Get The App

ઘરની હવાને શુધ્ધ રાખવા આટલું કરો .

Updated: Mar 11th, 2024

GS TEAM

Google News
Google News
ઘરની હવાને શુધ્ધ રાખવા આટલું કરો                      . 1 - image


- વાયુ પ્રદૂષણની સમસ્યાએ માઝા મૂકી છે ત્યારે...

એ વાતમાં બે મત નથી કે વાયુ પ્રદૂષણ આપણા દેશની મુખ્ય સમસ્યાઓમાંનું એક છે. 'વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન' (હુ) અનુસાર એર ક્વૉલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) બાબતે ભારતની સ્થિતિ વણસી રહી છે. આપણો દેશ ગંભીરથી અતિગંભીર પ્રદૂષણ ધરાવતા ૧૦ દેશોની સૂચિમાં છઠ્ઠા સ્થાને આવે છે. તેમાંય મુંબઈ અને દિલ્હી જેવા મહાનગરોમાં સ્થિતિ બદથી બદતર થતી જાય છે. પ્રદૂષણની આ ગંભીરતા જોતાં ઘરમાં રહેતાં આબાલવૃધ્ધો સુધ્ધાં તેની અસરમાંથી મુક્ત નથી રહી શકતા. આવામાં ઘરની હવા શુધ્ધ રાખવા કરવું શું?

આના જવાબમાં નિષ્ણાતો કહે છે કે પ્રદૂષિત વાતાવરણને પગલે આપણા ઘરમાં વાયુ સાથે પ્રવેશતા સૂક્ષ્મ કણો અને વિવિધ પ્રકારના ગેસને આપણે રોકી નથી શકતા. પરિણામે પ્રદૂષિત વાયુ આપણને એલર્જી, આંખોમાં ખંજવાળ આવવી, ગળામાં સોજો આવવો, શ્વાસને લગતી સમસ્યાઓ અને ફેફસાંના કેન્સર સુધીની ભેટ ધરી શકે છે. અલબત્ત, આ સઘળી સમસ્યાઓ પ્રત્યે જાગૃત લોકો હવે એર પ્યુરિફાયરનો ઉપયોગ કરતાં થયાં છે. પરંતુ આ ઉપાય બધાને પરવડતો નથી. આવી સ્થિતિમાં ઘરની હવાને શુધ્ધ રાખવા કેટલાંક ઇનડૉર પ્લાન્ટ્સ ચોક્કસપણે સહાયક બની શકે. તેઓ તેના વિશે જાણકારી આપતાં કહે છે કે ત્રણ ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતાં પીસ લીલી, સ્નેક પ્લાંટ, સ્પાઈડર પ્લાંટ, એરિકા પ્લાંટ વાતાવરણમાં રહેલા વિષારી વાયુને દૂર કરીને ઘરની હવાને શુધ્ધ રાખવામાં મદદ કરે છે.

નિષ્ણાતો તેના વિશે વધુ સમજ આપતાં કહે છે કે પીસ લીલી હવામાં રહેલા ફૉર્મેલ્ડિહાઇડ, બેંજીન, કાર્બન મૉનૉક્સાઈડ જેવા ગેસોને નિષ્ક્રિય કરવાનું કામ કરે છે. સ્નેક પ્લાંટ રાત્રિના સમયે હવામાં રહેલા કાર્બન ડાઈઑકસાઈડને પ્રાણવાયુમાં તબદીલ કરે છે. નાસાના એક અભ્યાસ મુજબ સ્પાઇડર પ્લાંટ હવામાં રહેલા અમોનિયા અને બેંજિન જેવા ઝેરી ગેસોને નષ્ટ કરવાનું કામ કરે છે.

જોકે કેટલાંક સંશોધનોમાં એમ પણ જાણવા મળ્યું છે કે આ પ્રકારના છોડવાં ઘરમાં રહેલા વાયુ પ્રદૂષણને પૂરતા પ્રમાણમાં દૂર નથી કરી શકતાં. તેના સ્થાને ઘરમાં જો તાજી હવાની આવન-જાવન થતી રહે તો ઘરનું વાતાવરણ પ્રમાણમાં વધુ શુધ્ધ રહે છે.

