- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
- હવે બોક્સ પેકિંગમાં આવતી મિઠાઈઓમાં ઘરની મિઠાસ નહીં પણ બજારની સુગર વધી છે. આપણે મહેનત ફ્રી વસ્તુઓ લાવતા થયા છીએ અને એટલે જ આપણે સુગરફ્રી મિઠાઈ ખાવી અને ખવડાવવી પડે છે. માણસાઈની મીઠાસ ઓછી થઈ અને લાગણીઓ સુગરકોટેડ થવા લાગી એટલે મનને મધુમેહ થવા લાગ્યો છે.
આ શું ફુસફુસીયા પોપપોપ ફોડયા કરો છો, તમારી પાસે તો મોટા ધડાકા થાય તેવા ફટાકડા પણ નથી. અમે ફોડતા હતા ભીંત ભડાકા... તમારા જેવી પ્રજા તો તેને સરખી રીતે ફોડી પણ ન શકે. આ ડાયલોગ અત્યારે ખૂબ જ સરસ સેટ થાય તેમ છે. તેનું કારણ એ છે કે, આજથી ત્રણ દાયકા પહેલાં નાના બાળકો થઈને ફરતી પ્રજા અત્યારે માતા-પિતા બની ગઈ છે. જેને આપણે મિલેનિયલ્સ કહીએ છીએ તે બધા હવે જીવનની ચાળીસીએ પહોંચી ગયા છે. તેમના દસ, બાર કે પંદર વર્ષના સંતાનો થઈ ગયા છે. આ લોકો પાસે ઉજવણીના નામે બે-ચાર સ્વીટ, આઠ-દસ જોડી કપડાં, ફુસફુસીયા ફટકડાં અથવા તો દેશ કે વિદેશનું ટેસ્ટિનેશન અને વેકેશન અથવા તો નવું તૂત આવ્યું છે તે સ્ટેકેશન. આનાથી વધારે નવી પેઢી પાસે તહેવારની કોઈ લાગણી જ નથી, મેમરી જ નથી કે એક્સપિરિયન્સ પણ નથી.
તમે જાતે જ વિચારો કે કેવી ધામધૂમથી દિવાળી ઉજવાતી હતી. અત્યારના જેવી સુવિધાઓ, સંસાધનો, સુખ-સાહ્યબી નહોતા છતાં દિવાળીનો આનંદ જે હતો તેની સરખામણી જ થતી નહોતી. તે દિવાળી ખરેખર કેવી હતી. યાદ છે બધાને....
સૌથી પહેલાં તો નવરાત્રી પતે એટલે ઘરની સફાઈ થતી, જે આજે પણ થાય છે. તે સમયે જૂની યાદો અને સંભારણા માળીયામાંથી મળી આવતા હતા અને આજે નકામી વસ્તુઓ મળે છે. લખોટીઓનો ડબ્બો કે છાપો અને ભમરડાની થેલી મળી જતી તો આખું બાળપણ આંખોમાં ઉપસી આવતું. હવે તો ટેડીબેર, સોફ્ટટોય્ઝ અને બીજી વસ્તુઓ માળીયા કે કબાટોમાંથી નીકળે છે જે મોટાભાગે ડોમેસ્ટિક હેલ્પર્સ અને નોકરોના સંતાનોને આપી દેવાય છે. તે વખતે મમ્મી ઘરમાં સાફસફાઈ કરતી અને આપણે થોડીઘણી મદદ કરતા. દિવાળીના મોટાભાગના નાસ્ત ઘરમાં જ બનતા હતા. મઠીયા તળાતા, ચોળાફળી અને ઘુઘરા બનતા. મગસ, મોહનથાળ અને મીઠાઈઓ બનતી. સેવો બનાવતા, હાજીખાની પૌંઆનો ચેવડો બનતો, ફરસી પુરી, સુંવાળી, સક્કરપારા અને બીજા ઘણા નાસ્તા બનતા હતા.
