''ડિપ્રેશન'' :- એક ખતરનાક વ્યાધિ .
- આરોગ્ય સંજીવની- જ્હાનવીબેન ભટ્ટ
ડિપ્રેશન અર્થાત્ ''નિરાશા'', ''વિષાદ'' કે ''અવસાદ'' ડિપ્રેશન એ એક બહુ પ્રચલિત બિમારી છે. આજકાલ તો જાણે ડિપ્રેશનનો વા વાતો હોય તેમ લાગે છે. શરીર-મનથી સ્વસ્થ અને સુખી જણાતા હોય તેવા લોકો પણ ડિપ્રેશનનો ભોગ બની જતા હોય તેમ જોવા મળે છે. ઈંગ્લેન્ડ-અમેરીકા જેવા દેશોમાં ૮-૯ વર્ષનાં બાળકને પણ ઘણીવાર ડિપ્રેશન જોવા મળે છે.
સતત દોડધામ ભરી જિંદગીમાં માનવી સતત એક પ્રકારનો તનાવ અનુભવે છે. સતત વધુ પડતી ચિંતા, અશાંતિ, હતાશા, અનિંદ્રા વગેરેમાંથી ડિપ્રેશનનો જન્મ થાય છે. જે વ્યક્તિઓ સ્વભાવથી વધુ સંવેદનશીલ હોય તે આ વ્યાધિનો ભોગ ઝડપથી બની જતી હોય છે.
વ્યક્તિના જીવનમાં જ્યારે કોઈ દુ:ખદ પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે તે પરિસ્થિતિને કારણે વ્યક્તિ તીવ્ર દુ:ખ કે ખિન્નતામાં ડુબી જાય છે. પ્રિયજનનું મરણ, વ્યવસાયમાં ભારે નુકસાન, પ્રેમમાં નિષ્ફળતા, ગંભીર-શારીરિક બીમારી, પરીક્ષામાં નિષ્ફળતા, અકસ્માત આવા બીજા કોઈપણ કારણોસર જ્યારે મનમાં ખુબ દુ:ખ કે નિરાશા ઉત્પન્ન થાય છે અને આ નિરાશા જ્યારે લાંબા ગાળા સુધી રહે ત્યારે વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બને છે. ઘણીવાર આ અવસ્થામાં ગાળા વારંવાર આવતા રહે છે.
ડિપ્રેશનનો શિકાર બનેલી વ્યક્તિનાં જીવનમાં ખિન્નતા, ઉદાસીનતા, નિરાશા, ક્રોધ, ઉત્સાહશૂન્યતા, અભિરૂચિનો અભાવ, બિનઉપયોગીતાની લાગણી, વધારે પડતી ચિંતા, શંકાશીલ સ્વભાવ, આત્મવિશ્વાસનો અભાવ વગેરે લક્ષણો જોવા મળે છે. પુરુષો કરતાં સ્ત્રીઓ આ રોગનો ભોગ વધારે બનતી હોય તેવું મેં જોયેલ છે.
ડિપ્રેશનના કારણે વ્યક્તિના મનમાં અને પરિસ્થિતિમાં એમ બંને સ્થાનો છે. ઘણીવાર પરિસ્થિતિ જ એવી હોય છે કે જે ડિપ્રેશન પેદા કરે અને ઘણીવાર કેટલીક વ્યક્તિઓના મનનું બંધારણ કે જનીન એવા હોય છે, કે જેને કારણે સામાન્ય પરિસ્થિતિમાં પણ તેને નિરાશા આવી જતી હોય છે. ઘણીવાર માતા-પિતાના અમુક સ્વભાવગત લક્ષણોનાં કારણે પણ સંતાનોમાં આ રોગ જોવા મળતો હોય છે. ડિપ્રેશન એ શક્તિહીનતાનો અનુભવ છે. ખિન્નતા, નિરાશા, ઉત્સાહશૂન્યતા, આદિ લક્ષણો તો શક્તિ વિહીનતામાંથી ફલિત થાય છે. મનથી ક્ષીણ શક્તિશાળી વ્યક્તિઓમાં ડિપ્રેશન વધુ પ્રમાણમાં જોવા મળે છે, અને બાહ્ય પરિબળો દેખીતી રીતે પ્રતિકૂળ હોવા છતાં મનથી શક્તિવાન વ્યક્તિઓમાં ડિપ્રેશન ભાગ્યે જ જોવા મળે છે. આમ બનવાનું કારણ એ છે કે, પ્રમાણવાન વ્યક્તિને જીવનશક્તિની ખેંચ પડતી નથી. તેથી જીવનશક્તિનાં અભાવમાં અનુભવાતો ડિપ્રેશનનો અનુભવ તેમના જીવનમાં સ્થાન લઈ શકતો નથી.
