- આરોગ્ય સંજીવની
મોટા ભાગના પુરુષોનું જીવન ચોક્કસ પ્રકારના કામ સાથે સંકળાયેલું હોવાથી એમનો આહાર પણ તે પ્રમાણે હોવો જરૂરી છે. જેથી તેમને પૂરતું પોષણ મળી રહે.
સામાન્ય રીતે બેઠાડુ જીવન જીવતા પુરુષોમાં શિક્ષકો, દરજી, હજામ, ઓફિસર વર્ગ, મોચી, પાદરી, નિવૃત થયેલાં પુરુષો, જમીનદાર, ચપરાસી (પ્યૂન) તથા ટપાલી (પોસ્ટમેન) વગેરે આવે. આ પ્રકારના કામ કરનારા માટે આહાર ઉપરાંત થોડી કસરત તથા ચાલવું ઘણું સારું રહે છે. જેથી કબજિયાત જેવી નાની પણ લાંબે ગાળે તકલીફ ઊભી કરે તેવી ફરિયાદો ન રહે.
મધ્યમ કામ કરનારમાં માછીમાર, કડીયો, પગરીક્ષા ચાલક, ઈલેક્ટ્રીકનું કામ કરનાર, પ્લમ્બર, વેલ્ડર, મિલ મજદૂર, કુલી, વણકર, ડ્રાઇવર વગેરે. ભારે કામ કરનાર પુરુષ વર્ગમાં પથ્થર ફોડું, લુહાર, ખાણીયા, કઠિયારા વગેરેનો સમાવેશ થાય છે.
આમ દરેક પુરુષના કામો ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારમાં આવે. કામ ઉપરાંત તેનો ટાઇમ પણ અગત્યનો છે. એ પ્રમાણે આહાર આયોજન કરવું સારું પડે.
હવે જોઈએ તો કામ પ્રમાણે આહાર આયોજનના ત્રણ પ્રકાર પડી શકાય અને તેમાં જરૂરત પ્રમાણે થોડો ઘણો ફેરફાર કરી શકાય. સવારે કે સાંજે અમુક જ ખાવું એ ઠીક છે. પણ જો કામના પ્રકાર પ્રમાણે એમાં ફેરફાર કરવા પડે તો જરાય ખોટું નથી. આવા ફેરફારથી લાંબે ગાળે તથા કાયમી ફાયદો થાય છે. હવે આહારના પ્રકાર પ્રમાણે આહાર આયોજન આપું છું. જેથી તે અપનાવવું સરળ પડે.
પ્રકાર- ૧ :
સવારનો હળવો નાસ્તો, બપોરનું મધ્યમ ભોજન, સાંજના ચા સાથે હળવો નાસ્તો, રાત્રે ભારે ભોજન.
આહાર આયોજન:
સવારનો નાસ્તો : ૬.૩૦ વાગે કોઈપણ એક ઋતુ પ્રમાણે ફળ અને બે પૂરી અથવા બે નાના ખાખરા અથવા બે વડા (મકાઇના બાજરીના વગેરે) એક કપ ચા.
બપોરનું ભોજન : ૧૦.૩૦ કે ૧૧ વાગે લીલુ શાક (૧૦૦ ગ્રામ), કચુંબર (૧૦૦ ગ્રામ), ટામેટાં, કાકડી, લીલી ચટણી ૧૦ ગ્રામ, દાળ મધ્યમ પાતળી (૧૭૫ ગ્રામ) પાણી વાટકી, રોટલી ૩ નંગ ૩૫ ગ્રામ.
સાંજની ચા : ૩ વાગ્યે ૧ + ૫ ચા, ૪ નંગ ગળ્યા કે ખારા બીસ્કીટ, બટાકા વડા (૨ નંગ) ૫૦ ગ્રામ
રાત્રે ભોજન : ૭.૩૦, પરોઠા ૩ નંગ (૫૦ ગ્રામ), વેજીટેબલ કરી (૨૦૦ ગ્રામ) અથવા શાક ભાત (૫૦ ગ્રામ) રાયતું મોગરીનું (૧૫૦ ગ્રામ) અથવા કચુંબર (૧૦૦ ગ્રામ) ડુંગળી ટામેટા હલવો એક પીસ (૪૦ ગ્રામ) અથવા ખીર (૨૦૦ ગ્રામ) ગાજર કે રવાની. પાપડ (નંગ ૧) અથવા આથેલું અડધું લીંબુ કે ૧ મરચું. બપોરે વહેલી ચા પીધી હોય તો સાંજે અડધો કપ ચા પી શકાય કે એકાદ ફળ ખાવું. રાત્રે પણ વહેલા જમ્યા હોય અને ભૂખ લાગે તો ગરમ દૂધ અથવા અડધો કપ ચા કે ફળ લઈ શકાય.
