મગની દાળનાં રસવડાં
સામગ્રી : બે વાટકી મગની દાળ, ૨૫૦ ગ્રામ ખાંડ, પૂરતું પાણી (ચાસણી બનાવવા માટે) ચપટી ખાવાનો સોડા, તળવા માટે ઘી.
સજાવટ માટે : તલ, મગજતરીનાં બી.
રીત : દાળને આગલી રાતે પલાળી દો. સવારે તેના ફોેતરાં કાઢી નાખી મિક્સીમાં બારીક ક્રશ કરી સોડા નાખીને ખૂબ ફીણો. તેને કલાક માટે રહેવા દો. ખાંડની બે તારી ચાસણી બનાવી તૈયાર રાખો. દાળના મિશ્રણમાં આથો આવવા લાગે ત્યારે કડાઈમાં ઘી ગરમ કરી વડાને સોનેરી રંગે તળો. તેમને ચાસણીમાં નાખો. ૧૦ મિનિટ પછી તલ અને મગજતરીનાં બી ભભરાવી ગરમ ગરમ જ સ્વાદ માણો.
ચણાની દાળ અને પરવળનું શાક
સામગ્રી : ૨૫૦ ગ્રામ ચણાની દાળ, ૨૫૦ ગ્રામ પરવળ, બે મોટી ડુંગળી, ૧/૨ કપ ટામેટાં પ્યોરી, ૧ ચમચી મરચું, ૧ ચમચી હળદર, ૧ ચમચી ધાણા, ૧/૨ ચમચી જીરું, ૧/૨ ચમચી મરી, ૧/૨ ચમચી આખું જીરું, ૧ ચમચી ગરમ મસાલો, ૪ ચમચા તેલ, ૪ તમાલ પત્ર, મીઠું સ્વાદ મુજબ, ૧ ચમચી ખાંડ.
રીત : દાળનો ધોઈ નાખો. પરવળને છોલી તેના બે ભાગ કરો. ડુંગળીની લાંબી પાતળી ચીરીઓ સમારો. ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરી તેમાં પરવળને તળી લો. હવે વધેલું તેલ કૂકરમાં કાઢી તેમાં જીરું નાખો. ડુંગળી અને તમાલપત્ર નાખી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. તે પછી બધો મસાલો, ટામેટાં પ્યોરી અને મીઠું નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો, હવે દાળ નાખ્યા પછી થોડી વારે તળેલા પરવળ પણ નાખી દો. ગરમ મસાલો અને ખાંડ ભેળવી કૂકર ઢાંકી દો. એક સીટી થાય ત્યારે આંચ પરથી ઉતારી લો. કોથમીર સજાવીને પીરસો.
શાહી ચણા દાળ
સામગ્રી : ૧ ૧/૨ કપ ચણાની દાળ, ૩ ચમચા તાજા નાળિયેરની છીણ, આદુનો નાનો ટુકડો, બે લીલા મરચાં, ૧/૨ ચમચી હળદર, ૧/૪ ચમચી મરચું, ૩/૪ ચમચી ધાણા, ૧ ચમચી જીરું, ૫ લવિંગ, ૨ નાના ટુકડા તજ, ૪ એલચી, બે ચમચી ખાંડ, ૧ ૧/૪ ચમચી મીઠું, બે બટાકાં, બે ચમચા તેલ, ૧ ડુંગળી.
સજાવટ માટે : બે ચમચા તાજા નાળિયેરની છીણ, ૮-૧૦ કિશમિશ, અડધી ઝૂડી કોથમીર, ૧/૪ ચમચી ગરમ મસાલો.
રીત : ચણાની દાળ ધોઈને તેને ૪ કલાક માટે પલાળી દો. જીરા, ધાણા, તજ એલચી, લવિંગને લોઢી પર શેકો. તેમાંથી અડધા ભાગને એકદમ બારીક અને અડધાને અધકચરો ક્રશ કરો. આદું અને લીલાં મરચાંને બારીક સમારો. ડુંગળીની લાંબી પાતળી ચીરીઓ સમારો. બટાકાંને છોલી તેના નાના નાના ટુકડા કરો.
એક તપેલીમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળીને આછા બદામી રંગની તળીને કાઢી લો. બટાકાનાં ટુકડાને પણ તેમાં જ તળીને કાઢી લો. કિશમિશને સહેજ તળીને રાખી મૂકો.
દાળનું પાણી નિતારી લઈ તેને ચાળણીમાં છૂટી પાડો. હવે એક તપેલી કે કૂકરમાં તેલ ગરમ કરો. તેમાં અધકચરો ક્રશ કરેલો ગરમ મસાલો, હળદર નાખી તરત જ દાળ નાખી દઈ ખૂબ હલાવો. મીઠું અને થોેડું ગરમ પાણી રેડી દાળ બફાઈ જાય ત્યાં સુધી ચડવા દો. પછી ઢાંકણું ખોેલી તેમાનું વધેલું પાણી શોષાઈ જવા દો. પછી તેમાં નાળિયેરની છીણ, સમારેલાં લીલાં મરચાં, આદું, ડુંગળી, ખાંડ, બટાકાંના તળેલા ટુકડા અને બારીક ગરમ મસાલો નાખી મિક્સ કરો. બે-ત્રણ મિનિટ પછી આંચ પરથી ઉતારી લો.
