યૂલલોગ
સામગ્રી: સામગ્રી : ૩ ચમચી યીસ્ટ, ૯૦ ગ્રામ મેંદો, ૧૦૦ ગ્રામ ખાંડ, ૨ ચમચા નવશેકું પાણી, ૧૫૦ ગ્રામ મિક્સ ફ્રૂટ જામ, ૧ ૧/૨ કપ ચોકલેટ બટર આઈસિંગ, ૧/૨ કપ મીઠો માવો અથવા મોડલિંગ પેસ્ટ સજાવવા માટે : નાળિયેરની છીણ, લાલ-લીલી કેન્ડી અને ચોકલેટ
રીત: એક બાઉલમાં યીસ્ટમાં ખાંડ મેળવી રાખો. ગરમ પાણી ભરેલા વાસણ ઉપર એ બાઉલ મૂકી ધીમે ધીમે ફીણો. તે ઘટ્ટ અને ક્રીમી બને ત્યાં સુધી ફીણતાં રહો. પછી ગરમ પાણીનાં વાસણ પરથી બાઉલ હટાવી લઈ, નવશેકું પાણી અને મેંદો તેમાં મિક્સ કરો.
ઓવન ગરમ કરો. સ્વિસ રોલ ટિનમાં ઘી કે તેલ લગાવી તેમાં ગ્રીસપ્રૂફ પેપર પાથરો તેના પર કેકનું મિશ્રણ પાથરો અને ૧૦ મિનિટ સુધી કે આછા બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી બેક કરો. પછી બહાર કાઢી લઈ તરત એક લીસા પેપર પર ટ્રે ઉલટાવી લો ધીરેથી કાગળ હટાવીને કિનારેથી કાપી લો. તેના પર જામ પાથરો અને તળિયાના કાગળની મદદથી ગોળ વાળી દો હવે આ રોલને કિચન ટોવેલમાં લપેટીને એક કલાક સુધી ઠંડો થવા દો. કેક ઠંડી થાય એટલે બે ભાગમાં કાપો. તેના પર બટર આઈસિંગ લગાવો. તથા કાંટા વડે લાકડાની છાલનો આકાર આપો.
ચેરી કેક
સામગ્રી : ૧ ટિન ચેરી, ૧ ૧/૨ વાટકી મેંદો, ૧/૨ વાટકી કન્ડેન્સ્ડ મિલ્ક, ૨ ચમચા ખાંડ, ૩/૪ વાટકી દૂધ, ૧/૨ વાટકી માખણ, ચપટી મીઠું, ૧ ચમચી બેકિંગ પાઉડર, ૧/૨ ચમચી ખાવાનો સોડા, ૧/૨ વાટકી ચેરી જ્યૂસ, ૧ ચમચી સ્ટ્રોબેરી એસેન્સ, ૨૧/૨ વાટકી ક્રીમ, ૧/૨ વાટકી આઈસિંગ શુગર, ૨૦-૨૫ રૂપેરી ગોળીઓ અને ૧/૨ ચમચી લીંબુનો રસ.
રીત : ડબામાંથી ચેરી કાઢી, લગભગ અડધી ચેરી મસળીને એકરસ કરી લો. મેંદો, બેકિંગ પાઉડર,સોડા તથા મીઠું ભેળવીને બે-ત્રણ વખત ચાળી લો. એક વાસણમાં માખણ, દૂધ, ખાંડ અને કન્ડેન્સ્ડ મિલ્કને ભેગાં કરી બરાબર ફીણો. એમાં મસળેલી ચેરી ભેળવો. એસેન્સ નાખી ફરી ભેળવો. ફીણેલા મિશ્રણમાં મેંદાનું મિશ્રણ નાખતા જાવ અને ફીણતાં જાવ. પછી એસેન્સ ભેળવી, ઘી-તેલ લગાડી બેકિંગ ડિશમાં અથવા ડબાના બીબામાં ભરી અગાઉથી ગરમ કરી રાખેલા ઓવનમાં મૂકી બેક કરો. બહાર કાઢી ઠંડી પડવા દો. કેકનો પોપડો જો ઉપરથી ફૂલીને થોડો ઉંચો થઈ ગયો હોય, તો છરી વડે ઉપલું પડ જરા છોલીને સમતળ બનાવો અને તેમાં ચેરી જ્યૂસ રેડી થોડીવાર મૂકી રાખો. ક્રીમમાં આઈસિંગ શુગર અને લીંબુનો રસ મેળવી ફીણો. કેકને સેન્ડવિચ બનાવવા માટે ફીણેલું ક્રીમ વચ્ચે થોડું લગાવો અને બાકીનું ચારે તરફ તથા ઉપર પાથરી દો. કિનારે થોડું ક્રિમ ઊંચું પાથરો અને વચ્ચેનો ભાગ ચેરીથી ભરી દો. દરેક ચેરી પર એક એક રૂપેરી ગોળી મૂકી સજાવો અને કેક ઠંડી કર્યા પછી પીરસો.