પ્રકાર ૨ :
સવારનો નાસ્તો, બપોરનું હળવું ભોજન, સાંજના ચા સાથે મધ્યમ નાસ્તો, રાત્રે મધ્યમ ભોજન.
આહાર આયોજન : સવારનો નાસ્તો ૭.૩૦ વાગ્યે પરોઠા ૨ નંગ (૪૫ ગ્રામ) અથવા ઢેબરા ૩ નંગ (૫૦ ગ્રામ), ૧ પીસ સુખડી (૩૫થી ૪૦ ગ્રામ), ૧ કપ ચા.
બપોરનું ભોજન : રસાવાળુ શાક (૨૦૦ ગ્રામ) રોટલી ૩ નંગ (૩૫ ગ્રામ).
કચુંબર (૧૦૦ ગ્રામ), કાકડી + ગાજર, લીલી ચટણી (૧૦ ગ્રામ)
સાંજની ચા ક્ટલેસ ૨ નંગ (૭૦ ગ્રામ) અથવા સેન્ડવીચ ૨ નંગ, કેળું (મધ્યમ) અથવા સફરજન ૧ નંગ.
રાતનું જમવાનું : ખીચડી (૧૦૦ ગ્રામ), મગની દાળની ભાખરી ૧ નંગ (૧૫ ગ્રામ), બટાકા ફલાવરનું શાક (૨૦૦ ગ્રામ), કચુંબર, ટામેટા, ડુંગળી (૧૫૦ ગ્રામ) કઢી ૧ વાટકી (૧૦૦ ગ્રામ), ફ્રૂટ ૧ નંગ ચીકું, બપોરના જમવાનો ટાઇમ મોડો હોય ત્યારે વચ્ચે ૧ કપ ચા અગર લીંબુ શરબત લેવું સારું.
પ્રકાર ૩ : સવારનો નાસ્તો સાવ હળવો, બપોરનું મધ્યમ ભોજન, સાંજના ચા સાથે ભારે નાસ્તો, રાત્રે મધ્યમ ભોજન.
આહાર આયોજન :
સવારનો નાસ્તો : નારંગી ૧ નંગ અથવા પપૈયો એક ચીરી (૧૦૦ ગ્રામ) ૧ કપ ચા
બપોરનું ભોજન : ઉગાડેલા મગ (૨૦૦ ગ્રામ) અથવા બટાકા-વટાણાનું શાક (૨૦૦ ગ્રામ), રાયતુ, મોગરીનું (૧૫૦ ગ્રામ) અથવા કોબીજનો સંભારો (૫૦ ગ્રામ) રોટલી ૩ નંગ (૩૫ ગ્રામ)
સાંજની ચા : શાકની ઉપમા (૨૦૦ ગ્રામ), ચીકી મગફળીની ૨ પીસ (૫૦ ગ્રામ) કેળું એક નંગ અથવા જામફળ એક નંગ એક અથવા એક પેર.
રાત્રિ ભોજન : સ્ટફ પરોઠા બે નંગ (૫૦ ગ્રામ), પાલક પનીરનું શાક (૨૦૦ ગ્રામ), ભાત (૭૦ ગ્રામ), દહી (૧૫૦ ગ્રામ) અથવા રાયતું અથવા એક કપ છાશ.
આમ, ત્રણ પ્રકારના આહાર આયોજન છે એમાં યોગ્ય ફેરફાર કરીને લઈ શકાય. પણ ભારે હળવું કે મધ્યમની જે પેટર્ન છે તે જાળવવી જે તે એનો હેતુ સરે.
રજાના દિવસે, વારે, તહેવારે અગર ઋતુ પ્રમાણે જરૂર ફેરફાર કરી શકાય. દા.ત. સલાડમાં, શાકમાં મેળવે મેળવણીની જુદી જુદી પ્રથા હોય છે ચટણી વગેરેમાં પણ જાત જાતની હોય છે.
માત્ર ખ્યાલ એ રાખવાનો કે વધારે પડતું ન મોળું અને ખોટો આગ્રહ કરવાનો કોઈ અર્થ નથી. આપણું વજન વધે ત્યારે એને ઓછું કોઈનાથી થઈ શકતું નથી, તેવો વખતે જે કંઈ મુશ્કેલીઓ પડે છે તે આપણે એકલાને જ વેઠવાની રહે છે. નાસ્તાની વાનગીઓ પણ પોતાના શોખ પ્રમાણે બદલી શકાય. આમ આહાર આયોજનથી ઘણા ફાયદા રહે છે, અને શું ખાવું - અને ન ખાવાની મૂંઝવણ રહેતી નથી.
- જ્હાનવીબેન ભટ્ટ


