- સ્ત્રી-પુરુષ દાંપત્યમાં મૂળ સ્વભાવ છોડીને માત્ર અહંકારવશ એકબીજાની સામે પડે છે ત્યારે સમગ્ર પરિવાર વિખરાવા લાગે છે. તેઓ પોતાના અહંકારને સંતોષવા કે પોતાની જાતને સાચી માનીને એક સમયે છુટા પડી જશે પણ તેના ઉઝરડા સંતાનોના મન ઉપર જે પડશે તેનો ઈલાજ ક્યારેય નહીં મળે.
વૈભવી અને વિસ્મયના છૂટાછેડા થવાના હતા. લગભગ ત્રણ વર્ષથી તેઓ જુદા જુદા રહેતા હતા. આશ્ચર્યની વાત એ હતી કે, બંને જણાએ એકબીજા સાથે એક દાયકા પહેલાં લગ્ન કર્યા હતા અને તે લગ્ન તેમના બીજા લગ્ન હતા. તેના પહેલાં વિસ્મય અને વૈભવીએ અલગ અલગ લગ્ન કરીને છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ વિસ્મય અને વૈભવીએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. તેમના આ લગ્ન સામાજિક ગોઠવણ અને સામાજિક મર્યાદામાં રહીને જ કરવામાં આવ્યા હતા. તેમના લગ્નને ગત વર્ષે જ એક દાયકો પૂરો થયો હતો પણ તેની પહેલાં તો તેઓ છૂટા થવા સુધી પહોંચી ગયા હતા.
વૈભવી અને વિસ્મયને એકબીજા સાથે ફાવતું જ નહોતું. આ વાત વૈભવીએ કરી હતી. તેનું કહેવું હતું કે, વિસ્મય ગુસ્સાવાળો છે, ક્યારેક એગ્રેસિવ થઈને હાથ ઉપાડી દે છે, ગાળો બોલે છે. તેના કામ અને બિઝનેસના ચક્કરમાં મને સમય જ આપતો નથી. મારી લાઈફ તો સાવ બોરિંગ જઈ સરી છે. આખો દિવસ માટે છોકરાઓને સાચવવાના. બંનેને લગ્નજીવનના ભાગરૂપે ટ્વિન સંતાનો હતા. એક દીકરો અને બીજી દીકરી. હવે આ લોકો લગભગ નવ વર્ષના થઈ ગયા હતા.
સમસ્યા એ થઈ હતી કે, કોરોનાકાળમાં વૈભવી અને વિસ્મય વચ્ચે વિવાદ શરૂ થયો હતો. તે વખતે દરેકને નોકરી-વ્યવસાયમાં સમસ્યા સર્જાયેલી હતી તેમ આ પરિવારને પણ થઈ હતી. તેમ છતાં વિસ્મય પાસે સેવિંગ પૂરતું હતું કે, તે સમય નીકળી ગયો. આ દરમિયાન વૈભવીને અભાવ વર્તાતો હતો. કોરોના દરમિયાન તેના કેટલાક મિત્રો, તેના પિયરના કેટલાક પરિવારો મોજ-મજા અને આનંદ કરતા હતા તેવી તસવીરો અને વીડિયો તેણે જોયા હતા. તેને હતું કે, અમે તો કોરોના દરમિયાન કશું જ કરી શક્યા નથી. બિમારીના ભયથી ઘરમાં જ પુરાઈ રહ્યા અને પૈસાના અભાવે આનંદ પણ ન કરી શક્યા. વિસ્મયે ત્યારે તેને સમજાવી હતી કે, આપણે જીવન સેટ કરવાનું છે અને તું જેમની વાતો કરે છે તેઓ પહેલેથી જ વેલસેટલ પરિવારો છે. તેમને વાંધો આવે તેમ નહોતો.
વૈભવી ત્યારે તો માની ગઈ પણ તેમ છતાં તેના મનમાં આ વાતનો વસવસો રહી ગયો હતો. તે ઘણી વખત આ મુદ્દે ઝઘડતી હતી. તેમાંય એક દિવસ અચાનક તે પોતાના સંતાનોને લઈને પોતાના પિયર જતી રહી. વિસ્મય કે તેના પરિવારને જાણ કર્યા વગર. ત્યારબાદ તેમના છૂટાછેડાની માથાકૂટ શરૂ થઈ. થોડા સમયમાં વૈભવીએ છૂટાછેડા માટે અરજી કરી દીધી અને વિસ્મયને નોટિસ મોકલાવીને કામગીરી શરૂ કરાવી દીધી. બંને તારીખો પડે ત્યારે કોર્ટમાં મળતા અને પછી છુટા પડી જતા. આ દરમિયાન વિસ્મય પોતાના સંતાનોને મળતો અને પછી તેમના માટે વલખાં મારતો બીજી તારીખની રાહ જોતો જીવન પસાર કરતો હતો. વૈભવીને લાગતું હતું કે વિસ્મયે તેનું જીવન ખરાબ કરી નાખ્યું છે અને વિસ્મયને પીડા હતી કે, વૈભવીએ તેની શાંત અને સરળ જિંદગીમાં વિવાદોના વંટોળ લાવી દીધા અને બધું જ બરબાદ કરી દીધું. બંને એકબીજાને ગાળો દેતા હતા પણ વાસ્તવિકતા તરફ તેમનું કોઈનું ધ્યાન જ નહોતું.