કોર્નફ્લેક્સ બદામ કેક
સામગ્રી : ૧ ૧/૪ વાટકી મેંદો, ૧/૪ વાટકી ચોકલેટ અને કોકો મિક્સ, ૨ ઈંડા, ૧ ચમચી ચોકલેટ એસેન્સ, ૧ ચમચી બેકિંગ પાઉડર, ચપટી મીઠું, ૧ વાટકી માખણ, ૧ વાટકી ખાંડ, ૧ ચમચો વધારાની ખાંડ (અલગ રાખો), ૧ ૧/૨ વાટકી કોર્નફ્લેક્સ, ૧/૨ વાટકી બદામના દાણા, ૨ ૧/૨ વાટકી આઈસિંગ માટે ક્રીમ, ૩ ચમચા કોકો પાઉડર, ૧ ચમચો ચોકલેટ પાઉડર, ૧ ચમચી કોફી પાઉડર, ૧/૨ ચમચી ચોકલેટ એસેન્સ, ૩/૪ વાટકી આઈસિંગ શુગર, ૨ ટીપાં લાલ રંગ, ૧ ટીપું લીલો રંગ, ૨૦-૨૫ ચાંદીના વરખની ગોળીઓ.
રીત : મેંદો, કોકો, ચોકલેટ મિક્સ, બેકિંગ પાઉડર અને મીઠું બરાબર મેળવી ચાળી લો. ૧ ચમચો મિશ્રણ જુદું રાખો. ૧/૪ વાટકી બદામ ઝીણી સમારી લો. ઈંડા અલગ વાસણમાં ફીણી લો. ખાંડમાં માખણ મેળવી ફીણો. અને ફીણેલા ઈંડા મેળવી ફરી સારી રીતે ફીણો. હવે એમાં મેંદો ધીરે ધીરે મેળવતા જાવ. બધું એકરસ થઈ જાય એટલે એમાં અડધા કોર્નફ્લેક્સ નાખી મિક્સ કરો. એસેન્સ અને સમારેલી બદામ (મેંદાના અલગ મિશ્રણમાં રગદોળીને) નાખીને મેળવી અને પહેલાંથી ગરમ રાખેલા ઓવનમાં ચીકણી ડિશમાં ભરી બેક કરો. બહાર કાઢીને ઠંડી પાડો.
આઈસિંગ - કોકો, ચોકલેટ, અને કોફી પાઉડરને ભેગાં ચાળી, ૨૧/૪ વાટકી ક્રીમમાં નાખો અને એસેન્સ મેળવી સારી રીતે ફીણો. આઈસિંગ શુગર પણ ચાળ્યા પછી ચાર ચમચા જેટલી કાઢી લો અને બાકીની ક્રીમમાં નાખી, ફરી ફીણો. કેકને અધવચ્ચેથી કાપીને બે ભાગ કરો. ૧/૨ વાટકી આઈસિંગ એક ભાગ પર લગાવી, બીજો ભાગ ફરી ઉપર ગોઠવી દો. બાકી બચેલું આઈસિંગ ચારે બાજુ અને કેકના મધ્યભાગમાં લગાવો. વચ્ચેના ભાગમાં કોર્નફ્લેક્સ ગોઠવો અને એક ચમચો ખાંડ ભભરાવો, કિનારીઓ પર બદામ અને ચાંદીની ગોળીઓ ગોઠવો.
બનેલું ક્રીમ અને આઈસિંગ શુગર ભેગા કરી બરાબર ફીણો તથા બે ભાગમાં વહેંચી લો. એક ભાગમાં લાલ રંગ અને બીજામાં લીલો રંગ મેળવો અને બંનેને ફીણો. ચીકણી પ્લેટ અથવા સિલ્વર ફોઈલમાં ફૂલ બનાવીને ફ્રીઝરમાં જમાવી દો. કેક પર તૈયાર ફૂલ ગોઠવો અને પીરસો.
