Get The App

નવજાત શિશુની સ્તનપાન વિષયક ગેરમાન્યતાઓને આપો જાકારો

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
નવજાત શિશુની સ્તનપાન વિષયક ગેરમાન્યતાઓને આપો જાકારો 1 - image

- જે સ્ત્રીઓએ ગર્ભાવસ્થા દરમિયાન  જ સ્તનપાન વિશે જાતજાતની વાતો  સાંભળી  હોય  છે તેઓ  વધુ અવઢવમાં રહે છે.  આમ થવાનું  કારણ એ  હોય  છે કે તેમણે સાંભળેલી વાતોમાંની  ઘણી એકબીજાથી વિરોધાભાસી  હોય છે.

નવી માતા બનેલી ,  ખાસ કરીને પહેલી વખત મમ્મી બનેલી  મહિલા  તેના શિશુને સ્તનપાન કરાવવા ઉતાવળી બનતી હોય છે. નવજાત શિશુ  સહેજ રડે કે તરત જ તે તેને  છાતીએ વળગાડવા ઉતાવળી  બને એ સહજ  છે.  પરંતુ ઘણી પ્રસૂતાઓ શિશુને સ્તનપાન કરાવવા બાબતે મૂંઝવણ  અવનુભવતી  હોય  છે. જ્યારે  જે સ્ત્રીઓએ  ગર્ભાવસ્થા  દરમિયાન  જ સ્તનપાન વિશે જાતજાતની વાતો  સાંભળી  હોય  છે તેઓ  વધુ અવઢવમાં  રહે છે.  આમ થવાનું  કારણ એ  હોય  છે કે તેમણે સાંભળેલી  વાતોમાંની  ઘણી એકબીજાથી વિરોધાભાસી  હોય છે.  આવા વખતે તેમની મૂંઝવણ  વધી જાય છે.  આવામાં કરવું શું?

તજજ્ઞાો  સ્તનપાન  વિષયક  ગેરમાન્યતાઓ વિશે સમજ આપતાં કહે છે.....,

મોટાભાગની  પ્રસૂતાઓ,  ખાસ કરીને  પહેલી વખત  માતા બનેલી યુવતીઓેને એમ લાગે છે કે મારી પ્રસૂતિ  આજે જ થઈ છે અને મને નામ માત્રનું પીળું  દૂધ આવ્યું  છે. તેનાથી મારા નવજાત શિશુનું પેટ શી રીતે ભરાશે?  બહેતર  છે કે મને વધારે દૂધ આવતું થાય ત્યાર  પછી જ હું મારા શિશુને  સ્તનપાન કરાવું.

જો કે તેમની આ માન્યતા   ગેરવ્યાજબી  છે. નવા જન્મેલા બાળકનું પેટ  માત્ર સાત મિ.લી. દૂધ જ સમાવી  શકે છે. આવી  તેની દૂધની  જરૂરિયાત  પણ નહીંવત્  હોય છે.  તેથી પ્રસૂતાને  આવતું થોડું દૂધ  અમસ્તું  પીળું દૂધ  પણ તેના નવજાત શિશુ માટે  પૂરતું થઈ પડે છે.

કેટલીક પ્રસૂતાઓ  પોતાના સ્તન દબાવીને  તપાસવાનો પ્રયાસ કરે છે કે તેમને કેટલું દૂધ  આવે છે. અને આ પ્રયોગ   દરમિયાન  તેમના સ્તનમાંથી  નામ માત્રનું દૂધ ઝમે  તો તેઓ એમ માની લે કે  તેમને પૂરતું  દૂધ નથી  આવી રહ્યું.

તેમની આ માન્યતા તદ્ન ખોટી છે. હકીકતમાં   બાળકના જન્મ પછી  થોડાં દિવસ સુધી શિશુ થોડી  મિનિટો  સુધી સ્તનપાન  કરવાનો પ્રયાસ કરે ત્યારે માતાની ડીંટડીઓ સક્રિય (ઉત્તેજિત) થાય છે. અને સ્તનમાંથી દૂધ આવવાનું  શરૂ થવા લાગે છે.   સ્તન દબાવીને  દૂધ આવે છે કે કેમ તે તપાસવાની રીત જ સાવ ખોટી કહેવાય.  તેને કારણે ગેરસમજ ઊભી થાય  છે. જ્યારે બાળક ધાવવાનું  શરૂ કરે ત્યારે દુગ્ધવાહીનીઓ આપોઆપ સક્રિય  થાય છે અને નવજાત શિશુ સ્તનપાન કરીને પોતાની  ક્ષુધા શાંત  કરે છે.