આજે તો મા-બાપ પાસે સમય નથી અને સમય હોય તો કામ કરવાની ઈચ્છા નથી અને કદાચ શક્તિ પણ નથી. આજની મા-બાપની કહેવાતી વકગ ક્લાસની પેઢી તો કામવાળાને જ એક્સ્ટ્રા પૈસા આપીને સાફસફાઈ કરાવી દેશે અથવા તો હવે તો ઓનલાઈન માઘ્યમોથી એજન્સીઓ મળી જાય છે તેને બોલાવીને સાફસફાઈ કરાવી દેશે. ત્યારબાદ આ વકગ મમ્મી-પપ્પા કાર લઈને નીકળે, એકાદી ફરસાણ કે સ્વીટમાર્ટની દુકાન પાસે કાર ઊભી રાખે. લગભગ અડધો કલાકમાં તો બધી જ વસ્તુઓ લઈને બહાર અને થોડીવારમાં ઘરે. હવેની મિઠાઈમાં ઘરની મિઠાસ નહીં પણ બજારની સુગર વધી છે. આપણે મહેનત ફ્રી વસ્તુઓ લાવતા થયા છીએ અને એટલે જ આપણે સુગરફ્રી મિઠાઈ ખાવી અને ખવડાવવી પડે છે. માણસાઈની મીઠાસ ઓછી થઈ અને લાગણીઓ સુગરકોટેડ થવા લાગી એટલે મનને મધુમેહ થવા લાગ્યો છે.
ધનતેરસના એકાદ-બે દિવસ પહેલાં ઘરમાં ફટાકડાં આવે. ઘરના જેટલાં પણ બાળકો હોય તેમને સરખા ભાગે વહેંચવામાં આવે છતાં નાના-મોટા સંતાનો એકબીજાને વધારે મળ્યું તેના ઝઘડા કરે. આજે હજારો રૂપિયાના ફટકાડાં લાવવાની શક્તિ છે પણ ફોડવાની ફુસરત અને આનંદ નથી. દાઝી જવાની બીક અને પોલ્યુશનની પળોજણે બિન્ધાસ્ત બાળપણને કેદ કરી દીધું છે. એક સમય હતો જ્યારે તારામંડળ અને કોઠી ફોડતા પણ બીક લાગતી હતી છતાં ભાઈબંધો સામે શેખી મારતા કે આ વખતે તો બોમ્બના જ પાંચ પેકેટ લાવ્યો છું. ટેટાની તો વીસ લૂમ લાવ્યો છું. ફટાકડા ફોડી લીધા પછી બીજા દિવસે સવારે વધેલા ટેટા અને બોમ્બ શોધવા અને વિણવા નીકળતા હતા.
ધનતેરસે ધનની પૂજા થતી, અને લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવામાં આવતા હતા. આજે તો લક્ષ્મીજીને કઈ બેન્કમાં રાખવા અને કયા દેશમાં રાખવા તેની મથામણ જ ચાલ્યા કરતી હોય છે. ત્યારે મનના વૈભવની બોલબાલા હતી અને આજે ધનના વૈભવની છે. આજે લક્ષ્મીપૂજન પણ સાચવવા અને બચાવવાની ચિંતા વચ્ચે જ થતું હોય છે. કાળીચૌદસે ચારરસ્તે કકળાટ કાઢવા જતા અને આજે ગમે ત્યારે કકળાટ થઈ જાય તેવી સ્થિતિમાં આવી જઈએ છીએ. કંકાસ કાઢવાથી ઘરમાં શાંતી રહે છે, તહેવારોનો આનંદ બેવડાય છે તેવી માન્યતા હતી અને બધા તેમ કરતા પણ આજે તો તહેવારોમાં જ સૌથી વધારે કંકાસ થવા લાગ્યો છે. તે સમયની બીજી મજા એ હતી કે, આ દિવસોમાં અઢળક ફટાકડાં ફોડવામાં આવતા હતા. પોલ્યુશનની પીપુડી વગાડીને ફરતા તનમનીયાઓ ક્યાંય હતા નહીં. તહેવાનો સાચો આનંદ માણી શકાતો હતો અને લોકો માણતા પણ હતા. કાળી ચૌદસ અને દિવાળીની આખી રાત જાગીને ફટાકડા ફોડતા. આજે તો સમય, કાળ, તીથી અને કાયદાને ઘ્યાનમાં રાખીને ઉજવણીઓ કરવી પડે છે. પહેલાં તો બાજુમાં રહેતા સોમાકાકા સામેથી ફટાકડા ફોડવા માટે ઘરની બહાર બોલાવતા અને આજે દસ વાગ્યા પછી ફટાકડા ફોડો તો બાજુમાં રહેતા સોફેસ્ટિકેડેડ અંકલ ડુ નોટ ડિસ્ટર્બ કરીને બચકાં ભરવા નીકળે છે. હવે તો કદાચ પોલીસને પણ બોલાવી શકે તેમ છે. દીવા, ઉજાશ, ફટાકડાં, ધુમાડો, રોશની અને બધું જ જાણે કે એકાએક આટફિશિયલ થવા લાગ્યું છે.
