Get The App

દાવત : કોન્ટિનેન્ટલ ડીશની મજા માણો

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
દાવત : કોન્ટિનેન્ટલ ડીશની મજા માણો 1 - image

મિનેસ્ટ્રોન સૂપ

સામગ્રી :- ૨ ચમચા તેલ (ઓલિવ અથવા કોઈ પણ રિફાઈન્ડ તેલ) ૧ કપ ટામેટાં છોલીને ઝીણાં. સમારેલાં. ૧/૨ કપ રાજમા. (આખી રાત પલાળેલા), ૨ ચમચા તુલસીનાં પાન ઝીણાં સમારેલા, ૧ ચમચો કોથમીર સમારેલી, ૮ કપ પાણી, ૧ ગાજર સમારેલું, ૨ બટાકાં છાલ ઉતારીને સમારેલાં, ૨ કપ ઝીણી સમારેલી કોબીજ, ૩/૪ કપ વટાણા દોઢ ચમચી મીઠું, ૧/૨ ચમચી મરી પાઉડર, ૧/૨ કપ ચીઝ છીણેલું, ૧/૨ કપ સ્પેગેટી અથવા મેકરોની.

 રીત :- એક વાસણમાં તેલ ગરમ કરી ટામેટાં, રાજમા, તુલસી, કોથમીર નાખો. તેમાં પાણી નાખી ધીમા તાપે જ્યાં સુધી રાજમા પોચા ન પડે ત્યાં સુધી ચડવા દો. પછી ગાજર, બટાકાં, કોબીજ, વટાણા, મેકરોની, મીઠું તથા મરી પાઉડર નાખીને બધાં શાકભાજી ચડી જાય ત્યાં સુધી આંચ પર રહેવા દો. નીચે ઉતાર્યા પછી ૫ મિનિટ રહીને ચીઝ નાખીને ગરમ ગરમ પીરસો.

પોલેન્ટા

સામગ્રી :- ૨૧/૪ કપ મકાઈનો લોટ, ૧ ચમચી મીઠું, ૩ ચમચા બટર, ૨ ચમચા તેલ અને ૧ લિટર પાણી.

રીત :- પાણીમાં મીઠું નાખીને ગરમ કરી તે પાણીમાં મકાઈનો લોટ નાખો.  વેલણથી સતત હલાવતા રહો. પછી ધીમા તાપે લોટ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી ચડવા દો. વધુ ૫ મિનિટ ગેસ પર રાખી વચ્ચે વચ્ચે હલાવતા રહો. લાકડાની કડછી બરાબર ઊભી રહે તો સમજવું કે ખીરું બની ગયું છે. પછી તેને તેલ લગાવેલી ડિશમાં પાથરી ૩-૪ કલાક ઠંડુ થવા દો. પછી પોલેન્ટાને ઉલટાવીને કોઈ પણ આકારમાં કાપી લો. બટર અને તેલને મિક્સ કરી ફ્રાઈંગ પેનમાં ગરમ કરો. પોલેન્ટાના ટુકડાને ધીમે તાપે બન્ને તરફ સોનેરી થાય ત્યાં સુધી શેકો. પછી ગરમાગરમ પીરસો.

વેજિટેબલ પાસ્તા

સામગ્રી :- ૨૫૦ ગ્રામ બ્રોકલી વરાળથી બાફીને ઠંડી કરેલી, ૨૫૦ ગ્રામ પાસ્તા, ૧ ચમચી તેલ, ૨ કાકડી, ૩ ટામેટાં, ૧ ડુંગળી અને ઇટાલિયન ડ્રેસિંગ.

રીત :- એક તપેલીમાં પાણી ઉકાળો. ઉકળતા પાણીમાં એક ચમચી તેલ અને પાસ્તા નાખી દો. પાસ્તા ગળી જાય એટલે તેને ચાળણીમાં કાઢીને તરત તેના પર ઠંડું પાણી રેડી દો. કાકડી, ડુંગળી, ટામેટાંને સમારી બધી સામગ્રી મિક્સ કરી પીરસો.

ફેટૂચીની સેલડ

સામગ્રી :- ૨૫૦ ગ્રામ ફેટૂચીની નૂડલ્સ, ૨ કેપ્સિકમ, ૧૨૫ ગ્રામ પનીરના ટુકડા, ૭-૮ અખરોટ.

ડ્રેસિંગ માટે સામગ્રી :- ૪ ચમચી ઓલિવ અથવા રિફાઈન્ડ તેલ, ૧ ચમચો લીંબુનો રસ, ૧ ચમચી રાઈનો પાઉડર, ૧ ચમચી મીઠું, ૧/૪ ચમચી મરી પાઉડર.

