Get The App

યીસ્ટ ઇન્ફેક્શનથી છૂટકારો અપાવતો આહાર .

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
યીસ્ટ ઇન્ફેક્શનથી છૂટકારો અપાવતો આહાર                         . 1 - image

યીસ્ટ ઇન્ફેક્શન કેન્ડિડા ઓવરગ્રોથ તરીકે પણ ઓળખાય છે. વૈજ્ઞાાનિક ભાષામાં યીસ્ટને કેન્ડિડા કહેવાય છે. આપણા મોઢા, આંતરડા, યોનિ જેવા વિવિધ અંગોમાં તે કુદરતી રીતે જ મોજૂદ હોય છે. જોકે કેટલીક વખત ચોક્કસ ઔષધિઓ, ચોક્કસ પ્રકારના આહાર, પર્યાવરણમાં આવતાં પરિવર્તન ઇત્યાદિની યીસ્ટ સાથે પ્રતિક્રિયા થતાં ઇન્ફેક્શન પેદા થાય છે. અને જ્યારે ચેપ લાગે ત્યારે યીસ્ટનો ગુણાકાર થાય છે જે છેવટે રક્તવાહિનીઓમાં પ્રવેશીને પેટ તેમ જ આંતરડામાં ઇન્ફેક્શન લગાડે છે. પરંતુ યોગ્ય આહાર આપણા શરીરમાં યીસ્ટનું સ્તર જાળવવામાં, તેનું નિયમન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. આજે આપણે એવા આહારની વાત કરીશું જે આપણને યીસ્ટ (એક પ્રકારના બેક્ટેરિયા-એક્કોષીય જીવ) ઇન્ફેક્શનથી બચવામાં, મુક્તિ અપાવવામાં મદદ કરે છે. જોકે નિષ્ણાતો યીસ્ટ ઇન્ફેક્શન થવાના કારણોની વિસ્તૃત સમજ આપતાં કહે છે કે..,

મેડિકેશન : એન્ટિબાયોટિક્સિનો વધારે પડતો ઉપયોગ, સ્ટીરોઈડ અને ગર્ભનિરોધક ગોળીઓ સુધ્ધાં શરીરમાં માઇક્રોઑર્ગેનિઝમના સંતુલનને અસ્તવ્યસ્ત કરી મૂકે છે. માત્ર એન્ટિબાયોટિક્સિની જ વાત કરીએ તો તેને કારણે હાનિકારક બેક્ટેરિયાની સાથે સાથે આપણા શરીર માટે લાભકારક બેક્ટેરિયાનો પણ મોટા પ્રમાણમાં નાશ થાય છે. હકીકતમાં ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા આપણા શરીરમાં યીસ્ટનું સ્તર જાળવવામાં, નિયમન કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. અને જ્યારે આ બેક્ટેરિયામાં ઘટાડો થાય ત્યારે યીસ્ટનું સ્તર ખોરવાય છે.

આહાર : આપણો ખોરાક શરીરમાં યીસ્ટનું સ્તર જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ રોજિંદા આહારમાં વધારે પડતું ગળપણ, રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ અને પ્રક્રિયા કરેલી વાનગીઓ યીસ્ટના સ્તરને ખોરવે છે. ખાસ કરીને વધારે પડતી ખાંડ લેવાથી યીસ્ટનું સ્તર વધે છે.

પર્યાવરણમાં પરિવર્તન : વાતાવરણમાં આવતા પલટા સાથે વધતો ભેજ અને ઉષ્ણ હવામાન યીસ્ટનો ગુણાકાર કરે છે. ખાસ કરીને ત્વચા વળતી હોય એવા અંગોમાં યીસ્ટનું સ્તર વધે છે.

રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી : માંદગી, માનસિક તાણ અથવા અન્ય કોઈ કારણસર રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે શરીરમાં યીસ્ટનું સ્તર ખોરવાય છે અને યીસ્ટનું પ્રમાણ વધતાં ચેપ લાગવાની સંભાવના વધે છે.

હોર્મોન્સમાં પરિવર્તન : ગર્ભાવસ્થા કે મેનોપોઝ દરમિયાન હોર્મોન્સમાં બદલાવ આવતાં યોનિ વિસ્તારમાં પીએચ સ્તર તેમ જ મોઇશ્ચરની માત્રામાં ફરક પડે છે. પરિણામે યોનિમાં યીસ્ટનો ચેપ સહેલાઈથી લાગી શકે છે.