* ઊનાળાના  દિવસોમાં નવી માતા બનેલી સ્ત્રી એમ  માને  છે કે તેના શિશુને  પાણી આપવામાં નહીં આવે તો તેને હાઈડ્રેશન  થઈ જશે.  પરંતુ આ તેમની ગેરમાન્યતા છે.

ખરેખર તો માતાના  દૂધમાં પાણી સહિત  સઘળાં  પોષક તત્ત્વો  મોજૂદ હોય છે.  તેથી નવજાત શિશુને  વધારાનું પાણી આપવાની  આવશ્યક્તા નથી રહેતી. 

* નવી માતા  બનેલી યુવતી  એમ માનતી  હોય  છે કે  તેના બાળકને  પૂરતા પ્રમાણમાં  દૂધ મળી રહે  એટલા  માટે તેને સ્તનમાંથી  વારાફરતી  દૂધ પીવડાવવું  જોઈએ.

જ્યારે   હકીકત એ  છે કે  એકી વખતે બંને સ્તનમાંથી  વારાફરતી  દૂધ  પીવડાવવા જતાં  શિશુ   સમૂળગું ભૂખ્યું રહી જાય છે.  તેનું કારણ એ  છે કે માતાને શરૂઆતમાં  જે દૂધ આવે છે તેમાં  પાણીનો  ભાગ વધારે  હોય છે, તે પાતળું હોય છે. અને  છેલ્લે આવતું દૂધ  ઘટ્ટ તેમ જ મલાઈદાર  હોય છે.  તેથી  બંને  સ્તનમાંથી   થોડું દૂધ થોડું દૂધ પીવડાવવામાં આવે ત્યારે  બાળક  છેલ્લે મળતાં  ઘટ્ટ દૂધથી  વંચિત રહી જાય છે.  પ્રારંભિક  તબક્કે આવતાં પાતળા દૂધથી  તેનું પેટ નથી ભરાતું, તેને સંતોષ  નથી થતો.  બહેતર  છે કે એકી વખતે બંનેબાજુએથી સ્તનપાન  કરાવવાને  બદલે એક વખત જમણી બાજુએથી અને  બીજી વખત  ડાબી બાજુએથી સ્તનપાન  કરાવવામાં આવે. આમ  કરવાથી  શિશુને  પાતળાથી  લઈને ઘટ્ટ  સુધીનું, સઘળું  દૂધ મળશે.  સ્વાભાવિક  રીતે જ  તેની પાણીની  તરસ પણ  છીપાશે,  તેને  ડીહાઈડ્રેશન   થવાની ભીતિ પણ  નહીં રહે. અને  તેનું પેટ  પણ સારી રીતે  ભરાતાં બાળક સંતોષનો ઓડકાર  ખાશે.

* નવું જન્મેલું  બાળક ઘણી વખત  વધારે કલાક  સુધી ઊંઘતું  રહે ત્યારે  માતાને એમ લાગે  છે કે  તેણે ઘણાં કલાકથી સ્તનપાન નથી કર્યું, તે ભૂખ્યું હશે.  માતા આવો વિચાર કરીને  તેને ઊંઘમાંથી   ઉઠાડીને   સ્તનપાન  કરાવે છે.  પરંતુ દર વખતે  આમ માનીને  ચાલવું  સાચું નથી  હોતું.

વાસ્તવમાં  સ્વસ્થ  શિશુ ભૂખ્યું  થાય ત્યારે આપોઆપ  દૂધ માગે છે.  અને જ્યારે  તે ભૂખ્યું  થયા પછી સ્તનપાન કરે ત્યારે  તેના પેટમાં  ગયેલું દૂધ તેના સ્વાસ્થ્ય માટે ઉત્તમ પુરવાર  થાય છે. હા,  જો શિશુને   સ્વાસ્થ્ય  વિષયક  કોઈ સમસ્યા  હોય તો બાળરોગ તજ્ઞાનો   સંપર્ક  કરવો. અને તેના  માર્ગદર્શન  મુજબ ચાલવું.

-  વૈશાલી ઠક્કર