શાહી પુલાવ
સામગ્રી : ૧-૧ વાટકી તુવેરની દાળ તથા ચોખા, ૧ વાટકી સમારેલી પાલક, ૫-૬ ટુકડા ફણસ, ૧ મોટી ડુંગળી સમારેલી, ૧ નાનું ટામેટું સમારેલું, ૪-૫ તમાલ પત્ર, ૪-૫ સુકા લાલ મરચાં, ૨-૩ મોટી એલચી, ૨-૩ લવિંગ, ૧/૪ ચમચી હળદર, ૧ ચમચી મીઠું, ૧ ચમચી ગરમ મસાલો, ૩/૪ ચમચી લાલ મરચું, ૧૧/૨ ચમચો તેલ, સૂકો મેવો ઇચ્છા પ્રમાણે, થોડી સમારેલી કોથમીર તથા લીલાં મરચાં.
રીત : દાળ તથા ચોખા પલાળી દો. હવે એક કૂકર અથવા તપેલીમાં તેલ ગરમ કરીને ફણસ તળી લો. તે તેલમાં તમાલપત્ર, સૂકાં લાલ મરચાં વઘારમાં મૂકી તેમાં મોટી એલચી અને લવિંગ નાખો. તેમાં ડુંગળી નાખી તે ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. બધા મસાલા તથા તળેલું ફણસ નાખીને ચડવા દો. ફણસ ગળી જાય એટલે પાલક નાખીને થોડીવાર સાંતળો. પાણી નિતારેલાં દાળ-ચોખા નાખીને સાડા ત્રણ વાટકી પાણી નાખો અને ચડવા દો. મસાલેદાર પુલાવ તૈયાર થઈ જાય એટલે સૂકો મેવો, કોથમીર તથા લીલા મરચાંથી સજાવીને પીરસો.
ટામેટાં પફ
સામગ્રી :- ૧/૨ કપ તાજાં બ્રેડ ક્રમ્સ, ૫૦ ગ્રામ માખણ, ૧ ટામેટું, ૧ મોટી ડુંગળી, ૨ મોટા ચમચા મેંદો, ૧ કપ દૂધ, ૩ મોટા ચમચા ટામેટાંની પેસ્ટ અથવા પ્યોરી, ૨ મોટા ચમચા ચીઝ સ્પ્રેડ, ૧/૨ કપ સફરજનના ટુકડા, મીઠું તથા મરી સ્વાદ મુજબ ૨ ટીપાં ટામેટાં જેવો લાલ રંગ.
રીત :- એક વાસણમાં માખણ ગરમ કરી તેમાં બારીક સમારેલી ડુંગળી બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં મેંદો નાખી ધીમી આંચે શેકો. ત્યાર બાદ તેમાં દૂધ રેડી સતત હલાવતાં રહો. જેથી મેંદાની ગાંઠો બંધાઈ ન જાય. જ્યારે મેંદાનું મિશ્રણ ઘટ્ટ થવા લાગે, ત્યારે તેમાં ચીઝ સ્પ્રેડ તથા ટામેટાંની પ્યોરી નાખી હલાવો. તેમાં મીઠું અને મરી નાખી બરાબર મિક્સ કરો. હવે એક મોલ્ડને ચીકાશવાળું કરી તેમાં મેંદો ભભરાવો અને અડધું મિશ્રણ પાથરી દો.
ટામેટાના નાના-નાના ચોરસ ટુકડા સાથે સફરજનના ટુકડા ભેળવી તેના પર થર કરો. એ થર પર બાકીનું મિશ્રણ પાથરી દો. અગાઉથી ગરમ કરેલા ઓવનમાં મિશ્રણ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આ ટામેટાં પફને બેક કરો. ત્યાર બાદ તેને ચીઝ સ્પ્રેડ, ટામેટાં અને સફરજનથી સજાવી ગરમાગરમ પીરસો.
સ્ટફડ રવા ઇડલી
સામગ્રી : ૨ કપ જાડો રવો, ૨ કપ દહીં, ૨ ચમચી ફ્રૂટ સોલ્ટ, ૧/૨ કપ મીઠું સ્વાદાનુસાર.
