Get The App

દાવત : વરસાદની ભીની-ઠંડી મોસમમાં માણો ચટાકેદાર વ્યંજનોનો રસાસ્વાદ

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
દાવત : વરસાદની ભીની-ઠંડી મોસમમાં માણો ચટાકેદાર વ્યંજનોનો રસાસ્વાદ 1 - image


ગોલ્ડન બાસ્કેટ

 સામગ્રી :  એક ભોલર મરચું, કાંદા અને બેબીકોર્ન ગોળ સ્લાઇસમાં કાપેલાં, બે વાટકી  મેંદો, એક ટેબલસ્પૂન કોર્નફ્લોર, એક ચપટી બેકીંગ પાવડર, કાળા મરીનો પાવડર અને નમક સ્વાદાનુસાર, તળવા માટે તેલ, સાલસા સોસ.

 રીત : મેંદો, કોર્નફ્લોર અને બેકીંગ પાવડર  મિક્સ કરી ઘટ્ટ ખીરું તૈયાર કરો. ભોલર મરચાં, કાંદા અને બેબીકોર્ન સ્લાઇસને તેમાં બોળી ગરમ તેલમાં તળી લો. સાલસા સોસ સાથે સર્વ કરો.

મશરૂમ ઇન કોર્ન ટોસ્ટ

સામગ્રી : આઠ બટન મશરૂમ, ૫૦ ગ્રામ ભોલર મરચાં, કોબી, મકાઇ, પાલક, બે ટેબલસ્પૂન કોર્ન ફ્લોર, ૫૦ ગ્રામ સફેદ તલ, પીસેલી મરી અને નમક સ્વાદાનુસાર, તળવા માટે તેલ.

રીત : બધા શાકને સમારીને બાફી લો. પાણી નીતારી કોર્નફ્લોર, મરી અને નમક નાખી મિક્સ કરો. મિશ્રણને મશરૂમમાં સ્ટફ કરો. સફેદ તલમાં રગદોળી ગરમ તેલમાં તળી લો.

ચીઝી ડિલાઇટ

સામગ્રી : ૨૦૦ ગ્રામ કોટેજ ચીઝ, તુલસીના તાજાં પાન, ટોબેસ્કો સોસ, કાળા મરીનો પાવડર અને નમક સ્વાદાનુસાર, સેવ, ચિલી સોસ, લસણની પેસ્ટ, તળવા માટે તેલ, સજાવટ માટે કાળા જૈતૂનની સ્લાઇસ, મેક્સિકન સાલસા સોસ.

રીત : કોટેજ ચીઝને લાંબા ટુકડામાં કાપો. ત્યાર બાદ લસણની પેસ્ટમાં ચીલ સોસ મેક્સિકન સાલસા સોસ, નમક અને કાળા મરી નાખી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણમાં ચીઝ બોળ્યા પછી તેને સેવમાં રગદોળો. ગરમ તેલમાં તળી લો.

બેકડ પોટેટો

 સામગ્રી : આઠ બેબી પોટેટે (નાના બટેટાં), ૧૦૦ ગ્રામ ચીઝ, બે બટેટાં બાફીને મસળેલા, ૫ થી ૬ કાળા જૈતુન, એક ભોલર મરચું, થોડું ઓરીગીનો હર્બ, કાળા મરીનો પાવડર અને નમક સ્વાદાનુસાર.

 રીત : બેબી પોટેટોને વચ્ચેથી ખોતરી નાખો. ત્યારબાદ ચીઝ, મસળેલા બટેટાં, ઝીણા સમારેલા કાળા જૈતુન, ભોલર મરચું, ઓરીગોનો હર્બ, કાળા મરી અને નમકનું મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને ખોતરેલા બેબી પોટેટોમાં ભરી લો. ત્યાર પછી આઠ થી દસ મિનિટ સુધી બેક કરો.

