલે ચારથી પાંચ વખત થોડું થોડું ખાઓ.
સવારના ઉઠયા પછી હળવી કસરત રક્ત પ્રવાહને સક્રિય કરે છે જેને પગલે આખો દિવસ શરીરમાં ઊર્જા જળવાઈ રહે છે. લાંબા સમય સુધી બેસી કે સુઈ રહેવાની લોહીનું પરિભ્રમણ ધીમું પડે છે. બહેતર છે કે સવારના ઉઠીને હળવી કસરત કરકો. તેવી જ રીતે દિવસ દરમિયાન પણ શરીરને સક્રિય રાખો.
જો બેઠાં કે સુતા પછી ઊભા થતાંવેંત પડી જવાની કે બેભાન થવા જેવી અનુભૂતિ થાય તો તેને હળવાશથી ન લો. તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
મોટાભાગના કેસમાં ઓર્થોસ્ટેટિક હાઈપોટેન્શન ગંભીર નથી હોતું. જીવનશૈલીમાં નાના નાના બદલાવ કરીને તેને અંકુશમાં લઈ શકાય છે.'


