દિવાળી એ ઉમંગ અને ઉત્સાહનું પર્વ છે. શાનદાર પોશાક, મનગમતો સાજસિંગાર તમને અધિક આકર્ષક બનાવી શકે છે. તમે સૌનું ધ્યાન તમારા પર કેન્દ્રિત કરી શકો છો. ફેશન-જગતમાં કશુંક નવીનતમ સર્જન કરનારી યુવતીઓ તમારા માટે અલગ પ્રકારના પોશાક લઈને આવી છે. તેના કહેવા પ્રમાણે અનુસરો અને પર્વનો આનંદ લૂંટો.
પોશાકની પસંદગી
ઇતિ મનૂચા ફેશન ડિઝાઇનર છે. જે રોજિંદા પહેરવેશમાં એક અલગ પ્રકારના પોશાકો પહેરવા માટે ભલામણ કરે છે. તેના કહેવા મુજબ આજે લોકો ફેશન બાબતમાં સજાગ બન્યા છે. એના કારણે પણ તહેવારને અલગ રીતે ઉજવવો જોઈએ. ઇતિએ દિવાળીના પર્વને નજરમાં રાખીને એક નવી સિરીઝ ડિઝાઇનમાં તૈયાર કરી છે. જેઓની વય થોડી વધારે છે તેવી સ્ત્રીઓએ 'ગોલ્ડન-ટચ' વાળી સાડી-બ્લાઉઝ પહેરવાં સારાં રહેશે. એવી જ ઉંમરના પુરુષોએ સિલ્કની ધોતી અને કુરતો ધારણ કરવો જોઈએ. પુરુષોની ધોતીમાં 'ગોલ્ડન ટચ'ની કિનારી હશે તો ઉઠાવ અલગ અને સરસ લાગશે.
દિવાળી એ ફૂલઝર ફટાકડા ફોડવાનું પર્વ છે. ફટાકડાનો એકાદ તણખો તમારા મોંઘાદાટ પોશાકને સળગાવશે અગર તો તણખો કાણું પાડીને બગાડશે એટલે ફૂલઝર કે ફટાકડાનો એકાદો તણખો તમારા મોંઘા પોશાક પર ન પડે એની સંભાળ રાખજો. આજકાલ 'કોટન ફેબ્રિક્સ'નું ચલણ વધી ગયું છે. જો તમે કોટન ફેબ્રિક્સના પોશાક પહેરશો તો આવા તણખાથી બચી શકશો. યુવાનો માટેના પોશાકો થોડા નવીનતાભર્યા હોવા જરૂરી છે. પરંતુ ડેનિમ વગેરેનો ઉપયોગ કરશો તો એ સારું નહીં લાગે. સાડી, સલવાર-સૂટની ડિઝાઇન કરતી વખતે તમે એ વાતનું બરાબર ધ્યાન રાખજો કે તેમાં દીપાવલીના દીવડા હશે તો પ્રવને વધુ અનુરૂપ આપવા જોઈએ એવી ભલામણ કરતાં કહે છે એના કારણે દિવાળીનો માહોલ ઘરમાં જળવાઈ રહેશે.
કિશોર કન્યા માટે
શ્રદ્ધા શુકલા બહુમુખી પ્રતિભા ધરાવતી નારી છે. મોડલિંગ, ફેશન ડિઝાઇનિંગ અને બ્યૂટિશિયનના ક્ષેત્રે તેણે અદ્ભુત સફળતા મેળવેલી છે. તેના મત અનુસાર દિવાળીના અવસર પર એવા પોશાક પહેરવા જોઈએ, જે અવસરને અનુરૂપ હોય. બ્રાઇડલ પોશાક દિવાળીના ઝગમગાટમાં અલગ તરી આવશે. ઘેરો લીલો, લાલ અથવા રોયલ બ્લ્યુ રંગનાં વસ્ત્રો શરીર પર ખીલી ઉઠશે. પીળા અને શ્વેત રંગનાં વસ્ત્રો રોશનીમાં નવી ચમક આપશે. લેંઘા યા પાયજામા ઘેરદાર સૂટ પર એમ્બ્રોઇડરી મ્હોરી ઊઠશે. સાડીના સીધા પટ્ટા પર ડિઝાઇન સુંદર દેખાશે. પ્લેન સિલ્ક, ટાઇટ ફીટિંગ સૂટ સાથે હેવી-વર્કવાળો દુપટ્ટો 'ટીન એજર્સ' માટે ખૂબ સરસ રહેશે.
દિવાળી પર મોસમમાં પણ બદલાવ આવે છે એને નજર સામે રાખીને પણ એ વાતનું ધ્યાન રાખજો કે જો ઠંડીનું પ્રમાણ વધી ગયું હોય તો આવાં વસ્ત્રો તમારી તબિયતને નુકસાન કરશે. ઉપરાંત મેકઅપમાં પણ ખાસ ધ્યાન રાખશો. વસ્ત્રોને અનુરૂપ મેકઅપ કરવો જોઈએ. 'ટીન એજર્સ'ની વય ધરાવનારાએ મેકઅપ આછો હલકો કરવો જોઈએ. વળી જીન્સ-સ્કર્ટના બદલે સાડી, લેંઘો, સૂટ પહેરવાં જોઈએ.
સાજસજાવટમાં નવીનતા
સજાવટનો જૂનો માર્ગ પસંદ ન કરતાં એમાં પણ પરિવર્તન જરૂરી છે. દિવાળીના ઉત્સવમાં આ આવશ્યક છે. દીપક સાથે મીણબત્તી વચ્ચે ફૂલની સજાવટ કરી શકાય. ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં ડિપ્લોમાં કોર્સ કરતી મધુમિતા ગુહાન મત અનુસાર ફૂલોની સજાવટ માહોલને વધુ રૂપાળો બનાવશે. વળી સાંધ્ય સમયે ફૂલોની ખુશ્બુ એક નવીન તાજગી આપશે. સજાવટ માટે ખુશ્બૂદાર ફૂલો હોવાં જોઈએ. ઘરના પ્રવેશ માર્ગ પર આ ખૂબસૂરતીનો પ્રયોગ કરાવવો જોઈએ.