શક્કરિયાની કેક
સામગ્રી : ૨૦૦ ગ્રામ મેંદો, ૨ ચમચી બેકિંગ પાઉડર, ૧ વાટકી ઘી, ૧ વાટકી શક્કરિયા બાફીને છાલ ઉતારી તૈયાર કરેલો માવો, જરૂર પૂરતી દળેલી ખાંડ, ૪ ઈંડા, ૧/૨ વાટકી ખાટું દહીં, ચપટી મીઠું, ૪-૫ ટીપાં વેનિલા એસેન્સ, ૧ ચમચો કિશમિશ, ૨ ચમચા કાજુના ટુકડા, ૨ અખરોટનો ગર.
સજાવવા માટે : બે અખરોટનો ગર, ૨ ચમચા લાલ - લીલી કેન્ડી, ૨ ચમચા આઈસિંગ શુગર.
રીત : મેંદો, બેકિંગ પાઉડર અને મીઠું ભેળવી બે વાર ચાળી લો. એક વાસણમાં ઘી અને ખાંડને સફેદ થાય ત્યાં સુધી ફીણો. એમાં ઈંડા અને દહીં નાખી સારી રીતે ફીણો. હવે તેમાં શક્કરિયાનો માવો વેનિલા એસેન્સ કાજુના ટુકડા, કિશમિશ, અખરોટનો ગર નાખીને બરાબર મિક્સ કરો. થોડો થોડો મેંદો નાખતાં જાવ અને એક જ દિશામાં ફીણતા જાવ. આમ કટ એન્ડ ફોલ્ડની રીતે મિશ્રણ તૈયાર કરો. ગોળ ગોળ ફેરવતાં ફેરવતાં વચ્ચે આડાઉભા કાપા કરતા જાવ. બેકિંગ ટ્રેમાં સારી રીતે ઘી/તેલ ચોપડી, થોડો કોરો મેંદો ભભરાવી વધારાનો મેંદો ટ્રેમાંથી ખંખેરી નાખો. તેમાં તૈયાર કરેલું મિશ્રણ નાખી પહેલાંથી ગરમ કરી રાખેલા ઓવનમાં આછા બદામી રંગે બેક કરો.
કેક તૈયાર થઈ જશે એટલે ડિશની ધારથી મિશ્રણ છૂટું પડી જશે. સળી નાખીને ખાતરી કરી લો. સળી જો કોરી બહાર આવે તો સમજવું કે કેક તૈયાર છે.
ઓવનમાંથી કાઢીને કેકને ઠંડી થવા દો. પછી ઉપર આઈસિંગ શુગર ભભરાવો. અખરોટ અને લાલ-લીલી કેન્ડીથી સુંદર રીતે સજાવીને પીરસો.
રોયલ બદામ પેસ્ટ્રી
સામગ્રી : ૧ ૧/૨ વાટકી મેંદો, ૧/૨ વાટકી બદામની પેસ્ટ, ૧/૨ વાટકી ઝીણી સમારેલી બદામ, ૧ વાટકી માખણ, ૧ વાટકી ખાંડ, ૨ ઈંડા, ૧૧/૪ ચમચી બદામ એસેન્સ, ચપટી મીઠું, ૨૧/૨ વાટકી ક્રીમ, ૧/૨ વાટકી આઈસિંગ શુગર.
રીત : મેંદો, મીઠું, અને બેકિંગ પાઉડર ભેગાં કરીને ચાળી લો. એક મોટા વાસણમાં ખાંડ, માખણ અને ઈંડા ભેળવીને મિશ્રણ તૈયાર કરો. અને તેમાં બદામ પેસ્ટ તથા થોડું એસેન્સ મેળવો. ચાળેલો મેંદો ધીરેધીરે નાખતા જાવ અને ફીણતા જાવ. બધું એકરસ કરી નાખો. ડિશ અથવા બીબામાં ઘી/તેલ ચોપડો અને પહેલાંથી ગરમ કરેલા ઓવનમાં તૈયાર મિશ્રણ નાખી બેક કરો.
બહાર કાઢી વાયર રેક પર ઠંડી કરો. બાકીના ક્રીમ એસેન્સ અને આઈસિંગ શુગર મેળવી બરાબર ફીણો. કેકને બરાબર અધવચ્ચેથી કાપીને આઇસિંગ પાથર્યા પછી ઉપરનો ભાગ ફરી દબાવી દો. બાકીનું આઈસિંગ કેકની ઉપર કરી ઝીણી સમારેલી બદામ ભભરાવો. ત્રિકોણાકાર કાપી પેસ્ટ્રી પીરસો.
- હિમાની


