દાવત : ઉનાળાનાં પૌષ્ટિક પીણાં
ગ્રીનજ્યૂસ
સામગ્રી : ૨ કપ દહીં, ૧ કપ સમારેલી કાકડી, ૧/૨ કપ સમારેલી કોબીજ, ૧/૨ લીલું મરચું, ૧ મોટી ચમચી સમારેલા કોથમીર અથવા ફુદીનો, ૧ નાની ચમચી ખાંડ, ૧/૨ નાની ચમચી મીઠું, ૧/૨ નાની ચમચી સંચળ, ૧/૨ નાની ચમચી મરીનો પાઉડર.
રીત : દહીં, કાકડી, કોબીજ, લીલાં મરચાં તથા કોથમીર વગેરે મિક્સરમાં સારી રીતે ક્રશ કરો. તેમાં ખાંડ, બરફ, તથા બાકીનો વધેલો મસાલો નાખી એકવાર ફરી મિક્સર ચલાવો. છેલ્લે ફુદીનાથી સજાવી ઠંડુ ઠંડુ પીરસો.
ગ્રેપિયર
સામગ્રી : ૩ કપ દ્રાક્ષનો રસ ૧ ૧/૨ નાશપાતીનો રસ, ૧ લીંબુનો રસ, ૨ કપ બરફના ટુકડા, ૪ મોટા ચમચા મધ.
રીત : દ્રાક્ષનો રસ, નાશપાતીનો રસ, લીંબુનો રસ અને મધ ભેગાં કરી સારી રીતે હલાવો. ત્યારબાદ એમાં બરફના ટુકડા નાખી ઠંડુ ઠંડુ પીરસો.
કાજુ-અંજીર બહાર
સામગ્રી : ૧૫૦ ગ્રામ અથવા ૧૫.૨૦ અંજીર, ૧૦૦ ગ્રામ ખાંડ, એક નાનું લીંબુ, એક ચમચી ગુલાબજળ સજાવટ માટે ૧૦૦ ગ્રામ કાજુ, એક ચમચી વાટેલાં પિસ્તા, ૫૦ ગ્રામ ખાંડ
રીત :કાજુને ધોઇ પાણીમાં પલાળી દો. અંજીરને પાણીથી સારી રીતે ધોઇ નાખો. ૧ ગ્લાસ પાણીમાં અંજીર તથા ખાંડ નાખી ઉકાળો. અંજીર પોચાં પડી જાય, એટલે નીચે ઉતારી લઇ ૧-૧ ૧/૨ કલાક સુધી ઢાંકી રાખો.આ દરમિયાન પલાળેલા કાજુને એકદમ બારીક વાટી નાખો. તેમાં ખાંડ ભેળવી ચીકાશવાળી કડાઇમાં ધીમી આંચે સતત હલાવીને સેકો. ખાંડ ઓગળી જાય અને મિશ્રણ ચોંટે નહીં, ત્યારે આંચ પરથી નીચે ઉતારી લો. હવે આ મિશ્રણના છ ભાગ કરો. જો નાના ગ્લાસ હોય, તો વધારે ભાગ કરી શકાય.
દરેક ભાગને ચીકાશવાળી આડણી પર રોલ કરી ગ્લાસની કિનારી પર ચિત્રમાં બતાવ્યા મુજબ ચોંટાડી દો. આ કાજુકિનારી વાળા ગ્લાસ પર વાટેલાં પિસ્તા ભભરાવો. હવે આ ગ્લાસને ફ્રીઝમાં મૂકી દો. જેથી કિનારી કડક થઇને ચોંટી જાય.
પલાળેલાં અંજીરમાંથી સજાવટ માટે ૨-૩ અંજીર કાઢી લઇ બાકીનાને મિક્સીમાં પાણી સાથે બારીક ક્રશ કરી નાખો. જેથી મિશ્રણ એક સરખું થઇ જશે. ત્યારબાદ તેને ગાળી નાખો. તેમાં ૪ ગ્લાસ પાણી રેડી ખૂબ ઠંડું થવા દો છેલ્લે લીંબુનો રસ અને ગુલાબજળ ભેળવો.
મહેમાનોને કાજુ-અંજીર બહાર જેને અંજીર-એ-આજમ પણ કહે છે તે પીરસતી વખતે ઠંડી કાજુકિનારી લાગેલા ગ્લાસમાં આઇસક્યૂબ નાખી ગ્લાસને ઠંડા અંજીર-એ-આજમથી ભરી દો. વધેલા અંજીરને વચ્ચેથી કાપીને ગ્લાસની કિનારીએ સજાવો.
