Get The App

શ્રાવણમાં શિવ-શકિતની ભક્તિ

Updated: Aug 11th, 2025

GS TEAM

Google News
Google News
શ્રાવણમાં શિવ-શકિતની ભક્તિ 1 - image


આદિકાળથી સ્ત્રી શક્તિનો મહિમા દેવો અને મનુષ્યો દ્વારા ભરપેટ ગવાયો છે. દેવોના દેવ મહાદેવ પણ માને છે કે પ્રાણીમાત્રના દેહમાં આ શક્તિ રહેલી છે. આવી  અલૌકિક દેવી શક્તિના કારણે જ ગૌતમ ઋષિના પત્ની અહલ્યા, પાંડવોના પત્ની દ્રોપદી, ભગવાન રામચંદ્રના પત્ની માતા સીતા, હરિશ્ચંદ્રના પત્ની તારામતી તથા રાજા રાવણના પત્ની મંદોદરી જેવી પાંચ મહાસતીઓના નામ માત્રનું રોજ સ્મરણ કરતાં મોટા પાપનો નાશ થાય છે. આદ્ય શંકરાચાર્યજીને પણ સાક્ષાત દેવીનો અનુભવ થતાં, અદ્વૈતવાદ પૂરવાર કરીને માનવું પડયું કે, 'હે મા, જે ચિતાની ભસ્મ આખા શરીરે લગાડે છે, જે હમેશાં વિષ ખાય છે, જે નગ્નાવસ્થામાં રહે છે, જે  ગળામાં સર્પોની માળા ધારણ કરે છે, જે કપાલ ધારણ કરે છે એવા ભૂતોના અધિપતિ અને પશુઓના પતિ મહાદેવે જગદીશ્વરનું  સ્થાન પ્રાપ્ત કર્યું છે તે હે ભવાની મા! ''તમારી સાથે લગ્ન કર્યું તેનું જ ફળ છે.'' વળી ગદ્ગદ્ કંઠે  પ્રાર્થના  કરીને ક્ષમા માગતા કહે છે કે 'કુપુત્રો જાયેત કવચિદપિ કુમાતા નભવતિ.' પૂત્ર કપૂત થાય છે પરંતુ માતા કુમાતા થતી નથી. આવી પ્રચંડ સ્ત્રી શક્તિનો પરચો આદિદેવ ભગવાન આશુતોષને પણ માતા પાર્વતી સાથેના પ્રથમ સંપર્કમાં જ થયો હતો.

પવિત્ર શ્રાવણમાસમાં પરમકૃપાળું પરમેશ્વરની અસીમકૃપાથી જ તેના શરણમાં જઈ યથાશક્તિ આરાધના થાય છે. દ્દઢ વિશ્વાસ, શ્રધ્ધા અને સાચા હૃદયથી કરેલી ભક્તિ અવશ્ય ફળ આપી જીવનને ધન્ય  બનાવે છે કારણ કે મંત્ર આધિન દેવતા ચાર પ્રકારના પુણ્યશાળી માણસો શિવજીને ભજે છે તે દુ:ખી, જિજ્ઞાાસુ, અર્થની ઈચ્છાવાળો અને જ્ઞાાની.