હવે અહીં એ જાણીએ કે યીસ્ટ ઇન્ફેક્શન સાથે પાર શી રીતે પાડવું. તજજ્ઞાો તેના વિશે માહિતી આપતાં કહે છે કે યીસ્ટનો ચેપ લાગવાનું મૂળ કારણ સમજીને તેનો ઈલાજ કરવા સાથે યોગ્ય આહારનું ધ્યાન રાખવાથી આ સમસ્યામાંથી છૂટકારો પામી શકાય છે. જેમ કે..,

લસણ : વિવિધ જાતના ચેપ દૂર કરવા આપણે ત્યાં સદીઓથી લસણનો પ્રયોગ કરવામાં આવે છે. ચાહે તે શરદી-ખાંસી હોય, તાવ હોય કે પછી યીસ્ટ ઇઇન્ફેક્શન. લસણમાં રહેલા એલીસીન નામના તત્વનું મૂળ સલ્ફર હોય છે જે મૂળભૂત રીતે ચેપવિરોધી હોવાથી વિવિધ જાતના ચેપ સામે લડવામાં મદદ કરે છે. હા, જ્યારે યીસ્ટના ચેપ સામે લડવાની વાત હોય ત્યારે કાચું લસણ લેવું.

કોપરેલ તેલ : કોપરેલ તેલમાં કુદરતી રીતે જ ફેટી એસિડ રહેલું હોય છે અને તેમાં કેપ્રીલિક એસિડ નામનું તત્વ મોજૂદ હોય છે. આ તત્વ પણ એન્ટિ ફંગલ હોવાથી તે યીસ્ટ ઇન્ફેક્શન સામે લડવામાં સહાય કરે છે. આ તત્વ શરીરના જે વિસ્તારમાં યીસ્ટનો ચેપ ફેલાતો હોય ત્યાં અડચણ પેદા કરીને તેને ફેલાતો અટકાવે છે.

ક્રુસીફેરસ વેજિટેબલ્સ : બ્રોકલી, ફ્લાવર જેવા ક્રુસીફેરસ (બોટની) શાકભાજીમાં રહેલો ગુણોનો ભંડાર આપણને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ શાકભાજીઓમાં રહેલું આઇસોથાઇકોનેટ્સ નામનું તત્વ ઇન્ફેક્શન દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ શાકભાજીઓમાં રહેલા સલ્ફર અને નાઇટ્રોજન જેવા તત્વો પણ અસરકારક રીતે ચેપનો સામનો કરવામાં મદદ કરે છે.

લવિંગ : લવિંગ પણ સંખ્યાબંધ પ્રકારના ચેપ સામે લડવા સક્ષમ ગણાય છે, ખાસ કરીને દાંત અને પેઢામાં લાગેલો ચેપ દૂર કરવામાં. વાસ્તવમાં તેમાં રહેલા ચેપવિરોધી ગુણો ચેપ ફેલાતો રોકે છે. લવિંગનું તેલ નખ અને આંગળીઓ માટે પણ ગુણકારી ગણાય છે.

આદુ : આદુ પણ ઘણાં પ્રકારના ચેપ સામે લડવાની ક્ષમતા ધરાવે છે. તેમાં રહેલું જિંજરોલ અને શોગાઓલ્સસ દાહ-બળતરાવિરોધી ગુણો ધરાવે છે. તે ફંગસવિરોધી ગુણો ધરાવતું હોવાથી પણ યીસ્ટનો ચેપ દૂર કરવામાં સહાયક બને છે.

ઑલિવ ઑઇલ : કોઈપણ રિફાઇન્ડ ઑઇલની અવેજીમાં ઑલિવ ઑઈલનો ઉપયોગ કરવો લાભકારક લેખાય છે. ઑલિવના તેલ ઉપરાંત ફ્લેક્સ સીડ, એવોકાડો અને પ્રિમરોઝ તેલ ઘણાં પ્રકારના ચેપ દૂર કરવામાં કારગર નીવડે છે. તેમાં રહેલા પોલીફિનોલ્સ મૂળભૂત રીતે એન્ટિઑક્સિડન્ટ્સ ગુણધર્મ ધરાવતાં હોવાથી તે શરીરને કેન્ડિડા સામે લડવા તૈયાર કરે છે.