દાવત : કેરીની જયાફત માણો
મેંગો ક્રિમી કપ્સ
સામગ્રી : ૨-૩ કેરી, ૧/૨ કપ ક્રીમ, ૧૦-૧૨ દ્રાક્ષ, ૧/૪ કપ દાડમના દાણા, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી કાળાં મરી, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી ચાટ મસાલો, ૧/૨ ચમચી કાળો ચાટમસાલો.
રીત : કેરીને છોલો. ૨-૨ મોટી અને પહોળી ચીરીઓ સમારો અને તેની અંદરથી થોડો માવો કાઢીને વચ્ચેથી પોલી કરો. ક્રીમને ઠંડું કરીને મિક્સરમાં નાખીને પફ કરો. પફ ક્રીમમાં મીઠું, મસાલો નાખીને મિક્સ કરો અને પોલી કેરીઓમાં ભરો. દ્રાક્ષ, દાડમ ભરીને ખૂબ ઠંડી કરીને પીરસો.
મેંગો મસ્તી
સામગ્રી : ૨ મધ્યમ આકારની કેરી, ૧/૨ કપ દૂધ, ૧/૨ કપ ખાંડ, ૧/૨ લીંબુનો રસ, ૧ કપ ઘટ્ટ ક્રિમ, ૧ કપ નાના સમારેલા કેરીના ટુકડા, ૨ ટીપાં મેંગો એસેન્સ, સૂકા જરદાળુ.
રીત : કેરીને છોલીને સમારીને મિક્સરમાં નાખો. ૧/૪ કપ ખાંડ અને દૂધ નાખી મિક્સરમાં ફેરવો. ૧/૪ ભાગ અલગ કરો. ક્રિમમાં લીંબુનો રસ અને બાકીની ખાંડ નાખી પફ કરો. સર્વિંગ ડિશમાં મેંગો મિલ્ક નાખો. વચ્ચે સમારેલા ટુકડા નાખો અને ઉપરથી મેંગો એસેન્સ છાંટો. પફ ક્રિમમાં ૧/૪ ભાગ કેરી, દૂધ નાખી ઉપરથી નાખીને સેટ કરો. સજાવીને ઠંડું થવા માટે રાખો. ઠંડી ઠંડી મેંગો મસ્તીનો મસ્ત આનંદ લો.
કેરીની કેક
સામગ્રી : ૧,૧/૨ કપ મેંદો, ૧ કપ માખણ, ૧ કપ ખાંડ, ૩ ઈંડા, ૧ કપ કેરીનો માવો, ૧ ચમચી બેકિંગ પાઉડર, ૧ ચમચી મેંગો એસેન્સ, ચપટી મીઠું, ક્રીમ, ચેરી, ૧ લીંબુનો રસ.
રીત : મેંદો, બેકિંગ પાઉડર અને મીઠું મિક્સ કરીને ચાળી લો. માખણમાં ખાંડ નાખીને ફીણો અને ઈંડાં તોડીને ફીણીને મિક્સ કરો. મેંદાનું મિશ્રણ નાખતાં જાઓ અને ફોલ્ડ કરતાં જાઓ. કેરીમાં એસેન્સ મિક્સ કરી ધીરે ધીરે એકરસ કરી અને મોલ્ડમાં ભરીને ૧૫૦ અંશ સેન્ટિગ્રેડ પર ગરમ ઓવનમાં મૂકીને બેક કરો અને ઠંડું કરી ક્રીમ, કેરી અને ચેરીથી સજાવો.
મેંગો શેક વિથ આઈસક્રિમ
સામગ્રી : ૧ કેરી, ૧/૨ કપ દૂધ, ૧/૨ કપ દહીં, ૧/૨ લીંબુનો રસ, વેનિલા આઈસક્રિમ, સજાવવા માટે બદામ અથવા ચેરી, ૧/૨ ચમચો ખાંડ, બરફ (ભૂકો).
