Get The App

નિરાશા : ઈચ્છાઓના ફયુઝન, કર્મના કન્ફયુઝનનું ફળ

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
નિરાશા : ઈચ્છાઓના ફયુઝન, કર્મના કન્ફયુઝનનું ફળ 1 - image

- ઘણી વખત એવું બનશે કે જે મળ્યું હતું તે માણ્યું નહીં અને જે મેળવવા દોડયા હતા તે પણ મળ્યું નહીં. આમ બંને બાજુથી ગુમાવવાનું આવશે. આ સ્થિતિ વધારે નિરાશા લાવતી હોય છે. તેથી અભરખાંને કાબુમાં રાખીને ઈચ્છાઓને સંયમિત કરીને પહેલાં જે પ્રાપ્ય છે તેને માણવું અને ત્યારબાદ અન્ય ઈચ્છાઓની પ્રાપ્તિ માટે મહેનત કરવી.

- રિલેશન ના રી-લેશન -રવિ ઈલા ભટ્ટ

સનાતન સંસ્કૃતિનો મોટામાં મોટો તહેવાર તાજેતરમાં જ પૂરો થયો. દિવાળી એક એવો ઉત્સવ જે આપણના જીવનમાં પ્રકાશ લાવે છે. વાત એવી છે કે, ભગવાન શ્રી રામ ૧૪ વર્ષનો વનવાસ ભોગવીને, લંકાપતિ રાવણનો વધ કરીને માતા સીતાને લઈને અયોઘ્યા પરત આવ્યા. અમાસના દિવસે તેઓ પરત આવ્યા પણ લોકોએ દીવા પ્રગટાવી સમગ્ર રાત અને અયોઘ્યાને અજવાળી દીધી અને તેથી જ તેને દિવાળી કહેવાઈ. આ પ્રંસગના બે મુખ્ય પાત્રો જે આપણા જીવનની ફિલોસોફીનો આધાર છે, ભગવાન શ્રી રામ અને રાવણ. ભગવાન શ્રી રામનો મૂળભુત સ્વભાવ જ સંતોષ હતો. તેઓ પૂર્ણપુરષોત્તમ હતા. તેમને જે મળ્યું તેનો કાયમ સંતોષ તેમણે રાખ્યો હતો અને રાવણને પણ બધું જ પ્રાપ્ત હતું પણ પર્યાપ્ત નહોતું. આપણે કાયમ એક વસ્તુ મેળવ્યા પછી તેને માણવાના બદલે બીજી વસ્તુ મેળવવા તત્પર થઈ જઈએ છીએ.

થોડા સમય પહેલાં જ એક જાણીતા અભિનેતાનું ઈન્ટરવ્યૂ આવ્યું હતું. તેમાં ઈન્ટરવ્યૂ લેનારે સવાલ કર્યો હતો કે, સર તમને પૈસા કમાવવામાં અને કામ મેળવવામાં કેવી કેવી મુશ્કેલીઓ પડે છે. તે અભિનેતાએ કહ્યું, કે જે સામાન્ય માણસને તકલીફ પડે છે તેવી જ મને પણ પડે છે. હું કદાચ થોડો વધારે જાણીતો થઈ ગયો, મારી ફિલ્મો ચાલી ગઈ અને હું પ્રસિદ્ધ થઈ ગયો તેથી લોકો મને મોટો માને છે. હવે સ્થિતિ એવી છે કે, મારે મોટા માણસ તરીકે રહેવાનું છે તેથી મારે તેવા કામ કરવા પડશે અને મેળવવા પડશે. મારે બે-પાંચ કરોડ મેળવવા મહેનત કરવાની છે, નાના માણસને એકાદ લાખ કે પાંચ લાખ મેળવવા મહેનત કરવાની છે. આ એક એવી ઈચ્છા છે એવી સ્થિતિ છે જેનો કોઈ અંત જ નથી. તમે જેટલું મેળવશો તેટલું વધારે પામવાની લાલસા જાગ્યા જ કરશે. જે દિવસે સંતોષની અનુભુતી થવા લાગશે તે દિવસે ઈચ્છાઓ ઓછી થતી જશે અને જે મેળવ્યું છે તે માણવાની વૃત્તિ વધતી જશે. કદાચ તેને જ સાચું જીવન કહેવાય છે.  

