Get The App

દાવત : જાતજાતના સલાડ

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
દાવત : જાતજાતના સલાડ 1 - image

ફ્રૂટ એન્ડ વેજ. સલાડ

 સામગ્રી :  ૧ કેળું, ૧ સફરજન, ૫૦ ગ્રામ લીલી દ્રાક્ષ, ૧ મોસંબી, ૨ સંતરા, ૧ કપ પાઈનેપલના ટુકડા, અડધો કપ વટાણા, ૧ ટમેટું, ૧ ગાજર, ૧ કાકડી, ૧ કેપ્સીકમ, ૨ લીલાં મરચાં, ૧ ટે.સ્પૂન,  નાળિયેરનું ખમણ, કોથમીર, સલાડની ભાજી, લીંબુ, મરી, મીઠું, ૨ ટે.સ્પૂન અખરોટનો ભુક્કો, એકદમ મોળા દહીંનો છન્નો બે કપ, પા કપ ક્રીમ.

  રીત : બધાં  શાક તથા ફ્રૂટના નાના  નાના ટુકડા કરવા. વટાણાને બાફી લેવા. સલાડની ભાજી ધોઈને મોટી મોટી કાપવી. મરચાંના ટુકડા કરવા. શાક તથા ફ્રૂટ તૈયાર થાય એટલે બધું ભેગું કરવું. તેમાં મરી, મીઠું, લીંબુ  સાકર તથા કોથમીર નાખી બરાબર મિક્સ કરવું. પછી તેમાં દહીં નાખી ફ્રિજમાં ઠંડુ કરવા મૂકવું. પીરસતી  વખતે બરાબર  મિક્સ કરી ઉપર ક્રીમ પાથરી તેના ઉપર અખરોટનો ભુક્કો નાખી સર્વ કરવું.  

રશિયન સલાડ

 સામગ્રી : ૧૦૦ ગ્રામ વટાણા, ૫૦ ગ્રામ ફણસી, ૫૦ ગ્રામ ગાજર, ૧ નંગ બટેટું, નાનું ટિનમ પાઈનેપલ, ૧ કપ મેયોનીઝ, ૫૦ ગ્રામ ક્રીમ, અડધી ચમચી  ખાંડ, મરી, મીઠું.

 રીત : ફણસી, ગાજરના ઝીણા કટકા કરી ફણસી, ગાજર, વટાણા બાફી લેવા. બટેટાંને બાફીને બારીક સમારવું.  પાઈનેપલના નાનાં નાનાં ટુકડા કરવા. આ બધું મિકસ  કરી રેફ્રિજરેટરમાં  મૂકવું. મેયોનીઝ બનાવી તેમાં ક્રીમ નાખી હલાવવું. મરી મીઠું, ખાંડ નાખી ફ્રિઝમાં મૂકવું. હવે શાક તેમ જ મેયોનીઝ સોસ  બંને ભેગા કરવા. એક પ્લેટમાં  વચ્ચે રશિયન સલાડ ગોઠવવું. બારીક સમારેલી કોબી ફરતી ડેકોરેશનમાં ગોઠવવી. બીટ, કાકડી તથા ટમેટાંને પતીકાં કરીને ફરતાં મૂકવાં. રશિયન સલાડ હમેશાં  ઠંડુ પીરસવું.

ઈન્ડિયન વેજ. સલાડ

 સામગ્રી : ૪ બટેટાં, ૩ ટમેટાં, અડધો કપ ખમણેલું ગાજર, ૩ કાકડી, ૧ ચમચી તજ-લવિંગનો પાઉડર, ૧ ચમચી શેકેલું ખાંડેલું જીરું, મીઠું,  લીંબુ પ્રમાણસર, થોડા વાટેલા આદું-મરચાં, બારીક સમારેલી સલાડની ભાજી ૧ કપ.

 રીત : બટેટાંનો છોલી જાડાં પતીકા કરી મીઠાનાં પાણીમાં  બાફવા. પતીકાં  ભાંગે  નહીં તેનુ ખાસ ધ્યાન રાખવું. પાણીમાંથી નિતારીને બટેકાંને ઠંડા કરવા. પ્લેટમાં અડધું લીંબુ નીચોવી, તેના પર મીઠું તજલવિંગનો પાઉડર, જીરુંનો ભુક્કો તથા થોડાં આદું-મરચાં વાટેલા નાખી બરાબર મિક્સ કરવું. તેના ઉપર બટેટાના પતીકાં ગોઠવવા. નીચે દર્શાવ્યા પ્રમાણે  જ મસાલો તૈયાર કરી ફરી ઉપર ભભરાવવો. બારીક  સમારેલી સલાડની  ભાજીમાં  મીઠું, લીંબુ નાખી બટેટાંની આજુબાજુ પાથરવા. બારીક સમારેલી સલાડની  ભાજીમાં  મીઠું, લીંબુ નાખી બટેટાંની આજુબાજુ પાથરવાં. બટેટાંની ઉપર ટમેટાંના પતીકા ગોઠવવા. તેની ઉપર તૈયાર મસાલો ભભરાવવો. કાકડીના પતીકામાં મીઠું, લીંબુ  ભેળવી આજુબાજુ  ગોઠવવા. ગાજરના ખમણમાં મીઠું, લીંબુ નાખી તેને પણ ફરતું ગોઠવી દેવું. અને ઢગલી કરવી.

ફ્રેન્ચ ડ્રેસિંગ : 

 સામગ્રી :  વિનિગર અથવા લીંબુનો રસ પોણો કપ, સલાડ ઓઈલ ૧ કપ, મીઠું, ખાંડ, મરી.

 રીત : ફિટ ઢાંકણાવાળી  બોટલમાં ઉપરની બધી ચીજ ભેગી કરીને ભરવી. ઢાંકણ બંધ કરીને બાટલી બરાબર હલાવવી જેથી બધું બરાબર મિક્સ થઈ જાય. ફ્રિજમાં મૂકવું. વાપરતી વખતે બરાબર હલાવીને વાપરવું.  ફ્રિઝમાં  આ ફ્રેન્ચ ડ્રેસિંગ ઘણો ટાઈમ રાખી શકાય.

વેજિટેબલ ચોપ્સ  સલાડ

 સામગ્રી : ૨ કપ ઉગાડેલા મગ, ૧ કપ લાલ મૂળાના ગોળ પતીકાં, ૧ કપ કાકડીનાં પતીકાં, ૧ કેપ્સીકમની લાંબી ચીરી કરવી, ૬ લીલા કાંદા ઊભા કાપેલા. ૧/૨ ચમચી સોયા સોસ,    

  રીત :ઉપરની બધી જ વસ્તુ ભેગી કરીને  ફ્રેન્ચ ડ્રેસિંગ  નાખી બરાબર  મિક્સ કરી ઠંડુ કરવું. સોયા સોસ છાંટી પીરસવું.

ગાજર - અનાનસ સલાડ

 સામગ્રી : ૨૫૦ ગ્રામ ગાજર, એક નાનું અનાનસ, એક કપ બારીક સમારેલી કોબી, થોડી સલાડની  ભાજી, ફ્રેન્ચ ડ્રેસિંગ.

 રીત : ગાજરને ખમણીલેવું. હવે ગાજર, પાઈનેપલ તથા કોબી મિક્સ કરવા. ફ્રેન્ચ  ડ્રેસિંગ નાખી બરાબર મિક્સ કરવું. સલાડની ભાજીના પાન ડિશમાં ગોઠવી વચ્ચે તૈયાર મિશ્રણ પાથરવું. ફ્રિજમાં ઠંડુ કરીને સર્વ કરવું. 

- હિમાની