પનીર પકોડા

 સામગ્રી :  ૧૦૦ ગ્રામ પનીર, ૫૦ ગ્રામ બેસન, અડધું ટીસ્યૂન હળદર પાવડર, કાળા મરીનો પાવડર અને નમક સ્વાદાનુસાર, તળવા મટે તેલ.

 રીત : પનીરને લાંબા ટુકડામાં કાપી લો. બેસનમાં નમક, કાળા મરીનો પાવડર અને હળદર નાખી ખીરું બનાવો. કડાઇમાં તેલ ગરમ કરી પનીરને ખીરામાં બોળી તળી લો.

ગ્રિલ્ડ કોટેજ ચીઝ વિથ સાલસા રોઝા

સામગ્રી : ૧૫૦ ગ્રામ કોટેજ ચીઝ ચોરસ ટુકડામાં કાપેલું, ૫૦ ગ્રામ સલાડના પાન કાપેલા, આઠ સ્લાઇસ બ્રેડ, ચાર જૈતુન સ્લાઇસમાં કાપેલા, પા ટી-સ્પૂન ઝીણા સમારેલા અજમાના પાન, બે ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ, કાંદાની સ્લાઇસ, લાલ મરચાંનો પાવડર કાળા મરીનો પાવડર અને નમક સ્વાદાનુસાર.

સાલસા રોઝા માટે સામગ્રી : ત્રણ કળી ઝીણું સમારેલું લસણ, અડધો કાંદો મોટા ટુકડામાં સમારેલો, એક આખુ લાલ મરચું મોટા ટુકડામાં સમારેલું, અડધો કપ ઝીણા સમારેલાં ટામેટા, એક ટેબલસ્પૂન ટોમેટો પ્યુરી, ૧૦૦ મિ.લી. વેજિટેબલ સ્ટોક, ચાર પાન તુલસી, એક ચપટી સાકર, બે ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ, કાળા મરીનો પાવડર અને નમક સ્વાદાનુસાર.

સાલસા રોઝા બનાવવાની રીત : એક કડાઇમાં જૈતુનનું તેલ ગરમ કરો. લસણ અને કાંદો નાખી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો, આખા લાલ મરચાને નાખીને ફરીથી સાંતળો. 

ઝીણા સમારેલા ટામેટાં, ટોમેટો પ્યુરી, વેજિટેબલ સ્ટોક, મસાલા અને અન્ય સામગ્રી નાખી ધીમા તાપે ઢાંકીને પાંચ મિનિટ રાંધો. જરૂર લાગે તો વધુ વેજિટેબલ સ્ટોક નાખો. ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો. સાલસા રોઝા સોસ તૈયાર.

ગ્રિલ્ડ કોટેજ ચીઝ : કોટેજ ચીઝને ઓલિવ ઓઇલ, નમક, કાળા મરી અને અજમાના પાનના મિશ્રણમાં રગદોળીને બંને તરફથી ગ્રિલ કરી લો. ત્યાર બાદ બ્રેડ સ્લાઇસ પર સલાડના પાન ગોઠવો. તેની ઉપર થોડું સાલસા રોઝા લગાવો. તેની ઉપર કોટેજ ચીઝની સ્લાઇસ ઢાંકો. સોસ સાથે સર્વ કરો. 

બેબીકોર્ન પેસ્ટાચિનો

સામગ્રી : છ બેબીકોર્ન બાફેલાં, નમક સ્વાદાનુસાર, સફેદ મરી પાવડર, તુલસીના તાજાં પાન ઝીણા સમારેલા, ઓરીગેનો હર્બ્સ ઝીણા સમારેલા, કાળી મરીનો પાવડર, તળવા માટે તેલ, ગ્રીન પેસ્ટો સોસ.

રીત : બેબીકોર્ન અને સોસ સિવાયની સામગ્રી મિક્સ કરો. તેમાં બેબીકોર્ન રગદોળીને ગરમ તેલમાં તળી લો. ગ્રીન પેસ્ટો સોસ સાથે સર્વ કરો. 

- હિમાની

Tags :