Get The App

ગુલાબની પાંખડી જેવા હોઠ પામવા આટલું કરો

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
ગુલાબની પાંખડી જેવા હોઠ પામવા આટલું કરો 1 - image

- સૌંદર્યના શત્રુ શ્યામ ઓષ્ટ

ચહેરાના સૌંદર્યમાં ગુલાબી હોઠ મોખરાનું સ્થાન ભોગવે છે. માનુનીની ત્વચા ગોરી હોય, ઘઉંવર્ણી હોય કે શ્યામ, પણ ગુલાબી હોઠની નઝાકત આંખે ઉડીને વળગે છે. આ કારણે જ નાજુક-ગુલાબી ઓષ્ટને 'ગુલાબની પાંખડી' જેવા કહેવામાં આવે છે. જ્યારે કાળા પડી ગયેલા અધર નમણી નારીની સુંદરતાને પણ લૂણો લગાડે છે. જો ઓષ્ટ કાળા પડી ગયા હોય તો તે ચહેરાની ત્વચા સાથે તીવ્ર વિરોધાભાસ પેદા કરે છે. આવા હોઠ ધરાવતી કોઈપણ મહિલા લઘુતાગ્રંથિનો શિકાર બને છે.

ત્વચા નિષ્ણાતો કહે છે કે શરીરમાં પાણીની ઊણપ, આકરો તડકો, વધારે પડતું ધૂમ્રપાન અને હોઠની કાળજી પ્રત્યે બેદરકારી જે તે મહિલાની સુંદરતાના શત્રુ બની જાય છે. જો અધરને યોગ્ય માવજત મળતી રહે તો સામાન્ય દેખાવ ધરાવતી સ્ત્રી પણ સુંદર દેખાય. અને હોઠને નરમ-મુલાયમ-ગુલાબી બનાવવાનું ખાસ મુશ્કેલ પણ નથી. ચોક્કસ પ્રકારની માવજત ઓષ્ટને સેક્સી લુક આપે છે. જેમ કે..,

ઓષ્ટની ભીનાશ જાળવો : અધરને નરમ - મુલાયમ - ગુલાબી રાખવા ત્વચાની ભીનાશ જાળવી રાખવી પ્રથમ શરત ગણાય. જો ત્વચા શુષ્ક હશે તો હોઠ પણ ફાટશે અને કાળા પડવા લાગશે. તેથી જો તમારી ચામડી સુકી હોય તો તેનો ઈલાજ કરવા સાથે હોઠની ભીનાશ જાળવી રાખવા લીપ બામનો છૂટથી ઉપયોગ કરો. તેવી જ રીતે અધરને મોઇશ્ચર રાખતા વિવિધ પ્રકારના બટર પણ બજારમાં સહેલાઈથી મળી રહે છે. તમે ચાહો તો તેનો ઉપયોગ પણ કરી શકો. હોઠ પર હળવા હાથે આ બટર લગાવતાં રહો.

એક્સફોલિએશન આવશ્યક : ત્વચાની જેમ ઓષ્ટનું એક્સફોલિએશન પણ આવશ્યક છે. તમારા રાત્રિના સ્કીન કેર રુટિનમાં અધરનું સ્ક્રબિંગ અચૂક સામેલ કરો. હોઠ સ્ક્રબ કરવાથી ફાટેલી અને મૃત ત્વચા દૂર થાય છે જે છેવટે ઓષ્ટને સુંવાળા-ગુલાબી બનાવે છે. તમે સપ્તાહમાં બે વખત અધરને હળવા હાથે સ્ક્રબ કરી શકો. હોઠ સ્ક્રબ કર્યા પછી તેના ઉપર લીપ બામ લગાવવાનું ન ચૂકો.

આકરો તડકો અધરનો શત્રુ : જેવી રીતે આકરા તડકાથી ત્વચા કાળી પડી જાય છે તેવી જ રીતે આપણા નાજુક હોઠ પણ અસર પામે છે. ધોમધખતા તડકામાં સૂર્યના પારાજાંબલી કિરણો ત્વચા સાથે હોઠને પણ દઝાડે છે. પરંતુ મોટાભાગના લોકો ચહેરા પર સનસ્ક્રીન લોશન લગાવે છે. જ્યારે અધરને વિસરી જાય છે. જ્યારે આજે બજારમાં એસપીએફ ધરાવતાં લીપ બામ પણ સહેલાઈથી મળી રહે છે. તેથી જ્યારે તડકામાં ઘરથી બહાર નીકળવાની નોબત આવે ત્યારે એસપીએફ ધરાવતું લીપ બામ લગાવો.

