- મકાઈની રોટલી, સરસવનું શાક
સામગ્રી: ૫૦૦ ગ્રામ સમારેલી સરસવની ભાજી, ૫૦૦ ગ્રામ પાલક,૨૫૦ ગ્રામ બથવાની ભાજી, ૧ નાનીકોબીજ,૨૫૦ ગ્રામ સલગમ, ૫૦ ગ્રામ સમારેલ આદું, ૪-૫ લીલાં મરચાં, ૨ ૧/૨ વાટકી મકાઈનો લોટ, ૧ ચમચી મીઠું,૧/૪ વાટકી શુધ્ધ ઘી, થોડું સફેદ માખણ, ૧/૪ ચમચી હળદળ, ૧/૨ ચમચી મરચું, ૧/૪ ચમચી હિંગ.
સજાવટ માટે : સમારેલી કોબીજ,સલગમના ગોળ ટુકડા, ટામેટાં, કોથમીર.
રીત : સરસવની ભાજી, પાલક, બથવાની ભાજી, કોબીજસ સલગમ, આદુ, લીલાં મરચાં, એ બધાંને બારીક સમારી નાખો. તેમને ૩-૪ વાર સ્વચ્છ પાણીથી ધોઈને કૂકરમાં ૮-૧૦ સીટી થાય ત્યાં સુધી બાફો. તેમાં હિંગ, આદુ, હળદરઅને મરચું પાણી નાખી દેવા. ઠંડું થાય એટલે ક્રશ કરીને તેમાં ૧/૨ વાટકી મકાઈનો લોટ ચાળીને નાખો. અને ઉકળે એટલે હલાવીને એકરસ કરો. તે બરાબર મિક્સ થઈ જાય એટલે આંચ પરથી ઉતારી લઈને સફેદ માખણ નાખી કોબીજ, સલગમ, ટામેટાં અને કોથમીરથી સજાવો.
બાકીના મકાઈના લોટને ચાળી નાખી નવશેકા પાણીથી બરાબર મસળતાં જઈ કણક બાંધો. હવે મકાઈની નાની-નાની રોટલીઓ બનાવી તેમના ઉપર ઘી ચોપડો.
ફુદીનાનાં પરોઠા
સામગ્રી : ૧/૨ કપ સમારેલો ફુદીનો, ૪ વાટકી લોટ, ૨ ચમચી માખણ, ૧/૨ ચમચી મીઠું, થોડી સમારેલી કોથમીર, ૧-૨ સમારેલાં લીલાં મરચાં, ૧/૨ કપ ઘી.
રીત : લોટમાં માખણ નાખી હાથથી બરાબર મિક્સ કરો. પછી તેમાં મીઠું, કોથમીર, લીલાં મરચાં અને ફુદીનો ભેળવી કઠણ લોટ બાંધો, આ લોટ એક કલાક પહેલાં બાંધી રાખો તેમાંથી ગોળ ગોળ લૂઆ બનાવો લૂઆની અંદર ઘી લગાવી ગોળ પરોઠાં વણીને શેકી નાખો. આ પરોઠાંને કેરી કે લાલ મરચાંના અથાણા સાથે ગરમાગરમ પીરસો.
સાબુદાણાના ભટૂરા
સામગ્રી : ૧ કપ સાબુદાણા, ૨૦૦ ગ્રામ બટાકાં, દહીં, ૧ ચમચી મીઠું, તળવા માટે તેલ.
રીત : સાબુદાણાને પાણીમાં ૧/૨ કલાક પલાળી રાખો અને પછી પાણીમાંથી કાઢી લઈ ૩-૪ કલાક રહેવા દો.બટાકાંને બાફી, છાલ ઉતારીને મસળી નાખો. ગરમ મસળેલાં બટાકામાં જ મેદો, સાબુદાણા, તેલ મીઠું નાખી દહીંથી લોટ બાંધીને ૩-૪ કલાક રહેવા દો.મિશ્રણને ફરીથી મસળીને લૂઆ બનાવો તથા વણીને ગરમ તેલમાં તળી નાખો.
લચ્છાપરોઠાં
સામગ્રી : ૨૫૦ ગ્રામ મેંદો, ૫૦ ગ્રામ લોટ, ૧/૨ મીઠું, ૧ ૧/૨ ચમચી વાટેવી કિશમિશ, ૧ ચમચો વાટેલાં લીલાં મરચાં, તળવા માટે તેલ.
