પનીર કાજુ મલાઈ
સામગ્રી : ૧૦૦ ગ્રામ મલાઈ, ૫૦ ગ્રામ કાજુ, ૨૫૦ ગ્રામ પનીર, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી લાલ મરચું, ૫-૬ લાલ ટામેટાં, થોડી કોથમીર, ૪-૫ લીલાં મરચાં, ૫૦ ગ્રામ શુદ્ધ ઘી, ૪-૫ લવિંગ, થોડા તજ, ૧ ચમચી ગરમ મસાલો, ૧ મોટી ડુંગળી.
રીત : મલાઈને મિક્સીમાં સહેજ ક્રશ કરો. વધારે ક્રશ ન કરતાં નહીંતર તેમાંથી ઘી છૂટું પડી જશે. હવે થોડી મલાઈમાં કાજુ નાખી મિક્સીમાં એકરસ કરો. ડુંગળીની લાંબી ચીરીઓ કરો. ટામેટાંને મિક્સીમાં ક્રશ કરી નાખો.
ઘી ગરમ કરી તેમાં ડુંગળીને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળીને વધારાનુ બધું ઘી કાઢી નાખો. હવે કડાઈમાં કાજુ-મલાઈનું મિશ્રણ નાખી તેમાં મીઠું, મરચું અને ગરમ મસાલો તથા બધો કોરો મસાલો નાખી દો. પછી તેમાં ટામેટાં નાખી બરાબર તળી નાખો. હવે તળેલી ડુંગળી અને પનીરના ગોળ ગોળ ટુકડાને કોઈ નાના ઢાંકણાંથી કાપી તેમાં બરાબર મિક્સ કરો. છેલ્લે કોથમીર અને લીલાં મરચાં નાખી ગરમાગરમ પીરસો.
કિશમિશનું પુડિંગ
સામગ્રી : ૧ કપ કોર્નફ્લોર ,૧/૨ કપ દૂધ, ૧/૨ કપ ખાંડ, ૨ સ્લાઈસ બ્રેડ, ૧/૨ કપ કિશમિશ, ૨-૩ ટીપાં વેનિલા એસેન્સ.
રીત : કિશમિશને દસ મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. બ્રેડના નાના નાના ટુકડા કરીને પીસી નાખો. હવે મિક્સીમાં ઈંડા, દૂધ અને ખાંડ નાખી દસ સેકન્ડ ચલાવી, તેમાં બ્રેડ નાખી ફરી સહેજ વાર ક્રશ કરો. ત્યારબાદ કિશમિશ નાખો અને ૨-૩ સેકન્ડ માટે ક્રશ કરો. પુડિંગ માટેના બાઉલમાં ઘી લગાવી તેમાં આ મિશ્રણ ભરો. બીજા બાઉલમાં પાણી ભરી તેમાં પુડિંગ ભરેલ બાઉલ મૂકી અગાઉથી ૧૭૦ ગરમ કરેલા ઓવનમાં પાણી ભરેલા બાઉલ સહિત પુડિંગવાળા બાઉલને મૂકી દો. એકાદ કલાક સુધી બેક થવા દવા દઈ પછી સળી કે ચપ્પુને પુડિંગમાં નાખો. જો પુડિંગ તેના પર ચોંટે નહીં, તો તેને બહાર કાઢી લઈ ઠંડુ થાય એટલે જમો.
સામગ્રી : પેન કેક માટે : ૨૫૦ ગ્રામ મેંદો, ૩૦૦ ગ્રામ દૂધ, ૨ ચમચી મલાઈ, ૧ મોટો ચમચો ખાંડ, ૨ ચમચા માખણ અથવા ઘી, ૧/૨ ચમચી બેકિંગ પાઉડર, મીઠું, તેલ અથવા ઘી તળવા માટે.
પાઈનઍપલ ઓરેંજ સોસ : ૨ મોટા ચમચા, માખણ, ૨ ચમચા મલાઈ, ૧-૧/૨ વાટકી અનાનસનો રસ, ૩ વાટકી સંતરાનો રસ, ૫ મોટા ચમચા સાકર.
રીત : દૂધમાં સાકર અને માખણ નાખી, ભેળવી, પછી ઉકાળી લેવું.
મેંદામાં બેકિંગ પાઉડર અને મીઠું ભેળવી મેંદોે ચાળી લેવો. હૂંફાળા દૂધમાં થોડો થોડો નાખતા હલાવતાં જવું અને પાતળું ખીરું તૈયાર કરી લેવું.
એક નોનસ્ટિક વાસણ અથવા તવો ગરમ કરવો. એમાં એક નાની ચમચી ઘી નાખી ચમચીથી મેંદાનું ખીરું નાખવું, ચમચીથી ઘી લગાડી, ફેરવીને બીજી બાજુ પણ એમ જ તળી લેવી.
