Get The App

બેડરૂમની શોભા વધારે નાઇટસ્ટેન્ડની સજાવટ

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
બેડરૂમની શોભા વધારે નાઇટસ્ટેન્ડની સજાવટ 1 - image

નાઇટસ્ટેન્ડ, આ નામ જ તેનું કામ દર્શાવે છે. તમારા બેડની બાજુમાં મૂકવામાં આવતું નાઇટસ્ટેન્ડ સૌથી વધુ રાત્રે ખપ લાગે તે સહજ છે. તમને રાત્રિના સમયે જોઈતી નાની-નાની વસ્તુઓ મૂકવા માટે નાઇટસ્ટેન્ડનો ઉપયોગ થાય તે સહજ છે. આમ છતાં જો તેને વિવિધ રીતે સ્ટાઈલ કરવામાં આવે તો તે બેડરૂમનો શણગાર પણ બની રહે. નાઇટસ્ટેન્ડને શી રીતે આકર્ષક બનાવી શકાય તેની જાણકારી આપતાં ઇન્ટિરિયર ડિઝાઇનરો કહે છે...

નાઇટસ્ટેન્ડ કોરા કેન્વાસ જેવું લેખાય. તમે તેને જે રીતે ચાહો તે રીતે સજાવી શકો. જ્યારે તમે બેડરૂમમાં પ્રવેશો ત્યારે સૌથી પહેલું ધ્યાન નાઇટસ્ટેન્ડ પર જ જાય. તેથી જ્યારે તેને આકર્ષક રીતે શણગારવામાં આવે ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય. તેઓ નાઇટસ્ટેન્ડને સજાવવાના વિવિધ આઇડિયા રજૂ કરતાં કહે છે..,

 લાઇટિંગ : નાઇટસ્ટેન્ડને સજાવવાનો સૌથી સરળ અને ઉપયોગી ઉપાય એટલે ટેબલ લેમ્પ. ટેબલ લેમ્પ હમેશાંથી અનોખું આકર્ષણ ઊભું કરે છે. તેથી નાઇટસ્ટેન્ડ પર સુંદર ટેબલ લેમ્પ ગોઠવી દો. રાતના વખતે આ ટેબલ લેમ્પ તમને વાંચન માટે પણ ખપ લાગશે અને તે રૂમની શોભા પણ વધારશે.

 ફૂલદાની : ટેબલ લેમ્પની જેમ ફૂલદાની પણ રૂમની શોભા વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. તમે તમારી પસંદગીની ફૂલદાની નાઇટસ્ટેન્ડ પર મૂકી રાખો. રાતના સમયે તેમાં રાતરાણી સહિતના વિવિધ પ્રકારના સુગંધી ફૂલો ગોઠવો. તે આંખોને ટાઢક આપવા સાથે મીઠી મીઠી સોડમ ફેલાવશે. ઊંઘતી વખતે જો રૂમમાં મનને તરબતર કરી દેતી સુગંધ હોય, આંખોને ટાઢક આપતાં રંગબેરંગી ફૂલો હોય તો નીંદ્રાદેવી પણ રાજી થઈને તમારી આંખોમાં બિરાજમાન થાય. વળી નાઇટસ્ટેન્ડ મૂકવા માટે તમને તમારા બેડરૂમના રચરચીલામાં કોઈ ફેરફાર કરવાની જરૂર ન પડે તે છોગામાં.

 સુંદર સ્ટોરેજ સિસ્ટમ : જો તમારા નાઇટસ્ટેન્ડમાં શેલ્ફ અને/અથવા ડ્રોઅર પણ હોય તો તે સરસ સ્ટોરેજ સિસ્ટમ પણ બની શકે. 

ટેબલટોપ પર મનગમતું શો પીસ મૂકો. તમે ચાહો તો તમારી ગમતી ફોટોફ્રેમ પણ મૂકી શકો. જ્યારે ડ્રોઅરમાં ઘણી નાની નાની વસ્તુઓ રાખી શકાય. જ્યારે શેલ્ફમાં પુસ્તકો, જ્વેલરી બોક્સ, ચશ્મા ઇત્યાદિ હાથવગાં રાખી શકાય.

 ટેબલ ક્લોક : આજની તારીખમાં સમય જોવા માટે મોબાઈલ હાથવગું થઈ ગયું છે. આમ છતાં ટેબલ ક્લોકથી ઘરની શોભા વધારવાનું ચલણ જારી રહ્યું છે. એક સુંદર ટેબલ ક્લોક તમારા નાઇટસ્ટેન્ડ પર પણ ગોઠવી દો, તમારો બેડરૂમ ગજબનું આકર્ષક લાગશે એ વાત ચોક્કસ.

 ટેડી : તમારા નાઇટસ્ટેન્ડના કદને ધ્યાનમાં લઈને તમે સુંદર ટેડી પણ નાઇટ સ્ટેન્ડ પર ગોઠવી શકો. જરૂરી નથી કે તમારા ઘરમાં બાળક હોય તો જ ટેડી મૂકી શકાય. ટેડી તમારા નાઇટ સ્ટેન્ડને મનમોહક બનાવવા પૂરતું થઈ પડશે.

  - વૈશાલી ઠક્કર