અધરને સુઘડ અને તરોતાજા રાખો : રોજ રાત્રે સુતી વખતે હોઠ યોગ્ય રીતે સાફ કરો. કહેવાનો અર્થ એ છે કે જો અધર પર લિપસ્ટિક લગાવેલી હોય તો તે સારી રીતે દૂર કર્યા પછી લિપ બામ લગાવી લો. તેવી જ રીતે સારી ગુણવત્તા ધરાવતી લિપસ્ટિક લગાવવાનો આગ્રહ રાખો.

તીવ્ર રસાયણોયુક્ત ઉત્પાદનોથી બચો : તમે તમારા અધરની માવજત માટે જે ઉત્પાદનોનો ઉપયોગ કરો છો તેમાં જો તીવ્ર રસાયણો હશે તો તમારા અધરને કાળા થતાં નહીં રોકી શકાય. જોકે મહત્વની વાત એ છે કે ત્વચાને સ્વચ્છ-સુઘડ કરતાં ક્લીન્ઝર્સમાં પણ મોટાભાગે તીવ્ર રસાયણો ભેળવવામાં આવે છે, જે છેવટે ત્વચાને હાનિ પહોંચાડે છે. આવું જ કાંઈક લિપક્લિન્ઝીંગ પ્રોડક્ટસમાં પણ જોવા મળે છે. આવા ઉત્પાદનોનો ઉપયોગ હોઠનો વાન શ્યામ કરે છે. જોકે આવા ક્લીન્ઝરનો અચ્છો વિકલ્પ છે માઇસેલર વૉટર (ત્વચાને સ્વચ્છ કરતાં ચોક્કસ પ્રકારના ઘટકો ધરાવતું પ્રવાહી). માઇસેલર વૉટરમાં રૂનું પૂમડું બોળીને હોઠ પર થોડી સેકંડ સુધી ફેરવો. ત્યાર બાદ હોઠ લૂછી લો.

બજારમાં મળતાં આ પ્રોડક્ટ્સ ઉપરાંત કેટલાંક ઘરગથ્થુ નુસખા અજમાવીને પણ અધરને ફૂલગુલાબી-સુંવાળા બનાવી શકાય. જેમ કે..,

બ્રાઉન શુગર-મધનું મિશ્રણ : બ્રાઉન શુગર કરકરી હોવાથી હોઠને સ્ક્રબ કરવામાં કારગર પુરવાર થાય છે. જ્યારે મધ અધરને કુદરતી રીતે ભીનાશ બક્ષે છે.

ઓષ્ટ માટે સ્ક્રબ બનાવવા એક ચમચી બ્રાઉન શુગરમાં એક ચમચી મધ નાખીને મિક્સ કરી લો. હવે આ મિશ્રણ વડે એક મિનિટ સુધી ઓષ્ટ પર એકદમ હળવા હાથે મસાજ કરો. પાંચ મિનિટ પછી અધર ધોઈ લો. સપ્તાહમાં બે વખત આ પ્રયોગ કરો.

લીંબુ-મધનું મિશ્રણ : લીંબુ ચામડીને કુદરતી રીતે ચમકદાર બનાવે છે. અને મધ ત્વચાને શુષ્ક થતી ખાળે છે.

બે ટીસ્પૂન લીંબુના રસમાં બે ટીસ્પૂન મધ ભેળવો. આ મિશ્રણ અધર પર લગાવીને પંદરેક મિનિટ રહેવા દો. ત્યાર પછી સાદા પાણી વડે ઓષ્ટ ધોઈ લો. આ નુસખો અઠવાડિયામાં બે વખત કરી શકાય.

દાડમનો રસ : દાડમના રસમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન સી હોય છે. તે અધરને પોષણ આપવા સાથે ગુલાબી બનાવે છે.

એક ચમચી દાડમનો રસ લો અને ઓષ્ટ પર લગાવો. એક કલાક પછી સાદા પાણી વડે અધર ધોઈ લો. દર ચારેક દિવસે આ પ્રયોગ કરો. 

- વૈશાલી ઠક્કર