ભરવા માટેની સામગ્રી: ૧/૨ કપ બાફેલા વટાણા, ૧/૨ કપ સમારેલાં ગાજર, ૧/૪ કપ સમારેલાં ઘોલર મરચાં, ૧/૪ કપ સમારેલી ફણસી, ૧ ચમચી થોડાં મોટાં સમારેલાં કાજુ, ૨ ચમચી આદું-લીલાં મરચાંની પેસ્ટ, ૧ ચમચી લાલ મરચું, ૧૧/૨ ચમચી ગરમ મસાલો, ૨ ચમચા ઘી, ૧ ચમચી રાઈ, ૫-૬ મીઠાં લીમડાનાં પાન, મીઠું સ્વાદ મુજબ.
રીત : કઢાઈમાં ઘી ગરમ કરી રાઈ નાખો. ભરવાની તમામ સામગ્રી નાખી પાંચ મિનિટ રાંધો. ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા દો.
ઇડલી બનાવવાની રીત:- રવાને ચાળણીથી ચાળી મીઠું અને દહીં મિક્સ કરી પાંચ મિનિટ રહેવા દો.
ઇડલીની વાટકીમાં અથવા સ્ટેન્ડમાં તેલ લગાવી દો. સોજીમાં ફ્રૂટ સોલ્ટ નાખો પછી બરાબર મિક્સ કરી એક ચમચો ખીરું વાટકીમાં નાખો, એક ચમચો ભરવાની સામગ્રી નાખ્યા બાદ ફરી દોઢ ચમચી ઇડલીનું ખીરું નાખો. બધી વાટકીમાં આ પ્રમાણે મિશ્રણ ભરો. ૧૫ મિનિટ સુધી વરાળથી બાફી લો. ઠંડુ થયા પછી વાટકીમાંથી કાઢી નાળિયેરની ચટણી સાથે પીરસો.
પુલાવ વિથ છોલે ચણા
સામગ્રી : ૨ વાટકી ચોખા, ૨ વાટકી છોલે ચણા, ૧ વાટકી પાલક તથા સરસવ બાફેલાં, ૧ મોટી ડુંગળી સમારેલી, ૧૧/૨ ચમચી મીઠું, ૧/૪ ચમચી હળદર, ૧/૨ ચમચી લાલ મરચું, ૧ ચમચી લીલાં મરચાંની પેસ્ટ ૧૧/૨ ચમચી ટામેટાંની પેસ્ટ, ૩-૪ તમાલપત્ર, ૧-૨ સૂકા લાલ મરચાં, સૂકો મેવો ઇચ્છા પ્રમાણે, ૧ ચમચો તેલ, ૧ ચમચો માખણ.
રીત : છોલેચણામાં અડધી ચમચી મીઠું નાખીને બાફો. તેનું પાણી નિતારીને અલગ કાઢી લો. ચોખા ધોઈને પલાળી દો. કૂકર અથવા તપેલીમાં તેલ ગરમ કરી તમાલપત્ર તથા સૂકા લાલ મરચાં વઘારમાં મૂકી તેમાં ડુંગળી નાખી તે ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. બાફેલી પાલક તથા સરસવ, ટામેટાંની પેસ્ટ તથા લીલાં મરચાંની પેસ્ટ નાખીને ખૂબ સાંતળો. મીઠું તથા બધા મસાલા મિક્સ કરી થોડું ચણા બાફેલું પાણી નાખી સાંતળો. પાણી નિતારેલા ચોખા નાખીને સાંતળો. બાફેલા ચણા તથા સાડા ત્રણ વાટકી ચણા બાફેલું પાણી નાખીને ચડવા દો. તેમાં માખણ નાખીને થીજવા દો. હવે વધેલા ચણાથી સજાવીને સર્વ કરો.
