સ્થૂળતા અનેક વ્યક્તિઓ માટે આજના સમયમાં ચિંતાજનક પરિબળ છે. લોકો તેમના શરીરને બેડોળ કરતી પેટ પરની હઠીલી ચરબીથી ત્રાસી ગયા છે. તમામને સ્વસ્થ અને ખુશાલ જીવનની ઈચ્છા હોય છે. પણ સ્થૂળતા તેમાં અવરોધરૂપ બને છે. એનાથી શરીર બેડોળ થવા ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, આર્થરાઈટીસ જેવી અનેક સમસ્યા પણ ઉદ્ભવે છે. આથી વજન ઓછું કરવા અને પોતાને સ્વસ્થ રાખવા લોકો આંખ મીંચીને કોઈપણ ઉપાય અજમાવવા લાગે છે અને તેમના મિત્રો તેમજ પરિજનો જે પણ તરકીબ બતાવે તેનું પાલન કરે છે.
પણ જો ખરેખર વજન ઓછું કરવું હોય તો બહેતર છે કે કોઈ નિષ્ણાંત ડાયાટીશીયન તેમજ ફીઝીકલ ટ્રેનરની સલાહ લેવામાં આવે. તેઓ યોગ્ય માર્ગદર્શન આપીને વજન ઓછું કરવામાં સહાય કરી શકે છે.
વજન ઘટાડવા માટે એટલો પ્રચાર થઈ રહ્યો છે કે સમગ્ર ઈન્ટરનેટ પર વજન ઘટાડવા વિશેના અનેક લેખ અને વીડિયો મળી રહેશે. જો કે એમાંથી ભાગ્યે જ કોઈ ઉપયોગી સાબિત થાય છે જ્યારે મોટાભાગના લેખ અને વીડિયો ગેરમાન્યતા અને અફવા પર આધારીત હોય છે. આથી એવી ટોચની દસ ગેરમાન્યતા પર નજર નાખીએ જે આપણને માનવા માટે મજબૂર કરવામાં આવે છે.
૧. આહારમાં કાર્બોહાઈડ્રેટ વજન વધારે છે
આપણને વારંવાર એવી ચેતવણી આપવામાં આવે છે કે કોઈપણ ખાદ્યપદાર્થમાં રહેલા કાર્બ ચરબી બનીને જશે અને આપણા વજનમાં વધારો કરશે. પણ હકીકત એ છે કે કાર્બ બે પ્રકારના હોય છે - સાદા અને જટિલ. સાકર અને સેચ્યુરેટેડ ફેટ જેવા આહારમાં સાદા કાર્બ હોય છે જે વજન વધારે છે જ્યારે જટિલ કાર્બ તેનાથી બિલકુલ વિપરિત હોય છે. ફળો અને શાકભાજી રહેલા કાર્બ હકીકતમાં વજન ઘટાડવામાં સહાય કરે છે.
૨. જેટલી વધુ કસરત તેટલો ઝડપી વજન ઘટાડો
થોડા અંશે આ વાત સાચી છે કે વધુ કસરત અને ભારે વર્કઆઉટથી વજનમાં ઝડપી ઘટાડો થાય છે. પણ ગેરમાન્યતા એ છે કે તમે કલાકો સુધી આવી કસરતો કરો તો ઝડપથી વજન ઘટશે. કસરત કરતી વખતે સમય નહિ પણ કેટલી ઊર્જા બાળો છે તેના પર વધુ મદાર છે. તમારે વજન ઘટાડવા કલાકો સુધી કસરત કરવાની જરૂર નથી. પણ તમારે યોગ્ય કસરતો અપનાવીને પૂરી શક્તિથી તેને તીવ્ર બનાવવાની જરૂર છે.
૩. આરોગ્યપ્રદ ખોરાક અને નિયમિત કસરતથી વજન વધશે
વજન ઘટવું અને વધવું એ એક જ સિક્કાને બે બાજુ છે. તમારી જીવનશૈલી અને ખોરાકની આદતો નક્કી કરશે કે કોણે જીતવાનું છે. ડાયેટીંગનો અર્થ ઓછું ખાવું એવો નથી. ડાયટનો અર્થ છે સમતોલ આહાર જેમાં તમામ પોષક તત્વો હોય. કોઈપણ મહત્વનું ઘટક નબળાઈ લાવી શકે. આથી પોષક આહાર અને નિયમિત કસરત જરૂરી છે.
૪. ભોજન વારંવાર ત્યજવાથી વજન જલદી ઘટશે
મોટાભાગે મહિલાઓ આ છટકામાં વધારે સપડાય છે. આપણામાંથી ઘણાને એવો વહેમ છે કે અવારનવાર ભોજન છોડી દેવાથી ચરબી ઓછી થશે. પણ વાસ્તવમાં તેનાથી ઊંધુ થશે. તમે જ્યારે ભોજન ત્યજો છો ત્યારે તમારા શરીરનો મેટાબોલિક રેટ ધીમો પડે છે અને પરિણામે વજન ઘટવાના સ્થાને વધે છે.