અમેરિકામાં થયેલા એક અભ્યાસ અનુસાર ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારો, સડકો, કમર્શિયલ ભઠ્ઠીઓ, તેલ અને ગેસ ડ્રિલિંગ સાઈટોમાં હવાને શુધ્ધ રાખવામાં વૃક્ષો જ અન્ય કોઈ ઉપાય કરતાં વધુ સારું કામ આપે છે. આ પ્રાકૃતિક ઉપાય કૃત્રિમ ઉપાયોની તુલનામાં સોંઘો પણ પડે છે. જ્યારે ઘરમાં ફરસ, ભીંતો, રાચરચીલાને નિયમિત રીતે સાફ કરવામાં ન આવે અને તેના ઉપર ધૂળના થર બાઝેલા રહે, રસોઈનો ધૂમાડો ઘરમાં ફેલાતો રહે, ઘરમાં સૂકવવામાં આવતાં કપડાં તેમ જ પાણીનો ઉપયોગ થાય એવા કામોને કારણે ઘરની હવામાં ભેજ વધતો રહે છે. વળી આ ધૂળ, ધૂમાડો, ભેજ ઘરની હવામાં જ ઘૂમરાયા કરતાં હોવાથી ચાર ભીંતો વચ્ચેની હવા વધુ પ્રદૂષિત બને છે. આવી સ્થિતિમાં ઘરમાં તાજી હવાની આવનજાવન થતી રહે તે સલાહભર્યું ગણાય. ખાસ કરીને મોટા શહેરોમાં ઘર નાના થતાં જતાં હોવાથી તેમાં હવાની અવરજવર માટેના વિકલ્પો ઘટતાં જાય છે. મહાનગરોમાં ફ્લેટ સિસ્ટમ શરૂ થઈ તેનાથી પહેલા સળિયાવાળી બારીઓ અને ઊંચી છતોને કારણે બારીઓના ઉપરના હિસ્સામાં લગાવવામાં આવતી કલમદાનીઓને પગલે ઘરમાં સતત તાજી હવાનો પ્રવાહ જારી રહેતો હતો. આધુનિક પેઢીને કદાચ આ પ્રકારના ઘરોની કલ્પના પણ નહીં હોય. પરંતુ અગાઉના ઘરોની બાંધણીમાં હવા-ઉજાસ માટે પૂરતા વિકલ્પો રાખવામાં આવતાં હતાં. ખેર.., હવે જ્યારે આવી સુવિધાઓનો અભાવ સ્પષ્ટ જણાઈ રહ્યો છે ત્યારે પ્રદૂષિત વાયુ અસ્થમા જેવી શ્વસનને લગતી વ્યાધિઓથી વધુ હેરાન ન કરે તેને માટે કેટલાંક ઉપાયો અજમાવવા જ રહ્યાં. જેમ કે..,

* અસ્થમા કે શ્વસનને લગતી અન્ય બીમારીઓથી પીડાતા લોકોએ ઘરમાં સાફસફાઈ કરતી વખતે માસ્ક પહેરવાનું ન ચૂકવું. આવી વ્યાધિથી ગ્રસિત મહિલાઓએ રાંધતી વખતે પણ માસ્ક પહેરી લેવું.

* જલદ રસાયણોનો ઉપયોગ ટાળવો. કમોડ કે બાથરૂમની ફરસ સાફ કરવા માટે બજારમાં મળતાં કેટલાંક પ્રવાહીઓમાં જલદ રસાયણોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. જો જરૂર પડયે તેનાથી જ સફાઈ કરવામાં આવે તો માસ્ક પહેરવાનું ન ચૂકવું.

* રોજિંદા આહારમાં વિટામીન 'સી' પૂરતા પ્રમાણમાં લેવું.

* જેમના માટે અનુકૂળ હોય તેઓ ઘરમાં એર પ્યૂરિફાયરનો ઉપયોગ કરે. એર પ્યૂરિફાયર ખરીદતી વખતે તેની ગુણવત્તા સારી રીતે ચકાસી લેવી. જેમ કે તેની ફિલ્ટ્રેશન સિસ્ટમ, સીડીઆર (શુધ્ધ હવા માટેનું આંતરરાષ્ટ્રીય સ્તરનું એર ડિસ્ટ્રીબ્યુશન રેટ),  યૂવી લેમ્પ, એર ક્વૉલિટી ઇન્ડિકેટર, રિમોટ કંટ્રોલની સુવિધા ઇત્યાદિ.

Tags :