ડિપ્રેશનની સારવારમાં મનોવૈજ્ઞાાનિકો દવાઓ તેમજ મનોવિશ્લેષણ, કાઉન્સેલીંગ વગેરે દ્વારા સારવાર કરે છે. પરંતુ આયુર્વેદમાં ડિપ્રેશનની અકસીર સારવાર છે, અને આ દવાઓ લાંબા સમય સુધી ચાલુ રાખવાથી કોઈ નુકસાન પણ થતું નથી.
સૌ પ્રથમ તો મનને લોખંડની જેમ મજબુત બનાવો. પરિસ્થિતિ હંમેશા બદલાવવાવાળી હોય છે અને કોઈપણ સ્થિતિ કાયમ રહેવાની નથી. આ વાકય જીવનમાં ઉતારી દેવાથી કોઈપણ પ્રકારના દુ:ખનો સામનો કરવાની નૈતિક હિંમત પ્રાપ્ત થાય છે.
જીવનમાં સંતોષને સ્થાન આપો તથા ખોટી-ખોટી ચિંતાઓ ન કરો. હંમેશા હકારાત્મક અભિગમ અપનાવો તથા હાસ્યને જીવનમાં પ્રાધાન્ય આપો. મનને હંમેશા પ્રવૃત્તિમય રાખો. ટી.વી. પર હાસ્ય રેલાવતી ધારાવાહિકો જોવાની ટેવ પાડો.
આ ઉપરાંત આયુર્વેદમાં પ્રાણાયામ અને ધ્યાનને ડિપ્રેશન માટે સૌથી ઉત્તમ માનેલા છે. દરરોજ ૨૦-૨૫ મિનિટ અનુલોમ-વિલોમ પ્રાણાયામ તથા અડધો કલાક ધ્યાન-મેડિટેશન કરો, આમ કરવાથી તમે તમારા વિચારો પર ખુબ ઝડપથી કાબુ મેળવી શકશો. આ સિવાય આયુર્વેદમાં ડિપ્રેશન દર્દીઓ માટે ''શિરોધારા ટ્રીટમેન્ટ'' ખુબ જ સારું પરિણામ આપે છે.
શિરોધારામાં મગજને શાંત કરનારા ઔષધસિદ્ધ તેલ કે ઘીની ધારા માથા ઉપર પાડવામાં આવે છે. જેથી ત્યાં રક્તનું પરિભ્રમણ પણ ખુબ વધે છે અને મગજમાં શાંતિનો અનુભવ થાય છે. ''અનિંદ્રા''ના દર્દીઓમાં આ સારવાર ખુબ જ સારું પરિણામ આપે છે. આ ઉપરાંત આયુર્વેદમાં બ્રાહ્મીવટી, મેથ્થરસાયન, સારસ્વત ચૂર્ણ વગેરે ઔષધ સેવનનું વિધાન કરેલ છે, જે નિષ્ણાતની સલાહ અનુસાર લેવું, તો અવશ્ય ફાયદો થાય છે. ઉપરોક્ત યોગ અને ઔષધોપચાર દ્વારા નિ:શંકપણે ડિપ્રેશનની વ્યાધિમાંથી છૂટકારો મેળવી શકાય છે.