તપમાં સદા તત્પર, વિરક્ત, પ્રસિદ્ધ યોગી, નિવૃત્તિરૂપ ઉત્તમ માર્ગમાં રહેનાર, પોતાના આત્મામાં રમનાર,  નિર્લેપ, યોગદ્વારા આનંદમાં રહેનારા, અવધૂત શરીર ધારણ કરનાર, જ્ઞાાની, આત્મદ્દષ્ટા, કામરહિત એવા ભોળા શિવજીને સ્ત્રીનું શું કામ છે? પરંતુ  વિશ્વ કલ્યાણ અર્થે  બ્રહ્માજીએ સર્વ દેવો સહ કરેલી પ્રાર્થનાથી મહાદેવ લગ્ન કરવા સહમત થયા. બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ અને તેની પત્ની વીરિણીના ગૃહે આદ્યશક્તિ માતા જગદંબાએ સતી નામે જન્મ લીધો. તેઓ શિવના પ્રથમ પત્ની સતી નામે થયા. માતા સીતાને લક્ષ્મણ રેખા ઓળંગવાથી રામનો વિયોગ થયો તે જ પ્રમાણે શિવ વચન પર ચિત્તમાં ભ્રમ કરવાથી સતીને મહેદાવનો વિયોગ થયો હતો. પોતાના પતિ શિવનું પિતા દક્ષ દ્વારા થયેલ અપમાન સહન ન થતાં દેવી સતીમાતાએ કનખલ ક્ષેત્રમાં યોગમાર્ગે યરીકુંડ સમીપ દેહત્યાગ કર્યો. વિનાશકાળે વિપરીત બુદ્ધિ થવાથી દક્ષે શિવનો દ્રોહ કરી કોપ વહોરી લીધો. અફસોસ, શંકરને અતિપ્રિય અને તેમના દૈવતરૂપ દેવીસતીએ પ્રાણ છોડયા! કયા અતિદુષ્ટ પુરુષે તેમને કોપાવ્યા? ત્યારબાદ શિવ સતીદેવીના વિરહમાં અતિશય દુ:ખી રહેવા લાગ્યા પરંતુ જન્મોજન્મના સાથી એવા શિવને પામવા સતીમાતાએ ફરી હિમાલય અને તેના પત્ની મેનાને ત્યાં કાલીરૂપે જન્મ લીધો જ્યાં તેઓ પાર્વતી રૂપે પૂજાયાં. ભગવાન શિવ ગૌર વર્ણ ધરાવે છે જ્યારે બંને દેવીઓ શ્યામવર્ણના હતા.

માતા પાર્વતી હિમાલયને ઘેર જ્યારે આઠ વર્ષના થયા ત્યારે સતીના વિરહથી વ્યાકુળ રહેતા શિવ, દેવીનો જન્મ જાણી, એ અદ્ભૂત દેવીને હૃદયમાં ચિંતવી અત્યંત આનંદ પામ્યા. તેઓ એકાગ્રમનેતપ કરવા ગંગાવતાર નામના  હિમાલયના શિખર પર  ગયા.  ત્યાં રહી જિતેન્દ્રીય શંકરે તપ કરવાનો આરંભ કર્યો અને સાવધાન થઈ પોતાના આત્માનું એકાગ્રચિંતન કરવા માંડયું. પ્રભુ શિવને પોતાના ધામમાં આવેલા જાણી અતિશય આનંદિત થઈ, નમ્રતાપૂર્વક  હિમાલય પૂજનસામગ્રી સાથે સહપરિવાર રુદ્રના દર્શન  કરવા ગયા ત્યારે સ્તુતીથી પ્રસન્ન થયેલા ભોળા મહેશ્વર બોલ્યા કે એકાંતે તપ કરવા તારા શિખર પર હું આવ્યો છું તેથી કોઈપણ અહીં પાસે ન આવે તેમ તમારે કરવું. પર્વતરાજ હિમાલયે નમન કરી કહ્યું કે   આપની મારા પર કૃપા હોય તો બે સહિયર સાથે આવેલી મારી પુત્રીને આપની સેવા કરવા દો. ત્યારે યુવાવસ્થામાં આવેલા માતા પાર્વતીને જોતાં ખૂબ જ વિચારીને શિવે આ વચન  કહ્યું,'હે પર્વતરાજ પોતાની પુત્રીને ઘેર રાખી તારે કાયમ મારા દર્શન માટે આવવું નહીંતર મારું દર્શન નહીં થાય.' હિમાલયે નમ્રતાથી કારણ પૂછતાં  શિવ બોલ્યા,  આ છોકરી કુંવારી છે વળી સર્વ શુભ લક્ષણોથી યુુક્ત સુંદર છે તેથી જ વિદ્વાનોએ સ્ત્રીને માયારૂપ કહી છે અને તેમાંય  જુવાન સ્ત્રી તો તપસ્વીઓને ખાસ કરી વિધ્ન કરનારી થાય છે તો મારા સંબંધમાં આવનારી સ્ત્રી સાથે મારે શું કામ છે?

