- સંતાનો જ્યારે પ્રશ્નાર્થ જેવાં લાગે ત્યારે....
પતિ-પત્નીના વિભક્ત કુટુંબમાં બાળકો મોટા થવા માંડે ત્યારે તેમની જિજ્ઞાાસા વધતી જાય છે. આપણે વડીલો જ્યારે કોઈ વસ્તુ તેમનાથી છુપાવવા માગીએ ત્યારે તો જિજ્ઞાાસા બેવડાઈ જાય છે. મુંબઈ જેવા શહેરમાં ફલેટ કે જગ્યા નાની હોય અને રહેનારાઓની સંખ્યા વધુ હોય ત્યારે પતિ-પત્નીના સુમેળભર્યા સંબંધોમાં અનિવાર્ય મનાતી સેક્સ- લાઈફ જાતીય સંબંધો અંગે ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. સમજદાર બની ગયેલા બાળકોની હાજરીમાં સ્વાભાવિક રીતે સેક્સ લાઈફ પર અસર પડે છે. પરાણે ઈચ્છા રોકી રાખવાને કારણે માનસિક તાણ જન્મે છે. બીજી બાજુ કેટલાંક દંપતી આવી લાગણીઓને અંકુશમાં રાખી નથી શકતા અને તરૂણ વયના બાળકોના દેખતાં અનિચ્છનીય હરકતો કરી બેસે છે ત્યારે પૂરી સમજ ન ધરાવતાં બાળકો પર તેની ભળતી અસર પડે છે. પ્રત્યેક યુગલની સમસ્યાઓ આમ તો અલગ હોય છે. છતાં બાળકોની હાજરીની ખુલ્લેઆમ અવગણના કરવી ઠીક નથી. નાનપણથી જે વાતાવરણમાં તેનો ઉછેર થશે તેનું પ્રતિબિંબ તેની ભવિષ્યની જિંદગીમાં પડશે. જાતીય જીવન અંગે અધુરી જાણકારી કે સમજ ધરાવતા બાળકોના મન પર કાચી વયમાં ભળતી અસર પડે તો તેના જીવન પર તેનો પ્રભાવ પડવાની પૂરી શક્યતા છે.
આવા સંજોગોમાં શું કરવું જોઈએ? તરૂણ વયના બાળકો અગર જાતીય સંબંધો અંગે જિજ્ઞાાસા દાખવે તો તેની વયને ધ્યાનમાં રાખી તેને આ બાબતથી વાકેફ કરવા જોઈએ. અધુરી સમજ કે જાણકારી હંમેશા નુકસાનકારક હોય છે. બાળકની વયને અનુલક્ષી વ્યવહારુ વલણ અપનાવી તેને જિંદગીના આવશ્યક વિષયથી અજાણ રાખવાનું ઉચિત નથી.
કેટલાક ઘરમાં જ્યારે પતિ-પત્ની બાળકોની હાજરીને કારણે જાતીય જીવનનો આનંદ માણી નથી શકતા ત્યારે તેમના માનસ પર પણ ગંભીર અસર પડે છે, જેમાંથી અસંખ્ય સમસ્યાઓની હારમાળા સર્જાય છે. સરલા અને નવીનના કિસ્સામાં આવું જ કંઈક બન્યું હતું. બાળકો જ્યારે નાના હતા ત્યારે તકલીફ નહોતી પરંતુ હવે ૧૩ અને ૧૧ વર્ષના બાળકોની હાજરીમાં સરલા તેના પતિની ઈચ્છા પૂરી નહોતી કરી શકતી. તે સતત બાળકો જાણી જશે એમ કહી તાણ અનુભવતી. બીજી તરફ નવીનમાં સહનશક્તિનો અભાવ હતો.
આવી સમસ્યાઓ ઘણાની હશે. ટેલિવિઝન પર પ્રદર્શિત થતા કાર્યક્રમોને કારણે બાળકો હવે પ્રમાણમાં નાની વયમાં જાણકારી મેળવતા થયા છે. ચુંબન એ પ્રેમની અભિવ્યક્તિ કરવાનો એક હિસ્સો છે એવું બાળકને આસાનીથી સમજાવી શકાય છે. બાળકોના શયનખંડ અલગ ન હોય એવા કુટુંબોમાં જાતીય સુખ બાળકો ઊંઘી ગયા પછી માણી શકાય છે. નાણાની તકલીફ ન હોય તો વરસમાં બે-ત્રણ વખત બહારગામ જઈ શકાય છે. બાળકોને વેકેશનમાં મામા- માસીને ઘરે મોકલી શકાય છે.
ઘણી વખત તો નાની જગ્યામાં સંયુક્ત કુટુંબ હોય છે. આવા સંજોગોમાં તો નવ પરણીત યુગલ માટે સમસ્યા ઓર કપરી બની જતી હોય છે. આવા સંજોગોમાં પતિ-પત્ની બંનેએ માનસિક સંતુલન જાળવી પ્રશ્નનો ઉકેલ આણવો જરૂરી બને છે.
એક માનસશાસ્ત્રીનો એવો સુઝાવ છે કે બાળકોના શાળા, કોલેજ અને બહાર જવાના સમયનો ઉપયોગ દંપતી જાતીય આનંદ ઉઠાવવા માટે કરી શકે છે.
ઘર પ્રમાણમાં મોટું હોય, બાળકોના શયનખંડ અલગ હોય તો પણ પતિ-પત્નીએ પોતાનો શયનખંડ બંધ રાખવો જરૂરી છે. ઘણી વખત જિજ્ઞાાસા સંતોષવા બાળકો ઓરડો ખોલી અંદર આવતા હોય છે.
આ સમસ્યા આમ જુઓ તો આપણા શહેરી જીવન માટે અભ્યાસ માગી લે તેવી છે. પણ બાળકોની જિજ્ઞાાસા સંતુલિત રીતે યોગ્ય સમજણ આપી સંતોષવી જરૂરી છે. સાથોસાથ દંપતીની ઈચ્છાઓને પણ ભળતા પરિણામો આવે એ હદે ન દબાવવી પણ એટલું જ જરૂરી છે. મધ્યમ માર્ગ અપનાવવો એ જ ઉચિત રસ્તો છે.


