રેફ્રિજરેટરના રખોપામાં બેદરકાર ન બનશો
એમ કહેવાય છે કે ગૃહિણીનું અડધું રસોડું રેફ્રિજરેટરમાં સમાઈ જાય છે. આ વાતમાં વજૂદ પણ છે. મોટા ભાગની ગૃહિણીઓ ફ્રિજમાં કંઇકટેલીય ખાદ્ય સામગ્રી ભરી રાખે છે. ખાસ કરીને નોકરી કરતી સ્ત્રીઓને આખા અઠવાડિયાના શાકભાજી, ફળો અને ઘણીવાર બન્ને ટંકનું ભોજન સુધ્ધાં ફ્રિજમાં મૂકી રાખવું પડે છે. આમ છતાં સ્વચ્છતાની બાબતમાં ફ્રિજનો નંબર છેલ્લો આવે છે. કેટલી ગૃહિણીઓ દર અઠવાડિયે કે પંદર દિવસે આખું ફ્રિજ ખાલી કરીને સાફ કરતી હશે? વાસ્તવમાં આ બહુ જરૂરી છે. ફ્રિજના અને ઘરના સભ્યોના, બન્નેના સ્વાસ્થ્ય માટે.
પણ જો તમને વારંવાર આખું ફ્રિજ ખાલી કરીને સાફ કરવાનો સમય ન મળતો હોય તો અન્ય નાની નાની બાબતોની કાળજી રાખીને રેફ્રિજરેટરને સ્વચ્છ અને વાસ વિનાનું રાખી શકો છો. સૌથી પહેલાં તો ફ્રિજમાં વધારે પડતી ખાદ્ય સામગ્રી ન ભરો. આમ કરવાથી રેફ્રિજરેટરની આ બધી વસ્તુઓ જાળવવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. આ ઉપરાંત તેમાંથી ખાદ્યા પદાર્થોની વાસ પણ આવવા લાગે છે. ફ્રિજમાં મૂકવા માટે ગોળ નહીં બલ્કે ચોરસ કન્ટેનરનો ઉપયોગ કરો. તે જગ્યા ઓછી રોકે છે અને તેને વ્યવસ્થિત રીતે ગોઠવી પણ શકાય છે.
શાકભાજી મૂકવા નેટવાળી બેગનો ઉપયોગ કરો જેથી તેમાં હવાની આવનજાવન થઈ શકે. અને શાકભાજી તાજાં રહે. જ્યારે પાલક કે મેથી જેવા પાંદડાવાળા શાકભાજી ન્યુઝ પેપરમાં વીટાળીને રાખો.
ફળ અને શાકભાજી અલગ અલગ ખાનામાં મૂકો. આનું કારણ એ છે કે ફળોમાંથી નીકળતો ચોક્કસ પ્રકારનો ગેસ તમારા શાકભાજીને પીળાં પાડી દે છે.
ફ્રિજમાં મૂકેલાં શાકભાજી નિયમિત રીતે તપાસતાં રહો. બગડી ગયેલાં ફળ-શાક ફેંકી દો. તેની ઉપર છારી બાઝી ગઈ હોય તોય તે ફેંકી દો. નહીં તો આખા ફ્રિજમાં વાસ ફેલાઈ જશે. તેવી જ રીતે જામ, બ્રેડ સ્પ્રેડ, ચીઝ જેવી વસ્તુઓની એક્સપાયરી ડેટ તપાસતાં રહો.
ફ્રિજ ખાલી કરો ત્યારે તેમાં એકાદ-બે કલાક માટે બેકિંગ સોડાના બોક્સને ખુલ્લું મૂકી દો. આ
સિવાય લીંબુને કાપીને પણ મૂકી શકાય. આમ કરવાથી ફ્રિજમાંથી આવતી વાસ દૂર થઈ જશે.
ફ્રિઝરમાં મૂકવાના ખાદ્ય પદાર્થો ઢાંકીને રાખો.
તમારા રેફ્રિજરેટરનું ઉષ્ણતામાન પાંચ ડિગ્રી સેલ્શિયસ જેટલું હોવું જોઈએ. જ્યારે ફ્રિજરરનું ૧૮ ડિગ્રી સેલ્શિયસ જેટલું. આ તાપમાન તમે થર્મોમિટરથી પણ માપી શકો છો.
જો તમારું રેફ્રિજરેટર ફ્રોસ્ટ-ફ્રી ન હોય તો તેને નિયમિત રીતે ડિફ્રોસ્ટ કરતાં રહો. નહીં તો તેમાં જામેલું વધારે પડતું બરફ ફ્રિજને નુકસાન પહોંચાડશે.
આખું ફ્રિજ ખાલી કરીને સાફ કરવાનો કંટાળો આવતો હોય તો એકાંતરે કે બે દિવસે એક એક ખાનું સાફ કરતાં રહો. માત્ર ગરમ પાણીમાં બોળેલા કપડાંથી સફાઈ કરવાથી પણ ફ્રિજ સ્વચ્છ રહેશે.
- મીનાક્ષી તિવારી