રીત : લોટ અને મેંદાને મિક્સ કરી ચાળી નાખો તેમાં મીઠું, વાટેલી કિશમિશ અને વાટેલાં લીલાં મરચાં નાખો પછી પાણીથી કઠણ લોટ બાંધો તેના મોટા મોટા લૂઆ બનાવો. એક-એક લૂઓ લઈ, તેને અટામણ લગાવી, લાંબી રોટલી વણો. તેના પર તેલ લગાવો અને વાળી વાળીને નાની કરી ફરી લૂઆનો આકાર આપો આ રીતે બે વાર કરો અને મોટી તથા લાંબી રોટલી વણો. હવે બંને હાથથી રોટલી કિનારીને ચપટી ભેગી કરો અને મોટી તથા લાંબી રોટલી વણો. હવે બંને હાથથી રોટલીની કિનારીને ચપટી ભેગી કરો અને પછી તેને લાંબી ખેંચીને હથેળીને લપેટી ગોળાકાર બનાવો તેને કાઢીને આડણી પર મૂકી વણીને મોટી કરો. રોટલીની બરાબર વચમાં મોટું કાણું થઈ જશે અને ગોળગોળ લચ્છા જેવું બની જશે. તેને લોઢીમાં નાખી બંને બાજુએ તેલ લગાવી કરકરાં લચ્છા પરોઠાં બનાવો.આ જ રીતે બીજાં બધાં લચ્છા પરોઠાં પણ બનાવવાનાં છે.
સાબુદાણાની કચોરી
સામગ્રી : ૨ કપ મેંદો, ૬ ચમચી તેલ મોણ માટે, ૧/૨ ચમચી મીઠું, તળવા માટે તેલ.
પૂરણ માટે : ૧/૨ કપ લીલા વટાણાના દાણા, ૧/૨ ચમચી હળદળ, ચપટી હીંગ, ૧/૨ કપ સાબુદાણા, ૧/૨ ચમચી મીઠું, ૨-૩ બારીક સમારેલાં લીલાં મરચાં, ૧ ચમચી સમારેલી કોથમીર.
રીત : કચોરી બનાવવા માટે સાબુદાણાને એક કલાક પહેલાં પલાળી રાખો. મેદાને ચાળી નાખી તેમાં મોણ અને મીઠું નાખી કચોરી વાળવા માટે એકદમ કઠણ લોટની માફક તૈયાર કરો.કડાઈમાં થોડું તેલ ગરમ કરો. તેમાં હિંગ, લીલા વટાણાના દાણા, પલાળેલા સાબુદાણા, લીલાં મરચાં, કોથમીર, હળદર અને મીઠું નાખી થોડીવાર હલાવો.મેંદાના નાના નાના ગોળ લૂઆ બનાવી નાની નાની પૂરીઓ વણો. સાબુદાણાનું મિશ્રણ થોડું ઠંડું થાય એટલે તેમાં ભરીને કચોરીવાળો તેલ ગરમ કરો અને તેમાં ધીમી આંચે આ ગોળ ગોળ કચોરીઓ તળી નાખો.
સોયાબીનની નાન
સામગ્રી : ૧/૨ વાટકી સોયાબીનનો ભૂકો, ૪ વાટકી મેંદો, ૪ ચમચી સફેદ ખમણ, ૧/૪ ચમચી અજમો, ૧ સમારેલી ડુંગળી, ૨ ચમચી તેલ અથવા ઘી, ૧/૨ ચમચી મીઠું, ૨ સમારેલાં લીલા મરચાં, ૧ વાટકી નવશેકું દૂધ, ૧ ચમચી બેકિંગ પાઉડર.
રીત : સોયાબીનના ભૂકાને સૌપ્રથમ ગરમ પાણીમાં નાખી ઉકાળો બધું પાણી નિતારી લો. કડાઈમાં તેલ રેડી તેમાં બારીક સમારેલ ડુંગળી નાખી, સોયાબીન, મીઠું અને લીલાં મરચાં ઉમેરી શેકી નાખો. મેંદામાં માખણ, મીઠું, અજમો અને બેકિંગ પાઉડર નાખી ખૂબ મિક્સ કરો. નવશેકા દૂધથી મેદાનો લોટ બાંધો. પછી તેના ગોળ ગોળ લૂઆ બનાવો અને થોડું ઘી લગાવી તેમાં સોયાબીનનું મિશ્રણ ભરી લાંબા કદનાં નાન બનાવો. તેમનેખાલી ડબ્બામાં ફકરમાં કે લોઢીને ઊંધીકરીને લગાવી શકો. નાન બરાબર શેકાઈ જાય એટલે ઉપર ઘી ચોપડી ગરમા ગરમ પીરસો.
- હિમાની