રીત :- નૂડલ્સને થોડું થોડું મીઠું નાખેલા પાણીમાં તે પોચા પડે ત્યાં સુધી બાફો. તે તૂટી ન જાય તેનંુ ધ્યાન રાખવું તે પછી તેને ચાળણીમાં કાઢીને એક તરફ મૂકો. કેપ્સિકમ મરચાંને બે ભાગમાં કાપી વધુ તાપે શેકો જેથી તેની ઉપરની છાલ બળીને સંકોચાઈ જાય. ઠંડુ પડે એટલે તેની છાલ ઉતારી એકસરખી રીતે લાંબી સ્ક્રિપ્સ કાપી લો. બધી સામગ્રી મિક્સ કરી એક પ્લેટમાં કાઢી ઠંડુ કરી પીરસો.

રિસોટો 

સામગ્રી :- ૩/૪ કપ ચોખા, ૩/૪ કપ સફેદ સોસ, ૧૧/૨ ચમચી માખણ, ૩/૪ ચમચી મેંદો, ૩/૪ કપ દૂધ, ૨ ચમચા તેલ, ૧/૨ કપ સમારેલી ડુંગળી, ૪ કળી લસણ, ૧/૨ કપ ટોમેટો પ્યૂરી, ૧/૨ કપ પાણી, મીઠંુ તથા મરી પાઉડર સ્વાદ મુજબ, ૧/૨ કપ પ્રોસેસ્ડ ચીઝ છીણેલું.

રીત :- ચોખામાં તેનાં કરતાં ડબલ પાણી અને મીઠું નાખી ચોખા રાંધી લો. તેમાં સફેદ સોસ મિક્સ કરો. હવે તેલ ગરમ કરી સમારેલી  ડુંગળી સાંતળી લો. તેમાં લસણ, ટોમેટો, પ્યૂરી, મીઠું, મરી પાઉડર અને ચીઝ નાખી પાણી નાખો અને ૫ મિનિટ સુધી ચડવા દો. ચોખા બેકિંગ ડિશમાં પાથરીને તેની ઉપર સોસ પાથરો અને ૨૦૦ ડિગ્રી. સેન્ટિગ્રેડ ઉષ્ણતામાન પર બેક કરો.

લેમન ડોનટ

સામગ્રી :- ૫ કપ મેંદો, ૧ કપ દળેલી ખાંડ, ચપટી મીઠું, ૭૫ ગ્રામ માખણ, ૧૧/૨ ચમચી સૂકું યીસ્ટ. (૧ ચમચો નવશેકા પાણીમાં ઓગાળી નાખો). ૧ લીંબુની છાલ અંદરનો સફેદ ભાગ કાઢેલી તથા તળવા માટે તેલ.

 રીત :- મેંદાને ચાળીને તેમાં અડધી ખાંડ અને મીઠું નાખો. પછી તેમાં યીસ્ટનું પાણી, લીંબુની છાલ તથા માખણ મિક્સ કરી નવશેકા પાણીથી લોટ બાંધી લો. તેને ભીનું કપડું ઢાંકીને તે ફૂલીને ડબલ ન થઈ જાય ત્યાં સુધી ગરમ જગ્યાએ મૂકી દો. હવે લોટનો દોરડા જેવો રોલ કરી ૧૫-૨૦ ભાગ પાડી દો. પછી દરેક ભાગને ગોળ આકાર આપી ગ્રીઝ બેકિંગ શીટ પર તે ફૂલે ત્યાં સુધી રાખો. પછી ગરમ તેલમાં સોનેરી તળી લો. અને તેને બાકી વધેલી ખાંડમાં રગદોળીને પીરસો.

મેકરોની હોટપોટ

 સામગ્રી :- ૩ કપ બાફેલી મેકરોની, ૧ ટિન બેકડ બીન્સ, ૧ કપ ડુંગળી ગોળ સમારેલી, ૧ કપ કેપ્સિકમ ગોળ સમારેલાં, ૩ ટામેટાં સમારેલાં, ૪-૫ કળી લસણ વાટેલું, ૨ ચમચા માખણ, ૨ ચમચા પ્રોસેસ્ડ ચીઝ, મીઠંુ તથા મરી પાઉડર સ્વાદ મુજબ અને ૧ ચમચી ઓરેગ્નો.

 રીત :- એક પેનમાં માખણ ઓગાળીને ડુંગળી સાંતળી લો. નરમ થાય ત્યાં સુધી ચડવા દો. તે પછી લસણ અને કેપ્સિકમ નાખીને ૨ મિનિટ સુધી ચડવા દો. તેમાં ટામેટાં નાખી ૨ મિનિટ સુધી હલાવો. એ બાબતનંુ ધ્યાન રહે કે વધારે ચડી જવાથી ટામેટાંમાંથી પાણી ન છૂટે. હવે તેમાં બાફેલી મેકરોની બેકડબીન્સ, ઓરેગ્નો, મીઠું અને મરી પાઉડર નાખીને સરખી રીતે મિક્સ કરી બેકિંગ ડિશમાં  પાથરી ઓવનમાં ૨૫૦ ડિગ્રી. સેન્ટિગ્રેડ પર ૨૦ મિનિટ બેક કરો.  

- હિમાની