કોથમીર, નાળિયેરની છીણ, કિશમિશ અને ગરમ મસાલાથી સજાવી પૂરી સાથે પીરસો.
ચોળાનો શીરો
સામગ્રી : ૧ વાટકી ચોળા, ૫૦ ગ્રામ માવો, ૧ ચમચો નાળિયેરની છીણ, ૫-૬ એલચી, ૧/૪ વાટકી ઘી, ૧ વાટકી ખાંડ.
રીત : ચોળાને અડધા કલાક પહેલાં બાફી લો. પછી તે કોરા પડી જાય એટલે મિક્સીમાં અધકચરા ક્રશ કરો. હવે ઘી ગરમ કરી તેમાં અધકચરા ક્રશ કરેલા ચોળા નાખીને શેકો. તેનો લાલાશ પડતો રંગ થાય એટલે માવો અને ખાંડ નાખી શેકો. નાળિયેરની છીણ અને એલચી વાટીને ભેળવી દો. પેંડા, બરફી તથા નાળિયેરથી સજાવી મહેમાનોને ખાવા આપો.
ચણાની દાળની વેઢમી
સામગ્રી : ૧ વાટકી ચણાની દાળ, ૧૦૦ ગ્રામ ગોળ, ૧/૪ ચમચી મીઠું, ૧/૪ ચમચી અજમો, ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ, ચપટી હિંગ, થોડું જીરું.
રીત : ચણાની દાળને સાફ કરી બે કલાક પલાળી રાખો. એક તપેલીમાં જીરા અને હિંગનો વઘાર કરી દાળ બાફો. પછી તેમાં જ ગોળ અને મીઠું નાખી ઢાંકી દો. દાળ એકદમ ચડી જાય અને તેમાનું પાણી સૂકાઈ જાય એટલે આંચ પરથી ઉતારી લો. તે ઠંડી થાય એટલે અજમો ભેળવી તેનું પૂરણ તૈયાર કરો. લોટને ચાળીને કણક બાંધો. તેમાંથી લૂઆ લઈ નાની એવી રોટલી વણો. તેમાં ચણાની દાળનું પૂરણ ભરો. ત્યારબાદ તેને સહેજ વણીને મોટી વેઢમી બનાવો. મનગમતા આકારમાં કાપી લોઢી પર ઘીથી લાલ રંગ વેઢમી શેકો.
પકોડા ચાટ
સામગ્રી : એક વાટકી ચણાની દાળ (પલાળેલી) ૧/૨ ચમચી મીઠું, ૧ નાની સમારેલી ડુંગળી, ૧ સમારેલું લીલું મરચું, થોડી બારીક સમારેલી કોથમીર, તેલ અથવા ઘી ૧/૨ ચમચી શેકેલું જીરું.
સજાવટ માટે : મૂળાની છીણ, ડુંગળી, લીલાં મરચાં, ટામેટાં, બટાકું, ખાટી અને ગળી ચટણી.
રીત : ચણાની પલાળેલી દાળને બારીક ક્રશ કરો. તેમાં બધી સામગ્રી ભેળવી પકોડા તળો. હવે આ પકોડાને પ્લેટમાં ગોઠવી ઉપર મૂળાની છીણ, બારીક સમારેલી ડુંગળી, બાફેલાં બટાકાં, ટામેટાં, લીલાં મરચાંથી સજાવો. શેકેલું જીરું ભભરાવીને ચટણી સાથે પીરસો.
ચોળાનાં ભજિયાં
સામગ્રી : એક વાટકો ચોળા, બે ડુંગળી, ૧ બાફેલું બટાકું, બે લીલા મરચાં, એક ચમચી અજમો, તળવા માટે તેલ, ૧/૨ ચમચી મરચું, ૧/૨ ચમચી મીઠું, થોડીક બારીક સમારેલી કોથમીર.
રીત : ચોળાને ૫-૬ કલાક પાણીમાં પલાળ્યા બાદ મીઠાવાળા પાણીમાં બાફી લો. પછી તેને મિક્સીમાં બારીક ક્રશ કરી નાખો. તેમાં બટાકું, ડુંગળી, લીલાં મરચાં બારીક સમારીને નાખો. મીઠું, મસાલો અને અજમો પણ ભેળવી દો. એક કડાઈમાં તેલ ગરમ કરી ધીમી આંચે તૈયાર મિશ્રણનાં ભજિયાં તળો. સોસ કે કોથમીરની ચટણી સાથે ખાઓ
- હિમાની