પનીર દહીં ભલ્લા
સામગ્રી:- ૧ વાટકી અડદની દાળ, ૧/૪ વાટકી મગની દાળ, ૧/૨ વાટકી પનીર, ૧/૪ વાટકી ચારોળી-કિસમીસ મિક્સ, મીઠું તથા લાલ મરચું સ્વાદ મુજબ, ૫૦૦ ગ્રામ દહીં, શેકેલું જીરૃં, સમારેલી કોથમીર, લીલાં મરચાં, તળવા માટે તેલ.
રીત :- બન્ને દાળને બરાબર ધોઈને રાતે પલાળી દો. સવારે તેમાં મીઠું-મરચું ભેળવી, વાટી હાથથી સારી રીતે ફીણી નાખી. એક વાટકીમાં પાણી લઈ તેમાં થોડી ફીણેલી દાળ નાખી જુઓ. જો દાળ તરીને સપાટી પર આવી જાય, તો મિશ્રણ તૈયાર છે એમ માની લેવું. પનીરને હાથથી મસળી તેમાં કિશમિશ તથા ચારોળી એક સાથે નાખો. તેલ ગરમ કરવા મૂકો. હવે પાણીવાળો હાથ કરી દાળ લો અને તેની વચ્ચે પનીર મિશ્રણ મૂકી વડાં બનાવી તેલમાં તળતાં જાવ. વડાં તળાઈ જાય એટલે તેલમાંથી કાઢી પાણીમાં નાખો. એનાથી વડાં કદમાં એકદમ ફૂલી જશે. ત્યાર બાદ વડાંને પાણીમાંથી કાઢી હાથથી દબાવીને બધું પાણી નિચોવી નાખો. આ વડાંને મીઠું ભેળવીને વલોવેલા ઘટ્ટ દહીંમાં નાખતાં જાવ. છેલ્લે મરચાં, જીરા, લીલાં મરચાં અને કોથમીરથી સજાવો.
શર્મીલા પુલાવ
સામગ્રી :- ૨ કપ બાસમતી ચોખા, ૫૦૦ ગ્રામ બટાકાં, ૧૦૦ ગ્રામ ગાજર, ૨ મોટા ચમચા માખણ, ૧/૨ કપ વટાણાના દાણા, ૨ મોટા ચમચા તેલ, ૨ મોટા ચમચા ચોળા, ૨ મોટા ચમચા સીંગદાણા, ૨ ટામેટાં, ૧ મોટો ચમચો આખો ગરમ મસાલો, ૪ લીલાં મરચાં, ૧ ચમચી મીઠું.
રીત :- બટાકાંને બાફી, છોલી તેનો છૂંદો કરો. તેમાં થોડું મીઠું ભેળવી દો. ગાજરને બારીક છીણી નાખો. ચોખા તથા વટાણાંને બાફી નાખો અને સીંગને શેકી તેનાં ફોતરાં કાઢી નાખો. ચોખાને ધોઈ ૧૫ મિનિટ પલાળી રાખો. હવે તેલ ગરમ કરી તેમાં આખો ગરમ મસાલો અને ચોખા નાખી હલાવો. ત્યાર બાદ મીઠું તથા ૪ કપ પાણી રેડી ઊભરો આવવા દો. તે પછી ધીમી આંચે દસ મનિટ સુધી ઢાંકીને ચડવા દો. આંચ પરથી નીચે ઉતારી લઈ ૧૫ મિનિટ સુધી ઢાંકેલાં જ રહેવા દો. તેમાં ગાજર, વટાણા, ચોળા, સીંગદાણા, ૧ સમારેલું ટામેટું અને ૨ બારીક સમારેલાં લીલાં મરચાં મિક્સ કરો. હવે એક બેકિંગ ડિશમાં આ પુલાવ પાથરો. તેના પર બાફેલાં બટાકાંનો થર કરો. ચોખા દેખાય નહીં તેનંુ ધ્યાન રાખો. તેના પર માખણ રેડી ઓવનમાં ૧૫ મિનિટ સુધી બેક કરો. છેલ્લે ટામેટાં તથા લીલા મરચાંથી સજાવી ગરમાગરમ પીરસો.
- હિમાની