છૂટાછેડા માટે ઝઘડતા, કોર્ટમાં ગયેલા કે પછી હાલમાં પણ જેમના દાંપત્યમાં વિવાદ કે વિખવાદ ચાલી રહ્યા છે તેવા દરેક દંપતી એ નથી જોતા કે તેમની આ કૂતરા-બિલાડાની જેમ ઝઘડવાની મમત તેમના સંતાનો ઉપર કેટલી ભયાનક છાપ છોડી રહી છે. તેમનું એકબીજાને બતાવી દેવાનું, પૂરા કરવાનું ઝનૂન એ સ્તરે વધી જાય છે કે, પોતાના સંતાનો આ બાબતથી પીડાઈ રહ્યા છે, તેમનું મનોજગત ધ્વસ્ત થઈ ગયું છે તેનાથી તેઓ વ્યથિત છે. માત્ર એકબીજાના અહંકારને સંતોષવા અને પોતે સાચા છે તેની સાબિતી માટે આમનેસામને આવી જતા દંપતીઓ ભુલી જાય છે કે, તેઓ જેમના દેખતા આ ધતિંગો કરે છે, ઝઘડા કરે છે તેમની મનોદશા કેવી થશે.
માતા-પિતાની આ વિકૃત મનોવૃત્તિ અને અવિચારી પ્રવૃત્તિ સંતાનોને અસલામતી અને ઈમોશન એન્ઝાઈટીના એવા સ્ટેટમાં લઈ જાય છે ત્યાં તેમનું ભવિષ્ય ડામાડોળ થવાની શરૂઆત થઈ જાય છે. પોતે જોયેલી બાબતો, સાંભળેલી વાતો અને અનુભવેલી સ્થિતિ તેના માનસને ગંભીર અસર કરે છે. આ વાતાવરણમાં રહીને ઉછરતા બાળકોનું માનસ ઘણી વખત એટલું ખરાબ થઈ જાય છે કે, ભવિષ્યમાં તેમનું પોતાનું દાંપત્ય જીવન પણ ડામાડોળ થઈ જાય છે. દુનિયામાં આવા ઘણા કિસ્સા છે. તેમનું સાઈકોલોજિકલ એસેસમેન્ટ કરવામાં આવે કે તેમને કાઉન્સેલિંગ કરવામાં આવે ત્યારે ખબર પડે છે કે, સ્ત્રી અથવા તો પુરુષના માતા-પિતા વચ્ચે પણ આવું જ જીવન હતું અને તેઓ છુટા પડી ગયા હતા. ઘણા બાળકો તો એટલા ડિપ્રેસનમાં જતા રહે છે કે, તેમની જીવન જીવવાની ઈચ્છા જ મરી પરવારે છે. તેઓ ભોજન કરતા નથી, સરખો અભ્યાસ કરતા નથી, કેરીયર ઉપર ફોકસ કરી શકતા નથી.
મોટાભાગે સ્ત્રીઓનું એવું થાય છે કે, તે ભણેલી-ગણેલી હોય એટલે સતત સ્વતંત્રતાની પીપુડીઓ વગાડતી રહે છે. તેને પોતાના પરિવારનું કામ કરવું, તેને સાચવવો તે બધું બોજરૂપ લાગે છે, તેનું શોષણ થતું હોય તેમ લાગે છે. તેને એમ લાગે છે કે, પરિવારમાં મારી સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે. ઘણી સ્ત્રીઓ એવી પણ હોય છે કે, જે કહે છે કે, હું નોકરી કરું છું તો ઘરનું કામ મારાથી નહીં થાય. રસોઈ હું નહીં બનાવું, બહારના કામ તો મારાથી થશે જ નહીં. સંતાનો મારા એકલીના નથી, તેમની જવાબદારી હું એકલી નહીં ઉઠાવું. આ વિચાર જ્યારે મગજમાં ઘર કરી જાય છે ત્યારે પરિવાર વિખરાવાની શરૂઆત થઈ છે તેમ સમજી લેવું જોઈએ. મોટાભાગે આવી સ્ત્રીઓ ઈગો અને અહંકારને એમ્પાવરમેન્ટનું ટેગ લગાવીને જંગે ચડી હોય છે. બીજી તરફ પુરુષો પણ આવા વિચિત્ર હોય છે. વારંવાર પત્ની સાથે ઝઘડા કરતા હોય છે. તેને દબાવવા અને દબડાવવાના જ મૂડમાં રહેતા હોય છે.