આ અંજીર-એ-આજમને એવી રીતે પીઓ કે, કિનારી પર લગાવેલા કાજુ પેસ્ટ પણ પીણા સાથે થોડું થોડું મોંમા જાય.
રાસબરી શેક
સામગ્રી : ૨૫ રાસબરી, ૨ કપ દૂધ, ૪ મોટી ચમચી ખાંડ, ૨ મોટી ચમચી દૂધનો પાઉડર, બરફ.
રીત : રાસબરીને સારી રીતે ધોઈ, બે ટુકડા કરી મિક્સરમાં ક્રશ કરો. હવે તેમાં દૂધ અને ખાંડ નાખી ૨-૩ વખત ફરીથી મિક્સરમાં મિક્સ કરો. જ્યારે બરાબર મિક્સ થઈ જાય ત્યારે તેમાં બરફના ટુકડા નાખી દો. દૂધનો પાઉડર નાખી ૨-૩ વખત ફરીથી મિક્સર ચલાવો. રાસબરી શેક ગ્લાસમાં કાઢી પીરસો.
એપલ-કિશમિશ અમૃત ધારા
સામગ્રી : ૬ પીળાં સફરજન, ૧૦૦ ગ્રામ કિશમિશ, ૩૦૦ ગ્રામ ખાંડ, ૧ લીંબુ, એક કપ પાઇનેપલ જ્યૂસ, ૪ મોસંબીનો રસ.
રીત : સફરજનને સમારી મિક્સીમાં તેમનો જ્યૂસ બનાવો. કિશમિશને ૪ કપ પાણીમાં ખૂબ બાફવા દઇ, પછી એ જ પાણીમાં મસળી નાખી, ગાળીને મિક્સીમાં કાઢી લો. બંનેને એકરસ કરી, ખાંડ નાખી હલાવો પછી તેમાં લીંબુ તથા મોસંબીનો રસ ભેળવો. ફરી મિક્સ કરીને પાઇનેપલનો જ્યૂસ ભેળવો. આ એપર કિશમિશ અમૃતધારાને ઠંડા સોડા સાથે અથવા સોડા વિના પણ પી શકાય. મરજી હોય તો ગ્લાસમાં કિશમિશ નાખો.
સીતાફળનો ક્રિમી મિલ્ક શેક
સામગ્રી : ૨ નાની વાટકી બાફેલા સીતાફળ, ૧ ૧/૨ નાનો કપ ખાંડ, ૪ કપ દૂધ (ક્રીમ સાથે) ૨ મોટી ચમચી દૂધનો પાઉડર, ૧ કપ ક્રીમ, ૧ ચમચી એલચીનો પાઉડર અને બરફનો ટુકડા.
સજાવટ માટે : પિસ્તા સમારેલા.
રીત : બાફેલા સીતાફળને ગરમ કરેલા દૂધમાં નાખી તેમાં ખાંડ, ક્રીમ તથા દૂધનો પાઉડર નાખી મિક્સરમાં ખૂબ સારી રીતે ફીણો. તેમાં બરફના ટુકડા તથા એલચીનો પાઉડર નાખી ઉપર પિસ્તાથી સજાવો. હવે તૈયાર શેકનો સ્વાદ માણો.
સંતરાની છાલનું શરબત
સામગ્રી : ૧ સંતરાની છાલ, ૩ કપ પાણી, ૩ મોટી ચમચી ખાંડ, ૧/૨ નાની ચમચી ચા પત્તી, ૧/૨ સંતરાની છોલેલી ચીરી, ૧/૨ નાની ચમચી લીંબુનો રસ.
રીત : સંતરાની છાલને ૨-૩ દિવસ તાપમાં સૂકવી નાના ટુકડા કરી વાટી લો. તેને પાણીમાં નાખી ૨ મિનિટ સુધી બાફો. એમાં ચા નાખી ગેસ બંધ કરી ૩-૪ મિનિટ સુધી સુધી ઢાંકી રાખો. ખાંડ મેળવી ગાળી લો. ત્યારબાદ એને ઠંડુ થવા દો. એમાં લીંબુનો રસ મેળવો. સંતરાની ચીરીથી સજાવી બરફ નાખી પીરસો.
- હિમાની