ઘણા લોકો ભગવદ્ ગીતાની ફિલોસોફી જણાવતા હોય છે. કર્મ કરો, ફળની ચિંતા ન કરો, માણસે પોતાનું કર્મ કરતા રહેવું જોઈએ... વગેરે વગેરે. આપણે વિચારીએ કે ફળની ચિંતા વગર કે આશા વગર કર્મ કેવી રીતે થાય. બીજી તરફ ગીતાજીમાં એમ પણ કહ્યું છે કે, તમે જે કર્મ શરૂ કરો છો તે અવિનાશી છે સતત આગળ ચાલ્યા જ કરે છે. તમને જો તેનું ફળ મળે તો તે માત્ર માઈલસ્ટોન કે પડાવ સમાન હોય છે. તેમાંથી આગળ નવા અંડર પાસ અને ઓવરપાસ જેવા અન્ય કર્મો અને ઈચ્છાઓ તૈયાર જ બેઠા હોય છે. માણસની ઈચ્છાઓનું ફયુઝન તેને વધારે કન્ફયુઝનમાં મૂકતું હોય છે. તમે સતત કંઈ મેળવવા માગો છો અને તે મળી જાય એટલે તેને ભુલીને નવું મેળવવાના પ્રયાસ શરૂ કરી દો છો. આ વાત બધાને લાગુ પડે છે. નવાઈની વાત એ પણ છે કે, ધારેલું ન મળે તો તેને પડતું મૂકીને બીજું કંઈક મેળવવાની મથામણમાં પણ પડી જનારા લોકોની સંખ્યા ઓછી નથી. અહીં જ સૌથી મોટું કન્ફયુઝન છે. કેટલાક તર્ક કરે કે તો શું ઈચ્છાઓ રાખવી જ નહીં અથવા તો આગળ વધું જ નહીં. તેમનો તર્ક સાચો છે પણ તર્ક કરવાની જગ્યા ખોટી છે. માણસે ઈચ્છા રાખવા કરતા તેને પૂરી કરવાના પ્રયાસો પ્રત્યે વધારે પ્રામાણિક રહેવાની જરૂર છે. એવું જરૂરી નથી કે દર વખતે પરિણામ સંતોષકારક આવે, ઘણી વખત પરિણામ કરતા તે મેળવવા માટે કરાયેલી મહેનત વધારે સંતોષ આપતી હોય છે. 

માણસમાત્ર સતત અભાવની પાછળ જ દોડયા કરે છે પણ પોતાની પાસે જે છે તેને જોવાનો, પામવાનો કે અનુભવવાનો શોખ રાખતો નથી. માણસની આંખ ઉઘડે ત્યાંથી પોતાની અધુરી ઈચ્છાઓ, સપનાં બધું પૂરું કરવા દોડાદોડ કરવાનું શરૂ કરી દે છે. પૈસા, સંપત્તિ, ભવિષ્યના આયોજનો, સત્તા, સંતતી બધું મેળવવા સતત મથ્યા કરે છે. દુનિયામાં લગભગ એવો કોઈ માણસ નહીં હોય જેના મનમાં કશું મેળવવાની ઈચ્છા નહીં હોય. સંસાર ત્યાગીને બેઠેલી વ્યક્તિના મનમાં પણ મોક્ષ મેળવવાની ઈચ્છા તો હોય જ છે. ઈશ્વરને પામવાની ઈચ્છા લઈને અને સંતો અને સાધુઓ સમાધીમાં લિન થતા હોય છે. આપણી પાસે શું નથી અને શું છે તેનો તાળો મેળવવાનું કહેવામાં આવે તો મોટાભાગે જે નથી તેનું લિસ્ટ લાંબુ હોય અને જે છે તેની તો વાત જ ન કરવી પડે.

આપણી પાસે જે છે તેના કરતા સવાયું મેળવવાની ઈચ્છા જ માનવ સ્વભાવ ગણાય છે. હરિફાઈ કરવી અને બીજા કરતા આગળ જવું તે દરેકને પસંદ હોય છે. આપણને સતત એવું લાગ્યા કરે છે કે, આપણી ઈચ્છાઓ પૂરી નહીં થાય તો આપણને ઘણી મુશ્કેલી પડશે, જીવન અસહ્ય થઈ જશે અને ભવિષ્ય ધુંધળાઈ જશે. આમ જોવા જઈએ તો આપણી મોટાભાગની ઈચ્છાઓ એટલી મોટી કે મહત્વની હોતી જ નથી કે તેની પાછળ જીવન કે સર્વસ્વ અર્પણ કરી દેવું પડે. આવા ઘણા લોકો હોય છે જે એકાદ-બે ઈચ્છાઓ પૂરી કરવા આખી જિંદગી ખર્ચી નાખે. હકિકત એ છે કે, માણસ ઈચ્છાઓ પૂરી કરવા માટે પ્રયાસ કરે છે અને પૂરી થાય તો ઈશ્વર કૃપા અને ન થાય તો ઈશ્વર ઈચ્છા ગણીને નવી ઈચ્છા પૂરી કરવાના પ્રયાસ શરૂ કરે છે. 