રીત : આમળાંને છીણી લો પછી પાણી નાખી બ્લેન્ડરમાં ચલાવો. ગાળીને તરત પી લો. કેરીને છોલીને રાખો. ૧ કપ નાના નાના ટુકડામાં કેરી સમારો અને બાકીની કેરીને મિક્સરમાં ખાંડ, દૂધ, દહીં, લીંબુનો રસ અને બરફના ભૂકા સાથે મિક્સર ચલાવો. ગ્લાસમાં પહેલાં થોડા થોડા કેરીના ટુકડા મૂકો અને પછી શેક ભરો, ફરી કેરીના ટુકડા મૂકી ફરી શેક ભરો, ઉપરથી વેનિલા આઈસક્રિમ ભરો. ચેરી અથવા બદામથી સજાવીને તરત જ પીરસો.
મેંગો મીઆ
સામગ્રી : ૧ મોટી કેરી, ૨ કેપ્સિકમ, ૧ ડુંગળી, ૧૦-૧૨ ચેરી, ૧ ચમચી વિનેગર, ૧/૨ ચમચો ટોમેટો સોસ, ૧ ચમચી ચિલી સોસ, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી કાળાં મરી પીસેલાં, ૧ ચમચી કોર્નફ્લોર, ૧,૧/૨ ચમચી તેલ.
રીત : કેરી અને ડુંગળીને છોલો. ત્રણેયને મોટા ટુકડામાં સમારો. ડુંગળીનું પડ અલગ કરો. ૧/૨ કપ પાણીમાં કોર્નફ્લોર પલાળો. તેલ ગરમ કરો. ડુંગળી વગેરેના ટુકડા નાખીને હલાવો. ૧ કપ પાણી અને બધી સામગ્રી નાખીને ૧-૨ ઊભરા આવવા દો. ધીમી આંચ પર ધીરેધીરે કોર્નફ્લોર નાખીને ઘટ્ટ કરો. ભાત સાથે પીરસો.
હિંગલા
સામગ્રી : ૧,૧/૨ કિલો કાચી કેરી, લગભગ ૨૦૦ ગ્રામ મીઠું, ૧૦ ગ્રામ હિંગ, ૧૨૫ ગ્રામ લાલ મરચું, ૧૦-૧૨ મરચાં.
રીત : કેરીને છોલીને લાંબા ટુકડામાં સમારી લો. સૂકાં મરચાંને પણ ૨-૨ ભાગમાં તોડીને ટુકડા કરી લો. બંનેમાં મીઠું, હિંગ, લાલ મરચું નાખીને સારી રીતે મિક્સ કરો અને સ્વચ્છ, સુકાયેલા વાસણમાં ભરીને ૫-૬ દિવસો સુધી તડકામાં મૂકો.
કેરીની પેન કેક
સામગ્રી :૧ કેરી, ૧/૨ કપ મેંદો, ૧/૨ કપ લોટ, ૧ ચમચી તેલ, ૨ લીલી એલચી, ૧/૪ ચમચો દળેલી ખાંડ, ૧/૨ કપ ઘટ્ટ મલાઈ, સૂકો મેવો મનપસંદ, ૧/૪ કપ સ્ટ્રોબેરી જેમ, તળવા માટે તેલ.
રીત : કેરીને છોલીને ૧ મોટી ચીરીના નાના નાના ટુકડા કરી સમારી લો અને બાકીનાંને સમારીને મિક્સરમાં નાખો. લોટ, મેંદો, લીલી એલચી અને તેલ નાખીને મિક્સરમાં મિક્સ કરો. જો ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરી ઘોલ તૈયાર કરો. ફ્રાઇંગ પેનને ચીકાશવાળું કરો અને ૨-૨ ચમચા ઘોલ પાથરી બંને બાજુથી ફેરવીને પેનકેક બનાવો. ગરમ ગરમ પેન કે પર દળેલી ખાંડ છાંટો અને રકાબીમાં કાઢો. બધાં તૈયાર પેનકેક્સ પર મલાઈ, જેમ મૂકો અને મેવાના ટુકડા પાથરીને પીરસો.
- હિમાની