તેનું ગમે ત્યારે અપમાન કરતા હોય છે. પોતે ઘરનો અને સ્ત્રીનો માલિક છે અને તેનો ઓર્ડર બધાએ માનવાનો તેવું દબાણ કરતો રહે છે. મારપીટ કરતો રહેતો હોય છે. તેમનામાં મેલ ઈગો એટલો બધો હોય છે કે, સ્ત્રીઓને ગણતા જ નથી. તેઓ સ્ત્રીને માત્ર સાધન માનતા હોય છે અને જીવનસાથી તરીકે જરાય સન્માન આપતા નથી.
હકિકતે સ્થિતિ એવી છે કે, સ્ત્રી અને પુરુષ બંને જ્યારે દાંપત્યમાં જોડાય છે ત્યારે પોતાના સ્વભાવ, હકારાત્મક અને નકારાત્મક પાસાને સ્પષ્ટ રીતે જણાવી દેવા જોઈએ. સત્યના આધારે સંબંધ શરૂ કરવો જોઈએ. આ ઉપરાંત માતા-પિતા બનતા પહેલાં પણ પોતાના અહંકારને, જરૂરિયાતોને અને ગુસ્સાને બાજુએ રાખીને આગળ વધવું જોઈએ. એક વખત સંતાનો આ દુનિયામાં અવતરી જશે અને ત્યારબાદ માત્ર તમારા અંગત ઈગોક્લેશના કારણે તમે છુટા પડી જશો ત્યારે આ સંતાનોનું ભવિષ્ય ડામાડોળ થઈ જશે.
સમાજ વ્યવસ્થા અને કદાચ કુદરત વ્યવસ્થાની વાત કરીએ તો સ્ત્રી માટે મોટાભાગે સહનશક્તી, દયા, ધીરજ, કરુણા, મમતા જેવા ગુણો અને લાગણીઓની વાત વધારે કરવામાં આવે છે. તેવી જ રીતે પુરુષ પાસે જવાબદારી, આથક આયોજન અને પરિવારને આગળ વધારવાની વાતો થતી હોય છે. દરેકની પોતાના ભૂમિકા આગવી છે અને પહેલેથી નક્કી છે છતાં આપણે તેમાં ફેરફાર કરવાના નાહક પ્રયાસ કરીએ છીએ. તેના કારણે તેમાં ઈગો પ્રવેશે છે અને ઝઘડા શરૂ થાય છે. દંપતીઓ એ નથી સમજતા કે જ્યારે આ ઝઘડા થતા હોય છે, કકળાટ ચાલતો હોય છે, વિખવાદ થતો હોય છે પણ ત્યારે તેની સૌથી વધારે અસર બાળકો ઉપર પડતી હોય છે. ઘરમાં સતત કંકાસ ચાલતો હોય ત્યારે બાળકોનું કુમળુ માનસ તે સહન કરી શકતું નથી. તેઓ તેના કારણે વધારે મુંઝવણમાં આવી જાય છે કે પછી તેના કારણે પોતાની જાતને પણ ઝઘડાળુ અને વિકૃત બનાવવા લાગે છે. તેના માનસમાં એ વાત ઘર કરી જાય છે કે, ઝઘડા કરવાથી જ ટકી રહેવાશે. ઘણી વખત એવું બનતું હોય છે કે, બાળક સાવ ડિપ્રેશનમાં જતું રહે છે. માતા-પિતાનો કોર્ટના ધક્કાથી કંટાળીને કે પછી વહેલા છુટા થવાના આશયથી સમાધાન કરીને છુટા પડી જાય છે પણ તેનાથી સંતાનોનું ભવિષ્ય ડામાડોળ થઈ જાય છે. તેમને ફિઝિકલી, મેન્ટલી અને ઈમોશનલી જે આઘાત લાગે છે તે અકલ્પનિય હોય છે. એક આદર્શ પિતા પોતાના સંતાનોને આગળ વધારવા માટે બધું જ કરી છુટતો હોય છે તેમાં તેને પોતાની પત્નીનો સાથ જોઈએ છે જે તેની ગેરહાજરમાં સમગ્ર પરિવાર અને કુટુંબને સાચવે.
તેવી જ રીતે સ્ત્રી પાસે તમામ લાગણીઓ છે, તે એક સમય પોતે ભુખી રહીને પણ પરિવારનું પેટ ભરી શકે છે પણ બીજી તરફ તેને પોતાના જીવનસાથીનો સાથ અને સંવેદના જોઈતા હોય છે.
સ્ત્રી અને પુરુષ દાંપત્યમાં મૂળ સ્વભાવ છોડીને માત્ર અહંકારવશ એકબીજાની સામે પડે છે ત્યારે સમગ્ર પરિવાર વિખરાવા લાગે છે. તેઓ પોતાના અહંકારને સંતોષવા કે પોતાની જાતને સાચી માનીને એક સમયે છુટા પડી જશે પણ તેના ઉઝરડા સંતાનોના મન ઉપર જે પડશે તેનો ઈલાજ ક્યારેય નહીં મળે. કુમળા મન ઉપર પડેલા આ ઉઝરડા કોઈ દવા કે દુઆથી સાજા થાય તેમ હોતા નથી. એક વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે છૂટાછેડા દંપતીની નહીં પણ તેમના સંતાનોની જિંદગી વધારે ખરાબ કરે છે.