અહીંયા પાછો એવો તર્ક આપે કે દર વખતે સંતોષ રાખીને બેસી રહેવાનું? આગળ નવું મેળવવાના પ્રયાસ નહીં કરવાના? જે છે તેને સાચવીને બેસી રહેવાનું? ના. એવું નથી. આપણે આગળ વધાવાનું જ છે અને વધવું જ જોઈએ. ઈચ્છાઓ રાખવી જોઈએ અને તેને પૂરી પણ કરવી જોઈએ. ઈચ્છાઓ પૂરી કરવાના નામે સતત આપણે માગણીઓ અને અપેક્ષાઓનું મેરિગોરાઉન્ડ ચલાવતા રહેતા હોઈએ છીએ. સવારે ભોજન લીધું હોય તો સાંજે ભુખ લાગે તે કુદરતી બાબત છે, તેવી જ રીતે એક ઈચ્છા પૂરી થઈ ત્યારબાદ બીજી ઈચ્છા થાય તે એટલું જ સ્વાભાવિક છે. 

સંબંધોમાં પણ એવું જ છે. આપણે જે 

- વ્યક્તિને ઝંખતા હોઈએ તેને મેળવવા માટે ઘણા પ્રયાસ કરતા હોઈએ છીએ. તે વ્યક્તિ ન મળે તો નિરાશ થઈ જઈએ છીએ અને જિંદગી સાવ ખાલી અને અધુરી છે તેવું માનવા લાગીએ છીએ. હવે અહીંયા એક તર્ક એવો વિચારી જૂઓ કે જે વ્યક્તિની સાથે આપણે રહેવું હતું તેની સાથે રહીને સુખી જ થઈશું કે ખુશ જ રહીશું તેની કોઈ ગેરન્ટી હતી. વસ્તુ લેવા જઈએ ત્યારે ગેરન્ટી અને વોરન્ટી માગતા હોઈએ છીએ પણ સંબંધોમાં ક્યારેય આવું વિચારતા નથી. સુખની કોઈ ગેરન્ટી હોતી નથી. પતિ કે પત્ની સાથે રહીને પણ અનેક પ્રસંગે પસ્તાવો અને અભાવનો અનુભવ થતો હોય છે, કોઈક ક્યારેક બોલી જાય છે કે સ્વીકારી લે છે અને ઘણા આવું કરી શકતા નથી પણ આ લાગણી થાય છે એ સ્વાભાવિક છે. ઘણી વખત એવું બનતું હોય છે કે, આપણે જેને પામવા માગીએ તે અન્ય વ્યક્તિની ઝંખના કરતી હોય છે અને ત્રીજી વ્યક્ત અન્ય કોઈને પામવા ઈચ્છે છે. ઘણી વખત એવું પણ બને છે કે, ધારેલી વ્યક્તિને મેળવી ન શકનારા બે લોકો એકબીજા સાથે જોડાય છે. આ સંજોગોમાં પણ અભાવ તો બંને પક્ષે યથાવત્ જ રહેવાનો છે. હા તફાવત એટલો છે કે, ના મામા કરતા કાણો મામો સારો એવો આત્મસંતોષ લઈને પણ લોકો ફરતા હોય છે. માણસ ગમે તેટલો પ્રયાસ કરે પણ પોતાની ઈચ્છાઓનો અંત લાવી શકતો નથી અને સામેની વ્યક્તિની પણ બધી ઈચ્છાઓ પૂરી કરી શકતો નથી. 

સંબંધોમાં ઈચ્છાઓ મોટો ભાગ ભજવી જતી હોય છે. તૂટેલા સંબંધોના કાટમાળ તપાસવા બેસીએ તો ખ્યાલ આવે કે અધુરી ઈચ્છાઓ અને અપ્રમાણસર અપેક્ષાઓના કારણે જ લાગણીઓના પાયા હાલી ગયા હતા અને સંબંધ કડડભુસ થઈને ફસડાઈ પડયો હતો. મોટાભાગના લોકો સુખ માટે જીવતા હોય છે. અહીંયા ખરેખર જરૂર છે સુખ સાથે જીવવાની. જે નથી તેને મેળવવા અચૂક પ્રયાસ કરવા જોઈએ પણ સાથે સાથે જે છે તેને માણતા પણ શીખવું જોઈએ. આપણી પાસે બધું હોવું જરૂરી નથી. તેવી જ રીતે બધું પામી લેવું પણ જરૂરી નથી. જરૂર છે માત્ર જે છે તેને સ્વીકારીને સુખ સાથે જીવવાની. જે મળ્યું છે તેને માણ્યા વગર નવું મેળવવા દોડીશું તો વધારે મુશ્કેલી થશે. ઘણી વખત એવું બનશે કે જે મળ્યું હતું તે માણ્યું નહીં અને જે મેળવવા દોડયા હતા તે પણ મળ્યું નહીં. આમ બંને બાજુથી બધું ગુમાવવાનું આવશે. આ સ્થિતિ વધારે નિરાશા લાવતી હોય છે. તેથી અભરખાંને કાબુમાં રાખીને ઈચ્છાઓને સંયમિત કરીને પહેલાં જે પ્રાપ્ય છે તેને માણવું અને ત્યારબાદ અન્ય ઈચ્છાઓની પ્રાપ્તિ માટે મહેનત કરવી.