આ બધું શાંત  ચિત્તે સાંભળી મહાદેવને પ્રણામ કરી માતા પાર્વતી આવું નિર્મમ વચન બોલ્યા, આપ મહાત્માને તપ કરવા જે આ બુદ્ધિ થઈ છે એ જ સર્વ કર્મોની શક્તિ, પ્રકૃતિ જાણવી  એ પ્રકૃતિ વડે જ બધું રચાય છે, થવાય છે અને સંહારાય છે. પ્રકૃતિ વિના લિંગરૂપી મહેશ્વર  કેમ હોઈ શકે? આપ પ્રકૃતિને લીધે જ વંદવાયોગ્ય, ધ્યાન કરવા, યોગ્ય છો એમ બધું હૃદયથી વિચાર્યા પછી આપ તે બોલો. ત્યારે શિવજી કહે છે કે હું તો પ્રકૃતિરહિત છું, નિર્વિકાર છું ત્યારે માતા હસીને મધુર વચન બોલ્યા કે આપે જે વચન કહ્યું તે શું પ્રકૃતિ ન હોય? આપે તે પ્રકૃતિને  કેવી રીતે ઓળંગ્યા છે. આ બધું પ્રકૃતિથી નિરંતર બંધાયેલું જ છે. જો તમે પોતાને જાણો છો તો શા માટે તપ કરો છો?  અને મારું છેલ્લું વચન પ્રભુ આપ, ધ્યાનથી સાંભળો, તે પ્રકૃતિ હું છું અને આપ તે પુરુષ છો. મારા  અનુગ્રહથી તમે સગુણ થઈ રૂપવાન મનાયા છો. મારા વિના તમે નિશ્ચેષ્ટ બની જઈ કંઈપણ  કરવાને યોગ્ય નથી. તમે સદા પરાધીન અને મન વશ રહીને જ જુદા જુદા કર્મ કરો છો. તો તમે નિર્વિકારી કેવી રીતે છો?  અને મારાથી નહીં લેપાયેલા કેમ છો? તો  હે શંકર, મારી સમીપ પણ તમારે ડરવું ન જોઈએ. આમ આઠ વર્ષના માતા પાર્વતી દ્વારા સાંખ્ય અને વેદાંત દર્શન શાસ્ત્ર ના આધારે સ્ત્રી શક્તિનો પરચો શિવને થતાં તેમણે કહ્યું કે, હે પાર્વતી, સાંખ્ય શાસ્ત્રનો આધાર લઈ જોતું એમ બોેલે છે તો  ભલે, હમેશાં તું દરરોજ મારી સેવા કર. તે  દિવસથી તે કાલી પણ દરરોજ પિતા વિના બે સહિયર સાથે ભક્તિ તત્પર થઈ પૂજન, સેવા માટે શિવજી પાસે જવા લાગી ત્યારે પ્રાણીમાત્રના દેહમાં આ રહેલી છે તેમ શિવને લાગતું. મહાદેવ દયાળુ બની વિચારતા કે જ્યારે આ કાલી તપશ્ચર્યાનું વ્રત કરશે અને ગર્વના બીજથી રહિત થશે ત્યારે જ હું તેનો સ્વીકાર કરીશ.

ચંડીપાઠના પાંચમા અધ્યાયમાં ગવાયું છે કે,

।। યા દેવી સર્વ ભૂતેષુ શક્તિરુપેણ સંસ્થિતા

 નમસ્તયૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ : ।।

 હે દેવી, તું સકળ વિશ્વમાં શક્તિરૂપે વ્યાપક છે અને હું તને નમસ્કાર કરું છું. પવિત્ર, શ્રાવણમાસમાં શિવશક્તિને ભજતાં  સાચે જ મનના ધાર્યા મનોરથ અવશ્ય પૂરા થાય છે. 

।।ઓમ નમ: શિવાય ।।

Tags :