દિવાળીનો દિવસ આવે તો તેની પણ કેવી મજાની ઉજવણી થતી. કાળીચૌદસની આખી રાત જાગીને રંગોળીઓ કરતા. કોની રંગોળી સરસ થાય છે તે જોવા માટે સવારે રેકી કરવામાં આવતી. આખા ઘરમાં અને કમ્પાઉન્ડમાં જ્યાં પણ જગ્યા હોય ત્યાં કોડિયા મૂકીને દીવા કરતા અને અજવાસનો આનંદ લેતા. આજે રંગબેરંગી સિરીઝ અને લાઈટ લગાવીને અજવાસને પણ આટફિશિયલ કરી દીધો છે. તેનો આનંદ પણ એવો જ થઈ ગયો છે. ફટાકડા ફોડવા નીકળીએ ત્યારે આજુબાજુના ઘરમાં જો વધારે દીવા બળતા હોય તો છુપાઈને એકાદ ઓલવી કાઢતા જેથી પોતાના ઘરના દીવા વધારે ચાલે છે તેવું સાબિત કરી શકાય. દરેક ઘરમાં નાનું-મોટું મિષ્ઠાન સાથેનું ફુલ ભાણું જમવામાં આવતું હતું. હવે તો ઓનલાઈન એપ્સથી ઓર્ડર કરો અથવા હોટેલમાં ઘુસીને ઝાપટી લો. ઘરમાં કોઈને કામ કરવાનો પણ આનંદ લેવો નથી.
નવા વર્ષે નવા કપડાં પહેરીને ઠાઠથી નીકળતા. ત્યારે બ્રાન્ડ કોને કહેવાય કે બ્રાન્ડેડ કપડાં હોવા જોઈએ તેવી સમજ નહોતી પણ દિવાળીએ નવા કપડાં લેવાના તેનો આનંદ વિશેષ હતો. મેં બે જોડી કપડાં લીધા તો મેં ચાર જોડી લીધાં જેવી બડાઈ મારતા અને બીજાને હેરાન કરવાનો નિર્દોષ આનંદ લેતા. આજે બ્રાન્ડેડ કપડાં પહેરીને પણ એવો આનંદ નથી મળતો. નવા વર્ષના બે-ચાર દિવસમાં શક્ય એટલા સગા સંબંધીઓને મળવા તેમના ઘરે જતા, થોડા દૂર રહેતા મિત્રો, સંબંધીઓ કે સ્નેહીઓને પોસ્ટકાર્ડ અથવા તો દિવાળી કાર્ડ મોકલતા. આજે કરોડોની સંખ્યામાં વોટ્સએપ મેસેજની આપલે થાય છે પણ ક્યાંય લાગણીઓની આપ-લે થતી નથી. શક્ય એટલા લોકોને પગે લાગતા જેથી ગલ્લામાં વધુમાં વધુ પૈસા જમા કરી શકાય. કોણ વધારે પૈસા આપે છે તેમના ઘરે જવાને પ્રાધાન્ય આપતા.