દિવાળીમાં રંગોળીનું વિશિષ્ટ મહત્ત્વ છે. રંગોના બદલે ફૂલોથી રંગોળીની સજાવટ કરશો તો આકર્ષણનું કેન્દ્ર બની જશે. તમે પણ તમારા શૃંગારમાં ફૂલોના ઉપયોગ કરી શકો છો. અંબોડો ઉત્સવને ચિરસ્મરણિય બનાવી શકો! વાળી તેમાં એકાદ ગુલાબનું ફૂલ સરસ લાગશે. લાંબા ચોટલામાં ડોલરના શ્વેત ફૂલોની સેર અદ્ભુત લાગશે.
ઘરમાં નાનાં નાનાં છોડનાં કૂંડાં હોય તો તમે તેમાં નાના નાના બલ્બની રોશની કરી શકો છો. મીણબત્તી પણ મૂકી શકો છો. તમારા ઘરની રોનક વધી જશે.
રંગ અને રોશનનો સુંદર પ્રયોગ
દિલ્હી કોલેજ ઓફ ફેશન ઉપરાંત ઇન્ટીરિયર ડેકોરેશનનો ડિપ્લોમામાં અભ્યાસ કરતી સુરભિ સિંહ કહે છે કે દિવાળી એ પરંપરા મુજબનો તહેવાર છે એટલે એમાં ઝાઝી ફેરબદલીને અવકાશ નથી. આમ છતાં ફેરફાર જરૂરી છે. સજાવટ કરો ત્યારે એક વાતનું જરૂર ધ્યાન રાખજો કે તે તમારા બજેટને અનુરૂપ હોય. એવું ન બને કે ઉત્સાહ અને આનંદના ધોધમાં વહી જઈ. ખોટો દેખાડો કરવાના ચક્કરમાં તમે આનંદના પર્વને દુ:દાયક બનાવી દો. સજાવટ મોંઘી હોવી જોઈએ નહીં. છતાં આકર્ષક હોવી જરૂરી છે. દિવાળી એ રોશનીનો તહેવાર છે એટલે રંગોની પસંદગી એવી કરજો જે બ્રાઇટ હોય. રંગોળી બનાવો ત્યારે રંગોમાં ચમકતા પદાર્થોની મેળવણી કરી શકો છો. તેના પર પ્રકાશ પડતાં જ તે ચમકવા લાગશે.
ડાઇનિંગ ટેબલની આસપાસ મીણબત્તીની ખાસ સજાવટ કરશો. જે રોશની તમારી આંઘોને ખૂંચવી જોઈએ નહીં છતાં સારી લાગે. ફેશનમાં આ ફેરફાર અલગ તરી આવશે. પહેરવેશમાં અન્ય વસ્તુના ઉપયોગમાં પણ સાવચેતી રાખજો. નંગ મઢેલા ચોકર, બ્રેસલેટ, કાનમાં લાંબા એરિંગ તમને સૌથી અલગ પાડી દેશે. તમે કોઈના ઘેર જવાના હો તો લેધરનું ચમકદાર પર્સ લઈ જઈ શકો છો.
તહેવાર એટલે અલગ અલગ પ્રકારનાં ભોજન અને નાસ્તો પણ ખરાં. લોકો પણ ક્યારેક અકરાંતિયા બનીને ખાવા પર તૂટી પડતાં હોય છે, પરંતુ તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. એવું ન બને કે સ્વાદિષ્ટ ભોજન આરોગવામાં તબિયત બગડે. ડો. નીના સક્સેનાની આ પ્રકારની સલાહ છે. તેઓ કહે છે કે જે કંઈ ભોજન નાસ્તો બનાવો તેનું ચોક્કસ આયોજન કરશો. સહેલાઈથી પચી જાય તેવી વાનગી બનાવશો. મસાલેદાર ભોજન મજેદાર લાગે છે. મીઠાં અને મરચાંનું પ્રમાણ સંતુલિત રાખવું જરૂરી છે. આની અસર પણ તબિયત પર થાય છે. ઠંડાં પીણાં અને આઇસક્રીમ પહેલેતી જ તૈયાર રાખશો.
'અધિક ભોજન અનેક બીમારીને નોતરે છે. એટલે પેટ માગે તેટલું જ આરોગવું હિતાવહ છે. તમે સહેલાઈથી પચાવી શકો એટલું આરોગજો. જે લોકો બીમાર રહેતા હોય છે તેમણે તો પૂરેપૂરી સાવધાની રાખવાની રહે છે. બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારી જેને હોય તેણે અમુક ચીજો ખાવી ન જોઈએ. જો તમારી તબિયત સ્વસ્થ ન હોય તો ઠંડાં પીણાં અને આઇસક્રીમ ખાવાનો ટાળજો, કારણ દિવાળીમાં મોસમ બદલાતી હોય છે. નુકસાન થવાનો ભય હોય છે. મીઠાઈ ખાતા પહેલાં જાણી લેજો કે એ મીઠાઈ ઘણા દિવસો પહેલાં બનાવેલી તો નથી ને? કેટલીક મીઠાઈઓ સમય જતાં ઉબાઈ જતી હોય છે. ખાવાલાયક રહેતી નથી. મીઠાઈ ખરીદો ત્યારે આ પ્રકારની ચોકસાઈ જરૂર રાખશો.
-નીપા