૫. શાકાહારથી વજન ઝડપથી ઘટે છે
માંસાહાર વજન વધારા માટે જવાબદાર નથી. ઘણાને એવી માન્યતા છે કે તેઓ શાકાહાર અપનાવશે તો વજનમાં ઝડપથી ઘટાડો થશે. મહત્વનું છે ખોરાકની પસંદગી. તમે કેટલી કેલરી ગ્રહણ કરો છો અને કેટલી ખર્ચો છો તેના પર વજન ઘટવાનો મદાર છે.
૬. માંસથી વજન વધે છે
કોઈપણ ખાદ્ય પદાર્થનું સેવન કેવી રીતે કરવામાં આવે છે તેના પર સમગ્ર આધાર રહેલો છે. માંસમાં પ્રોટીન હોય છે અને જ્યારે તેનું પ્રમાણસર સેવન કરવામાં આવે ત્યારે વજન વધવા માટે કારણભૂત નથી બનતું. વધુ પ્રમાણમાં માંસાહાર અવશ્ય વજન વધારા માટે જવાબદાર બને છે.
૭. મેટાબોલીઝમ નબળું હોય તો કસરતથી લાભ નથી થતો
ઘણા લોકોમાં એવી ખોટી માન્યતા પ્રવર્તે છે કે મેટાબોલીઝમ નબળું હશે તો કસરતથી લાભ નહિ થાય. પણ હકીકતમાં તેનાથી ઊંધુ બને છે. જેને પોતાના મેટાબોલિઝમ દરમાં સુધારો કરવો હોય તેણે નિયમિત કસરત કરવી જોઈએ. એનાથી શરીરમાં બિનજરૂરી ચરબી ઓછી થવામાં સહાય મળશે.
૮. વધુ પાણી પીવાથી વજન ઘટાડો ઝડપથી થશે
શરીરનો ૬૦ ટકા હિસ્સો પાણી હોવાથી પાણી પૂરતા પ્રમાણમાં પીવું જરૂરી છે. પણ તેનાથી વજન ઝડપથી ઘટશે તે ગેરમાન્યતા છે અને તે દૂર થવી જોઈએ. પૂરતુ પાણી પીવાથી શરીર હાયડ્રેટ રહેશે અને વારંવાર ભૂખ નહિ લાગે. પણ પોતાની જ રીતે પાણી ચરબી ઓછી ન કરી શકે.
૯. વેઈટલિફ્ટિંગ માત્ર બોડી બિલ્ડરો માટે જરૂરી છે
તમને પહેલવાન જેવી બોડી ન જોઈતી હોય તો પણ વેઈટ ઊંચકી શકો છો. તેનાથી સ્નાયુઓ મજબૂત બનશે અને સંગ્રહ થયેલી ચરબી અને કેલરી ઓછા થશે. વજન ઊંચકવું તમામ માટે જરૂરી છે પછી તે બોડીબિલ્ડર હોય કે સામાન્ય માનવી હોય.
૧૦. મોડી રાત્રે ખાવાથી વજન વધે
મોડી રાત્રે ખાવાથી વજનમાં વધારો જરૂર થાય છે. પણ તમે શું ખાવ છો તેના પર પણ ઘણો આધાર રહે છે. જો તમે અડધી રાત્રે જાગી ગયા હો અને ભૂખ લાગી હોય અને કેક અથવા પેસ્ટ્રી આરોગવાનું શરૂ કરો તો ચોક્કસ વજન વધશે. પણ તેના સ્થાને જો તમે મલાઈ વિનાના દૂધ જેવી કોઈ વસ્તુનું સેવન કરો તો તમારી ભૂખ તો સંતોષાશે ઉપરાંત વજન ઘટવામાં પણ સહાય મળશે.
આખરે વજન ઘટાડવા કેલરીનું સેવન ખર્ચાતી કેલરી કરતા વધુ ન હોવું જોઈએ. કોઈપણ ખાદ્ય પદાર્થ વધુ પ્રમાણમાં આરોગવાનું ટાળીને સેચ્યુરેટેડ ફેટ ખોરાકમાંથી ઓછા કરી નાખવા. વજન ઘટાડવામાં સફળ થવા નિયમિત કસરત મહત્વની છે. પ્રયાસ કરવા છતાં વજન ન ઘટે તો ડાયાટિશિયનની સલાહ લેવી. તેઓ છેલ્લા સંશોધન મુજબ તમારા આરોગ્ય અને જીવનશૈલીને અનુરૂપ માર્ગદર્શન આપી શકશે.
- ઉમેશ ઠક્કર