કોની મમ્મી મઠિયા, ચોળાફળી કે મગસ સરસ બનાવે છે તેની હરિફાઈ જામતી. મિત્રો માત્ર આ જજમેન્ટ આપવા માટે પણ એકબીજાના ઘરે જઈને નાસ્તાઓની બેહિસાબ જયાફત ઉડાવતા. કોના ઘરે સારો મુખવાસ હોય છે અને કોણ વાસી વસ્તુઓ મુકે છે કે કોણ સાવ કંજુસ છે તેની પણ યાદી બનાવતા. અરે શિક્ષકોના ઘરે પણ દિવાળીની શુભેચ્છા આપવા પહોંચી જતા અને અડધું વર્ષ તેમણે આપણી સાથે જે કર્યું તેનો બદલો અડધો કલાકમાં બધો જ નાસ્તો ઝાપટી જઈને લઈ લેતા. ત્યારે વેકેશનમાં ફરવા જવાનો કે વિદેશ જવાનો ટ્રેન્ડ નહોતો. તે સમયે સંતાનો ઘરે રહેવા માટે કકળાટ કરતા, જીદ કરતા અને આજે ગણેશચતુર્થી દરમિયાન તો દિવાળીની રજાઓનું પ્લાનિંગ થઈ જાય છે. કયું ડેસ્ટિનેશન, કયો દેશ, કયું રાજ્ય અને કેટલા દિવસ બધું પહેલેથી જ નક્કી થઈ જાય છે.
તહેવારો ઘરમાં રહેવા, ઘરના સાથે રહેવા અને ઘરમાં રહીને ઉજવણી કરવા માટે થયેલી એક સુંદર વ્યવસ્થા છે. આ પાંચ દિવસ બધા સ્વજનો ભેગા થાય, આનંદ કરે અને સુંદર સ્મૃતિઓ ભેગી કરે તેના માટે દિવાળી આવે છે. આપણે તો તેને માત્ર આટફિશિયલ વેકેશન બનાવી દીધું છે. ગણતરીની રજાઓ અને રજાઓની ગણતરી વચ્ચે દિવસો ક્યાં પસાર થઈ જાય છે તે સમજાતું જ નથી. આપણે એટલી બધા કેઝયુઅલ થઈ ગયા છીએ કે આપણે બાળક તરીકે જે તહેવાર ઉજવ્યો તેવો તહેવાર પણ પોતાના બાળકને ઉજવવા દેતા નથી કે તેને શિખવતા પણ નથી. નવી પેઢીને આવું ન ફાવે તેમ કહીને જવાબદારીમાંથી છટકી જઈએ છીએ.
દિવાળીના પૌરાણિક કે ધામક મહાત્મ્યને પણ આપણે સારી રીતે અને સાચી રીતે વર્ણવી શકતા નથી. રાવણનો સંહાર થઈને રામરાજ્યની સ્થાપના થઈ કે રામ અયોઘ્યા પરત આવ્યા તેની ઉજવણી એટલે દિવાળી જેવી ધામક પરંપરાઓ તેના સ્થાને યથાવત છે પણ આજે વાત કરવી છે પોતાની જાત સાથેની દિવાળીની. આજે એક એવી દિવાળી ઉજવવી છે જેવી દિવાળી આજથી બે-ત્રણ કે ચાર દાયકા પહેલાં આપણે ઉજવતા હતા. સ્વ સાથે અને સ્વજન સાથે ઘરમાં રહીને દિવાળી ઉજવીએ, પરંપરા અને આધુનિકતાનો સંગમ કરીને દિવાળી ઉજવીએ. તેના થકી જ જૂની પેઢીને ગુમાવ્યાનો અફસોસ નહીં રહે અને નવી પેઢીને કંઈક નવું મળ્યાનો આનંદ બેવડાઈ જશે.