સૉસની બધી સામગ્રી મિક્સરમાં નાખી સરખી રીતે ભેળવી એક વાસણમાં કાઢીને ઉકાળી લેવી.
પીરસતી વખતે દરેક પૈન કેકને સૉસમાં બોળી રકાબીમાં કાઢવું અને ઉપરથી થોડો સોસ નાખવો.
મગનું ઊંધિયું
સામગ્રી : ૫૦૦ ગ્રામ ફણગાવેલા મગ, ૧૦૦ ગ્રામ બટાટા,રીંગણા,ટીંડોરા, શક્કરિયાં, કોથમીર, ૨૦૦ ગ્રામ પાકા ટામેટા, ૧૦૦ ગ્રામ લીલા વટાણા, ૨૦૦ ગ્રામ મેથીની ભાજી, ૨૦૦ ગ્રામ ડુંગળી, ૧૦૦ ગ્રામ લીલું લસણ, ૩ લીલા મરચાં, ઘઉંનો જાડો લોટ, તેલ, ૧ લીંબુ, આદું, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, લવિંગ-મરીનો પાવડર, કોપરાનું ખમણ, કોથમીર, અજમો, હિંગ, સાકર.
રીત : સૌ પ્રથમ બટાટા, રીંગણા અને શક્કરિયાની છાલ કાઢી ટુકડા કરો. ટીંડોરા ગોળ કાપો. ડુંગળીના ઝીણાં ટુકડા કરી, આદુ-મરચાંની કટકી કરવી. મેથીની ભાજીમાં ઘઉંનો જાડો લોટ નાખી, તેલના ૩ ચમચા મોણ સાથે મીઠું, ખાંડ, ૩ લીલાં મરચાંના ટુકડા, અજમો, હિંગ, પાણી નાખી લોટ બાંધી દેવો. લોટની ગોળીઓ વાળી દેવી. કૂકરમાં ૧૦૦ ગ્રામ તેલ મૂકી તેમાં હિંગ, ડુંગળીના ટુકડા તળો. ત્યારબાદ ફણગાવેલા મગમાંથી થોડા મગ નાખી હલાવો. તેના ઉપર મીઠું, મરચું, હળદર, ખાંડ, ધાણાજીરું ૨ ચમચી ગરમ મસાલો, લવિંગ-મરીનો પાઉડર, કોપરાનું ખમણ. આ બધો જ મસાલો ભેગો કરી થોડો પાથરવો. ત્યારબાદ બધા શાક ભેગા કરી ધોઈ, નીતારીને મસાલાની ઉપર પાથરો. શાકના થર ઉપર ભેગો કરેલો મસાલો ભભરાવો. પાછું મગનું પડ કરો. પાછો મસાલો પાથરો. આમ મગ અને શાકના પડ કરતાં જવું, મસાલો ભભરાવતા જવું. કોથમીર પાથરવી. તેની ઉપર મેથીની ભાજીની ગોળીઓ મૂકી દો. ૧ મોટો ગ્લાસ પાણી નાખી ૨ સીટી વગાડો. ઠંડુ થાય બાદ ટમેટાના ટુકડા, લીંબુનો રસ નાખી હલાવો. પીરસતી વખતે ઝીણી સમારેલી કોેથમીર, કોપરાનું ખમણ, (છીણ) પાથરો. ડુંગળી, ટામેટાના ગોળ પૈતા કરી, મીઠું છાંટી તેની ઉપર ગોેઠવવા.
કરમદાંનું શાક
સામગ્રી : ૨૦૦ ગ્રામ કરમદાં, ૧ નાની ડુંગળી, ૧ નાનું ટામેટું, ૧ લીલું મરચું, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૪ ચમચી હળદર, ૨ મોટા ચમચા તેલ, ૧/૪ ચમચી જીરું, સજાવટ માટે કોથમીર.
રીત : કરમદાંને ખૂબ ધોઈ તેમના અડધા અડધા ટુકડા કરી અંદરથી બી કાઢી નાખો. તેલ ગરમ કરીને તેમાં બારીક સમારેલ ડુંગળી લાલ થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં જીરું નાખો. ટામેટાંને પણ બારીક સમારી તેમાં નાખી દો. મીઠું, હળદર, લાલ મરચું નાખી લાલ થાય ત્યાં સુધી ચડવા દો. હવે તેમાં કરમદાં નાખી ઢાંકી દો. ૧૦-૧૫ મિનિટ સુધી ચડવા દો. પછી હાથથી દબાવીને જોઈ લ્યો કે કરમદાં બફાઈ ગયાં છે કે નહીં. બફાઈ જાય એટલે તેમને એક બાઉલમાં કાઢી ઉપર સમારેલ લીલાં મરચાં-કોથમીર ભભરાવી ગરમાગરમ પરોઠાં સાથે પીરસો.
- હિમાની


